Saturday, May 4, 2024

સન્ડે સ્પેશિયલ

માત્ર એક મતની સરસાઈની હાર-જીતે ભૂતકાળમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક રાજનીતિમાં કેવી ઉથલ પાથલ મચાવી હતી, જાણો છો ? 


 

વિધાનસભા કે લોકસભા ભારતની કોઈપણ ચૂંટણી હોય ત્યારે એક ખાસ વ્યક્તિ મતદાનની પવિત્ર ફરજ નિભાવવા હજારો માઈલનું અંતર કાપી વતનની વાટ પકડે છે.  અમેરિકામાં ગરિમાપૂર્ણ પદ શોભાવનાર આદરણીય પ્રકાશભાઈ કે. શાહ સાહેબ ચૂંટણી સમયે પોતાનો એક મત આપવા અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ અમેરિકાથી ભારત અચૂક પધારે છે. માત્ર એક મત ખાતર કોઈ અમેરિકાથી ભારત આવે એ વાત સામાન્ય જનતાને અચરજ પમાડે છે. પરંતુ લોકશાહીને મજબૂત કરવા એક મતનું શું મૂલ્ય હોય છે એ પ્રકાશભાઈ શાહ સુપેરે જાણે છે. અને તેઓ કરોડો ભારતીય મતદારો માટે રોલ મોડેલ પૂરું પાડે છે.

ચૂંટણી પંચનાં તાજેતરનાં એક રિપોર્ટ અનુસાર આપણાં દેશમાં 94.5 કરોડ મતદારો નોંધાયા છે અને આશ્ચર્યજનક રીતે એમાંથી એક તૃતિયાંશ લોકો પોતાનાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરતા નથી. 2019ની ચૂંટણીમાં 30 કરોડ લોકોએ પોતાનો મતાધિકાર જતો કર્યો હતો. લોકશાહી ધરાવતા કોઇપણ દેશ માટે ચિંતા ઉપજાવે એવી બાબત છે. મતદાન એ એક પ્રકારની રાષ્ટ્રસેવા જ છે. મતદાન જાગૃતિ માટે સમગ્ર દેશના વહીવટી તંત્રએ જબરજસ્ત કમર કસી છે. અરવલ્લી જીલ્લાના ચૂંટણી અધિકારી અને જિલા કલેકટર માન. પ્રશસ્તિ પારિક સાહેબ દ્વારા છેલ્લા કેટલાય સમયથી મતદાન જાગૃતિ માટે કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. અને નોંધનીય બાબત એ છે કે તમામ કાર્યક્રમોને સફળ બનાવવા પોતે અગ્રેસર રહી સહભાગી થયાં. ૮૫ વર્ષ થી વધુ ઉમરના મતદારોના ઘેર રૂબરૂ જઈ મતદાન કરાવ્યું. બાઈક રેલીમાં સૌથી આગળ મોપેડ માન. કલેકટર સાહેબ અગ્રેસર રહી સૌનો ઉત્સાહ વધાર્યો. મતદાનની પ્રક્રીમાં મહત્તમ લોકો જોડાય એ માટે ગામે ગામ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.  

         મારા એક મતથી શું ફરક પડે છે તેવું માનવું એ ભૂલભરેલું છે. એક મતમાં પણ તાકાત રહેલી છે. ચૂંટણી હારનાર નેતાઓમાં મહાત્મા ગાંધીસરદાર પટેલ અને અટલ બિહારી વાજપેયીના મહત્વના ઉદાહરણ છે. એક મતનું મૂલ્ય સમજવું પડે તેમ છે. ‘મતદાન એ મહાદાન છેતેવું ચૂંટણી પંચ દ્વારા વારંવાર કહેવામાં આવે છે તે યથાર્થ છે.

          ઇતિહાસમાં એવી ઘટનાઓ પણ બની છે કે મહાનુભાવો ચૂંટણી હારી ગયા છે. મહાત્મા ગાંધી જયારે દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે ૧૫મી નવેમ્બર ૧૯૧૫માં તેમની ગુજરાત સભાના ઉપપ્રમુખપદે વરણી થઇ હતી. મુંબઇ અધિવેશનમાં ડેલિગેટ તરીકે ગુજરાત સભા દ્વારા ગાંધીજી અને વલ્લભભાઇ પટેલની પસંદગી થઇ હતી. ૧૭મી ડિસેમ્બર ૨૦૧૫માં મુંબઇમાં કોંગ્રેસની સબજેકટ કમિટી (વિષય વિચારીણી)ની ચૂંટણીમાં ગાંધીજીને માત્ર ત્રણ મત મળ્યા હતા અને તેમનો પરાજય થયો હતો. એવી જ રીતે છઠ્ઠી ગુજરાતી સાહિત્ય સભાના પ્રમુખપદ માટેની ચૂંટણી ૧૨મી ઓગષ્ટ ૧૯૧૯માં થઇ ત્યારે ગાંધીજીને આફ્રિકાથી પાછા આવ્યાને યાર વર્ષ થયાં હતા અને તેમની નામના થઇ હતી તેમ છતાં બેરિસ્ટર ગાંધીને ૧૫ મત મળ્યા હતાજયારે તેમના પ્રતિસ્પર્ધી હરગોવિંદ કાંટાવાળાને રર મત મળ્યા હતા. ગાંધીજીનો ૭ મતે પરાજય થયો હતો.



૭મી ડિસેમ્બર ૧૯૧૫માં સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાત સભાના ડેલિગેટની ચૂંટણીમાં ૨૪માં ક્રમે ચૂંટાયા હતા. અમદાવાદ મ્યુનિસિપાલીટીની પેટાચૂંટણીમાં તેઓ દરિયાપુર બેઠક પરથી લડ્યા હતા અને ૩૧૪ મત મેળવ્યા હતા જયારે તેમના હરીફ બેરિસ્ટર મૌયુદ્દીનને ૩૧૩ મત મળ્યા હતા. સરદાર પટેલનો આ બેઠક પર એક મતથી વિજય થયો હતો. અમદાવાદના ઇતિહાસમાં આટલી રસાકસીભરી ચૂંટણી ક્યારેય થઇ નથી. આ એક મત સરદાર પટેલના જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો. આ મત ગણતરીને કોર્ટમાં પડકારવામાં આવી હતી અને ૨૬મી માર્ચ ૧૯૧૭માં કોર્ટ તરફથી આ ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. મ્યુનિસિપાલીટીની ચૂંટણીના રાજકારણનો તેમનો આ પહેલો અનુભવ હતો.

વિશ્વમાં પણ એક મતે સત્તા પલટાવી નાંખી છે.

 ૧૯૨૩માં એક મત વધારે મળતાં એડોલ્ફ હિટલર નાઝી પાર્ટીના નેતા બન્યા હતા અને હિટલર યુગનો જન્મ થયો હતો. ૧૯૭૫માં એક મતથી ફ્રાન્સ રાજાશાહીમાંથી ગણતંત્ર બન્યું હતું. ૧૭૭૬માં એક મત વધુ મળતાં જર્મનીની જગ્યાએ અંગ્રેજી અમેરિકાની રાષ્ટ્રભાષા બની હતી. ૧૯૬૧માં ઝાંઝીબારમાં એફ્રો સિરાઝી પક્ષના એક ઉમેદવાર માત્ર એક મતથી જીત્યા હતા. આ એક જીતના કારણે પાર્ટીની બેઠકોની સંખ્યા ૧૦ થઇ હતી જયારે હરીફ પક્ષ પાસે નવ બેઠકો રહી હતી. અમેરિકાના ૧૭જાક રાષ્ટ્રપ્રમુખ એન્ડ્ર્યુ જોનસન એક મતથી બચી ગયા હો અને રૂથરફોર્ડ હેયસ માત્ર એક મથથી અમેરિકાના ૧૯માં રાષ્ટ્રપતિ બન્યા હતા.

 ૧૯૯૮માં એક મત ઓછો મળતાં  સંવેદનશીલ સત્તાધિશ અટલ બિહારી વાજપેયીને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. ૧૯૯૯માં સંસદમાં તેમની સરકાર એક મતે પડી ગઇ હતી. આ સમયે સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવમાં ૨૭૦ મત પડ્યા હતા જયારે પ્રસ્તાવની વિરૂદ્ધમાં ૨૬૯ મત હતા.

      એક મહત્વનો કિસ્સો યાદ કરવા જેવો યે. ૨૦૦૪માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એઆર કૃષ્ણમૂર્તિને ૪૦૭૫૧ મત મળ્યા હતા જયારે તેમના હરીફ યુવનારાયણને ૪૦૭પર મત મળ્યા હતા. એક મતથી કૃષ્ણમૂર્તિ હારી ગયા હતા.આ એક મતના કારણ તેઓ ધારાસભ્ય બની શક્યા ન હતા. આ ચૂંટણી સમયે કૃષ્ણમૂર્તિના ડ્રાઇવરે મતદાન કરવા માટે જવાની મંજૂરી માગી હતી પરંતુ એક મતથી શું ફરક પડે છે તેવું માનીને ખુદ કૃષ્ણમૂર્તિએ ડ્રાઇવરને મતદાન કરવા જવા દીધો ન હતો અને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. બીજો એવો રસપ્રદ કિસ્સો રાજસ્થાનનો છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સમયે સીપી જોશી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં તેમને ૬૨૨૧૫ મત મળ્યા હતા જયારે હરીફ ઉમેદવાર કલ્યાણસિંહ ચૌહાણને ૬રર૧૬ મત મળ્યા હતા. માત્ર એક મત માટે સીપી જોશી ચૂંટણી હારી ગયા હતા. આ ચૂંટણીમાં જોશીના માતા અને પત્ની મતદાન કરવા ગયા ન હતા.

મહારાષ્ટ્રના પુનામાં દાદીના મતથી પૌત્રની પંચાયતમાં જીત થઇ હતી. મુલશી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૧૧૩ વર્ષના સરૂબાઇ સાઠે નામની દાદીએ તેમના પૌત્રને મત આપ્યો હતો. મત આપ્યા પછી રાત્રે દાદીનું અવસાન થઇ ગયું. જયારે પરિણામ આવ્યું ત્યારે પૌત્ર વિજય સાઠે માત્ર એક મતથી વિજયી બન્યો હતો. તેણે કહ્યું કે જો મારી દાદીએ મત આપ્યો ન હોત તો હું ચૂંટણી હારી ગયો હોત. મારા દાદી ઇચ્છતા હતા કે પૌત્ર ગામના વિકાસ માટે કોઇ કામ કરે અને તેની ઇચ્છા ફળિભૂત થઇ છે. ગુજરાતમાં ૨૦૧૭માં રાજયસભાની યોજાયેલી ચૂંટણીમાં જેડીયુના ધારાસભ્ય છોટુ વસાવાના એક મતથી કોંગ્રેસના અહમદ પટેલનો વિજય થયો હતો અને ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત હારી ગયા હતા.

 એક મતથી વિજય મેળવેલો નેતા જેટલો ખુશ થાય છે તેટલું દુખ એક મતથી હારેલા નેતાને પણ થાય છે તેથી એક મતનું મૂલ્ય શું છે તે આ ઉદાહરણો બતાવી જાય છે.

 

  

1 comment:

  1. Vote is special, Vote is precious 💞

    ReplyDelete