રવિવાર, 4 ઑગસ્ટ, 2024

        Excuse


                     બહાનું એ આળસનું  પહેલા  ખોળાનું લાડકવાયું સંતાન છે. માવજત મળતાં ખૂબ ઝડપથી એ વિકસે છે. અસત્યનાં રૂપાળા લાગતાં રેશમી વસ્ત્રોથી  એને રોજ સુંદર રીતે શણગારવામાં આવે છે.  રૂપાળું પણ એટલું જ લાગે છે. બહાનું બાળપણ તો ખૂબ સોહામણું હોય છે પરંતું કમનસીબે એને યુવાવસ્થા નથી આવતી,  સીધું જ ઘડપણ આવે છે અને લાંબી માંદગી બાદ મૃત્યુ પામે છે.
  
નિષ્ફળતા કે કામની અપુતઁતા માટે આપણે હંમેશા બહાનાની ઢાલ બનાવીએ છીએ. નિષ્ફળતાના પ્રહારો સામે  બહાનાની ઢાલ ધરતાં જેણે આવડી ગઈ તો  યુદ્ધમાં એની હાર નિશ્ચિત છે. કર્મના કુરુક્ષેત્રમાં કાયર યોદ્ધાઓ જ  બહાનાની ઢાલ ઓઢી ફરતા હોય છે. અને નિષ્ફળતાના પ્રહારો સામે જે પોતાની જાત ધરી દે છે  વિજય તેનાં વધામણાં લે છે.
                નિષ્ફળતાના છોડને બહાનાના જળથી  સિઁચતા એ છોડ વૃક્ષ બની ફાલે તો છે પણ ફ્ળતૂ નથી. એનો છાંયો વૈશાખી બપોરના તાપ કરતાં વધું આકરો લાગે છે. નિષ્ફળતા એ  કોઈ કલંક કે પાપ નથી પરંતું અનુભવ સિદ્ધ જ્ઞાન છે. નિષ્ફળતાના અનુભવો માનવીના શ્રેષ્ઠ ગુરુ છે.  આ ગુરુ પાસે થી બોધ મેળવી એને અનુસરનાર શિષ્યની સફળતા નિશ્ચિત છે. #make_an_effort_not_an_excuse...

---                                            ઇશ્વર પ્રજાપતિ
(16/9/18)

 

                                      

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts