Sunday, August 10, 2025

સન્ડે સ્પેશિયલ

૧૯૬૫માં દેશના વડપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીએ અમેરિકાના પ્રમુખ લીંડન જોન્સને ભારતને આપેલી ધમકીનો આપ્યો હતો જડબાતોડ જવબ !  મી. ટ્રમ્પ આ તો ૨૦૨૫ છે.

 


           મરકટ મદિરા પીએ અને જે ઘાટ થાય કાંઈક એવો જ ઘાટ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો થયો છે. ભારત ઉપર ૫૦ ટકા જેટલો ટેરીફ લાદવાના  આડેધડ અવિચારી નિર્ણય લઈ તેઓએ સાબિત કર્યું છે કે તેઓ માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે. ભારત વિશ્વની ત્રીજા નંબરની સૌથી આર્થિક સત્તા બનવા તરફ મક્કમતા પૂર્વક આગળ ધપી રહ્યું છે. આ વાત પચાવવી અમેરિકા માટે સરળ નથી જ ! અને ભારતનું  દાયકાઓ જૂના મિત્ર રાષ્ટ્ર રશિયા સાથેના મૈત્રી સંબધોથી પણ અમેરિકાના પેટમાં ચૂંક આવે તે સ્વાભાવિક છે. મૂળ તો ભારત રશિયા પાસેથી સૌથી વધુ ઓઈલની આયાત કરે છે એ બાબતે ટ્રમ્પના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે. 

     મી. ટ્રમ્પને માઠું લગાવનું બીજું કારણ પણ છે. ભારતે એઈર સ્ટ્રાઈક કરી માત્ર ૨૨ મીનીટમાં જ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધુ. ભારતની પ્રચંડ શક્તિનો પરચો મળતાં જ પાકિસ્તાન ઘૂંટણીએ પડી યુદ્ધ વિરામ માટે કરગરવા લાગ્યું. આ યુદ્ધ વિરામનો જશ ખાટવા જગત જમાદાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચકલી ફૂલેકે ચડી ફાંકા મારવા લાગેલી. પરંતુ ભારતે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે આ યુદ્ધ વિરામમાં વિશ્વના કોઈ નેતાની કોઈ ભૂમિકા નથી. ભારતના  કડક વલણથી ફાંકા ફોજદારી કરતા ટ્રમ્પનો ગમંડ ગવાય તે વ્યાજબી છે. અને એટલે જ ટેરીફનું ટેરેરિસ્ટ કાર્ડ ખેલી ભારતનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો. પણ મિસ્ટર ટ્રમ્પ એ ભૂલી ગયા કે આ નવા જમાનાનું ભારત છે.

          મિસ્ટર ટ્રમ્પએ માત્ર છ દાયકા પહેલાનો ઈતિહાસ તપાસી લેવાની જરૂર હતી. ૧૯૬૫ માં અમેરિકા તરફથી ભારતને મળતી  PL - 480 ઘઉંની મદદ રોકી ભારતને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તત્કાલીન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીજીએ અમેરિકાની જરા પણ સાડાબારી રાખ્યા વગર જડબાતોડ  જવાબ આપ્યો હતો. અને ખાદ્યાન્ન માટે અન્ય દેશ પર આધારિત ન રહેવાનો દૃઢ નિર્ધાર કર્યો. ભારતમાં  કૃષિ ક્રાંતિના શ્રી ગણેશ થયા. આફતમાંથી  પણ અવસર શોધી લઈ નવનિર્માણ કરવાની ભારતની તાસીર રહી છે. 

