Sunday, December 3, 2023

સન્ડે સ્પેશિયલ

 

અનેક દિવ્યાંગ બાળકોના પાલક માતાપિતાની ભૂમિકા અદા કરતું, માનવતાના મહાયજ્ઞમાં સમર્પિત  દંપતિ જ્યંતિભાઈ અને લીલાવતીબહેન પટેલ. 


               આજે 3 જી ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિવસ.  એક એવા શિક્ષક દંપતીની વાત કરવી  છે કે જેઓએ દિવ્યાંગ બાળકોની સેવા માટે આખું આયખું ઘસી નાખ્યું છે. જિંદગીના ત્રણ ત્રણ દાયકા મૂકબધીર વિદ્યાર્થીઓના શિક્ષક તરીકે દિલ રેડીને સેવાઓ આપી અને જ્યારે સેવા નિવૃત થયાં તો જિંદગીની સઘળી કમાણી અનાથ, ગરીબ દિવ્યાંગ બાળકો માટેની શાળાની સ્થાપના પાછળ ખર્ચી નાખી એટલું જ નહીં સરકાર તરફથી પોતાને મળતું પેંશન પણ આ સંસ્થાને ધબકતી રાખવા ખર્ચી રહ્યાં છે. આ સંસ્થા એટલે માનવતાના મહાયજ્ઞ સમી મમતા દિવ્યાંગ શિશુ વિદ્યામંદિર. અને આ ઋષિ દંપતી એટલે જયંતીભાઈ પટેલ અને લીલાવતીબહેન પટેલ. 
        આ ઋષિ દંપતીની તપોભૂમિ સમી સંસ્થા મમતા દિવ્યાંગ શિશુ વિદ્યામંદિર આજે સાબરકાંઠાનું એક તીર્થ સ્થાન બન્યું છે. અનાથ, ગરીબ, જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકો સહજ સ્વીકૃતિ સાથે અહીં સન્માન પૂર્વક અભ્યાસ કરી રહ્યાં છે. અહીં અભ્યાસ કરતા દિવ્યાંગ નિર્દોષ વિદ્યાર્થીઓને નિહાળો તો દિલમાં સંવેદનાની સરવાણી આપોઆપ પ્રગટે છે. નિર્દોષ દિવ્યાંગ બાળકોની આંખોમાંથી નીતરતી નિખાલસતા હૃદયને ભીંજવી દે છે. આવાં દિવ્યાંગ બાળકોને શિક્ષિત અને દિક્ષિત કરવાનું કામ પડકાર રૂપ છે. આ બાળકો સાથે કામ લેવામા અપાર ધીરજ અને માતૃ હ્રદય જોઈએ. જયંતીભાઈ અને લીલાવતીબહેનના માર્ગદર્શન હેઠળ ફરજ બજાવતા અહીંના ફરજનિષ્ઠ શિક્ષકોથી માંડી તમામ કર્મનિષ્ઠ કર્મચારીએ બાળકો સાથે પોતાની જાતને ઓગળી દીધી છે. ગુજરાત, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશ એમ સમસ્ત ભારતમાંથી દિવ્યાંગ બાળકો કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અહીં આશ્રય પામ્યાં છે. 
          દિવ્યાંગ બાળકો માટે ઉત્કૃષ્ઠ કામ કરતી આ સંસ્થાની પાયાની ઈંટ મંડનાર જ્યંતિભાઈ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના માદેવપુરા ગામના વતની. અત્યંત ગરીબાઈમાં તેઓનું બાળપણ વિત્યું. પિતા મગનભાઈ અને માતા કંકુબહેન ખેતી કરી પેટિયું રળતાં. ચાર દીકરા અને ત્રણ બહેનોનો ભર્યો ભાદર્યો પરિવાર. ટૂંકી આવકમાં નિર્વાહ કરવો પણ દુષ્કળ. એમ છતાં પેટે પાટા બાંધીને જયંતીભાઈને ભણાવ્યા. કોલેજ કાળના એ કપરા દિવસો યાદ કરીને જ્યંતિભાઈની આંખો આજે પણ ભીની થઈ જાય છે. જ્યારે તેઓ પાસે ફૂડ બિલની ફી ભરવાના પૈસા ન હતા ત્યારે ચાર ચાર દિવસ ભૂખ્યા રહી દિવસો પસાર કરવા પડેલા. મિત્રો અને સ્નેહીજનોની મદદથી અભ્યાસ પૂર્ણ કર્યો. અને એ જ સમયે મનમાં ગાંઠ વળી કે જીવન ગરીબ અને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓની સેવામાં ખર્ચી નાખવું. ભણવામાં તેજસ્વી જ્યંતિભાઈએ અન્ય ડિગ્રીઓ મેળવી આરામ દાયક જિંદગી પસાર કરવાને બદલે બી.એસ.સી. નો અભ્યાસ પૂર્ણ કરી દિવ્યાંગ બાળકોના શિક્ષક બનવા માટેનો ડિપ્લોમા કોર્સ કરવા અમદાવાદ ગયા ત્યારે પહેલીવાર અમદાવાદ નિહાળ્યું. 
          અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હિંમતનગરની બહેરામુંગા શાળામાં શિક્ષક તરીકે જોડાયા. અને બાદમાં પ્રિન્સીપાલ તરીકે યશસ્વી સેવા બજાવી. 2012 માં સરકારી ચોપડેથી સેવા નિવૃત્ત થયા. દિવ્યાંગ બાળકોની વચ્ચે રહી છેલ્લા સાડા ત્રણ દાયકા સુધી મૂકબધીર બાળકોનું દિલ રેડીને શિક્ષણ કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન વેદના, સંવેદના, પીડા, ઝીલી રહેલા વિક્લાંગ બાળકોની પરિસ્થિતિ જોતાં હૃદય વલોવાતું રહ્યું. આ સંવેદનશીલ ક્ષેત્રમાં દિવ્યાંગ બાળકે માટે ઘણું કાર્ય કરવાનું હજુ બાકી છે તેવું વ્યથિત હૃદયે વિચાર્યું. અને નિવૃત્તિ બાદ બમણા વેગે દિવ્યાંગ વિદ્યાર્થીઓની સેવામાં પ્રવૃત્ત બન્યા.
       દિવ્યાંગોની વ્યકિતત્વ પ્રતિભાને વિકસિત કરવાની ખેવના સાથે હિંમતનગરમાં દિવ્યાંગ બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરતી સંસ્થાનું સર્જન કરી માનવતાના મહાયજ્ઞ પ્રારંભ કર્યો. હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં ભાડાના મકાનમાં ધોરણ 1 થી 5 નાં 15 બાળકો સાથે હ્યુમન રિસર્ચ ફાઉન્ડેશન હિમતનગર સંચાલિત "મમતા વિકલાંગ શિશુ વિદ્યામંદિર"નો પ્રારંભ થયો . જેમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ - 1 થી 8ની મંજુરી મેળવી શિશુ વિદ્યા મંદિર શરૂ થયું. 9 વર્ષની યાત્રામાં અનેક ચઢાવ - ઉતાર વચ્ચે હાલ આ સંસ્થામાં કુલ 55 દિવ્યાંગ બાળકોનો અભ્યાસ સાથે જીવન નિર્વાહ ચાલી રહ્યો છે. સામાન્ય શાળાઓમાં કરાવવામાં આવતી પ્રવૃત્તિઓ જેવી તમામ પ્રવૃત્તિઓથી શાળા ધમધમે છે. દિવ્યાંગ બાળકો ઓશિયાળું જીવન ન જીવતાં, સમાજમાં સન્માન પૂર્વક જીવી શકે તેવા પાઠ આ પાઠશાળામાં શીખવામાં આવે છે. સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિ માટે 29 જેટલાં વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલના હસ્તે સન્માન પામ્યાં છે.

