માયાવી નગરી મુંબઈમાં પાંગરેલું અરાવલી ધરાનું અરણ્ય પુષ્પ: જયેશભાઈ પંડ્યા.
જયેશભાઈ પંડ્યાના નામથી અરવલ્લીના બહુ ઓછા લોકો પરિચિત હશે. એનું એક કારણ એ પણ છે કે તેઓ નામ કરવા કરતાં કામ કરવામાં વધુ રુચિ ધરાવે છે. અને એટલે જ અરવલ્લીના એક ખોબા જેવા ગામ માંથી નીકળી મુંબઈ જેવા મહાનગરમાં આપબળે વિરાટ સામ્રાજ્ય ખડું કરી દીધું.
પરમ આદરણીય મોતીદાદાએ જ્યારે કાંટાળું હનુમાનજી મંદિર ખાતે રામકથાનું આયોજન્ત્કર્યુ હતું એ સમયે દાદાના ફાર્મ હાઉસ વૃન્દાવનમાં ઈસરી ખાતે જયેશભાઈ સાથે પહેલીવાર મુલાકાત થઈ. એ પણ માત્ર અલપ ઝલપ.. ઝાઝી કોઈ વાત નહી. એમ છતાં અમારા વચ્ચે મજબૂત સ્નેહની તાતણો બંધાયો.. અવાર નવાર ફોન પર મળવાનું થતું. ફોન પર એમનો વાત કરવાનો ઉમળકો હૃદયને સ્પર્શી ગયેલો.. જયેશભાઈ ક્યારેક બિઝનેસ મિટિંગમાં વ્યસ્ત હોય અને ફોન રીસીવ ન થયો હોય તો એમનો સામેથી ફોન અચૂક આવે..
આજે સવારે હું મુંબઈ હતો. જયેશભાઈને રૂબરૂ મળવાની ઉત્કંઠા પણ હતી. એટલે સવારે જ મેં તેમને ફોન જોડ્યો. અને જણાવ્યું કે "જયેશભાઈ હું મુંબઈ છું આપની અનુકૂળતા હોય તો પાંચ મિનિટ મળીએ." બસ , આટલી વાત પછી તો પૂછવું જ શું! હું જ્યાં રોકાયો હતો ત્યાં જયેશભાઈએ તાબડતોબ તેમની મોટી ઈમ્પોર્ટેટ કાર લઈ ડ્રાઈવરને મોકલી આપ્યો.
મારી સાથે વિરમભાઇ અને અરુણભાઈ કારમાં ગોઠવાયા. એ ઈમ્પોર્ટેટ કાર મુંબઈના અત્યંત પોશ ગણાતા એવા જુહૂ વિસ્તારના એક આલિશાન બિલ્ડિંગ આગળ ઊભી રહી. ડ્રાઈવરે કહ્યું આ જયેશ સર કી ઓફિસ હૈ... પોશ વિસ્તાર ની આવી આલિશાન બિલ્ડિંગ જોઈ આફરીન થઈ જવાયું...
જયેશભાઈએ ખૂબ ઉષ્માભેર અમારું સ્વાગત કર્યું. જયેશભાઈની ઓફિસ એટલી તો અદ્ભુત ડિઝાઇન કરી છે કે બસ જોતા જ રહીએ.. ઓફિસ ડિઝાઇન કરનાર આર્કિટેક ઉદયનભાઈ અને વૈભવ ભાઈના મૂળ આકરુંદ સાથે જોડાયેલા છે એનું પણ વિશેષ ગૌરવ અનુભવાય. ઓફિસનું સુંદર રાચરચીલું, કાચની મોટી બારીઓ અને એની પેલી બાજુ ઉગાડેલા લીલાછમ છોડવા આંખો ઠરતી હતી. એક એક વસ્તુ બરાબર એના સ્થાને ખૂબ વ્યસ્થિત ગોઠવાયેલી.. એના પરથી જ જયેશભાઈના વ્યક્તિત્વનો અંદાજ આવી શકે... થોડીવારમાં ચા આવી.. ચા પીતા પીતાં જ જયેશભાઈએ ખૂબ ભાવ પૂર્વક જણાવી દીધું કે "આજે બપોરનું ભોજન આપણે સાથે લઈએ છીએ. બપોર સુધી તમને મારો ડ્રાઈવર મુંબઈ દર્શન કરાવશે. અને સાંજે પણ આપને જ્યાં જવું હશે ત્યાં મારી ગાડી આપને છોડી દેશે"
ડ્રાઈવર શેખર અને અમે મુંબઈ દર્શેને નીકળી પડ્યા. બપોર થતાં ભોજન માટે જયેશભાઈના ઘરે પહોંચ્યા.. ખૂબ જાણીતા હિન્દી ફિલ્મ સ્ટારના અને વૈશ્વિક ઉદ્યોગપતિઓના બંગલા જે પોશ વિસ્તારમાં આવેલ છે એ વિસ્તારમાં જયેશભાઈએ પોતાનું આલિશાન અને ભવ્ય એપાર્ટમેન્ટ નિર્માણ કર્યું છે. આ વિસ્તારમાં જમીનના ભાવ ઈંચમાં નહીં મિલિમીટરમાં અંકાય છે. સેલિબ્રિટી ના બંગલાને આંટીઓ ખવડાવે એવું ભવ્ય આલિશાન એપાર્ટમેન્ટ જયેશભાઈનું છે. એવા વિસ્તારમાં અરવલ્લીના પહાડોમાં પાંગરેલું પહાડી વ્યક્તિત્વ પોતાનું એપાર્ટમેન્ટ બનાવે એ મારે મન ખૂબ ગૌરવપ્રદ બાબત છે.
૬ જૂન ૧૯૮૦ ના રોજ એસ.એસ.સી. પાસ કરી વધુ અભ્યાસ માટે અને ઉજ્જવલ ભવિષ્યનાં સપનાં આંખોમાં આંજી જયેશભાઈએ મુંબઈની વાટ પકડેલી. પોતાનો ખર્ચ પોતે જ ઉઠાવી પારાવાર મુશ્કેલી વેઠી ભણ્યા.. એ દરમિયાન સત્સંગી ભટ્ટ પરિવારનો સધિયારો મળ્યો અને બિઝનેસમાં ઝંપલાવ્યું.. " કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી " એ ઉક્તિ જયેશભાઈએ જીવી બતાવી આપબળે સફળતાની કેડી કંડારી..!
જયેશભાઈનાં પત્ની ભાવનાબેન સાચે જ એક મળવા જેવી વ્યક્તિ છે. તેઓ બોટાદકર કોલેજના વિદ્યાર્થીની છે એટલે સાહિત્યપ્રીતિ તેમના લોહીમાં વણાયેલી છે. તેમના ઘરમાં અલાયદી એક લાઇબ્રેરી પણ બનાવી છે. જેમાં વૈદિક સાહિત્ય, બાળ સાહિત્ય સાથે વૈશ્વિક સાહિત્યના પુસ્તકોનો ખજાનો છે. અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈને અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાવનાબેન સતત રચ્યાપચ્યા રહે છે. તેમની સાથે ખૂબ લાંબી સાહિત્યગોષ્ઠિ જામી..
જયેશભાઈ, ભાવનાબેન, તેમની બે દીકરીઓ, પુત્ર ધ્રુવ બધાં એ અમારી સાથે એક ડાઇનિંગ ટેબલ પર ભોજન લીધું. ખૂબ ભાવ પૂર્વક પીરસાયેલા સ્વાદિષ્ઠ ભોજન માણતાં માણતાં આ પરિવાર પાસેથી જે વાતો જાણી બીજાં પરિવારે પણ ગાંઠે બાંધવા જેવી છે. આ પરિવારનાં બધાં અત્યંત વ્યસ્ત હોવા છતાં બધાં સાથે જ ભોજન જમી છે. અને બીજી વાત ડાઇનિંગ હોલને ટી. વી. ના દૂષણ થી મુક્ત રાખ્યો છે.
સમૃદ્ધિની ઉડતી છોળો વચ્ચે આ પરિવારે પોતાના ગળથૂથી ના સંસ્કાર જાળવી રાખ્યા છે. આ. પરિવારવા સાથે લીધેલું ભોજન જાણે પ્રસાદ ગ્રહણ કર્યો હોય એવી તૃપ્તિ અનુભવાઈ.
ભોજન બાદ જયેશભાઈએ અમને મુંબઈના બીજા છેડે આવેલા અમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી દીધી.
જયેશભાઈ એ મુંબઈમાં ખૂબ મોટું સામ્રાજ્ય સ્થાપ્યું છે. તેમની એક એક મિનિટ કિંમતી છે. એમ છતાં તેમની અમીદ્રષ્ટિ હંમેશા વતન પર વહાલ વરસાવતી રહે છે. તેમનો એક પગ મુંબઈ તો બીજો પગ વતનમાં હોય છે. અનેક સંસ્થાઓને ધબકતી રાખવમાં જયેશભાઈનું યોગદાન અમૂલ્ય છે.
સાચા અર્થમાં સાક્ષર દંપતી જયેશભાઈ અને ભાવનાબેનના આંગણે માણેલું આતિથ્ય એ જીવનભરનું મધુર સંભારણું બની રહ્યું.
- ઈશ્વર પ્રજાપતિ.
9825142620
Nice
ReplyDeleteઇશ્વરભાઇ આપની પાસેથી શબ્દ પ્રસાદી રૂપે આજે જયેશભાઇને મળવાનું થયું. ખૂબ સરસ પ્રેરણા આપે એવી વાત તમે કરી . જયેશભાઇ અને ઇશ્વરભાઇ આપ બંને મહાનુભાવોને મારાં વંદન
ReplyDeleteVery good 👍
ReplyDeleteVery nice interesting memories
ReplyDelete