Sunday, January 19, 2025

સન્ડે સ્પેશિયલ

The Pride of Gujarat - 9

અરવલ્લીના અંતરિયાળ વિસ્તારના  ગરીબ દર્દીઓની સેવા માટે એક અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણ માટે પંદર કરોડ જેટલું માતબર દાન આપી પ્રવીણભાઇ શાહે સમસ્ત અરવલ્લી પંથકને ન્યાલ કર્યો છે.

 



          સાહસ અને સેવા વૃત્તિ એ ગુજરાતીના નસ નસમાં વહે છે.  જીવતરનાં સપનાં સાકાર કરવા આવા સાહસ વીરો દોરી અને લોટો લઇ વતનથી હજારો માઈલ દૂર પરદેશમાં જઈ વસ્યા. અજણ્યા પ્રદેશમાં તનતોડ પુરુષાર્થ કરી સફળતાના શિખરે પહોંચી વિરાટ સામ્રાજ્ય ખડું કરી શક્યા. અપાર સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કર્યા પછી પણ માતૃભૂમિ માટેની અનન્ય લાગણી હૃદયમાં હંમેશા માટે ધબકતી રાખી વતનના વિકાસ માટે દાનનો ધોધ વહાવી સમાજને એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આવું જ એક વિરલ વ્યક્તિત્વ એટલે પ્રવીણભાઈ રમણલાલ શાહ. જેઓ એ અરવલ્લીના આદિવાસી પંથકમાં ગરીબ દર્દીઓની સેવા માટે એક અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણ માટે પંદર કરોડ જેટલું માતબર દાન આપી અરવલ્લી પંથકને ન્યાલ કર્યો છે.

ગુજરાતના જાણીતા સર્જક અને સંશોધક રજનીકુમાર પંડ્યાએ  પ્રવીણભાઈ શાહનો કરાવેલ પરિચય અહી પ્રસ્તુત છે.      

        ગુજરાતના અરવલ્લી જિલ્લાના છેવાડાના પછાત અને આદિવાસી વિસ્તારના મેઘરજ જેવા નાનકડા ગામમાં બહુ જલ્દી અસ્તિત્વમાં આવનારી આ સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ શ્રીમતિ શારદાબહેન રમણલાલ શાહ મેમોરિઅલ હૉસ્પિટલના પ્રેરક દાતા પ્રવીણભાઇ રમણલાલ શાહનો પરિચય પણ બહુ પ્રેરક છે.

         શ્રી પ્રવીણભાઇનો જન્મ ૨૭-૭-૧૯૪૪ માં અમદાવાદ ગુસા પારેખની પોળ, મદન ગોપાળની હવેલી,માણેક ચોક, અમદાવાદમાં. માતા-પિતા ઉપરાંત ચાર ભાઇઓ અને બે બહેનોનું બનેલું તેમનું એક મધ્યમવર્ગીય કુટુંબ.   પ્રાથમિક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ અને પછી ન્યુ સર્વોદય હાઇસ્કૂલમાં અને બી. એ.( 1964) અને બી.કોમ. (1965) સરદાર વલ્લભભાઇ કોલેજમાંથી એ પછી સીટી લૉ-કોલેજમાંથી ૧૯૬૬ માં એલ.એલ.બી અને એચ.એ કૉલેજમાંથી ૧૯૭૧ માં એમ.કોમ.

 Blog needs your support. Pl. click here

       માત્ર સત્તર વર્ષની વયે પણ કોલેજમાં અભ્યાસ કરતાં કરતાં ઉનાળુ વેકેશનમાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાનું શરુ કર્યું. એ પછી સચિવાલયના કાનુની વિભાગમાં નોકરી કરી અને એ પછી રોજ સાંજે યુનિયન બેંક ઓફ ઇંડીયામાં પાસબુક રાઇટર તરીકેની કામગીરી કરી. આમ રોજ સવારે ટ્યુશન, તે પછી કોલેજમાં અભ્યાસ અને તે પછી સચિવાલયમાં નોકરી અને સાંજે બેંકમાં પાસબુક રાઇટર તરીકેની કામગીરી સમાંતરે જ કરતા રહ્યા.

        સાલ ૧૯૬૯માં લગ્ન થયા અને ૧૯૭૧માં એમ.કોમ ની ડીગ્રી મેળવીને તે એ જ વર્ષે ઇમિગ્રેશન વિઝા ઉપર અમેરિકા આવી ગયા. અભ્યાસની લગની એવી કે ત્યાં ન્યુયોર્કની આઇલેન્ડ યુનિવર્સીટીમાંથી ૧૯૭૩ માં એમ.બી.એ. ની પદવી મેળવી.

       એ પણ નોંધવું જોઇએ કે પત્ની જ્યોત્સનાબહેન પણ બી.એ.એલએલ.બી થયાં હતાં અને તેમણે પણ અમદાવાદની બી.ડી. ગર્લ્સ કોલેજમાં સતત પાંચ વર્ષ સેવાઓ આપી હતી.  પ્રવીણભાઇ અને જ્યોત્સ્નાબહેનને પુત્ર નેહલ અને પુત્રી નિપા નામના બે સંતાનો અને ચાર પૌત્ર-પૌત્રીઓ છે.
           
આમ છતાં ૧૯૭૧ માં અમેરિકા આવી ગયા પછી પણ તેમની જિંદગી આસાન નહોતી. સફળતા પામતાં પહેલા ઘણો સંઘર્ષ પણ કરવો પડયો હતો. એમ. બી. એ. ની ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી તેઓ એક રીટેઇલ વ્યાપાર કરતી ફર્મમાં ઇંટરનલ ઑડીટર તરીકે જોડાયા ત્યારથી તેઓ સફળતાના સોપાનો સર કરતા ગયા ને ત્યાં બહુ ઝડપથી તેઓ કંટ્રોલરની પાયરી સુધી પહોંચી ગયા. એ પછી સ્વતંત્ર રીતે પોતાની વ્યાવસાયિક ધોરણે એકાઉંટિંગ સેવાઓનો પ્રારંભ કર્યા પછી તેમણે આર્થિક અને વિમાવિષયક બાબતોના સલાહકાર તરીકેની પોતાની સ્વતંત્ર ફર્મ શરુ કરી અને તેમાં પણ જોતજોતામાં અમાપ સિધ્ધિઓ પ્રાપ્ત કરી અને પ્રતિષ્ઠા પણ એટલી જ હાંસલ કરી. તે ક્ષેત્રમાં સતત ૩૦ વર્ષ સુધી સેવાઓ આપ્યા પછી આજથી પાંચેક વર્ષ પૂર્વે (એટલે કે ૨૦૧૬ ની સાલમાં પોતે જ્યારે સિધ્ધીની ટોચ પર હતા ત્યારે) એમાંથી સ્વૈચ્છિક નિવૃતિ લીધી અને સમાજસેવાના ક્ષેત્ર પ્રતિ પોતાની કાર્યશીલતાને વાળી. કારણ કે છેક ૧૯૭૧ થી અમેરિકામાં સતત અર્ધી સદીના વસવાટ છતાં અને અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કર્યા છતાં એમનું હ્રદય ભારત સાથે જ જોડાયેલું રહે છે અને કાયમ માટે એમ જ રહેશે તેમ તેઓની વૃત્તિ અને પ્રવૃત્તિ પરથી પારખી શકાય છે.
          
 પ્રવીણભાઇ કહે છે “મારા અનેક પરિવારજનો અને પરિચીતોને મુકાબલે હું હમેશા પ્રભુનો વિશેષ કૃપાપાત્ર રહ્યો છું અને તેથી જ હવે મારી એવી કામના રહી છે કે સમાજે જે કાંઇ મને મબલખ રીતે આપ્યું છે તે હવે મારે વંચિત સમાજના વંચિત રહેલા વર્ગને અને વિશેષ તો જેમને પ્રભુએ જરા ઓછું દીધું છે તેમને આપતા રહેવું જોઇએ અને એ રીતે એ અદૃશ્ય ઋણ ચુકવતા રહેવું જોઇએ. સદનસીબે મારાં સ્વર્ગસ્થ જીવનસંગીની સ્વ.જ્યોત્સ્ના પણ મારાં સમાન વિચારનાં હોવાનાં કારણે તેમનું પણ મને મારા આ નિર્ધારમાં પુરૂં સમર્થન મળ્યું. ઋણ અદાયગીના પ્રથમ સોપાન રૂપે મને સુસંસ્કાર બક્ષનાર મારાં જન્મદાતા માતા-પિતાનાં સ્મરણાર્થે સાવ પછાત અને આદિવાસી વિસ્તારની આ સ્ટેટ ઓફ ધી આર્ટ હૉસ્પિટલના Smt. Shardaben Ramanlal Shah Memorial Hospital તરીકે નામકરણનો સંકલ્પ મે કર્યો.”

તેઓ  કહે છે  “પ્રભુકૃપાએ મારામાં ઉદભવેલા આવા સદભાવને કારણે હું જ્યારે મારા સદગત મિત્ર સ્વ.કનુભાઇ લાખાણી અને એમનાં પત્ની શ્રીમતી કુમુદબ | સાથે આ મેઘરજ જેવા નાનકડા ગામડામાં, આ જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટની રવારની મુલાકાતે આવતો થયો અને એના દ્વારા આ પછાત વિસ્તારના આદિવાસીઓ અને ગરીબી રેખા નીચે જીવતા લાખો લોકોની ચોવીસેય કલાક સાવ નિઃ શુલ્ક અથવા રાહત દરે થતી આરોગ્યસેવા થતી મારી સગી આંખે જોઇ. ત્યારે જાણે કે મને મારો આ સમભાવ દર્શાવવાનું યોગ્ય સ્થળ મળી ગયું અને આ જ સ્થળે The state of the art Hospital નું નિર્માણ કરવાનો નિર્ધાર મારા મનમાં વસી ગયો અને એ દિશામાં યોગ્ય પ્રયત્નોનો પ્રારંભ પણ અહિંના ડૉ. બંસીભાઇ પટેલ અને એમના સાથીઓ અને મિત્રોના સહયોગથી બહુ સારી રીતે થઇ શક્યો.”

           પ્રવીણભાઇ કહે છે કે અતિ પછાત વિસ્તારમાં આ એક વિરાટ આરોગ્યલક્ષી યજ્ઞ જેવું ભગીરથ કાર્ય બની રહેશે. પરંતુ એક હકિકત સ્પષ્ટ જ છે કે માત્ર મારા જેવી એકલ દોકલ વ્યક્તિના પ્રદાન કે ભાવનાથી આ આખો પ્રોજેક્ટ સંપન્ન ન જ થઇ શકે. એ તો દાતાઓના મોટા સમૂહનું કામ છે. એમાં તો પહોંચતા પામતા દરેકે પોતાની યથાશક્તિ આહૂતી આપવી જ રહી. અને તેથી સુપ્રસિદ્ધ સાપ્તાહિક 'ચિત્રલેખા'ના ૬- ૧૨-૨૧ના અંકમાં સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાના પ્રસિદ્ધ થયેલા વિગતપૂર્ણ લેખ અને ઇંટરનેટ વગેરે વિવિધ માધ્યમો દ્વારા અમે અમેરિકા,યુરોપમાં,યુ એ ઇ ઉપરાંત સમગ્ર ભારતમાં અને અન્યત્ર વસતા સ્વજનો અને સ્નેહીઓને સહયોગની અપીલ કરી રહ્યા છીએ.

        એક મહાસદભાગ્યની હકિકત એ છે કે સંતશિરોમણી પૂ.મોરારીબાપુએ જાતે The state of the art Hospital નો શિલાન્યાસ કરવા પધાર્યા હતા. તે તેની સફળતાનો પહેલો અને શુભ સંકેત છે.

આ હોસ્પિટલનું કામ હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે. હજી તબીબી ઉપકરણો માટે અનુદાનની આવશ્યકતા પણ છે. પરંતુ સેવાભાવી સૌ ટ્રસ્ટીઓને પ્રભુ પર શ્રદ્ધા છે કે આ આવશ્યકતા પણ ખુબ જલ્દી પૂર્ણ થશે અને અરવલ્લીના મેઘરજ વિસ્તારમાં એક અત્યાધુનિક હોસ્પિટલ ગરીબોની સેવામાં ખુબ જલ્દી કાર્યરત થશે.

પરિચય : રજનીકુમાર પંડ્યા, અમદાવાદ. 

 નિર્માણાધિન હોસ્પિટલ વિશે  વધુ વિગત માટે સંપર્ક : ડૉ.બંસીભાઈ  પટેલ - 9099591159

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620




3 comments:

  1. Very interesting article one person who give support to local person cares hospital it's very good. and your side also do something about it is very nice congratulations 👏

    ReplyDelete
  2. Because of such people there is a faith in God today ..may God bless them

    ReplyDelete
  3. Keep these work of spreading positive and news of humanity Ishwar bhai

    ReplyDelete