Sunday, April 13, 2025

સન્ડે સ્પેશિયલ

અખંડ કર્મયોગી શ્રીમતી આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે અનેકવિધ રચનાત્મક કાર્યો આરંભીને રાજભવનને પ્રજાના હિતાર્થના કાર્યો  માટેની પ્રયોગશાળા બનાવી દીધું.

 



તારીખ ૨૯ જુલાઈ ૨૦૧૯.

સ્થળ રાજભવન ઉત્તર પ્રદેશ લખનૌનો ભવ્ય સભાગૃહ.

ઉ. પ્ર. રાજ્યના પૂર્વ રાજ્યપાલ શ્રી રામ નાઈક, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, રાજય તેમજ રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્ત્વથી ખીચોખીચ ભરાયેલા સભાગૃહમાં ઇલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ગોવિંદ માથુર નવનિયુક્ત રાજ્યપાલ શ્રીને શપથ લેવડાવી રહ્યા છે. આ નવનિયુક્ત રાજ્યપાલ એટલે બીજું કોઈ નહિ પરંતુ ગુજરાત રાજયના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે એક કુશળ નેતૃત્ત્વ પૂરું પાડનાર વિચક્ષણ રાજનીતિજ્ઞ  શ્રીમતી આનંદીબેન પટેલ.  ઉ.પ્ર.નાં પહેલાં મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુ બાદ સિત્તેર વર્ષ પછી ઉ.પ્ર. નાં દ્વિતીય મહિલા રાજ્યપાલ  તરીકે શ્રીમતી આનંદીબેન પટેલે  કાર્યભાર સંભાળ્યો અને ઉ. પ્ર. સર્વાંગીણ વિકાસનો એક નવા અધ્યાયનો આરંભ થયો.  

એક શિક્ષિકા તરીકે પોતાની યાત્રા શરૂ કરી  સાંસદ, વિધાયક, મંત્રી અને મુખ્યમંત્રી પદ સુધી સફર ખેડનાર શ્રેમતી આનંદીબેન પટેલનું જીવન લાખો કરોડો મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના  નાના અમથા ખરોડ  ગામના એક સાધારણ પરિવારમાં જન્મી જીવનમાં  અસાધારણ સિધ્ધિઓ પ્રાપ્ત કરવી એ નાનીસુની વાત નથી જ. પિતા જેઠાભાઈ પટેલ અને  માતા મેનાબેન પટેલ સદા માટે તેમનાં આદર્શ રહ્યાં છે.

પરિવાર તરફથી ગળથૂથીમાં મળેલા કર્તવ્યનિષ્ઠા, શિસ્ત અને સમર્પણભાવના સંસ્કારોને પરિણામે રાજનીતિમાં આનંદીબેન પટેલનું વ્યક્તિત્ત્વ  વિચક્ષણ અને સેવા પારાયણ  રાજનેતા નેતા તરીકે ઉપસી આવ્યું. ગુજરાત રાજયનાં શિક્ષણ મંત્રી તરીકે તેમણે લીધેલા ઐતિહાસિક નિર્ણયોથી ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની દશા અને દિશા પલટી નાખી. એક લાખ જેટલા શિક્ષકોની પૂર્ણ પારદર્શકતાથી ભરતી કરી, અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરી  સરકારી શાળાઓને શ્રેષ્ઠ શાળાઓ બનાવી દીધી.

વર્ષ ૨૦૧૪માં શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે તેમના ઉત્તરાધિકારી તરીકે શ્રીમતી આનંદીબેન પટેલ પર પસંદગીનો કાળશ ઢોળવામાં આવ્યો. શ્રીમતી  આનંદીબેન પટેલ પર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુકેલા વિશ્વાસને શતપ્રતિશત સત્ય પુરવાર કર્યો. શ્રીમતી આનંદીબેન પટેલે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રજાહિત માટે  લીધેલા ઐતિહાસિક નિર્ણયોને ગુજરાતીજન આજે પણ ભૂલી શકે તેમ નથી. વહીવટી તંત્ર પર  જબરજસ્ત કાબુ ધરાવતાં આનંદીબેન પટેલે બ્યુરોક્રસીને કદીએ હાવી થવા દીધી નહિ. ઉચ્ચ અધિકારીઓને નિયત સમયમાં જ કામ પૂર્ણ કરવાની ફરજ પાડી. વિકાસ કાર્યોમાં વેગ જોવા મળ્યો. તેમની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પદગ્રહણ કર્યા બાદ પાર્ટીના સાધારણ કાર્યકરથી માંડી મુખ્યમંત્રી સુધીની સફરના પાંચ દાયકાના  પ્રગાઢ અનુભવો ઉ.પ્ર.ની જનતાની સેવા માટે કામે લગાડ્યા. સૌથી પહેલાં તો સામાન્ય જનતા માટે રાજભવનના દ્વાર ખોલી નાખ્યા. છેવાડાનો માણસ પણ રાજભવન જઈ પોતાની વાત સાહજિકતાથી મૂકી શકે એવી મોકળાશ કરી આપી.