૧૯૬૨ માં ચીને વિશ્વાસઘાત કરી કરેલા યુદ્ધના  પરિણામે ભારતને બહુ મોટું આર્થિક નુકશાન ભોગવવું પડ્યું. જવાહરલાલ નહેરૂજીના અવસાન પછી દેશની કમાન લાલબહાદુર શાસ્ત્રીજીના હાથમાં આવી. એ સમય દેશ માટે ખુબ નાજુક હતો. દેશમાં ચોમાસું નબળું રહેતાં દુકાળ જેવી સ્થિતિ નિર્માણ પામી. દેશમાં ] અનાજનું સંકટ ઘેરું બન્યું હતું. ઉપરાંત ૫ ઓગષ્ટ  ૧૯૬૫ના રોજ ૩૦ હજાર જેટલા પાકિસ્તાની સૈનિકો એલ.ઓ.સી. પાર કરીને ભારતમાં ઘૂસી આવ્યા. પકિસ્તાનને કડક  પાઠ ભણાવવા  તાત્કાલીન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીજીએ સેનાને ખુલ્લી છૂટ આપી. પરિણામે ૬ સપ્ટેમ્બર ૧૯૬૫ના દિવસે ભરતીય સેનાએ પાકિસ્તાનનું લાહોર પણ કબજે કરી લીધું હતું.  યુદ્ધમાં પકિસ્તાન ખુવાર થઈ ચુક્યું હતું. આ સમય દરમિયાન અમેરિકા વિશ્વના વિકાસશીલ દેશોને પી.એલ.-૪૮૦ ઘઉંની મદદ કરતું હતું. અમેરિકા વધેલું અને સડી ગયેલું અનાજ મોકલી મદદ કર્યાનો જશ ખાટતું.

૧૯૬૫ માં પાકિસ્તાને શરૂ કરેલા યુદ્ધમાં ભારતે પાકિસ્તાનમાં ઘૂસી આક્રમકતાથી મૂહતોડ જવાબ આપ્યો. ભારતનો આ લડાયક અંદાજ જોઈ આખું વિશ્વ દંગ રહી ગયું. ભારતે કરેલી પાકિસ્તાનની દયનીય દુર્દશા જોઈ તાત્કાલીન અમેરિકન પ્રમુખ લીંડન જોન્સનનો પાકિસ્તાન પ્રેમ ઉભરી આવ્યો. અને ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીને ધમકી આપી કે ‘ જો તમે આ યુદ્ધ નહિ રોકો તો અમરિકા ભારતને ઘઉંની મદદ મોકલવાનું કરવાનું બંધ કરી દેશે.’ શાસ્ત્રીજીએ અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપ્યો. “ભારતને ઘઉં મોકલવાનું બંધ કરી દો. ન જોઈએ અમારે ઘઉં.’ શાસ્ત્રીજી માનતા હતા કે કોઈ પણ રાષ્ટ્ર દીર્ઘ સમય સુધી વિદેશી અનાજ પર આધારિત રહી શકે તેમ નથી. તેમણે મદદ સ્વીકારવા ના પાડી કારણ કે તે અમેરિકા દ્વારા રાજકીય દબાણ રૂપે વપરાઈ રહી હતી.

     મદદની સાડાબારી રાખ્યા વીના શાસ્ત્રીજીએ આપેલા નીડર જવાબથી અમેરિકા સમસમી ઉઠ્યું. પરંતુ શાસ્ત્રીજી અલગ માટીના માનવી હતા. તેઓ ફૌલાદી કાળજું ધરાવતા હતા. તેઓ અમેરિકાની આવી ધાક ધમકીને તાબે થાય એમ ન હતા. દુશ્મનને એની જ ભાષામાં જવાબ આપવામાં તેઓ માનતા હતા.

     લાલબહાદૂર શાસ્ત્રીજી એ દેશના ખેડૂતોને આહવાન કર્યું કે દેશને જોઈતું અનાજ આપણે જ પકવીશું. અનાજ માટે બીજા દેશ પર બીજા દેશ પર શા માટે આધારિત રહેવું? શાસ્ત્રીજીએ એક-એક ઇંચ ખાલી જમીનનો ઉપયોગ કરી તેના પર અનાજ અને શાકભાજી ઉગાડવાનું આહવાન કર્યું. પોતાના સરકારી નિવાસના બગીચામાં પણ શાકભાજી ઉગાડી દેશની જનતાને ઉદાહરણ પૂરું પાડ્યું.

       ઓક્ટોબર ૧૯૬૫માં દશેરાના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં હજારોની મેદનીને શાસ્ત્રીજી સંબોધી રહ્યા હતા. અને પહેલી વાર દેશને ‘જય જવાન, જય કિશાન’નો બુલંદ નારો આપ્યો. સાથે સાથે અનાજની ઘટને પહોંચી વળવા  દેશવાસીઓને સપ્તાહમાં એક વાર ઉપવાસ કરવાનું વ્રત રાખવા આહવાન કર્યું. પોતે પણ વ્રત ધારણ કર્યું. દેશવાસીઓએ શાસ્ત્રીજીનો પડ્યો બોલ ઝીલી લીધો. દેશનો પ્રત્યેક પરિવાર સોમવારના રોજ  દેશ માટે ઉપવાસનું વ્રત રાખવા લાગ્યો.  શાસ્ત્રીજીનો આ નિર્ણય દેશ માટે આશીર્વાદ રૂપ સાબિત થયો. દેશમાં હરિત ક્રાંતિનાં બીજ રોપાયાં. કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું. એક સમયે અનાજ માટે બીજા દેશ પર આધારિત રહતો ભારત દેશ અન્ય દેશોને અનાજ નિકાસ કરતો દેશ બન્યો.

          જો શાસ્ત્રીજી અમેરિકાના તાત્કાલીન પ્રમુખ લીંડન જોન્સનની ધમકીને તાબે થયા હોત તો દેશ કૃષિ ક્ષેત્રે – સંરક્ષણ ક્ષેત્રે આમૂલ પરીવર્તન શક્ય બન્યું હોત ખરું ???  અને હવે ઈતિહાસનું જાણે પુનરાવર્તન થઇ રહ્યું હોય એમ લાગે છે. અમેરિકાના પ્રમુખ મિસ્ટર ટ્રમ્પ ટેરીફ કાર્ડ રમી ભારતને પોતાને તાબે થવા મથામણ કરી રહ્યા છે. પણ ટ્રમ્પ એ ભૂલી રહ્યા છે કે આ નવા જમાનાનું ભારત છે. ભારતના યશસ્વી વડાપ્રધાનની સંગાથે ૧૪૦ કરોડ જનતાના આશીર્વાદ છે. ટ્રમ્પ ટેરીફની પીપુડી ગમે તેટલી જોરથી વગાડે આખરે ગાલ એના જ દુખાવાના છે. સ્વદેશી વસ્તુઓ તરફ પાછા વળવાનું આહવાન કરી મોદીજીએ અમેરિકાને શાનમાં જ સંદેશો પાઠવ્યો છે કે ‘જે કરવું હોય એ કરો અમને અમારું આત્મસન્માન પ્રિય છે. અમે કોઈને પણ  તાબે થઇ અમારું ગૌરવ ગીરવે નહિ જ મુકીએ.’ મોદીજીના કડક વલણથી ટ્રમ્પ ધુઆપુવા છે. વારે વારે ટેરીફનો દંડો પછાડી ભારતને પોતાને તાબે થવા ધાક જમાવવા નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે. કોને-કયા સમયે -  કેવો જબાબ આપવો એ નરેન્દ્ર મોદી ખૂબ સારી રીતે જાણે છે.

ટ્રમ્પનું માનસિક સંતુલન કેટલી હદે ખસકી ગયું છે એનું બીજું ઉદાહરણ પણ અહીં પ્રસ્તુત છે. ૯/૧૧ અમેરિકાના વલ્ડ ટ્રેડ સેન્ટર પરના આંતકવાદી કૃત્યના માસ્ટર માઈન્ડ આતંકવાદી  ઓસામા બિન  લાદેનને પનાહ આપનાર પાકિસ્તાન પ્રત્યે મિસ્ટર ટ્રમ્પના હૃદયમાં એટલું તો  અનન્ય હેત ઉભરાયું છે કે  ટ્રમ્પ નિર્લજ બની પાકિસ્તાની સૈન્યના વડા મુનીર સાથે વ્હાઈટ હાઉસમાં  લંચ પણ લઇ રહ્યા છે.  એટલું જ નહિ “આઈ લવ પાકિસ્તાન” કહી બેશરમીની હદ વટાવી દીધી. આ પ્રેમ છે કે લફરું એ તો વખત જ બતાવશે !   

      ખેર ! આવો મોદીજીએ આપેલા સ્વદેશી અપનાવોના આહવાનને વધાવીએ. ટેરીફએ આફત નથી. પરંતુ આત્મનિર્ભર બની  દેશને નવી ઉંચાઈએ લઈ જવા માટેનો અવસર છે. આ એક નવી ક્રાંતિનો આરંભ છે.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620   

2 comments: