"તબીબ એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ જનસેવાનું એક ઉત્તમ માધ્યમ છે." : ડૉ. ઉમેશ શાહ
ડૉ. ઉમેશભાઈ શાહ એટલે તબીબ જગતમાં આદર સાથે લેવાતુંએક નામ. અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ જેવા ખોબા જેવડા ગામમાંથી નીકળી ખેડા જીલ્લાના કપડવંજ જેવા નગરમાં એક અદ્યતન હોસ્પિટલ સ્થાપી છેલ્લા સાડા ત્રણ દાયકાથી દર્દીઓની સેવામાં તેઓ સમર્પિત છે. મહાનગરોમાં આવેલી હોસ્પિટલોને આંટીઓ ખવડાવે તેવી આધુનિક સવલતોથી સજ્જ, સ્વચ્છ અને સુઘડ હોસ્પિટલ ! કપડવંજ જેવા નાના નગરમાં આવી સજ્જ હોસ્પિટલની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કપડવંજ વિસ્તારના છેવાડાના પ્રજાજનોને ઉત્તમ કક્ષાની તબીબી સારવાર મળી રહે એ હેતુથી આ વિરાટ સ્વપ્નને હકીકતમાં પરિવર્તિત કર્યું ડૉ. ઉમેશભાઈએ ! આ હોસ્પિટલના નિર્માણનાં પાયામાં ડૉ. ઉમેશભાઈની દીર્ઘદૃષ્ટિ, કઠોર પરિશ્રમ અને સેવા પારાયણ સ્વભાવની સાક્ષી પૂરે છે.
તબીબી ક્ષેત્રના સફળ યાત્રી ડૉ ઉમેશભાઈની જીવનયાત્રા અરવલ્લીના અંતરિયાળ એવા આકરૂન્દ ગામેથી શરૂઆત થઇ. જીવનમાં તડકી-છાયડી તેમને ખૂબ નજીકથી નિહાળી છે. પિતા પૂંજાલાલ શાહ અને માતા ચંપાબેનના પાંચ સંતાનોમાં સૌથી ઉમેશભાઈ સૌથી નાના. પરિવારમાં સૌથી નાના એટલે તેમનો ઉછેર ખુબ લાડકોડથી થયો. આકરૂન્દ ગામમાં ઉદેપુર જવા તરફના રસ્તા પર પિતા પૂંજાલાલ શાહની દુકાન. એ સમયે દુકાન ધૂમ ચાલે. અને માતા ઘર સંભાળે. ઘર આંગણે સમૃદ્ધિની છોળો ઉડતી. એ જમાનામાં ઘર આંગણે સાયકલ હોય તો એ શ્રીમંતાઈની નિશાની ગણાતી. એ સમયે પૂંજાલાલે જીપ વસાવી રાખી હતી. પૂંજાલાલ ઘોડે સવારીના શોખીન એટલે જાતવાન બે ઘોડા પણ પાળ્યા હતા. બાળપણમાં ઘોડેસવારી કરવાનો રોમાંચ આજે પણ ઉમેશભાઈની આંખોમાં ઉભરી આવે છે.
જીવનમાં સૌથી મોટો શિક્ષક એ સમય છે. સમય જે પાઠ શીખવી જાય છે એ દુનિયાના કોઈ ગુરુ શીખવી શકતા નથી. સમય પરિવર્તન શીલ છે. કાલચક્ર ફર્યા જ કરે છે. બસ એ જ ન્યાયે ઉમેશભાઈ કિશોર અવસ્થાએ પહોંચ્યા ત્યાં સુધીમાં ઘર આંગણે ઉછળતી સમૃદ્ધિની છોળો સમયની સાથે ક્યાય વિલીન થઇ ગઈ. પરિવારની પરિસ્થિતિ વિકટ બની. પાંચ સંતાનોનો ભર્યોભાદર્યો પરિવારનો નિર્વાહ કરવો એ પણ જાણે મોટો પડકાર બની ગયો. આ પરિસ્થિતિએ ઉમેશભાઈને ઓછી ઉમરે પલોટવાનું શરૂ કર્યું. ઉમેશભાઈ ઘરની પરિસ્થિતિ પામી ચૂક્યા હતા. હાથ જોડી બેસી રહેવાથી પરિસ્થિતિ થોડી પલટાય છે. પરિસ્થિતિ પલટાવવા માટે સમય અને સંજોગો સાથે સમી છાતીએ બાથ જ ભીડવી પડે. ઉમેશભાઈએ નીડરતા પૂર્વક બાથ ભીડવાનો નિર્ધાર કર્યો.
ઉમેશભાઈ ભણવામાં તેજસ્વી વિદ્યાર્થી. ધોરણ ૧ થી ૧૦ આકરૂન્દમાં જ ભણ્યા. એસ.એસ.સી. માં ખુબ સારા ગુણ સાથે ઉતીર્ણ થયા. વધુ અભ્યાસ માટે હવે મોડાસા સ્કૂલમાં પ્રવેશ લીધો. પણ એ સમયે અભ્યાસ માટે મોડાસા આવવું એ પણ ઘણું ક્રાંતિકારી પગલું ગણાતું. ઉમેશભાઈ મોડાસા આવ્યા. વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો. અહીં પણ તેમની પ્રતિભા કોઇથી છાની રહી નહિ. એક તો તેઓ શિસ્તના પાકા આગ્રહી અને ભણવામાં પણ અવ્વલ એટલે શિક્ષકોના તે પ્રિય વિદ્યાર્થી બની રહ્યા. જીવનમાં કાંઈક કરવાની તાલાવેલી તેમને ક્યાય ઝંપવા દેતી જ નહિ.અભ્યાસમાં સખત પરિશ્રમ એ તેમનો સ્વભાવ બની ગયો હતો. આકાહ્રે તેમની મહેનત રંગ લાવી. ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં તેમણે ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું. આખા પરિવારમાં આનંદનો માહોલ છવાઈ ગયો. હવે અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજ ઉમેશભાઈની પ્રતીક્ષા કરી રહી હતી.
બી. જે. મેડીકલ કોલેજમાં પ્રવેશ તો મેળવી લીધો. પરંતુ અમદાવાદ જેવા શહેરમાં રહેવું- જમવું અને કોલેજની ફી, પુસ્તકો એક સાધારણ પરિવારને કેમ પોષાય ?? સદનસીબે સમાજના આવા તેજસ્વી વિદ્યાર્થીઓના આભ્યાસ માટે શિષ્યવૃત્તિ રૂપે આર્થિક સહાય પૂરી પડવાની એક યોજના અમલમાં હતી. તેજસ્વી વિદ્યાર્થીઓને એનો લાભ મળતો. અને વિદ્યાર્થીઓ પગભર બને ત્યારે એ શિષ્યવૃત્તિની રકમ પરત ચૂકવી દેતા. આ શિષ્યવૃત્તિનો લાભ ઉમેશભાઈને પણ મળ્યો. જેનાથી તેમના અભ્યાસ ખર્ચનો બોઝ પરિવાર પરથી ઘણો હળવો થઇ ગયો.
અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ દેખાતી તેમ ઉમેશભાઈને પણ માત્ર પોતાનું લક્ષ્ય જ દેખાતું હતું. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એ ઉક્તિ તેઓએ સાર્થક કરી બતાવી. એમ.બી.બી.એસ.નો અભ્યાસ પણ ખુબ સારા રેન્ક સાથે ઉત્તીર્ણ થયા. જેના પરિણામે તેમને માસ્ટર ઓફ સર્જનમાં પ્રવેશ મળી ગયો. જીવનમાં આગળ ધપવાનો દૃઢ સંકલ્પ અને તનતોડ મહેનતને કારણે એક પછી એક સફળતાના સોપાનો સર કરતા ગયા. એમ. એસ. નો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો.
કેટલાક વ્યવસાય એ માત્ર વ્યવસાય નથી પરંતુ એક મિશન હોય છે. તબીબ એ એક વ્યવસાય જ નથી પરંતુ એક મિશન છે. તબીબની ડીગ્રીને માત્ર આર્થિક ઉપાર્જનનું માધ્યમ બનાવવાના બદલે જનસેવાનું મિશન બનાવવાનું ડૉ. ઉમેશભાઈએ નક્કી કર્યું. સૌથી પહેલા આંનદ જીલ્લાના ખંભાતની હોસ્પિટલમાં સેવાઓ આપવાની શરૂઆત કરી. ખૂબ ઓછા સમયમાં એ વિસ્તારમાં તેમનું નામ ગુંજતું થયું. પરંતુ નિયતિએ તેમની તબીબી સેવાઓ બીજા જ કોઈ મલકમાં અપાવવાનું નિશ્ચિત કર્યું હતું.
કપડવંજના એચ.એમ. પટેલ જાણીતા ઉદ્યોગપતિ. તેમના પ્રેમાગ્રહને વશ થઇ ડૉ. ઉમેશભાઈ કપડવંજને પોતાની કર્મભૂમિ બનાવી. અહીં આવી પ્રેમાબેન સાથે લગ્નગ્રંથીથી જોડાયા. પ્રેમાબેનના સંગાથે ઉમેશભાઈના જીવનવિકાસને જાણે પાંખો મળી. ઘર આંગણું દીકરી હેલી અને દીકરા હાર્દનાં કિલ્લોલથી ગુંજતું થયું. જાહોજલાલી છેક બાળપણમાં જોઈ હતી. એ પછી ઘણો લાંબો કાલખંડ સંઘર્ષમય વીત્યો. પણ એ સંઘર્ષના દિવસોમાંય કદી હૈયામાંથી હામ ખૂટી નથી. જીવના સારા કે કપરા દિવસોને પ્રભુની પ્રસાદી માની સ્વીકારી લીધા. એની ફલશ્રુતિ રૂપે જ ઈશ્વરે ફરી કૃપા કરી અને આંગણે સમૃદ્ધિની છોલોના ફુવારા પ્રગટ્યા.
કપડવંજ વિસ્તારમાં એક નમૂના રૂપ હોસ્પિટલ બનાવવાનું સપનું સેવ્યું. એ વિરાટ સપનું સાકાર કરવા આ ડૉ. ઉમેશભાઈ અને તેમનાં અર્ધાંગીની પ્રેમાંબેન બન્ને સાથે મળી સહિયારા પુરુષાર્થે સપનું સાકાર કર્યું. અને અત્યાધુનિક સવલતોથી સજ્જ એવી "હાર્દ હોસ્પિટલ"નું નિર્માણ કર્યું. દર્દીના રોકવાના રૂમ જુઓ તો કોઈ હોટેલના રૂમને ટક્કર મારે તેવી વ્યવસ્થા. સ્વચ્છતા તો ઉડીને આંખે વળગે તેવી. હોસ્પિટલ છે પણ દવાની ક્યાય ગંધ જોવા ન મળે. લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ ઓપરેશન થીયેટર છે. ડઝન ઉપરાંત સુપર સ્પેશીયાલીસ્ટ ડોક્ટર્સ અહીં નિયમિત વિઝીટર ડોક્ટર તરીકે સેવાઓ આપે છે.
ડૉ. ઉમેશભાઈએ તબીબી વ્યવસાયને જનસેવાનું પ્રબળ માધ્યમ બનાવ્યું છે. છેવાડાના ગામડામાંથી આવતા કેટલાય એવા દર્દીઓ પણ હોય છે જેમની પાસે સારાવાના પૂરતા પૈસા પણ હોતા નથી. આવી સ્થિતિમાં દર્દીની સારવાર કરી ઘરે જવાનું ભાડું પણ ઉમેશભાઈ પોતાના ખિસ્સામાંથી કાઢીને આપે. અને જમણા હાથે કરેલું સત્કાર્ય ડાબા હાથને પણ જાણ ન થાય એની પૂરેપૂરી કાળજી રાખે. સેકડો જરૂરિયાતમંદ પરિવારોના અંતરના આશીર્વાદ ઉમેશભાઈને પ્રાપ્ત થતા રહ્યા છે. આજે હજારો લોકોના હૃદયમાં તેઓ સ્થાન પામ્યા છે.
ડૉ. ઉમેશભાઈ અને પ્રેમાબેનના પુત્ર હાર્દ શાહ હાલ અમદાવાદ ડેપ્યુટી કલેકટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. જ્યારે દીકરી ડૉ . હેલી અમદાવાદની એક જાણીતી હોસ્પીટલના પેથોલોજી વિભાગમાં સીનીયર રજીસ્ટાર તરીકે સેવાઓ આપી રહ્યાં છે.
ડૉ. ઉમેશભાઈએ ભલે સફળતાના સોપાનો સર કર્વયા પરંતુ તેમના પગ હંમેશા જમીન સાથે જોડાયેલા જ રહ્તયા છે. તેમની પાસે બેસો તો તમને જરા પણ તેમની વિદ્નવત્તાનો જરાપણ ભાર લાગવા જ ન દે ! એકદમ હળવુંફૂલ વ્યક્તિત્વ ! બાળક જેવું નિખાલસ હાસ્ય તેમના ચહેરા પર ફરકતું રહે છે. માતૃભૂમિ આકરૂન્દને છોડી ગયે દાયકાઓ વીતી ગયા. એમાં છતાં વતન પ્રત્યેની અનન્ય લાગણી તેમણે હૃદયમાં આજેપણ સાચવી રાખી છે. વતન વિસ્તારનાં વિદ્યાર્થીઓના વિકાસ માટે તેમનું ચિંતન આપણને અચરજ પમાડે તેવું છે.
માતૃભૂમિની માટીમાં ગાળેલા બાળપણના એ દિવસો યાદ કરે છે ત્યારે ડૉ. ઉમેશભાઈની આંખોમાં મસ્તી કરતા, રમતા-કૂદતા બાળ ઉમેશની છબી ઉભરી આવે છે. બાલ્યાવસ્થાના એ સુવર્ણ દિવસો યાદ કરી તેમની આંખો ભીંજાયા વિના રહેતી નથી.
-ઈશ્વર પ્રજાપતિ
9825142620
EXCELLENT. 'MARVELLOUS
ReplyDeleteVery good 👍
ReplyDeleteGreat work 👍🏼🙏🏻🌹
ReplyDelete