શ્વાસાનુંભૂતિ
શ્વાસાનુંભૂતિ અદ્ભૂત છે. શ્વસન પ્રક્રિયા કોઈ ચમત્કારથી કમ નથી. હવા જ્યારે શ્વાસ બની રુધિરમાં ભળે છે ત્યારે હવા માત્ર વાયુંઓનું સંયોજન ન રહેતાં કૃપા પ્રસાદ બની જાય છે. પ્રાણવાયુ શબ્દ અમથો નથી પ્રયોજાયો. હવામાં ભળેલું એ પ્રાણપોષક તત્વ Secular છે. એને નાકના ધર્મ સાથે એને કોઈ લેવા દેવા નથી. શ્વાસ માનવ અને માધવ વચ્ચે હોટલાઇન રચી સંવાદનો સુંવાળો સેતુ પ્રસ્થાપિત કરે છે. આ સંવાદના સેતુનું તુંટવું એટલે જ મૃત્યું!!
નરી આંખે ન દેખાતા ઇશ્વરને ન માનનાર નાસ્તિકને પણ હવાની હયાતી પર ગજબની શ્રધ્ધા હોય છે. શ્રધ્ધા વીનાના મનુષ્યમાં અને પશુમાં ઝાઝો ફેર નથી. શ્રદ્ધા આવળ-બાવળ ની જેમ જયાં ત્યાં નથી ફૂટી નીકળતી. શ્રદ્ધાના પ્રગટીકરણ માટે નિઃચ્છળ હૃદયની પવિત્ર ભૂમિ જોઈએ. ચરક સૂત્રની આ સુક્તિ આંખો ખોલી આપે છે : 'प्रत्यक्षं ही अल्पं, अनल्पं अप्रत्यक्षं।' અર્થાત જે દેખાય છે એતો વામન છે, પરંતું જે નજરે નથી ચડતું એ વિરાટ છે. જેમ દૂધ માં રહેલ માવો નજરે નથી ચડતો, વડબીજ ટેટામાં રહેલ વિરાટ વૃક્ષનાં દર્શન નથી થાતાં, દુનિયા નાં પ્રત્યેક લાકડામાં રહેલ અલિપ્ત અગ્નિ લાકડા ને અડકતાં અનુભવાઈ નથી શક્તો તેમ હવામાં રહેલ પ્રાણતત્વને શ્રદ્ધાવાન સિવાય કોઈ નીરખિ નથી શકતું. શ્વસન માટે શ્રમ નથી કરવો પડતો. સહજ રીતે શ્વાસ દિવસ રાત એના લયમાં ચાલતા રહે છે. નિદ્રા દરમ્યાન પણ લય તૂટતો નથી એ રહસ્ય અકળ છે. લય તૂટે તો જીવન સંગીત બેસુંરું બને છે.
ક્યારેક નિરાંતે આખો બંધ કરી શ્વાસનનો લય નિહાળતાં સમાધિ ભાવ જાગ્યા વગર રહેતો નથી. જેની શોધમાં માનવ મંદીર -મંદીર, મસ્જિદ-મસ્જિદ ભટક્યા કરે છે શકય છે એ તત્વ તેને શ્વસનમાં સહજમાં મળી રહે. કોઈ ગુફામાં જઈ વર્ષો ગાળવા છતાં શ્વસનનો મહિમા જેટલો ન સમજાય એટલો મહિમા કોઈ હોસ્પિટલના વેન્ટિલેટર વોર્ડની મુલાકાતથી કદાચ સમજાઈ જાય. સહજ મળ્યા નું મૂલ્ય સમજવું એટલું સહજ નથી. મનુષ્યનો સ્વભાવ જ છે કે કોઈ પણ વસ્તુંનું મૂલ્ય ત્યારે જ સમજાય જ્યારે એનાં માટે ટળવળવું પડે!!! વિશ્વધનપતિ પણ અબજોની સંપત્તિ ખર્ચી એક શ્વાસ વધું ખરીદી નથી ખરીદી શક્તો. શ્વાસોની સંપત્તિ અમુલ્ય છે. નિઃશ્વાસ બનેલા વિશ્વ ધનપતિ કરતાં ફૂટપાથ પર શ્વસતો - ધબકતો મનુષ્ય વધું સંપન્ન છે.
-- - ઇશ્વર પ્રજાપતિ
(30/9/18)
No comments:
Post a Comment