          દિવ્યાંગ બાળકોને શિક્ષણ ઉપરાંત છાત્રાલયમાં રહેવા, જમવા, મેડિક્લ જેવી તમામ સુવિધાઓ વિનામૂલ્ય ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ પાસે એક પણ રૂપિયો ફી લેવામાં આવતી નથી. સરકારશ્રીની કોઈપણ પ્રકારના અનુદાન વિના સમાજના સહિયારા સહારથી સંસ્થા કાર્યરત છે. બાળકોને બે ટાઈમ જમવાનું, ચા નાસ્તો, કર્મચારીઓને પગાર , માનભાડું , ટેલીફોન બીલ, લાઈટબીલ તથા અન્ય તમામ ખર્ચ માટે અન્ય કોઈ કાયમી સ્રોત ઉપલબ્ધ નથી. આ ભગીરથ કાર્યમાં વિશેષત: ભોજન નિભાવ ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ છે. એમ છતાં સામેથી કોઈ દાન આપે તો સ્વીકારવું બાકી કોઈની પણ પાસે દાન માટે હાથ નહીં લંબાવવાનો દૃઢ સંકલ્પ છે. 
          જયંતિભાઇ પટેલે દિવ્યાંગ બાળકોની સેવા અર્થે આરંભેલા યજ્ઞને પ્રજવલિત રાખવા માટે સતત સંઘર્ષ કરતા રહ્યા હતા ત્યારે હિંમતનગરના બહેરામુંગા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં તેમના ધર્મપત્નિ લીલાવતીબેન પટેલે પણ પોતાની ચાલુ સેવા દરમિયાન મળતા માસિક પગારમાંથી વિસ હજાર પ્રતિ માસ સંસ્થા માટે અર્પણ કરતાં રહ્યા. સાથે નિવૃત્તિ બાદ આવેલી બાર લાખ જેટલી માતબર રકમ સંસ્થાને સમર્પિત કરી. દિવ્યાંગ બાળકો માટે જ્યંતિભાઈએ જોયેલાં સપનાને સપનાને સાકાર કરવા લાલીતાબહેને  પણ કોઈ કસર ન છોડી. આર્થિક સહાય ઉપરાંત માતૃ હૃદયે સંસ્થા પર મમતા વરસાવતાં રહ્યાં છે. 
            હ્યુમન રિસર્ચ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ જણાવે છે કે "વર્ષ 2013 માં સંસ્થાના વહીવટી નિર્વાહ માટે મોટી મુશ્કેલી સર્જાઇ તે દરમિયાન દિકરાના લગ્ન પ્રસંગે આવેલ દોઢ લાખ રૂપિયાની ચાંલ્લાની રકમ સંસ્થાને સમર્પિત કરી હતી. તદુપરાંત સંસ્થા ચલાવવા આર્થિક ભીડ વધતાં વતનની સોનાની લગડી જેવી જમીન વેચી. તેમાંથી આવેલા પાંચ લાખની માતબર ૨કમનો સંસ્થામાં અર્પણ કરી દીધી. શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો હતો પસંગે મળેલ પચીસ હજાર રૂપિયાનો પુરસ્કાર પણ સંસ્થાને જ અર્પણ કરી દીધો. "
         મમતા દિવ્યાંગ શિશુ વિદ્યામંદિરના નવસર્જનમાં, માનવતાના આ સેવાયજ્ઞમાં દંપતિએ પોતાના સમગ્ર પરિવારને પણ જોડી દીધો છે. મોટા દિકરા ધવલના પત્નિ ગાયત્રી પટેલ ઑડિયોલોજીસ્ટ તરીકે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. તેમજ નાના પુત્ર હર્ષનાં પત્નિ નિકી પટેલ સિવિલમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવી રહ્યાં છે, જે બંને પુત્રવધૂઓ પણ મમતા દિવ્યાંગ શિશુવિધામંદિરના દિવ્યાંગ બાળકોની સેવા માટે પોતાનું પદાર્પણ આપી રહી છે. જયંતિભાઈ પટેલ જિલ્લાની ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્ય તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. જયંતીભાઈએ 42 દિવ્યાંગ દીકરીઓને લગ્ન કરવી આપી ગૃહસ્થ જીવનનો પ્રારંભ કરાવ્યો છે. 
             શિક્ષક દંપતીની આ તપોભૂમિના દર્શન કરવાનો લ્હાવો લૂંટવા જેવો છે. દિવ્યાંગતાને કુદરતે બક્ષેલ ભેટ સમજી વિદ્યાર્થીઓ જીવન ઉત્સવ મનાવી રહ્યાં છે. જીવનની નાની નાની સમસ્યાઓના રોદણાં રોતા વ્યક્તિએ અહીં આવી અનેક મર્યાદાઓ વચ્ચે પણ આનંદથી જીવતા દિવ્યાંગ બાળકોના દર્શન કરવા જેવાં છે. શિક્ષક દંપતીના સેવા યજ્ઞને દિલથી સલામ!

જયંતીભાઈ પટેલ સંપર્ક નં. - 99799 21428


લેખન-  ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

1 comment:

  1. શિક્ષક દંપતિને વંદન..🙏🙏🙏

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts