Sunday, December 29, 2024

સન્ડે સ્પેશિયલ

 The Pride Of Gujarat - 7 

"માતૃભૂમિ" (ભારત)" "જન્મભૂમિ" (ઝેમ્બિયા), અને કર્મભૂમિ" (યુનાઇટેડ સ્ટેટ્સ), માટે  કરોડો ડોલરની સખાવત કરી માનવતાની જ્યોત પ્રજ્વલિત રાખતા ડૉ. કિરણ પટેલ

 

          ભારત હોય, ઝામ્બીયા હોય કે અમેરિકા હોય આ દેશો માટે દાનવીર દંપતી  ડૉ. કિરણ પટેલ અને પલ્લવી પટેલનું નામ અજાણ્યું નથી. માતૃભૂમિ ભારત, જન્મ ભૂમિ ઝામ્બીયા અને કર્મભૂમિ અમેરિકા માટે કરોડો ડોલરની દાનનો ધોધ વહાવી ડૉ. કિરણ પટેલ  તેમનાં પત્ની ડૉ. પલ્લવી પટેલે માનવતાની મશાલ પ્રજ્વલિત રાખી છે.

        ડૉ. કિરણ પટેલ તેમના પરિવાર સાથે હાલ  અમેરિકાના ફ્લોરીડાના ટેમ્પા શહેરમાં નિવાસ કરે છે.  ૧૭ એકર વિસ્તારમાં પથરાયેલું તેમનું  આલીશાન શાહી નિવાસ  કોઈ રાજાના રાજમહેલને પણ  ઝાંખું પાડે એવું ભવ્ય છે. શૂન્યમાંથી સર્જન કરી સમગ્ર વિશ્વમાં કરોડોનું સામ્રાજ્ય ખડું કરનાર ડૉ. કિરણ  પટેલના પરિવારની સંઘર્ષ ગાથા ગુજરાતના વડોદરા પાસે આવેલા નાના અમથા મોટા ફોફલીયા ગામથી શરૂ થાય છે.

 Blog needs your support. Pl. click here

       તેમના પિતાનું નામ છોટુભાઈ. છોટુભાઈ પરોપકારી અને પરગજુ માણસ. મહનેતકશ પરિવાર. મજૂરી કરીને પેટીયું રળતાં. તેમના  કેટલાક પરિચિતો પરદેશ જઈ બે પાંદડે થયેલા. એટલે પોતે પણ  બે પાંદડે થવાની આશામાં પરદેશ જઈ રોટલો રળવાનું સાહસિક કદમ ઉઠાવવાનું વિચાર્યું. અને ઉપડ્યા વતનથી વિલાયત ભણી ! પરિવાર સાથે ઝામ્બીયામાં સ્થાઈ થયા. અજણ્યા પ્રદેશમાં તનતોડ પુરુષાર્થ કરી જિંદગીના બે છેડા ભેગા કરવાની મથામણ આદરી.  

      ઝામ્બિયામાં વર્ષ ૧૯૪૯ માં છોટુભાઈને ખોરડે પુત્ર કિરણનો જન્મ થયો. પુત્ર કિરણ  બાળપણથી જ તેજસ્વી. કિરણ ભાઈએ  પ્રાથમિક શિક્ષણ ઝામ્બિયામાં જ લીધું. પિતા શિક્ષણનું મહત્ત્વ સુપેરે જાણતા હતા. એટલે કિરણ ભાઈને ક્યારેય અભાવોનો અહેસાસ થવા જ ન દીધો. પુરતી સુવિધાઓ પૂરી પાડી માતા પિતાએ કિરણભાઈને શિક્ષિત અને દિક્ષિત કર્યા.  કેમ્બ્રિજ યુનિવર્સિટી અને લંડન યુનિવર્સિટી જેવી વિશ્વની પ્રતિષ્ઠિત કોલેજોમાંથી ડિપ્લોમાની ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ કિરણભાઈએ  ગુજરાત યુનિવર્સિટીમાં ભારતમાં મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ સમય દરમિયાન જ  પલ્લવી  તેમનાં  ભાવિ પત્ની અને સાથી મેડિકલ સ્ટુડન્ટ સાથે પરિચયમાં આવ્યા અને બંને લગ્ન ગ્રંથીથી જોડાઈ ગયાં.  1972 માં  દંપતી ઝામ્બિયા પાછા ફર્યા.

