"નાહી જનમ મિલે તો અચ્છા હૈ ઔર વાકેહી જનમ મિલા મુજે તો મેં લતા મંગેશકર બનના નહીં ચાહુંગી." : લતા મંગેશકર
લતાજીના નામને અન્ય કોઈ જ વિશેષણની જરૂર નથી. તેમનો મધુર કંઠ જ સ્વયં એક વિશેષણ છે. એમને કેટલાક સાક્ષાત્ સરસ્વતીનો અવતાર પણ કહે છે, પરંતુ લતાજીને આ કક્ષાએ પહોંચતાં કેટલાં આંસુ વહેવડાવ્યાં તે બહુ ઓછા લોકો જાણે છે.
લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઈન્દોરમાં પંડિત દીનાનાથ મંગેશકર અને શેવંતીના ઘરે થયો હતો. લતાજીના પિતા મરાઠી સંગીતકાર, શાસ્ત્રીય ગાયક અને થિયેટર-એક્ટર હતા, જ્યારે માતા ગુજરાતી હતા.પિતા માસ્ટર દીનાનાથ એક નાટકમંડળી ચલાવતા હતા. લતાનું અસલ નામ હેમા હતું પરંતુ પુત્રીના જન્મ બાદ તેમની ‘બલવંત સંગીત મંડળી’ બહુ ચાલવા લાગી. દીનાનાથના એક નાટકમાં લતિકાનું પાત્ર આવતું હતું. એ પાત્ર ખુદ દીનાનાથ સ્ત્રીપાઠ લઈને ભજવતા હતા. એ પાત્રને બહુ જ લોકપ્રિયતા મળતાં તેમણે પુત્રીનું નામ લતા રાખ્યું હતું.
લતાજીની અટક મંગેશકર પાછળ પણ એક કહાની છે. ગોવામાં પોતાના ગામ મંગેશીમાં જ્યારે પિતા દીનાનાથ બાળકલાકાર તરીકે ઊભરવા લાગ્યા ત્યારે તેમના આખા પરિવારે વિરોધ કર્યો હતો, કારણ કે તેઓ પૂજારી પરિવારમાંથી આવતા હતા. પેઢીઓથી તેમનો પરિવાર ગામના મંગેશ દેવતાના મંદિરની સેવા સિવાય બીજું કાંઈ પણ કરવું તેને અશોભનીય માનતો હતો. દીનાનાથનો વિરોધ થતાં તેઓ ગામ છોડી ઈંદૌર ચાલ્યા ગયા અને એક મોટા ગુજરાતી પરિવારની પુત્રી સાથે લગ્ન કરી નાંખ્યું હતું. તેઓ સ્વાભિમાની હતા. પોતાના પરિવાર તરફથી તેમનો બહિષ્કાર થયો હોઈ પોતાના કુળની અટક ત્યજીને તેમણે પોતાના ગામ મંગેશી પરથી મંગેશકર અટક ધારણ કરી હતી.
બાળપણથી જ લતાજીને ઘરે જ ગીત-સંગીત અને કલાનું વાતાવરણ મળ્યું અને તે તેની સાથે જોડાઈ ગયાં. પાંચ વર્ષથી ઓછી ઉંમરમાં જ લતાને તેમના પિતા સંગીતના પાઠ ભણાવવા લાગ્યા હતા. દીનાનાથનું દિલ રાજા જેવું હતું, પરંતુ શરાબના અવગુણ તેમના પતનનું કારણ બન્યું. લતાની ઉંમર માત્ર છ વર્ષની જ હતી અને તેમને શીતળા નીકળ્યા. થોડાક સમય બાદ શીતળા તો મટી ગયા, પરંતુ તેના દાગ લતાના ચહેરા પર રહી ગયા.
૪૨ વર્ષની વયે જ પિતા દીનાનાથનું મૃત્યુ થઈ ગયું. બધું જ શરાબમાં ડૂબી ગયું. 1942માં પિતાના નિધન પછી લતા પર પરિવારની જવાબદારી આવી ગઈ હતી. કલાકારો ઘરનાં વાસણો પણ લૂંટી ગયાં. મંગેશકર પરિવાર હવે ભૂખમરાની સ્થિતિમાં આવી ગયો. દીનાનાથની નનામી ઊંચકનારા ચાર જણ સિવાય અંતિમક્રિયામાં કોઈ લોકો નહોતા.
માત્ર ૧૩ વર્ષની લતાના ખભા પર હવે આખા પરિવારનો બોજ આવી પડયો. ઘરમાં ત્રણ નાની બહેનો મીના, આશા અને ઉષા અને એક અપંગ ભાઈ હૃદયનાથ તથા મા અને બધાની જવાબદારી હવે લતા પર હતી. મરતા પહેલાં પિતાએ લતાને બોલાવીને કહ્યું હતુંઃ ‘તારા જન્મ પહેલાં મેં પુત્રની કામના કરી હતી. પણ હવે તું જ પુત્રથી કમ નથી. મને વિશ્વાસ છે કે મારા મર્યા પછી તું પરિવારને સંભાળી લેશે.’ અને લતાએ પિતાની આકાંક્ષા પૂરી કરવાની બાબતને પોતાનો જીવનઉદ્દેશ બનાવી લીધો. એ વખતે ઘરમાં વાસણો પણ રહ્યાં નહોતાં. પરિવાર કંગાળ બની ગયો હતો. સાંજે ખાવાનું ક્યાંથી લાવવું તે પણ સવાલ હતો. આવી બેહદ મુશ્કેલીની ઘડીમાં લતાએ પોતાનું આત્મસન્માન જાળવી રાખ્યું. એક વાર પોતાનાં સગાંસંબંધીઓથી મદદ મળશે તેવી ઉમ્મીદ સાથે તે પોતાના ગામ મંગેશી ગઈ પરંતુ ત્યાંથી જવાબ મળ્યો કે, ‘અમે પ્રતિષ્ઠિત કુળના પૂજારીઓ છીએ, જેની સાથે તમારો નાતો તૂટી ચૂક્યો છે.’ એ દિવસે લતાએ કસમ ખાધી કેઃ ‘મારા સારા દિવસો આવશે તો પણ હું મારા ગામમાં કદીયે પગ નહીં મૂકું.’ લતાએ પોતાનાં ભાઈબહેનોને કહી દીધું કે, ‘હવેથી કોઈ દયા કરીને કાંઈ આપે તો પણ તેનો કદી સ્વીકાર કરતાં નહીં.’
સગાંઓને ત્યાંથી ખાવાનું મંગાવવાના બદલે એક સ્ત્રી કે જે તેમના જ ત્યાં નોકરાણી હતી તે ક્યાંકથી ખાવાનું માંગી લાવી, કારણ કે આખો પરિવાર બે દિવસથી ભૂખ્યો હતો, પરંતુ લતાએ તેનો પણ ઈન્કાર કરી દેતાં કહ્યુંઃ ‘અગર એક વાર આપણે દયા ભીખના સ્વરૂપમાં સ્વીકારી લઈશું તો આપણે કદીયે આવા ખરાબ સમયમાંથી બહાર નહીં આવીએ.’
માસ્ટર વિનાયકે લતા પાસે એક મરાઠી ફિલ્મ માટે એક ગીત ગવરાવ્યું. ગીત સાંભળ્યા પછી ફરી એક વાર લોકોએ કહ્યું કે, ‘આ છોકરીના અવાજમાં દમ નથી.’એ વખતે લોકોને લતાનો અવાજ એક બીમાર છોકરીના અવાજ જેવો લાગ્યો, પરંતુ બહુ ઓછા લોકોને એ કડવા સત્યની ખબર હતી કે લતાએ એ ગીતનું રેકોર્િંડગ કરાવડાવ્યું ત્યારે બે દિવસથી તે ભૂખી હતી. તે વખતે લતા તેર જ વર્ષની દૂબળી પાતળી ને કમજોર છોકરી હતી.
લતાજીએ એના જીવનમાં ગાયેલું પહેલું ગીત ફિલ્મમાં લેવાયું નહીં. બીજી બાજુ હકીકત એ પણ હતી કે માસ્ટર વિનાયક એ બહાને લતાના પરિવારને મદદ કરવા માગતા હતા. ગીતનો ઉપયોગ ન થયો હોવા છતાં માસ્ટર વિનાયકે મહેનતાણા રૂપે લતાને ૫૦ રૂપિયા આપ્યા. અત્યારે તો લતા સમક્ષ ભાઈ-બહેનોને જીવતાં રાખવાનો જ સવાલ હતો.
માસ્ટર વિનાયક પછી ખુદ નૂરજહાં પણ લતાજીના સ્વર પર આફરીન હતી. નૂરજહાં એ વખતે ટોચ પર હતી અને તેના શબ્દો સાંભળી લતાજીની આંખમાંથી આંસુ આવી ગયાં. ખરી વાત એ હતી કે એ વખતે ત્યારે ગળાથી ગાવાવાળી ગાયિકાઓનો જમાનો હતો ત્યારે પાતળો અવાજ ધરાવતી લતાજીના સ્વરને લોકો જલદી સ્વીકારવા માંગતા નહોતા. વારંવાર લોકોના નકારાત્મક અભિપ્રાયથી લતાનો આત્મવિશ્વાસ ડગવા માંડયો હતો, પરંતુ નૂરજહાં દ્વારા મળેલા પ્રશંસાના બે શબ્દો બાદ લતાજી નૂરજહાંની જિંદગીભર માટેની અહેસાનમંદ બની ગઈ. વર્ષો પછી નૂરજહાં પાકિસ્તાન જતી રહી પરંતુ લતા અને નૂરજહાં વચ્ચેના સંબંધો પૂરી ગહેરાઈથી કાયમ રહ્યાં.
માસ્ટર વિનાયક લતા મંગેશકરના પરિવાર માટે દેવતા બનીને આવ્યા હતા. પરંતુ મુશ્કેલીઓનો અંત હજી આવ્યો નહોતો. ૧૯૪૭માં લતાજીના ઘોર અંધકારભર્યા જીવનમાં રજતરેખા દેખાવા માંડી હતી ત્યાં જ માસ્ટર વિનાયકનું મૃત્યુ થઈ ગયું. એ વખતે લતાનું બેંક બેલેન્સ ૧૪ રૂપિયા હતું. જ્યારે તેની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી. માસ્ટર વિનાયકનું મૃત્યુ થતાં મુંબઈના એક ગેસ્ટહાઉસમાં રહેતા તેમના આખાયે ફિલ્મ યુનિટને બહાર તગેડી મૂકવામાં આવ્યું, લતાને પણ.
લતા ફરી એક વાર સડક પર આવી ગઈ.
લતાજીએ હવે પૂના કે કોલ્હાપુર પાછા જવાને બદલે મુંબઈમાં જ રહેવાનો નિર્ણય કર્યો. પોતાની બહેનો, ભાઈ વગેરેને મુંબઈ બોલાવી લીધાં. મુંબઈની જ એક ચાલીમાં એક કમરો લીધો. આ ચાલીની બાજુમાં જ એક મંદિર હતું. મંદિરના શાંત વાતાવરણમાં લતાએ સંગીતનો અભ્યાસ શરૂ કર્યો. ત્રણે ભાઈ-બહેનોને પણ સંગીતના અભ્યાસમાં સામેલ કરી લીધાં. પાંચેય જણ વચ્ચે માત્ર એક જ તાનપૂરો હતો.