 માત્રને માત્ર રાજનૈતિક ચહલપહલ જોવા ટેવાયેલી ભવ્ય રાજભવનની નિષ્પ્રાણ બનેલી દીવાલોને રાજ્યપાલ શ્રીમતી આનંદીબેને સંસ્કૃતિક પરિવેશથી સજ્જ કરી રાજભવનની દીવાલોને  પુનઃ સજીવન કરી દીધી છે. રાજ્ભાવના ભવ્ય આલીશાન ખંડોને ધબકતા કરવા શ્રેમતી આનંદીબેન પટેલનાં સુપુત્રી અનારબેને પણ પોતાનો જીવ રેડયો છે. અનાર દીદી પોતે કલાનાં જીવ છે. તેમની પાસે રચનાત્મક કાર્ય કરવાની ગજબની સૂઝ છે. તેમની પાસે આગવી દૃષ્ટિ છે. જેનું પરિણામ રાજભવનની દીવાલો અને ખંડોમાં નિહાળી શકાય છે.

રાજ્યપાલનું પદ સંવેધાનિક ગરિમામય પદ છે. એમ છતાં એક વહીવટ કુશળ અને પ્રતિભાવંત રાજ્યપાલ ઈચ્છે તો પ્રજાકલ્યાણના કર્યોને વેગવંતાં કેવી રીતે બનાવી શકે એ જોવું હોય તો એકવાર ઉ.પ્ર. રાજ્યની મુલાકાત લઇ અંતિયાળ ગામડામાં વસતા છેવાડાના કોઈ જણને પૂછવું પડે !

તાજેતરમાં તારીખ ૯ અપ્રિલથી ૧૧ એપ્રિલ એમ ત્રણ દિવસ પ્રિય મિત્ર રાકેશ પટેલ ‘અલગારી’ સાથે રાજભવન ઉત્તર પ્રદેશની મુલાકાત લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. રાજભવનની મુલાકાત માટેની સમગ્ર વ્યવસ્થા મોટાભાઈ સમાન સેવાવ્રતી આદરણીય જયેશભાઈએ ગોઠવી આપી હતી. અને હવાઈ માર્ગે આવવા જવાની વ્યવસ્થા યુવા  ઉદ્યોગપતિ  કમલેશભાઈ પટેલે ગોઠવી આપી.

આ ત્રણ દિવસ દરમિયાન રાજભવની વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થવાનો અવસર મળ્યો. સાથે સાથે ઉત્તર પ્રદેશના છેવાડાના ગામડાઓનો પ્રવાસ કરી રાજ્યપાલ તરીકે શ્રીમતી આનંદીબેન પટેલે કરેલા રચનાત્મક કાર્યોને જાણવા માણવા અને  અભ્યાસ કરવાની પણ અમુલ્ય તક સાંપડી.

રાજભવન જોવાની દરેક સામાન્ય નાગરિક મહેચ્છા સેવતો હોય છે. પણ દરેક સાધારણ વ્યક્તિના નસીબમાં રાજભવન નિહાળવું નસીબ થતું નથી. પરંતુ ઉ. પ્ર. નાં રાજભવનની વાત ન્યારી છે. શ્રીમતી આનંદી બેન રાજ્યપાલ બન્યા પછી. સામાન્ય જનતા માટે રાજભવનના દ્વાર ખોલી નાખ્યા છે. મંગળવાર અને બુધવાર કોઇપણ વ્યક્તિ પૂર્વ મંજુરી લઇ સાંજે ૪ – ૬ વાગ્યા સુધી  રાજભવન પરિસરની મુલાકાત લઇ શકે છે.  પ્રતિવર્ષ દોઢ લાખ જેટલા લોકો રાજભવનની મુલાકાત લેતા હોય છે જ્યારે અંદાજે ૧૨ હજાર જેટલી સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ રાજભવનની મુલાકાત લઇ ચૂકયા છે.