1976માં, તેઓ ન્યુ જર્સી કોલેજ ઓફ મેડિસિન એન્ડ ડેન્ટીસ્ટ્રી સાથે જોડાયેલા જર્સી સિટી મેડિકલ સેન્ટર ખાતે તાલીમ માટે અમેરિકા ભણી જીવનની નવીન સફર શરૂ કરી. વર્ષ 1980 માં ટેમ્પામાં સ્થાયી થયા. કિરણભાઈએ કાર્ડિયોલોજીસ્ટ અને પલ્લવીબેને તબીબી પ્રેક્ટિસની શરૂઆત કરી. 

        1985માં, તેમણે ફિઝિશિયન પ્રેક્ટિસ ઓનરશિપ અને મેનેજમેન્ટ કંપની શરૂ કરી. જેનો વ્યાપ વિસ્તરતો ગયો. 1992માં, ડૉ.  કિરણભાઈ  વેલ કેર HMO, INC.ના બોર્ડના અધ્યક્ષ બન્યા. જે તેમના નેતૃત્વ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સમાં આ 5મું સૌથી મોટું મેડિકેડ HMO બન્યું. 1992માં, પટેલે આશરે $5 મિલિયનમાં વેલ કેર HMO, Inc. (વેલ કેર) ખરીદી. તેણે એક દાયકા પછી 2002માં કંપનીને 200 મિલિયન ડોલરમાં વેચી

         2007માં, પટેલે અમેરિકાની  ચોઈસ હોલ્ડિંગ્સ ઓફ ફ્લોરિડા નામની નવી વીમા હોલ્ડિંગ કંપની શરૂ કરી અને મેડિકેર એડવાન્ટેજ હેલ્થ પ્લાન, ફ્રીડમ હેલ્થ અને ઓપ્ટીમમ હેલ્થ હસ્તગત કરી.  આ કંપનીઓને 115,000 થી વધુ સભ્યો અને $1 બિલિયનથી વધુની આવકમાં વધારો કર્યો.  એપ્રિલ 2019 માં આ કંપની એન્થમને વેચી દીધી.

        છેલ્લા કેટલાક દાયકામાં  ડૉ.  કિરણ  અને પલ્લવી પટેલે યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને ઝામ્બિયા પર પ્રાથમિક ધ્યાન કેન્દ્રિત કરીને વૈશ્વિક સ્તરે કરોડોનું ડોલરનું દાન આપ્યું છે. સપ્ટેમ્બર 2017 માં, ડૉ. કિરણ પટેલ અને પલ્લવી પટેલ ફેમિલી ફાઉન્ડેશને ફ્લોરિડામાં નોવા સાઉથઈસ્ટર્ન યુનિવર્સિટીને $200 મિલિયનનું ઐતિહાસિક દાન જાહેર કરી પોતાની દરિયાદિલીનો વિશ્વને પરિચય કરાવ્યો હતો. વધુમાં, 13 ડિસેમ્બરે, ટેમ્પલ ટેરેસ, FLમાં $20 મિલિયનની ચાર્ટર સ્કૂલના નિર્માણ માટે સંપૂર્ણ  રકમનું દાન ડૉ. કિરણ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ડૉ. કિરણ પટેલ અને ડૉ.  પલ્લવી પટેલ  શિક્ષણ અને આરોગ્ય સંભાળ ઉપરાંત કલા અને સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપવા ઉદાર હાથે સખાવત કરી રહ્યાં છે. ડૉ. કિરણ પટેલ એક ઈન્ટરવ્યુંમાં જણાવે  છે કે  “મને લાગે છે કે, સંપૂર્ણ માનવી બનવા માટે, કલા અને સંસ્કૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ પાસાઓ છે. તમે તેમાં આધ્યાત્મિકતા ઉમેરી શકો છો, પરંતુ જો તમે તેના વિશે વિચારો તો કલા અને સંસ્કૃતિ સાર્વત્રિક છે. કોઈપણ વ્યક્તિ તેમની વંશીયતા, ધર્મ અથવા સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના કલા અને સંગીતની પ્રશંસા કરી શકે છે..”

