The Pride Of Gujarat - 6
અમેરિકા રહી વતન પર વહાલ વરસાવતાં કુસુમબેન રસિકલાલ શાહ પરિવારે સ્વજનના સ્મરણાર્થે મિલીયન ડોલર દાનની સરવાણી વહાવી !
(શ્રીમતી કુસુમબેન રસિકલાલ શાહ )
To raed in Engalish Pl. click here
સ્વજનના સપનાને સાકાર કરવા એક પરિવાર સર્વસમાજ માટે આરંભાયેલા સેવાયજ્ઞમાં કેટલી મોટી આહુતિ અર્પી શકે એ સમજવું હોય તો તમારે માણસાઈના મશાલચી એવા સ્વર્ગસ્થ રસિકભાઈ મણિલાલ શાહના પરિવારને જ મળવુ પડે ! રસિકભાઈનાં પત્ની કુસુમબેન અને તેમના પુત્ર તુષારભાઈ પરિવાર સાથે હાલ અમેરિકાના ન્યુયોર્ક શહેર પાસેના એક ટાઉનમાં રહે છે. અરવલ્લીના આંગણે નિર્માણ પામનાર મેન્ટલ હેલ્થ સેન્ટર માટે આ પરિવારે એક મિલિયન યુ.એસ. ડોલર એટલે કે રૂપિયા સાડા આઠ કરોડ જેટલું માતબર દાન આપી સમાજને એક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એક જ પરિવાર દ્વારા સાડા આઠ કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું દાન અપાયું હોય એવી અરવલ્લીના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે.
Blog needs your support. Pl. click here
સમાજ માટે કરોડો રૂપિયાની દાનની સરવાણી વહેતી મૂકનાર આ પરિવાર ભલે દાયકાઓથી અમેરિકા સ્થાઈ થયો હોય પરંતુ એનાં મૂળ તો અરવલ્લીની ધરા સાથે જોડાયેલાં છે. રસિકભાઇનું મૂળ વતન તો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું સાઠંબા ગામ ! પિતા મણિલાલ શાહ પોતે ધંધાદારી માણસ. મણિલાલને સંતાનોમાં પાંચ દીકરા અને પાંચ દીકરીઓ ! ભર્યો ભાદર્યો પરિવાર.. રસિકભાઈ પોતે ભણવામાં હોશિયાર ! વર્ગમાં હંમેશા અવ્વલ જ આવે.. ભણીગણીને એન્જિનિયર થયા. એકવાર મોડાસા તાલુકાના સરડોઈ ગામે તેમના સંબંધીને ત્યાં લગ્નમાં ગયેલા. ત્યાં તેમની મુલાકાત કુસુમબેન સાથે થઈ.. પહેલી મુલાકાતમાં જ બન્નેની આંખો મળી અને પછી તો બન્ને ભવભવનાં સંગાથી બની ગયાં. ગોધરા પાસેનું ટીંબા ગામ એ કુસુમબેનનું મૂળ વતન. તેમના પિતા મધ્યપ્રદેશમાં નોકરી કરતા. રસિકભાઈ અને કુસુમબેન લગ્નગ્રંથીથી જોડાયાં. લગ્નજીવનમાં બન્ને એકબીજામાં એવાં તે ભળી ગયાં જાણે શરીર બે પણ આત્મા એક જ !
