માનવતાની મહેંક
આવો, આ દિવાળીએ દીપકની સાથે આપણી જાતને પણ પ્રગટાવીએ !
નાનાં બાળકો માટે દિવાળી એટલે તારામંડળ , ફુલઝડી, ફટાકડા, મીઠાઈ નવા કપડાં પછી તો બસ એ.. ય ... આનંદ અને ઉલ્લાસ! કમનસીબે આ નિખાલસ આનંદ બધાં બાળકોના નસીબે નથી લખાયો હોતો. એક નજર કરીએ તો આપણી આસપાસ જ એવાં કેટલાય બળદેવો જડી આવે કે એમના માટે દિવાળીનો તહેવાર હોય કે હોળીનો બધા જ દિવસ જાણે એક સરખા ! ફટાકડા, મીઠાઈ અને નવાં કપડાંનું સપનું પણ આવી જાય તો એમને મન મિજબાની !
દિવાળીના અગાઉના દિવસે કોઈ અજાણી વ્યક્તિ ફટાકડા અને મીઠાઈનું પેકેટ લઈ આવાં બાળકોને મળવા પહોંચી જાય તો એ બાળકોનું હૃદયમાં ઉમટેલી આનંદની હેલી શબ્દોમાં કેવી રીતે વર્ણવી શકાય. બસ આવું જ કાંઈક આજે બન્યું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક અંતરિયાળ ગામમાં !
અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ આજે પરિવાર સાથે સૌના કુતૂહલ વચ્ચે મેઘરજના આંતરિયાળ વિસ્તારના એક ગામમાં જઈ પહોંચ્યા.
આપણી આસપાસના અંતરિયાળ ગામોમાં કેટલાક પરિવારો અભાવોની વચ્ચે કેવું હાડમારી ભર્યું જીવન જીવે છે એ નિકટથી નિહાળીએ તો આંખો ભીંજાયા વિના ન રહે.. આવા પરિવારોના નાના નાના બાળકોને મનોહર સિંહ જાડેજા સાહેબે મીઠાઈ અને ફટાકડા વિતરણ કરી દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. મીઠાઈ અને ફટાકડા હાથમાં આવતાં જ એ બળદેવોની આંખોમાં આવેલી ચમક જોઈ હૃદયમાં જે શીતળતા અનુભવે છે એ શીતળતા કદાચ હિમાલયની ગોદમાં પણ ન અનુભવાય.
અરવલ્લી જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ એક હોનહાર પોલીસ ઓફિસર તો છે જ પરંતુ સાથે સાથે એક મળવા જેવા માયાળુ મનાવી પણ છે !
નર્મદા જિલ્લામાં તેઓ ફરજ બજાવતા ત્યારથી છેવાડાના ગામના બાળકો સાથે દિવાળી ઉજવવાની પરંપરા તેમણે આજે પણ જાળવી રાખી છે. વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચે એમ છતાં હૃદયમાં સંવેદનાની સરવાણી જાળવી રાખે તો એ વ્યક્તિત્ત્વ સમાજનો સાચો આદર્શ બને છે.જિલ્લાના પોલીસ વડા હોવા છતાં તેમના સ્વભાવની સાદગી, સરળતા અને વિનમ્રતા હૃદયને સ્પર્શી છે.
તેઓ રુઝુ હૃદયના માલિક છે, તો સાથે સાથે અસમાજિક અને ગુંડા તત્ત્વો માટે તેમનો સ્વભાવ કઠોરત્તમ છે.ફરજ નિષ્ઠાનું ઝનૂન તેમની પાણીદાર આંખોમાં સ્પષ્ટ વાંચી શકાય છે. તેમના નામ માત્ર સાંભળી ગુનેગારો થરથર ધ્રુજવા લાગ્યા છે તો સામાન્ય જનતા સલામતીની હૂંફ અનુભવી રહી છે.
અરવલ્લી જિલ્લો સાચે જ ભાગ્યશાળી છે કે મનોહરસિંહ જાડેજા સાહેબ જેવા બાહોશ અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી પ્રાપ્ત થયા.
હું ખાતરી પૂર્વક કહી શકું છું કે અરવલ્લી જિલ્લાના આગામી વર્ષો સુરક્ષા, સલામતી અને શાંતિ માટે સીમાચિહ્ન રૂપ સાબિત થશે.
અરવલ્લીની અટારીએથી શામળિયાના આશીર્વાદ સદા માટે સાહેબ પર વરસતા રહે અને વધુ ઉત્કૃષ્ટ કામગીરી માટે કાળિયો ઠાકર સાહેબને બળ પૂરું પાડે એ જ પ્રાર્થના.
ઇશ્વરે જેને જેને સામર્થ્ય પ્રદાન કર્યું છે, સમાજના એવા તમામ સંપન્ન વ્યક્તિ છેવાડા ગામડાંમાં વસતા જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચે તો ઈશ્વર કેટલો પ્રસન્ન થાય !!!
- ઈશ્વર પ્રજાપતિ
98251 42620
No comments:
Post a Comment