 

    માત્ર યુએસએ જ નહીં, ડો. કિરણ ભારતમાં પણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. . “ગુજરાતના ભૂકંપ પછી, ચાર હોસ્પિટલોના પુનઃનિર્માણમાં આ દાતાર દંપતીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ડૉ. કિરણ પટેલના વતન મોટા ફોફળીલીયા  ગામમાં તેમણે  બે અદ્યતન  હોસ્પિટલોનું નિર્માણ કર્યું છે.  સાથે સાથે કિરણ પટેલ તેમના વતનમાં સંપૂણ સુવિધાથી સજ્જ  એક શાળાનું નિર્માણ પણ કર્યું છે.  જે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમમાં 12મા ધોરણ સુધી ચાલે છે.

ભારત અને ઝામ્બિયામાં યુનિવર્સિટી બનાવવાનું ડૉ. દંપતીનું સપનું છે. ડૉ. કિરણ પટેલ જણાવે છે કે “આરોગ્ય અને શિક્ષણ સેવામાં મારું શેષ જીવન  વિતાવવા માંગું છું. કારણ કે સમાજ કે વ્યક્તિનું પરિવર્તન કરવા માટે આરોગ્યની સાથે શિક્ષણની પણ જરૂર છે.

માતૃભૂમિ પ્રત્યેની સેવાઓની નોંધ લઇ ભારત સરકારેવર્ષ ૨૦૧૯ માં ડૉ. કિરણ પટેલને મહામહિમ રાષ્ટ્રપતિજીના હસ્તે  પ્રવાસી ભારતીય તરીકેના સન્માન થી નવાજવામાં આવ્યા હતા.

અપ્રતિમ સફળતા મળવા છતાં ડૉ. કિરણ પટેલ અને ડૉ. પલ્લવી  પટેલ જમીન સાથે જોડાયેલા છે  તેમની  "કર્મભૂમિ" (યુનાઇટેડ સ્ટેટ્સ), "જન્મભૂમિ" (ઝેમ્બિયા), અને "માતૃભૂમિ" (ભારત)માં કરોડો ડોલરની સખાવત કરી માનવ સેવાનું વિરાટ કાર્ય આ ડૉ. દંપતી કરી રહ્યું છે. દાયકાઓ પહેલાં વતન છોડ્યું હતું એમ છતાં આજે પણ વતન સાથેનો નાતો અકબંધ જાળવી રાખ્યો છે. ડૉ. કિરણ પટેલ અત્યંત વ્યસ્તતા વચ્ચે અવારનવાર વતનની મુલાકાતે આવે છે. વતનની આસપાસ વસતા પ્રજાજનોની જરૂર્યાતો જાણી તેમને મદદરૂપ થવાનો પૂરતો પ્રયાસ કરે છે.

    વતનથી હજારો માઈલ દૂર રહીને પણ માતૃભૂમિ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની ભાવના ધરતા ડૉ. કિરણ પટેલ અને ડૉ. પલ્લવી પટેલને કોટી કોટી વંદન.

 -ઈશ્વર પ્રજાપતિ 
9825142620 (whatsapp)

Email : khudishwar1983@gamil.com

2 comments:

  1. વાહ ઈશ્વરભાઈ.......
    ડૉ.કિરણભાઈ પટેલ જેવા મહાનુભાવોના સંઘર્ષમય જીવનમાંથી હંમેશાં શીખવા મળે છે. આવા દાનવીરોના પાયા પર જ દેશની ઇમારત ટકેલી છે.. વંદન

    ReplyDelete
  2. AVA DATOJ DESHNE MAJA BUT KAVAMA MADADKARTA THA CHE

    ReplyDelete