એક તરફ લતાજીના પાતળા અવાજનો અસ્વીકાર કરવાવાળા લોકો હતા, તો બીજી તરફ તેની તરફેણ કરવાવાળા પણ હતા. તેમાંના એક હતા સંગીતકાર ગુલામ હૈદર. ગુલામ હૈદર એક ગીત ગવડાવવા માટે લતાજીને શશધર મુકરજી પાસે લઈ ગયા. શશધર મુકરજી ઘમંડી હતા. તેમણે લતાનો સ્વર સાંભળતાં જ નાપસંદ કરી દીધો. બીજી બાજુ ગુલામ હૈદરનો નિર્ણય હતો કે ફિલ્મ ‘શહીદ’માં તેમનું સંગીત હશે તો અવાજ તો લતાનો જ હશે. ગુલામ હૈદરના આ આગ્રહથી શશધર મુકરજી એટલા તો ચીડાયા કે તેમણે ફિલ્મમાંથી ગુલામ હૈદરને જ કાઢી મૂક્યા.
શશધર મુકરજીએ હવે ‘અનારકલી’ બનાવવાની તૈયારીઓ કરવા માંડી હતી. સંગીત માટે સી.રામચંદ્રને બોલાવ્યા તો ફરી વાર એમણે પણ લતાનો જ સ્વર લેવા આગ્રહ રાખ્યો. શશધર મુકરજીએ સાફ ના પાડી દીધી અને બીજી બાજુ સી.રામચંદ્રએ એ વાતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી ફિલ્મ છોડી દીધી. મુકરજીએ બીજા અનેક સંગીતકારોને બોલાવી જોયા પરંતુ કામ શરૂ થાય તે પહેલાં તો બધા જ વિદાય થઈ ગયા. શશધર મુકરજીએ ફરી સી.રામચંદ્રને જ બોલાવ્યા અને તેમણે લતા પાસે ‘જમાના યે સમજા કે હમ પી કે આયે’ ગીત ગવડાવ્યું. ગીતના થોડા થોડા અંતરાલ વચ્ચે હીચકીઓ આવતી હતી તે મુદ્દો બનાવીને શશધર મુકરજીએ સી.રામચંદ્ર પર રૂ.૭૫ હજારનો નુકસાનીનો દાવો ઠોકી દીધો, પરંતુ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે ‘યે જમાના યે સમજા’ લતાના ગીત પર ફિલ્મ સફળ થઈ.
એ વખતે નિર્માતા ચંદુલાલ શાહનો જમાનો હતો. સંગીતકાર નૌશાદે લતાના અવાજની એક ટેપ ચંદુલાલ પર મોકલાવી. પ્રસિદ્ધ સંગીતકાર ખેમચંદ્ર પ્રકાશે ચંદુલાલને કહ્યુંઃ ‘શેઠજી, આનેવાલે વક્ત મેં યે લડકી સબ સે બડી સ્ટાર હોગી.’ આ સાંભળી ચંદુલાલ શાહ એટલા ખીજાયા કે ખેમચંદ્ર પ્રકાશને કાલથી નોકરીમાં આવતા જ નહીં તેમ કહી દીધું.લતાએ આ અપમાન પણ બરદાસ્ત કરી લીધું. પરંતુ હવે સમય બદલાવા લાગ્યો હતો. લતાનું નામ બજારમાં ચાલવા લાગ્યું હતું.
શ્યામસુંદરને શરાબે ખતમ કરી દીધા હતા. જે લતાને તેમણે ગાળ દીધી હતી તે જ છોકરીને શ્યામસુંદરની હાલત પર દયા આવી. શ્યામસુંદરની વિનંતી પર લતાએ એ જમાનાનું સુપરહિટ ગીત ‘બહારેં ફીર ભી આયેગી’ ગીત ગાયું. મોટા મોટા સ્તંભ પણ ધરાશાયી થતા હતા, પરંતુ લતા મંગેશકર તરક્કીની સીડીઓ ચડતાં ગયાં. પોતાના ખરાબ સમયમાં સાથ આપનારને તે કદી ભૂલ્યાં નહીં. તેમાંના એક હતા સંગીતકાર નૌશાદ. નૌશાદના કારણે જ લતાજીને અંદાજ જેવી ફિલ્મોમાં કામ મળ્યું હતું. પરંતુ સમય બદલાતો ગયો અને લતા મંગેશકરનું નામ કોઈ પણ ફિલ્મની સફળતા માટે અનિવાર્ય બનતું હતું. જેને લોકો પાતળો અવાજ કહેતા તે જ દેશના કરોડો લોકોને મંત્રમુગ્ધ કરી ગયો. હિંદી ફિલ્મોના ચાહકોની તે કોકિલકંઠી બની ગયાં. હવે તેમની પાસે બધું જ હતું. ધન, ઐશ્વર્ય, પ્રતિષ્ઠા અને સન્માન. એક પછી એક તેમણે સેંકડો ગીત ગાયાં. ટંકશાળ પડી ગઈ, પરંતુ ખૂબીની વાત એ હતી કે દરેક સુખ-સુવિધાથી સંપન્ન હોવા છતાં તેમણે એકલવાયી જિંદગીની પછેડી ઓઢી લીધી હતી.
લતાએ સ્થાયી રૂપે સફેદ સાડી પહેરવાનું શરૂ કર્યું. પોતાનાં ભાઈ-બહેનોને ઉછેરીને મોટાં કરવા માટે લતા મંગેશકરે પોતાની અંગત જિંદગી-ઈચ્છાઓ દબાવી દીધી છે. બધાંએ ઘર વસાવી લીધું પણ લતા મંગેશકર એકલવાયાં રહી ગયાં.
તેમણે 20 ભાષામાં 30 હજારથી વધુ ગીતનું ગાન કર્યું છે. 2001માં તેમને ભારતરત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પહેલાં તેમને પદ્મભૂષણ(1969), દાદા સાહેબ ફાળકે પુરસ્કાર(1989) અને પદ્મ વિભૂષણ(1999)થી પુરસ્કૃત કરવામાં આવ્યાં. તેઓ ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને આઠ વખત ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા. મધ્યપ્રદેશ સરકારે લતા મંગેશકરના નામે પુરસ્કાર પણ સ્થાપિત કર્યો છે.
લતા જે કમાયાં છે તેમાંથી ઘણી મોટી રકમ દાનમાં જતી. હોસ્પિટલોથી માંડીને બેસહારા છોકરાઓને પનાહ આપતી સંસ્થાઓમાં તેમણે ઘણી મોટી ચેરિટી કરી છે. ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ ના દિવસે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સ્વર સામ્રાજ્ઞી લતાજીએ અંતિમ શ્વાસ લીધા.
લતા મંગેશકર એક દંતકથા હતાં. લતાજી કુદરતનો એક એવો કરિશ્મા છે કે બીજાં હજ્જારો વર્ષ સુધી પેદા થશે નહીં. સફળતાનાં સર્વોચ્ચ શિખરો સર કરીને અપ્રતિમ લોકચાહના પ્રાપ્ત કરનારાં લતાજી જીવનભર કેવી પીડા અનુભવી હશે તેનો અહેસાસ તેમણે આપેલા એક ઇન્ટરવ્યૂમાં થાય છે. ઇન્ટરવ્યૂમાં લતાજી એ કહ્યું હતું કે "નાહી જનમ મિલે તો અચ્છા હૈ ઔર વાકેહી જનમ મિલા મુજે તો મેં લતા મંગેશકર બનના નહીં ચાહુંગી."
લતાજી ભલે આજે આપણી વચ્ચે સદેહે નથી પરંતુ આવનારાં અનેક વર્ષો સુધી તેઓ દેશના લોકોનાં હૃદયમાં તેમનો મધુર કંઠ ચિરંજીવ રહેશે.
(સંદર્ભ : કભી કભી - લે. દેવેન્દ્ર પટેલ)
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment