name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM: સન્ડે સ્પેશિયલ

Sunday, October 19, 2025

સન્ડે સ્પેશિયલ

તું તારા દિલનો દીવો થા !

     આવતી કાલે પ્રકાશપર્વ  દીપાવલી છે. દીપોત્સવી જેવો  તહેવાર આવે ત્યારે સમજાય છે કે કાલચક્ર એની નિયત ગતિમાં કેટલું ઝડપથી ફરી રહ્યું છે. આંખના પલકારામાં જાણે વર્ષોનાં વર્ષો પસાર થઇ જાય છે. ગત વર્ષની દિવાળી હજી હમણાં તો ગઈ હતી અને આ વર્ષે લ્યો પાછી આવી ગઈ દિવાળી. દિવસો, સપ્તાહ, મહિના અને વર્ષો પસાર થતાં જાય છે પણ આપણે હજી ત્યાંના ત્યાં ઊભા છીએ એ વિચાર મનને ઝગઝોળી નાખે છે.  દિવાળી ટાણે વેપારીઓ જેમ પોતાના હિસાબ કિતાબના ચોપડાઓનું સરવૈયું માંડે છે, એમ આપણે સહુએ પણ ક્યારેક  જીંદગીના ચોપડાનું સરવૈયું માંડવું જોઈએ. આપણે સુપેરે જાણીએ છીએ કે જીંદગીના ચોપડાનું સરવૈયું માંડીએ તો તાળો જડવો મુશ્કેલ છે.

સમયનો ધસમસતો પ્રવાહ બસ આમ જ એકધારો વહ્યા કરશે. સમય વહી જશે સાથે સાથે આપણું જીવતર પણ ! ભાવગીતની એક પંક્તિ યાદ આવે છે.

“ગાદલાં બિછાવવામાં રાત તો વહી જશે,

ઊંઘવાનું રહી જશે, ‘ને સવાર થઇ જશે.”

આજના આવસરે આપણે આત્મચિંતન કરવું રહ્યું. ભૂતકાળનાં વર્ષો પર નજર કરી  આપણે આપણી જાતને પૂછી જોઈએ કે આપણે  પણ આમ જ સમય વેડફ્યો છે કે ? કરવા જેવા કામ કરી શક્યા છીએ કે પછી વર્ષો નિરર્થક તો નથી  ખર્ચી નાખ્યાં ને ?  સમયની સાથે કદમ મિલાવી જો ન ચાલી શક્યા તો આખરી સમયે હાથમાં અફસોસ સિવાય કાઇ જ નહિ બચે. જીવનમાં કઈક સાર્થક કાર્ય કરવાની ઝંખના હોય તો આ દિવાળીએ કેટલાક સંકલ્પ કરીએ.

મુસીબત સામે બહાનાં નહિ, પોતાની જાતને ધરો.  

સમય સાથે ન ચાલી શકવાનાં આપણી પાસે અઢળક બહાનાં ઉપલબ્ધ હોય છે. બહાનાનું બક્તર પહેરીને ફરતા મનુષ્યને સફળતા ભાગ્યે જ સ્પર્શી શકે છે. બહાનું એ આળસનું  પહેલા  ખોળાનું લાડકવાયું સંતાન છે. માવજત મળતાં ખૂબ ઝડપથી એ વિકસે છે. અસત્યનાં રૂપાળા લાગતાં રેશમી વસ્ત્રોથી  એને રોજ સુંદર રીતે શણગારવામાં આવે છે.  રૂપાળું પણ એટલું જ લાગે છે. બહાનું બાળપણ તો ખૂબ સોહામણું હોય છે પરંતું કમનસીબે એને યુવાવસ્થા નથી આવતી,  સીધું જ ઘડપણ આવે છે અને લાંબી માંદગી બાદ મૃત્યુ પામે છે.

નિષ્ફળતા કે કામની અપુતઁતા માટે આપણે હંમેશા બહાનાની ઢાલ બનાવીએ છીએ. નિષ્ફળતાના પ્રહારો સામે  બહાનાની ઢાલ ધરતાં જેણે આવડી ગઈ તો જીવનયુદ્ધમાં એની હાર નિશ્ચિત છે. કર્મના કુરુક્ષેત્રમાં કાયર યોદ્ધાઓ જ  બહાનાની ઢાલ ઓઢી ફરતા હોય છે. અને નિષ્ફળતાના પ્રહારો સામે જે પોતાની જાત ધરી દે છે  વિજય તેનાં વધામણાં લે છે.

      નિષ્ફળતાના છોડને બહાનાના જળથી  સિઁચતા એ છોડ વૃક્ષ બની ફાલે તો છે પણ ફ્ળતૂ નથી. એનો છાંયો વૈશાખી બપોરના તાપ કરતાં વધું આકરો લાગે છે. નિષ્ફળતા એ  કોઈ કલંક કે પાપ નથી પરંતું અનુભવ સિદ્ધ જ્ઞાન છે. નિષ્ફળતાના અનુભવો માનવીના શ્રેષ્ઠ ગુરુ છે.  આ ગુરુ પાસે થી બોધ મેળવી એને અનુસરનાર શિષ્યની સફળતા નિશ્ચિત છે. #make_an_effort_not_an_excuse...

જ્વલંત સફળતા માટે પડકાર વાળો માર્ગ પસંદ કરો, શોર્ટકટ નહીં.

મંજિલમાર્ગની આનંતતા જોઇ માનવમન #shortcut શબ્દ સાંભળતા લલચાય છે. જ્યારે એક કરતાં વધારે ફાંટા પડે ત્યારે સામાન્ય માનવીનાં મન અને મગજ વચ્ચે દ્વંદ સર્જાય છે. અને આ દ્વંધમાં મોટા ભાગે મગજ જીતી જાય છે. હૃદયને જીતવાના ચાન્સ જૂજ કિસ્સામાં જોવા મળે. કારણ એનો અવાજ સંભાળી અનુસરવાની હિમ્મત બધામાં નથી હોતી. મગજ રસ્તા પરની ભીડ જોઇ નિર્ણય કરે,  હૃદય માર્ગની યથાર્થતા જોઇ  નિર્ણય કરે છે.

 પોતાની જાતને ઢસડીને ચલવતા મુસાફરોનો માર્ગને પણ ભાર લાગે છે. માર્ગનાં દરેક ફાંટામાં તેઓને #shortcutનાં દર્શન થાય છે. આવાં અધીરા મુસાફરને ચાલ્યા વગર જ ઝડપથી મંજીલે પહોંચી જવાની ઉતાવળ હોય છે. જ્યારે ચરણોમાં ચાલવાનો ઉમંગ લઈ પોતાની આગવી મસ્તીથી નીકળેલા મુસાફર એ રસ્તાની શોભા છે. સફરને યાત્રા બનાવે છે. પડકારોને પ્રેમ કરે છેમાર્ગ આવતી શિલાઓની સીડી બનાવે છે,  વિડંબનાઓને વહાલ કરે છેઆપત્તિઓને અવસરમાં પલટાવે છે. ખુદ માર્ગ અને મંજિલને આવાં મુસાફરોનો ઈંતજાર હોય છે. તેઓને જોઇ #shortcut સરમાઈ જાય છે. સફળતા તેઓનાં ભાલે રાજતિલક કરવા હંમેશા તત્પર હોય છે. ખુદ મંજિલ તેઓને પોંખવા આતુર હોય છે.
મિત્રોનક્કર સફળતાનો કોઈ જ #shortcut આજ સુધી શોધાયો નથી.

તું તારા દિલનો દીવો થા !

સુખ્યાત કવિ ભોગીલાલ ગાંધીની કાવ્યની આ ધ્રુવ પંક્તિ ખુબ મોટો સંદેશ આપી જાય છે. ઉછેનાં તેજથી આયખામાં ઊજાસ થોડો પથરાય ? ઉછીનું તો આખરે ખૂટી જાયછે. જીવતરમાં ઝળહળ પ્રકાશ રેલાવવો હોય તો જાતે વાટ થઈ જલવું પડે. પુરુષાર્થનું તેલ સદા પૂરતું રહેવું પડે. માણસમાં અસીમ શક્તિ રહેલી છે. તેની ભીતર રહેલી શક્તિઓ જ સાચો પ્રકાશ પાથરી શકે. એટલે માણસે પોતાના પોતે જ પોતાના દિલનો દીવો થવાની જરૂર છે. આભમાં સૂરજ – ચંદ્રનું તેજ ભરપુર હોય પરંતુ જ્યાં સુધી આપણે આપણું પ્રગટાવીશું નહિ ત્યાં સુધી તે આપણા ખપનું નથી. તેજ ભલે આછું હોય પરંતુ પોતીકું હોય ! તું જ તારો તારણહાર છે. તું જ તારો ઉદ્ધારક છે.

આ દીપાવલીએ સંકલ્પ લઈએ કે માત્ર પોતાનું જ નહિ પરંતુ બીજાના જીવતરમાં પણ પ્રકાશ પાથરવામાં આપણે નિમિત્ત બનીએ. રોજેરોજ એક અજણ્યા ચહેરા પર સ્મિત લાવવા આપણે કારણભૂત બનીએ. કોઈના કોડિયામાં તેલ ન પૂરી શકીએ તો કાંઈ નહિ, એની વાટ સંકોરીએ તોય ઘણું !   

દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.

- ઈશ્વર પ્રજાપતિ 

98251 42620

2 comments:

  1. ખૂબ ખૂબ અભિનંદન. બહુ જ ગહન વિષય વસ્તુ ઉપર અભ્યાસપૂર્ણ લેખ છે
    જ્યારે તમે પોતાની જાત સામે લડી શકો છો તો જ સફળતા પ્રાપ્ત થાય છે તે ચોક્કસ વસ્તુ છે બહાનું કાઢીને આપણે આપણી જાતને જ છેતરીને છીએ રોજ રાત્રે ઓછામાં ઓછું એક કલાક સૂતા સમયે આત્મ મંથન પોતાની વ્યક્તિગત જાત માટે વિચાર કરી સરવૈયું મેળવી એ તો સફળતા ચોક્કસ મળશે

    ReplyDelete