રાજ્યપાલ તરીકે શ્રીમતી આનંદીબેન પટેલે ઉ.પ્ર.ના શિક્ષણ જગતમાં આમૂલ ક્રાંતિ સર્જવા બીડું ઝડપ્યું છે. આંગણવાડીથી માંડી યુનિવર્સીટીમાં તેમના માર્ગદર્શને નવા પ્રાણ ફૂંક્યા છે. ૨૦૧૯ માં ઉ.પ્ર.ની કોઈ યુનિવર્સીટી એન.આઈ.આર.એફ. અને બીજા કોઈ જ પ્લેટફોર્મના રેન્કિંગ માં સ્થાન ધરાવતી નહતી. પરંતુ જયારે ૨૦૧૯ માં શ્રમતી આનંદી બેન પટેલે વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ તરીકેની કમાન સંભાળી ત્યાર થી આ ક્ષેત્રે વિસ્તૃત ચિંતન કરી એન.આઈ.આર.એફ. મુલ્યાંકન  રેન્કિંગમાં સુધાર માટે કાયક્રમનો આરંભ થયો. નિયમિત સમિક્ષા બેઠકો યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું જેના પરિણામ સ્વરૂપ એન.આઈ. આર.એફ. રેન્કિંગમાં ઉ.પ્ર. રાજ્યની ૬ જેટલી યુનિવર્સીટી A + +ગ્રેડ, ૪ યુનિવર્સીટી A+ ગ્રેડ અને ૧ યુનિવર્સીટી A  પ્રાપ્ત કર્યો છે.

અમારી યાત્રા દરમિયન ગૌંડા જિલ્લાના છપૈયા ગામની મુલાકાત લીધી. આ ગામ ભગવાન સ્વામીનારાયણનું જન્મ સ્થાન છે. અહીંના મુખ્ય સ્વામીજી દેવપ્રસાદ સ્વામી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે રાજપાલ શ્રેમતી આનંદીબેન પટેલના પ્રયાસોથી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા પ્રાથમિક શાળાનું નવીન અદ્યતન ભવન બનાવી સરકાર શ્રીને સુપ્રત કરવામાં આવી છે. છેક છેવાડા ગામડાના પ્રાથમિક શિક્ષણ માટે રાજ્યપાલ ચિંતા કરે એ જ બાબત સાબિત કરે છે કે ઉ. પ્ર.ની આવતીકાલ ઘણી ઉજળી છે.

 મદિર , રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થાનોએ નાના બાળકોને ભીખ માંગતા જોતાં જ હૃદય દ્રવી ઉઠે છે. માત્ર સંવેદના પ્રગટ થવાથી સ્થિતિ પલટાતી નથી. પરંતુ નક્કર કદમ ઉઠાવવાથી પરિસ્થિતિમાં ચમત્કારિક પરિવર્તન આવી શકે છે. રાજ્યપાલ શ્રીમતી આનંદી બેન પટેલે જાહેર સ્થાનો પર ભીખ માંગતા બાળકોના પુનર્વસન માટે માનવીય કામગીરી કરી સમાજમાં એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે. જાહેર સ્થાનો પર ભીખ માંગતા ૫૦૦ જેટલા બાળકો ને શાળામાં દાખલ કરાવી તેમના માતાપિતા ને આત્મનિર્ભર બવાવાવ માટે સરકારી યોજનાઓનો લાભ આપવા કમર કસી. જેના પરિણામે કોઈ દિવસ શાળાનું પગથીયું નહિ જોયેલા સેંકડો નિર્દોષ બાળકો શાળામાં જઈ શિક્ષણ મેળવતા થયા છે.

શિક્ષણ સાથે આરોગ્ય ક્ષેત્રે પણ શ્રીમતી આનંદીબેન પટેલે કરેલા કાર્યો સરાહનીય છે. ભારત દેશને  ટી. બી. કલંકથી મુક્ત કરવા દેશના વડાપ્રધાને અહવાન કર્યું હતું. શ્રીમતી આનંદીબેન પટેલે ઉ.પ્ર. રાજ્યમાં આ ક્ષેત્રે અસરકારક કામગરી પર ભાર મૂકતા પોતે જ શરૂઆતમાં ટી.બી. ગ્રસ્ત ૨૫ બાલિકાઓને દત્તક લીધી. અને સારવાર શરૂ કરાવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે બીજા ૭૧ ટી. બી. નાં દર્દીઓની સારવારની જવાબદારી ઉઠાવી. અને માત્ર એક વર્ષમાં આ દર્દીઓને ટી. બી. મુક્ત કર્યા. રાજભવનાના પ્રયાસોથી કર્મચારીઓ દ્વારા પણ અનુકરણીય કામ અરી ૨૦૧૯ થી ૨૦૨૩ વર્ષ દરમિયાન ૪૨૯૫ જેટલા દર્દીઓને દત્તક લઇ સારવાર કરવામાં આવી જેમાંથી ૩૮૨૯ જેટલા દર્દીઓ સ્વાસ્થ્ય થયા છે.