રસિકભાઈનો અભ્યાસ તો ચાલુ હતો. તેઓ શિક્ષણનું મૂલ્ય બરાબર સમજતા હતા. એટલે ભાઈભાડુંઓને શિક્ષિત - દીક્ષિત કરવા મુંબઈની વાટ પકડી.. વતન થી દૂર એક અજાણ્યું શહેર અને બહોળો પરિવાર! ગુજરાન ચલાવવું તો ચલાવવું કેમ ! જીવનનો કસોટી કાળ જાણે શરૂ થયો. રાત દિવસ જોયા વિના તનતોડ મહેનત કરી બે છેડા ભેગા કરવાની મથામણ આદરી.. સસ્તું અનાજ લેવાની લ્હાયમાં કેટલીક વાર એક એક સપ્તાહ રાશનની લાઇન ઊભા રહેવું પડતું.. ક્યારેક વારો આવે ત્યાં રાશનની દુકાનની બારી બંધ થઈ જાય કાં'તો વારો આવે અને રાશન પૂરું થઈ જાય ! અનાજ લેવા બીજા દિવસે ફરી રાશનની લાઈનમાં લાગી જવાનું. ક્યારેક તો અનાજ વગર કેટલાય દિવસો ભૂખ્યા પેટ પસાર કરવા પડ્યા છે. એ અરસામાં રસિકભાઈના કેટલાક મિત્રો અમેરિકા ગયા હતા. તેમના પત્રો રસિકભાઈને નિયમિત મળતા. રસિકભાઇના મિત્રો જાણતા હતા કે રસિકભાઇમાં ગજબની કાબેલિયત છે, જો એ અમેરિકા આવી જાય તો તેમનો સિતારો ચમકી જાય ! દરેક પત્રમાં તેઓ રસિકભાઈને અમેરિકા આવી જવા સમજાવતા.. બીજી બાજુ રસિકભાઈ મુંબઈમાં લોહી-પાણી એક કરી દિવસો પસાર કરતા.. રસિકભાઈને પણ થયું કે અમેરિકા ગયેલા મિત્રોની વાત માની મારે પણ અમેરિકા જઈ નસીબ અજમાવવું જોઈએ.. રસિકભાઇએ અમેરિકા જવાનો નિશ્ચય કરી લીધો. એ સમયે કુસુમબેનને સારા દિવસો જતા હતા. હૃદય પર પથ્થર રાખીને, કુસુમબેનને આવી સ્થિતિમાં તેમના પિયર મૂકી રસિકભાઇએ વર્ષ ૧૯૬૭ માં અમેરિકા માટે ઉડાન ભરી !
પોતાના વતનથી હજારો માઇલ દૂર એક નવા જ દેશમાં હવે નવા પડકારો સામે હતા. એક બાજુ અભ્યાસ ચાલુ અને બીજી બાજુ નોકરી શોધી લીધી. દિવસના અઢાર અઢાર કલાક ઊભા રહી કામ કરવાનું. સાથે ટ્રાવેલિંગ પણ એટલું જ ! શરીર થાકીને લોટપોટ થઈ જતું પરંતુ હારી થાકી બેસી જાય તો રસિકભાઈ શાના! મન મક્કમ હતું. 'જીવનમાં કાંઈક બેજોડ કરી બતાવવું છે.' હૈયામાં પ્રજ્વલિત રાખેલી આ ચિનગારી એ જ તેમને સફળતા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો. બીજી બાજુ ઇન્દોરમાં કુસુમબેન ખોળે લક્ષ્મી સ્વરૂપ દીકરી અવતરી. પરિવારમાં ખુશાલી છવાઈ ગઈ. એ પછી તો રસિકભાઇએ કુસુમબેન અને દીકરીને અમેરિકા તેડાવી લીધાં.
અમેરિકાના શરૂઆતના દિવસો પણ અત્યંત ઘર્ષમય જ રહ્યા.. સૌથી મોટી ઉપાધિ એ હતી કે અહીં ગુજરાતી ભોજન બનાવવા માટે જોઈતું કરિયાણું મળતું નહીં. તુવરની દાળ મળે નહી એટલે વટાણાની દાળથી કામ ચલાવવું પડતું. કઢી માટે બેસન મળે નહી.. જે મળે એ સોનાનું સમજી અનુકુલન સાધી જીવનમાં આગેકૂચ કરવાની હતી. રસિકભાઇએ અહીં ડીગ્રીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. અને અમેરિકાની ઓઈલ એન્ડ ગેસ કંપનીમાં નોકરી સ્વીકારી લીધી.. થોડાક બીજે વર્ષોમાં પોતાના ક્ષેત્રમાં રસિકભાઇએ એટલી નિપૂણતા હાંસલ કરી લીધી હતી કે આખા અમેરિકામાં એમના નામનો ડંકો હતો. કોઈપણ રિફાઇનરી હોય એને રસિકભાઈનું કામ પડે.. પડે અને પડે જ ! સખત પરિશ્રમ તેમનો સ્વભાવ બની ગયો હતો. અને તેમના ક્ષેત્રની તેમની આગવી આવડત થકી પ્રતિષ્ઠા અને પૈસો ખૂબ કમાયા. વર્ષ ૧૯૭૧ માં તેમના ઘરે પુત્રનો જન્મ થયો.. દીકરા નું નામ તુષાર રાખવામાં આવ્યું..
સખત પરિશ્રમ અને પ્રમાણિકતાથી થોડાંક વર્ષોમાં અમેરિકામાં આખુ સામ્રાજ્ય ખડું કરી દીધું. એમ છતાં દિલમાંથી વતન ક્યારેય વિસરાયું નોહતું. પોતે બે પાંદડે થતાં જ વતન માટે પોતાની જોળી ખુલ્લી મૂકી હતી.. વતનનું કોઈપણ નાનું મોટું કામ હોય રસિકભાઈ પોતાની સખાવત અચૂક મોકલી આપે. દીકરો તુષાર પણ ફિઝિક્સમાં Phd કરી અમેરિકાની પ્રતિષ્ઠિત કંપનીમાં ડિરેક્ટર પદે ફરજનિષ્ઠ છે. અને એ જ કંપનીમાં પાર્ટનર પણ છે.
પાણીના પ્રવાહની જેમ સમય વહેતો ગયો.. રસિકભાઈના આંખે થોડી ઝાંખપ આવવા લાગી. તપાસ કરાવતા ખબર પડી કે મોતીયું પાકી ગયું છે. એ સમયે તેમના હૃદયમાં એક ઝબકારો થયો કે આપણી પાસે તો મોતિયાનું ઓપરેશન કરાવવા અદ્યતન સુવિધાઓ છે. પરંતુ મારા વતનની આસપાસનાં કેટલાય વૃધ્ધ લોકો મોતિયાની સારવાર વિના અકાળે અંધ બની ઓશિયાળું જીવન જીવવા મજબૂર બનતા હશે! આવા ગરીબ લોકો માટે કાંઈક કરવું જ જોઈએ !
બીજા જ દિવસે બ્લાઇન્ડ પીપલ એસોસિયેશન અમદાવાદના ડૉ. ભૂષણ પૂનાની સાહેબને ફોન જોડ્યો અને પોતાના વતન સાઠંબામાં આંખોની તપાસ માટેનો કેમ્પ યોજવા વિનંતી કરી. અને તપાસ કરતાં મોતિયાના ઓપરેશનની જરૂરિયાત વાળા તમામ દર્દીઓની સારવાર માટે જે પણ ખર્ચ થશે એ તમામ રકમ તેઓ આપશે તેની હૈયાધારણ આપી. પૂનાની સાહેબે પ્રસ્તાવ સ્વીકાર્યો અને તેમની ટીમ સાઠંબામાં આઈ કેમ્પ કરવા કામે લાગી. પરોપકાર માટે હંમેશા તત્પર રહેતા એવા સમતા ટ્રસ્ટના જીતુભાઈ શાહ, ધર્મેન્દ્રભાઈ, હસમુખભાઈએ પણ આ કાર્યને સફળ બનાવવા માટે કમર કસી. આ કેમ્પમાં ૧૦૦ જેટલા દર્દીઓનું મોતિયાના ઓપેરેશન માટે નિદાન કરવામાં આવ્યું. અને તેનો તમામ ખર્ચ રસિકભાઇએ આપ્યો..
એ પછી તો માતૃભૂમિનાં અનેક સેવા કાર્યો માટે અવિરત દાનની સરવાણી વહાવતા જ રહ્યાં. વતનના પ્રત્યે તેમના હૃદયમાં ગજબની લાગણી હતી. જરૂરિયાતમંદ અને ગરીબો માટે સેવાનો ભેખ ધારણ કરનાર રસિકભાઇએ અમેરિકા બેઠાં બેઠાં ઉઘાડી આંખે એક સપનું જોયેલું. જરૂરિયાતમંદ અને ગરીબ લોકો માટે કાંઈક વિશિષ્ઠ કરી જવાની તેમને ખેવના હતી. વતન આસપાસના જરૂરિયાતમંદ અને ગરીબ લોકોના નિરામય સ્વાસ્થ્ય માટે બને તે બધું જાણકારી છૂટવું !
એક ક્રિટિકલ મેજર સર્જરી બાદ રસિકભાઈ એ આ ફાની દુનિયાને અલવિદા કહી અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. પરંતુ રસિકભાઇએ ઉઘાડી આંખે જોયેલા સ્વપ્નને સાકર કરવા તેમનાં પત્ની કુસુમબહેન અને પુત્ર તુષારભાઈનું મનોમંથન ચાલી રહ્યું હતું. ત્યાં અમેરિકામાં રહી સમાજ સેવાનું અજોડ કામ કરતા રમેશભાઈ શાહે કુસુમબેન અને તુષારભાઈને ઉંગલી નિર્દેશ કર્યો કે અરવલ્લી પંથક ને મેન્ટલ હેલ્થ સેન્ટરની જરૂરિયાત છે. કે. કે. શાહ આરોગ્ય મંડળ વાત્રક હોસ્પિટલ દ્વારા જમીન દાન મળી છે. બ્લાઇન્ડ પીપલ એસોસિયેશન અને સમતા વિકાસ ટ્રસ્ટ ના સહિયોગથી આ કામ પાર પાડી શકાય એમ છે.
આ વિચાર કુસુમબેન અને તુષારભાઈના મનમાં વસી ગયો. તેમણે વિચાર્યું કે પરિવારની કોઈ વ્યક્તિ માનસિક સંતુલન ગુમાવી બેસે, મગજ અસ્થિર થઈ જાય ત્યારે એ પરિવાર પર શું ગુજરતી હશે ? આ કલ્પના જ ધ્રુજાવી મૂકે તેવી છે. જો આવા દર્દીઓને તંદૂરસ્ત વાતવરણ અને યોગ્ય સારવાર મળે તો સમાજમાં પુનઃ પ્રસ્થાપિત થઈ ગૌરવ પૂર્ણ જીવન જીવી શકે..
આ ઉમદા કાર્ય માટે કુસુમબેન તેમના પુત્ર તુષારભાઈ અને પુત્રવધુ એકમત થઈ એક મિલિયન યુ.એસ. ડોલર એટલે કે રૂપિયા સાડા આઠ કરોડનું માતબર દાન આપવાનું નક્કી કરી લીધું. વાત્રક ખાતે આવેલ શ્રીમતી બેલાબેન પટેલ અને યોગેશભાઈ પટેલ આંખની હોસ્પિટલ પરિસરમાં જ મેન્ટલ હેલ્થ સેન્ટર નિર્માણ માટેની પહેલી ઇંટ કુસુમબેનના વરદ હસ્તે મૂકી પુણ્યકાર્યનો શુભારંભ ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ કરવામાં આવ્યો.
અરવલ્લીને આંગણે નિર્માણ પામનાર અત્યાધુનિક મેન્ટલ હેલ્થ સેન્ટર આગામી સમયમાં હજારો પરિવાર માટે આશીર્વાદ રૂપ સાબિત થશે એમાં કોઈ બેમત નથી.. સ્વજનની સ્મૃતિ માટે માતબર દાનનો ધોધ વહાવનાર કુસુમબહેન, તેમના પુત્ર તુષારભાઈ અને પુત્ર વધૂની દાતારીને નતમસ્તક વંદન ! રસિકભાઈ જેવા સેવાવ્રતી પુણ્યશ્લોક આત્મા માટે આથી શ્રેષ્ઠ અંજલિ બીજી શું હોઈ શકે !!!
-ઈશ્વર પ્રજાપતિ
9825142620 (whatsapp)
Email : khudishwar1983@gamil.com
Very nice and good for a responsible person who give support of development and needful work for everyone
ReplyDeleteStill there are people who make heaven on earth
ReplyDeleteNice article..!!
ReplyDeleteIt is proud moments .Sagarmatha needs such center, we wish it will be best center for gujarat and even in india, Thanks kusumfoi.
ReplyDeleteWhat noble family and love for own town very rare would think of it! Heaven on earth ! God bless family we are blessed to have a family friend like them to set an example for new generations also. Kusumben we are very proud of you and family.
ReplyDelete