‘બસ! ભગવાન જે સુઝાડે એ કરીએ છીએ.' : પ્રમુખસ્વામી મહારાજ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ એટલે સાધુતાનું ગૌરીશિખર, કરુણા અને પરહિતની અવિરત વહેતી ગંગા, સમત્ત્વથી સૌ પર વરસતી સ્નેહની અનરાધાર વર્ષો અને ભારતીય સંસ્કૃતિના અજોડ જ્યોતિર્ધર !
આજ સુધી જીવનવૃત્તાંત ઘણાં લખાયાં હશે અને આગળ પણ લખાશે. પરંતુ પ્રગટભ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજનું જીવન વૃત્તાંત જે રીતે આલેખાયું છે તે અદ્વિતીય છે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની રોજનીશી લખનાર સંતોએ લખેલા હજારો પૃષ્ઠો, હજારો હરિભક્તો અને સંતો દ્વારા લખાયેલ સ્વાનુભાવોનાં હજારો પૃષ્ઠો, સ્વામિનારાયણ પ્રકાશનોનાં સામાયિક વર્ણનો તેમજ અનેક દૃશ્ય - શ્રાવ્ય માધ્યમોમાં થી મળતી સામગ્રીનું સંકલન કરીને ગ્રંથ તૈયાર કરવાનું ભગીરથ કાર્ય પૂજ્ય આદર્શજીવન સ્વામીએ કર્યું છે.
જીવન વૃત્તાંતનો એક એક ભાગ અંદાજે ૬૦૦ - ૭૦૦ પાનાં પર વિસ્તાર પામે છે. આવા ૧૩ જેટલા દળદાર ગ્રંથોમાં પૂજ્ય સ્વામીજીના ૯૫ વર્ષનાં સુધીર્ધ દિવ્ય જીવનના પ્રસંગો આલેખાયા છે. અને આ તમામ પ્રસંગો લોકમુખે કહેવાયેલા કે કોઈ દંતકથા નહીં પણ તમામ પ્રસંગોની શત પ્રતિશત સત્યતા ચકાસી આલેખાયા છે. પુસ્તકના પાનાં પર આપેલ યુટ્યુબ લિંક - સ્કેનર થકી આલેખાયેલ મોટાભાગના પ્રસંગો જીવંત નિહાળી પણ શકાય છે.
વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ પૂજ્ય સ્વામીજી સાથે અંગત ઘરોબો રહ્યો. વર્ષ ૧૯૮૫ માં અમદાવાદના આંગણે પૂજ્ય ગુણાતીતાનંદ સ્વામીજીના દ્વિશતાબ્દી મહોત્સવની અત્યંત ભવ્ય ઉજવણી થઈ હતી ત્યારે આદરણીય દેવેન્દ્રભાઈ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના મીડિયા સલાહકાર તરીકે સેવાઓ આપી હતી. વર્ષ ૧૯૮૪ થી દેવેન્દ્રભાઈ સાહેબનો પૂજ્ય સ્વામી સાથેનો દિવ્ય નાતો બરકરાર રહ્યો.
ગાંધીનગર અક્ષરધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝૈલસિંહ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એ સમયે પણ પૂજ્ય પ્રમૂખસ્વામીએ સંચાલનની વિશેષ જવાબદારી દેવેન્દ્રભાઈને ખભે મૂકી હતી.
પૂજ્ય સ્વામીજીએ દેવેન્દ્રભાઈ સાહેબને આશીર્વાદ રૂપે નીલકંઠ ભગવાનની મૂર્તિ ભેટ આપી હતી જે આજે પણ પૂજ્ય સ્વામીની દિવ્યસ્મૃતિ રૂપે દેવેન્દ્રભાઈ પાસે સાચયેલી છે.
પૂજ્ય સ્વામીજીના જીવનવૃત્તાંતના આઠમા ભાગમાં દેવેન્દ્રભાઈ સાહેબ સાથેની મુલાકાતનો સુંદર પ્રસંગ આલેખાયેલ છે.
આદરણીય દેવેન્દ્રભાઈ, ભગવતીબહેન અને સલિલભાઈ વર્ષ ૧૯૯૫ માં ઇંગ્લેન્ડના નિસ્ટન ખાતે નિર્માણ પામેલા BAPS સ્વામિનારાયણ મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા ગયા હતા. એ દરમિયાન લંડન ખાતે પૂજ્ય સ્વામીજી સાથે આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબની થયેલ મુલાકાત અને તેમની વચ્ચે થયેલ દિવ્ય ગોષ્ઠીનો પ્રસંગ આલેખતાં પૂજ્ય આદર્શજીવન સ્વામી લખે છે : "મંદિરે પરત ફરેલા સ્વામીશ્રીને મળવા ગુજરાત સમાચાર દૈનિકના સંવાદદાતા શ્રી દેવેન્દ્ર પટેલ પ્રતીક્ષામાં બેઠેલા.
તેઓએ સ્વામીશ્રી સમક્ષ અહોભાવ પ્રગટ કર્યો કે ‘અહીં મંદિર જોયું. દેલવાડાનાં દેરાંનેય લોકો ભૂલી જશે. હજારો વર્ષ સુધી લોકો આપને યાદ કરશે. આ મંદિરથી હિંદુ વાદ અને હિંદુ આર્ટ – બંને જીવી ગયાં. આ મંદિર તૈયાર થયા પછી આપને શું લાગણી થાય છે?’
‘આપણે ધાર્યું ન'તું એવું થયું છે.'
‘હવે પછી આપનો બીજો સંકલ્પ શું છે?’
‘બસ! ભગવાન જે સુઝાડે એ કરીએ છીએ.' સ્વામીશ્રીએ જણાવ્યું.
‘મરજી વિના પગલું ન ભરે…'ની તેઓની આ શૈલી પેલા પત્રકારને સ્પર્શી જતાં તેઓ બોલી ઊઠ્યા : “સન ૧૯૮૫માં ગુણાતીત દ્વિશતાબ્દી થઈ ત્યારે મને એમ હતું કે ‘સંસ્થાનું હાઇ પોઈન્ટવાળું (ટોચનું) કામ થઈ ગયું. હવે આવું કામ નહીં થાય.' ત્યાં 'અક્ષરધામ' થયું અને અહીંનું જોયા પછી હું કોઈ લિમિટ (સીમા) બાંધવા માંગતો નથી.” આટલું કહેતાં એ ખબરપત્રી સ્વામીશ્રીના અમર્યાદિત ઐશ્વર્યના પ્રદેશમાં ખોવાઈ ગયા."
એક તેજતર્રાર પત્રકાર તરીકે માત્ર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજનેતાઓ સાથે જ નહીં પરંતુ આધ્યાત્મિક જગતના ગૌરીશિખર સમાન સંતો મહંતો સાથે પણ કેટલા સ્નેહસભર સંબધો રહ્યા છે તેનું આ એક દૃષ્ટાંત છે.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620



જય સ્વામિનારાયણ 🙏
ReplyDeleteજય સ્વામિનારાયણ
ReplyDelete