Compassion
માનવજાતની મહામૂડી સમી સંવેદના ક્યાંક ખોવાઇ હોય એમ નથી લાગતું?? સંવેદનશૂન્યતાનું રણ સતત વિસ્તરી રહ્યું છે, દિલમાં બચેલી દયાના હાલ પણ દયનીય છે, કરુણાનું અવિરત વહેતું ઝરણું ધીમે ધીમે સાવ સુકાઈ રહ્યું છે. માનવતાની મહામૂડી લૂંટાઈ રહી હોવા છતાં માનવજાત બેફીકર છે.મૂલ્યોની સરેઆમ થઈ રહેલી હત્યાઓની મિજબાની મનાવાય છે. પરંતું આજ સુધી ક્યાંય પણ એની ફરીયાદ નોઁધાવાના પુરાવા ઉપલબ્ધ નથી. ચોતરફ ઘેરાતા જતા ઘોર અંધકાર મહીં હજી ક્યાંક ક્યાંક માનવતાની આછી આછી જ્યોત પ્રજહળે છે, એનો ઉજાસ ઘોર અંધકારને ચીરી નાંખે છે અને અવનીને અજવાળે છે. માનવતાની મહેક દુષણોની દુર્ગંધ સામે એકલે હાથે ઝઝુમીને ચોતરફ સુવાસનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરવા મથી રહી છે.
ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીએ એ કરુણાધારાનો મહિમા જીવીને સમજાવ્યો છે. કરુણાનું વહેણ કલ્યાણ કારી હોય છે. કરુણાની વહેતી ધારાના કિનારે માનવતા પાંગરે છે, મ્હોરે અને મહેકે છે. જગત નાં સઘળા પૂર વિનાશકારી હોય છે જ્યારે કરુણાધારાના ધસમસતું પૂર નવસર્જન કારી હોય છે. કરુણાસાગરમાં એક વાર ડૂબકી મારનારને માત્ર ગાય જ નહીઁ, પરંતું પ્રાણી માત્ર પવિત્ર લાગે છે, જગતના સઘળા જીવ શિવમય ભાશે છે, મોર પીછમાં માધવ અને કીડીમાં કૃષ્ણ લીલાનાં દર્શન થાય છે. તમે ચાલવા માટે પગ ઉપાડો અને પગ નીચે કીડી આવતી જોઇ જો કદમ અટકી જાય તો સમજી લેવું બુદ્ધ -મહાવીરે રોપેલ કરુણાનું બીજ તમારામાં અંકુરણ પામી પ્રગટી રહ્યું છે. કચડાતાં બચેલ કીડી પણ સાક્ષી પૂરશે કે ભગવાન બુદ્ધ નું મહાભિનીશક્રંમંન વ્યર્થ નથી ગયું. માનવ હૃદયમાં અંકુરણ પામી પ્રગટેલું કરુણાનું બીજ સંવેદનશૂન્યતાના રણને લીલુંછમ કરી મુકશે.
No comments:
Post a Comment