Sunday, August 4, 2024

"कर्म ही पूजा"


"कर्म ही पूजा"

 

                              સત્કર્મ એ સુંવળુ ઓશીકું છે જેના પર મસ્તક મુકવાથી અહલાદક આનંદ અનુભવી શકાય છે, આરામ દાયક ઊંઘ લઈ શકાય છે.  અને પથારીમાં પડખા ઘસવાની પીડાથી બચી શકાય છે.   પોતાના કાર્ય સાથે વ્યક્તિના મનનું જોડાણ થાય તો એ કર્મને યોગની ઊંચાઈ પ્રાપ્ત થાય છે.  કર્મ યોગ બને છે. કૃષ્ણ કર્મવીરોનો સાચો સખા છે.  કૃષ્ણએ એવો મિત્ર છે કે એને ખભે હાથ મુકી શકાય, એને ખોળે રમી  શકાય, અને એને "તૂ"  કહીને પણ સંબોધી શકાય. અને આવો મિત્ર જ આપણા ખભે હાથ મુકી અધિકાર પૂર્વક સમજાવી શકે : कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।  ભગવાન કૃષ્ણ એ કર્મ યોગનો મહિમા સ્વમુખે ગાયો છે. પોતાના કર્તવ્ય પાલનને  પોતાનો પ્રથમ  ધર્મ માનનાર કૃષ્ણનો સાચો ભક્ત છે. જેમ માતા પિતાની સેવાનું પ્રથમ કર્તવ્ય ભૂલી શ્રવણભક્તિ કરતા દીકરાને જોઇ શ્રવણ શરમાઈ  જાય છે તેમ  વ્યક્તિ પોતાના કર્તવ્ય પાલનને કોરાણે મુકી સવાર સાંજ કૃષ્ણને કાલા વાલા કર્યા કરે છે ત્યારે કૃષ્ણ ભક્તિ લાજવાય છે. ગીતામાં કૃષ્ણએ આપેલ દિવ્ય સંદેશ વિસરાયો છે અથવા તો અનુકુળ પડે એટલું જ યાદ રખાયું છે. "કામ કરતો જા હાંક મારતો જા." હાંક મારવાનું સતત ચાલુ છે ભુલાયું છે માત્ર કામ કરવાનું. એમ છતાં "મદદ તૈયાર છે." 

                                             સાચા કર્મવીરોને હાથની રેખાઓમાં રસ નથી હોતો. વાંકી પડતી રેખાઓને સીધી કરવાનું સામર્થ્ય તેઓ ધરાવે છે. ભાગ્યના ભરોસે રહેનાર માટે તમામ ગ્રહો નડતર રુપ  હોય છે, જ્યારે  કર્મયોગીનો પ્રચંડ પુરુષાર્થ જોઇ ગ્રહો પોતાની ચાલ બદલી નાંખે છે અને જ્યોતિષીઓ પોતાની પોથિઓ સંતાડી તેઓથી દૂર ભાગે છે   નામ અને પરિણામ એ જ પ્રાપ્ત કરે છે જે નામ અને પરિણામની પરવા કર્યા વીના કર્તવ્ય ધર્મ બજાવે છે. કૃષ્ણ વિચારના વારસ પાસેથી કર્તવ્ય પ્રત્યેની વફાદારીની અપેક્ષા રાખી શકાય, કંસ ના વારસ પાસેથી રાખેલી વફાદારીની અપેક્ષા હંમેશા ઠગારી જ નીવડવાની. 

 

 

--- ઇશ્વર પ્રજાપતિ.

(21/9/18)



No comments:

Post a Comment