ઉ.પ્રા. જનપદ બારાબંકીના ચેનપુરવા ગામની મહિલાઓનાં હૃદયમાં શ્રીમતી આનંદીબેન પટેલનું વિશેષ સ્થાન છે. એક સમયે આ મહિલાઓ ગેરકાયદેસર દારુ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. બારાબંકી જિલ્લાના સેવાનિવૃત્ત તત્કાલિન પોલીસ અધિક્ષક ડૉ. અરાવિંદ ચતુર્વેદી એ ચેનપુરવા ફાઉન્ડેશનના માધ્યમથી આ મહિલાઓને આ આ બદીથી ઉગારવા એક અભિયાન ચલાવ્યું. અને મહિલાઓને ગૃહ ઉદ્યાગ શરૂ કરવા પૂરતી વ્યવસ્થા ઊભી કરી આપી.  આત્મનિર્ભર બનાવી સન્માન જનક જીવન જીવતી કરી. આ સમાચાર રાજ્યપાલ શ્રીમતી આનંદી બેન સુધી પહોંચ્યા. રાજ્યપાલ શ્રી એ આ મહિલાઓને રાજભવન ખાતે નિમંત્રણ આપ્યું અને સન્માનિત કરી. મહિલાઓ માટે એ દિવસ જિંદગીનો યાદગાર દિવસ હતો. આ સન્માનથી રાજ્યની બીજી અનેક મહિલાઓ સુધી આત્મનિર્ભર બની  સન્માનજનક જીવનન જીવવાનો એક હકારાત્મક સંદેશ વહેતો થયો. પરિણામે બીજી મહિલાઓ પણ ગેરકાયદેસરનો કોઇપણ વ્યવસાય કરવાને બદલે ગૃહ ઉદ્યોગ સ્થાપી આત્મનિર્ભર બની સ્વમાન ભેર જીવન જીવે છે.

રાજભવનમાં કરેલા કેટલાક નવતર પ્રયોગો પણ શ્રીમતી આનંદીબેન પટેલની દીર્ઘદૃષ્ટિ અને આગવી  કોઠાસૂઝની સાક્ષી પૂરે છે.   

કલાકક્ષ : રાજભવનનો એક ખંડ કલાકક્ષ તરીકે વિકસાવવામાં આવ્યો છે. જેમાં અતિપ્રાચીન દુર્લભ ચીજ વસ્તુઓની સાથે નવીનત્તમ કલાકૃતિઓ મુકવામાં આવી છે. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ દ્વારા  વાપરાતા ચાંદીના વાસણો અને ચાંદીની ઘરવપરાશની ચીજો નિહાળી શકાય છે.

ચલણી સિક્કા અને ટીકીટ કક્ષ : અહી ૧૮૫૩ થી આજ દિન સુધી ચાલમાં આવેલી ટપાલ  ટીકીટો અને ચલણી સિક્કા સંગ્રહેલા છે. જુના સમયના એક આનાથી માંડી સો રૂપિયાનો સિક્કો અહી જોવા મળે છે. સમય સાથે ચલણી સિક્કામાં પણ કેટલો બદલાવ આવી ગયો છે એ આ સિક્કા જોઈએ તો સમજાય.

જનકક્ષ – પ્રતિક્ષલય : રાજ્યપાલજીની મુલાકાતે આવતા અતિથીઓ માટેનો  જનકક્ષ અથવા પ્રતિક્ષલય ખંડની સુંદરતા અદભુત છે. દીવાલ પર લાગેલાં સુંદર ચિત્રો, કલાત્મક સોફા, અને એન્ટીક વસ્તુઓ ધ્યાન આકર્ષે છે. પરંતુ રંગબેરંગી  કલાત્મક સુંદર ગાલીચાથી સજાવેલી જનકક્ષની છત સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરે છે.

તૃપ્તિકક્ષ : રાજભવનની મુલાકાતે આવેલા અતિથી વિશેષ મહાનુભાવોના ભોજન માટે એક સુંદર તૃપ્તિ કક્ષ સજાવવામાં આવ્યો છે. થ્રીડી ઝરૂખા, પક્ષીઓના ચિત્રો અને સુંદર લાઈટીંગ ખંડની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.

અન્નપુર્ણા ખંડ : કલાત્મક  POP  ડીઝાઇન દ્વારા સજાવવામાં આવેલ અન્નપુર્ણા ખંડ મનમોહક છે. દીવાલો પર  થ્રીડી ડીઝાઇન કરેલ સુંદર કલાકૃતિઓ સુંદરતામાં વધારો કરે છે. અન્નપુર્ણા ખંડની બહારની દીવાલ પર ક્રોકરીની જૂની ડીશો દ્વારા કલાત્મક કૃતિ તૈયાર કરવામાં આવી છે.

અંદાજે ૬૫ એકડ જેટલા વિસ્તારમાં પથરાયેલું રાજભવન પરિસર અસંખ્ય ઘટાદાર વ્રુક્ષો, પામ ટ્રી, રંગ બેરંગી ફૂલોની અનેક જાતો, ચોતરફ પથરાયેલી લીલીછમ લોન જોઈને જ આંખો ઠરે છે. ઘટાદાર વૃક્ષોમાં પોતાનો માળો બનાવી વસવાટ કરતા જાતજાતના પક્ષીઓનો કર્ણપ્રિય કલશોર મન મોહી લે છે.

સત્તાના શિખરે પહોંચ્યા પછી વિનમ્રતા જાળવી રાખવાનું કામ  ઘણું કપરું છે. એમ છતાં શ્રીમતી આનંદીબેન પટેલનો સમસ્ત પરિવારને સાદગી અને વિનમ્રતા પસંદ છે. તેમના  ડૉ. શ્વેતાંગભાઈ પટેલ, પુત્રી અનારબેન અને જયેશભાઈને જયારે મળ્યો છું ત્યારે કોઇપણ જાતના ભાર વિના  ખૂબ હળવાશથી મળ્યો છું. આ સમગ્ર પરિવારની સાદગી હ્રુદયસ્પર્શી છે.    

રાજ્યપાલ તરીકે શ્રીમતી આનંદીબેન પટેલની વ્યસ્તતા સ્વાભાવિક છે. ત્રણ દિવસની યાત્રા દરમિયાન તેમની સાથે રૂબરૂ મુલાકાત થઇ શકી નહિ એ અમારું કમનસીબ સમજુ છું. રાજભવનમાં શ્રીમતી આનંદી પટેલ પટેલ સાથે ભવિષ્યમાં ફરી ક્યારેક રૂબરૂ મુલાકાત થશે હૃદયમાં એવી અભિલાષા જીવંત છે.

ત્રણ દિવસની યાત્રા દરમિયાન આમારી તમામ વ્યવસ્થા ગોઠવી આપનાર જયેશભાઈએ સતત અમારી કાળજી લેતા રહ્યા. જયેશભાઈ તરફથી પારિવારિક સ્વજન જેવી હૂંફ અનુભવી. તેમનો આભાર માનવા મારા શબ્દોનો ગજ ઘણો ટૂંકો પડે. બસ, જયેશભાઈને દિલથી વંદન.. યાત્રા સુલભ બનવાવનાર કમલેશભાઈનું પણ ઋણ સદા રહેશે. રાજભવન પરિવારના તમામ અધિકારીઓએ આમારી સવલત માટે ખુબ કાળજી લીધી છે. પોલીસ અધિકારી શ્રી  અજયસિંહ, શ્રી રમેશસિંહ, શ્રી મનોજસિંહ પડછાયો બની સાથે રહી માર્ગદર્શિત કરતા રહ્યા. લખનૌ દર્શન, અયોધ્યા  દર્શન, હનુમાન ગઢી દર્શન સુલભ બનવ્યા તેમને આભારી છે. તેમનો પણ આભાર માનવો જ રહ્યો.

 રાજભવનની મુલાકાત મારા અને મારા મિત્ર રાકેશ પટેલ ‘અલગારી’ માટે  જીવનનું એક યાદગાર સંભારણું બની રહેશે.

 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Email : khudishwar1983@gamil.com

 


5 comments:

  1. Very good special visit for the development work and knowledge about ours statet very special and highly appreciated personality smt Anandiben Patel's very delicious work. Congratulations to you both friends

    ReplyDelete