Pride of Gujarat - 8
અમેરિકા રહી એશોઆરામ ભર્યું જીવન જીવવાના બદલે, ગરીબ અને જરૂરિયાતમંદોના ઉત્કર્ષ માટે ડૉ. લતાબેન દેસાઈએ સમસ્ત જીવન સમર્પિત કરી દીધું.
માણસ ધારે તો શું ન કરી શકે ? દૃઢ ઈચ્છાશક્તિ સહારે વ્યક્તિ વેરાન રણમાં પણ ઉપવન ખીલવી શકે છે. અમેરિકાની એશોઆરામની લાઈફ સ્ટાઇલ ત્યજી અંતરિયાળ આદિવાસી વિસ્તારના ઉત્કર્ષ માટે ડૉ. લતાબેન દેસાઈએ સમસ્ત જીવન સમર્પિત કરી દીધું છે. અંતરિયાળ વિસ્તારમાં સેવા યજ્ઞની ધૂણી ધખાવીને બેઠેલી સેવા રૂરલ સંસ્થા અને સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી પદ્મશ્રી લીલાબેન દેસાઈનો આછેરો પરિચય મેળવીએ!
8 ઓગષ્ટ 1941 ના રોજ સ્વતંત્રતા સેનાની પરિવારમાં લતાબેનનો જન્મ થયો. તેઓ માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે પિતા ગુમાવ્યા. જીવન પથ પર અનેક પડકારો અને મુશ્કેલીઓ ડગલે ને પગલે સામે મળી. પણ રસ્તા વચ્ચે પડેલા પડકારોના પથ્થરો ની સીડી બનાવી આગળ વધતાં ગયાં. ડો. લતા દેસાઈએ 1965માં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી સ્નાતક થયા. અહીં તેઓ તેમના ભાવિ પતિ ડો. અનિલ દેસાઈને મેડિકલ કોલેજમાં મળ્યા હતા.
1965ના યુદ્ધ પછી તરત જ ભારતીય સૈન્યના કોલથી તેઓ અને પતિ ડો. અનિલની દેશની સેવા કરવાની ઈચ્છા જાગી અને બંને સેનામાં જોડાયા હતા. જ્યાં તેઓએ દોઢ વર્ષ સુધી કેપ્ટન/મેડિકલ ઓફિસર તરીકે સેવા આપી. ડૉ. લતા અને ડો. અનિલ અનુક્રમે બાળરોગ અને જનરલ સર્જરીમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા કૉલેજમાં પાછા ગયા હતા. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા US ગયા અને ત્યાં 1971 થી 1979 ની વચ્ચે રહ્યા. ધાર્યું હોત તો અમેરિકામાં જ સ્થાયી થઈ વૈભવી જીવન જીવી શક્યા હોત ! પરંતુ ભારત માતાનો પુકાર સુની અંતરિયાળ વિસ્તારના ગરીબ લોકોની સેવા માટે ભારત આવ્યાં.
1980 માં દેશની સેવા કરવા માટે યુએસએથી પાછા ફર્યા અને સ્વૈચ્છિક સંસ્થા ‘ ઝઘડિયા સેવા રૂરલ’ શરૂ કરી હતી. આ વિસ્તાર આજે પણ પૂરતા પ્રમાણમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી નથી. ત્યારે આજથી ચાલીસ વર્ષ પહેલાં આ વિસ્તાર કેવી સ્થિતિમાં હશે ? આ કલ્પના જ ધ્રુજાવી મૂકે છે. એ સમયે આ વિસ્તારના ગરીબ પ્રજાજનોને મેડિકલ અને એજ્યુકેશન ની સેવાઓ મળી રહે એ માટે કમર કસી.
અમેરિકાથી તબીબી ક્ષેત્રે ઉચ્ચ ડિગ્રી મેળવી દેશ અને ખાસ કરી ગરીબ લોકોની સેવા કરવા પરત ફરેલા તબીબ દેસાઈ દંપતીએ ઝઘડિયામાં 40 વર્ષ પહેલાં સેવા રૂરલ(SEWA Rural) સંસ્થાનો પાયો નાખ્યો. 40 વર્ષની સેવા રૂરલની આરોગ્ય, શિક્ષણ, રોજગારી સહિતના ક્ષેત્રની સફરમાં 80વર્ષના પદ્મશ્રી ડો. લતાબેન દેસાઈ(Padma Shri Dr. Lata Desai)ના સહયાત્રી પતિ ડો. અનિલ દેસાઈ થોડાં વર્ષ પહેલાં જ સ્વર્ગસ્થ થયા છે. જોકે નવી પેઢીને તૈયાર કરવી અને આરોગ્ય, શિક્ષણ તેમજ આદિવાસી વિસ્તારમાં રોજગારીની સેવાને ઉજાગર કરવાનો સેવા રૂરલનો ધ્યેય નિરંતર આગળ વધતો રહ્યો હતો.
સેવા રૂરલ સંસ્થા ડો. લતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ 200 બેડની કસ્તુરબા હોસ્પિટલ આસપાસના અનેક ગામોના લોકોને શ્રેષ્ઠ તબીબી સેવા રાહત દરે અને નિઃશુલ્ક આપી રહી છે. સગર્ભા મહિલાઓ, નેત્ર રક્ષા, વિવેકાનંદ ગ્રામીણ ટેક્નિક કેન્દ્ર, અંધજન પુનઃવસન કાર્યક્રમ સહિતની પ્રવૃતિઓમાં 300 વ્યક્તિનો સ્ટાફ નિરંતર ફરજ બજાવી રહ્યો છે. ડો. લતાબેન દેસાઈએ હજારો ગરીબ દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી છે.
નિસ્વાર્થ સેવા અને સમગ્ર જીવન તબીબ પતિ સાથે આદિવાસી, ગરીબ અને વંચિત સહિત રોગીઓની સેવામાં સમર્પિત કરનાર પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડો. લતાબેન દેસાઈ આ સન્માનનો શ્રેય પણ પોતાના કર્તવ્યનિષ્ઠ કર્મીઓને આપી રહ્યાં છે. પદ્મશ્રી ડો. લતાબેન ગૌરવ સાથે કહી રહ્યાં છે કે "આ એવોર્ડ મને નથી મળ્યો. મારા જીવન સાથી, અન્ય કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા તમામ લોકોને ફાળે જાય છે. હું તો માત્ર નિમિત્ત છું."
250 બેડની હોસ્પિટલ આસપાસના ગામડાઓને માતા અને બાળ સંભાળ, આંખની સંભાળ, બિન ચેપી રોગો અને સામાન્ય શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં ચોવીસ કલાક સેવા પૂરી પાડે છે. કન્સલ્ટન્ટ સહિત 25 તબીબોની ટીમ ઝઘડિયા ગામમાં રહે છે. દર વર્ષે 2 લાખ દર્દીઓ હોસ્પિટલની સેવાઓનો લાભ લે છે. 70% દાખલ દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. હોસ્પિટલ સેવાઓનો ઉદ્દેશ્ય “અતિ આધુનિક સેવા અતિ ગરીબ માટે ” પ્રદાન કરવાનો છે. સેવા રૂરલ પાસે 300 કર્મચારીઓ છે. સેવા રૂરલને ગ્રેટ પ્લેસ ટુ વર્ક સંસ્થા દ્વારા “મહિલાઓ માટે કામ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ” તરીકે માન્યતા આપવામાં આવી છે.
સેવા રૂરલની અસરકારકતા
• આદિવાસી વિસ્તારમાં શિશુ મૃત્યુદર 1982માં 186 મૃત્યુ/1,000 જન્મોથી ઘટીને હવે 25 થયો છે
• પ્રોજેક્ટ વિસ્તારમાં છેલ્લા બે દાયકામાં માતા મૃત્યુ દરમાં 75% સુધારો
• છેલ્લા 40 વર્ષોમાં 25 લાખ દર્દીઓએ કિફાયતી અથવા મફત સેવા
• સેવા રૂરલ ખાતે 1980 થી 1,25,000 થી વધુ દર્દીઓએ આંખને લગતા વિવિધ ઓપરેશનો કર્યા બાદ દ્રષ્ટિ મેળવી
• બે આદિવાસી બ્લોક વાલિયા અને ઝઘડિયાને મોતિયા મુક્ત જાહેર કરાયા
• કૌશલ્ય વિકાસ અને રોજગારીથી 3,500 થી વધુ ગરીબ પરિવારોને ગરીબીમાંથી બહાર લવાયા
• ભારત અને વિદેશની 150 સંસ્થાઓમાંથી 26,000 તાલીમાર્થીઓનું આયોજન કરાયું
• ઘણા યુવાનો ડો. લતા અને ડો, અનિલથી પ્રેરિત થયા છે અને તેઓએ પોતાનું જીવન દેશના વિકાસ માટે સમર્પિત કર્યું છે
સેવા રૂરલને અત્યાર સુધીમાં 35 થી વધુ એવોર્ડ મળ્યા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) જીનીવા એ ઉત્કૃષ્ટ નવીન સામુદાયિક આરોગ્ય કાર્ય માટે રૂરલને સાસાકાવા હેલ્થ પ્રાઈઝ 1985 એનાયત કર્યું. SEWA રૂરલને 2007 માં ભારતમાં માતાઓ અને તેમના બાળકોના જીવન બચાવવામાં તેના અગ્રણી કાર્ય માટે પ્રતિષ્ઠિત મેકઆર્થર એવોર્ડ મળ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 2015 માં સૌ પ્રથમ “પબ્લિક હેલ્થ ચેમ્પિયન” એવોર્ડ એનાયત કર્યો છે.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
Very nice 👍 good job your writing make a good picture of the great personality congratulations to you we proud 🦚 always your friend
ReplyDeleteવાહ ઇશ્વરભાઇ... ખૂબ જ સરસ
ReplyDelete