Sunday, May 19, 2024

સન્ડે સ્પેશિયલ

 ભગવાન શ્રી કૃષ્ણએ વસાવેલી  દ્વારિકા નગરીનો ઈતિહાસ જેટલો દિવ્ય છે એટલો જ ભવ્ય પણ  છે.


       દ્વારિકાનું નામ કાને પડે એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ વસાવેલી ભવ્ય સોનાની નગરી નજર સમક્ષ તરવળવા લાગે. દ્વારિકા નગરી વિશે ઘણી પ્રાચિન મન્યતાઓ પ્રચલિત છે. એટલે દરેક જિજ્ઞાસુને શ્રી કૃષ્ણની નગરી દ્વારિકા વિશે જાણવાની ઉત્કંઠા પણ પ્રબળ હોય છે. જાણીતા લેખક, સંશોધક અને ઇતિહાસવિદ નરોત્તમ પલાણ સાહેબે દ્વરિકા નગરી વિશે સુંદર સંશોધનાત્મક લેખ પ્રગટ કર્યો હતો. આ લેખ ઘણા નક્કર સત્યો અને તથ્યો પર પ્રકાશ પાડે છે. અહીં નરોત્તમ પલાણ સાહેબનો આર્ટિકલ શબ્દશઃ પ્રસ્તુત છે. તેઓ નોંધે છે. :

       "ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારિકા જગપ્રસિદ્ધ છે. દ્વારિકા, ગુજરાત-સૌરાષ્ટ્રમાં છે તે ગુજરાત-સૌરાષ્ટ્રનું ગૌરવ છે. સાહિત્ય-ઇતિહાસ અને હવે પુરાતત્ત્વ-દ્વારિકાને આશરે દશેક હજાર વર્ષ જૂની વસાહત ઠરાવે છે. શ્રીકૃષ્ણને તો પાંચ હજાર વર્ષ થયાં છે. પણ હાલના દ્વારકા-ઓખામંડળના દરિયામાંથી જે નગરના અવશેષો મળ્યા તે દ્વારકા અને હડપ્પા-મોહેંજોદડો કરતાં પણ જૂના સિદ્ધ થાય છે !
      ભારતીય પરંપરા એમ માને છે કે જગતભરની પ્રાચીન નગરીઓમાં કાશી-વારાણસી પ્રાચીનતમ નગરી છે. દ્વારકાના સામુદ્રિક સંશોધનોથી દ્વારકા પણ પ્રાચીનતમ નગરી સિદ્ધ થાય છે. અલબત્ત, આ નગરીનું નામ ત્યારે 'દ્વારકા' નહિ હોય, પુરાણો મુજબ ‘કુશસ્થલી’ હશે. ઋગ્વેદમાં “કૃષ્ણીય' શબ્દ મળે છે, તે શ્રીકૃષ્ણ માટે છે કે શ્રીકૃષ્ણની વસાહત-રહેઠાણ માટે છે- તે વિચારણીય છે. જે પ્રાચીન વસાહતમાં શ્રીકૃષ્ણે નિવાસ કર્યો તે વસાહત ઋગ્વેદના સમયમાં “કૃષ્ણીય' નામથી ઓળખાણી હશે. ખેર, એટલું સ્પષ્ટ છે કે ઓખામંડળના દરિયામાંથી છેલ્લે છેલ્લે જે અવશેષો મળ્યા તે દશેક હજાર વર્ષ જૂના છે. અને ગ્રીસ દેશના રોમ, ટ્રોય, ઈથિકા જેવી અતિ પ્રાચીન નગરીની હરોળમાં દ્વારકાને મૂકી આપનારા છે. કહો કે હવે એકવીશમી સદીમાં દ્વારકા જગતભરની પ્રાચીનતમ નગરીઓમાં સ્થાન પામી છે. સાંપ્રત સમયના આ સંશોધનોને ટૂંકમાં જોઈએ તો શ્રીકૃષ્ણના ઉત્તરજીવનમાં વસેલી દ્વારકા, એના પૂર્વકાળની કુશસ્થળી તથા હાલની દેવભૂમિ દ્વારકા અતિ લાંબો ઇતિહાસ અને અતિ પ્રાચીન અવશેષો ધરાવે છે. આ પણ ખાસ નોંધવું જોઈએ કે સાહિત્ય અને ઇતિહાસના જૂનામાં જૂના ઉલ્લેખો શ્રીકૃષ્ણના ઉત્તરજીવનના છે. શ્રીકૃષ્ણના પૂર્વજીવન વિશેના સાહિત્યિક અને ઐતિહાસિક પુરાણો પ્રમાણમાં અર્વાચીન સમયનાં છે !
         પુરાતત્ત્વની નજરે આજે ગોકુળ અને વૃંદાવનના પુરાવા માંડ છેલ્લા પાંચસો વર્ષના છે ત્યારે કુશસ્થલી અને દ્વારકાના પુરાવા આઠથી દસ હજાર વર્ષના છે. ઋગ્વેદ જેવા અતિ પ્રાચીનતમ ગ્રંથમાં દ્વારકા છે પણ ગોકુળ- વૃંદાવન નથી. એમ લાગે છે કે શ્રીકૃષ્ણની બાળલીલાઓ પાછળનું ઉમેરણ છે. શ્રીકૃષ્ણની બાળલીલા પૂતનાવધ, શકટભંગ, તૃણાવર્તવધ, યમલાર્જુનપાત, બકાસુર અઘારસુરવધ, કાલીયદમન, ગોવર્ધનધરણ વગેરે બે હજાર વર્ષથી જૂના નથી. શ્રીકૃષ્ણ સંબંધી પાંચેક હજાર વર્ષના પુરાવા શ્રીકૃષ્ણના ઉત્તરજીવનના જ છે. શ્રીકૃષ્ણ મથુરા છોડીને દ્વારકા આવે છે, ત્યારથી શ્રીકૃષ્ણનું ઉત્તરજીવન આરંભ પામે છે. આ સમયે શ્રીકૃષ્ણની ઉંમર ૩૨ વર્ષની છે. ૩૨થી ૫૭ કુલ ૨૪ વર્ષ શ્રીકૃષ્ણ દ્વારકામાં રહ્યા છે. આ ૨૪ વર્ષમાં રુકમણિહરણ, સ્યમંતકમણિનો પ્રસંગ, જાંબુવતી અને સત્યભામા સાથે વિવાહ, પારિજાતહરણ, નરકાસુરવધ, કાલિન્દી-મિત્રવિંદા—ભદ્રા—સત્યા અને લક્ષ્મણા- ક્રમશઃ આ પાંચ સાથે લગ્ન એટલે કુલ અષ્ટ પટરાણીઓ, આઠે પત્નીઓને પુત્ર જન્મ. આ પછી ૫૮મા વર્ષે ફઈના દીકરા પાંડવોને સહાયભૂત થવા દ્વારકાથી હસ્તિનાપુર ગમન, પાંડવોની સાથે (યુદ્ધમાં સારથી વગેરે) કુલ ૨૬ વર્ષો શ્રીકૃષ્ણ દ્વારકાની બહાર વિતાવે છે અને મહાભારત યુદ્ધ પૂરું થયા પછી પોતાની ૮૫ વર્ષની વયે શ્રીકૃષ્ણ પુનઃ દ્વારકા આવે છે. આ પછીના ૩૬ વર્ષ પંરિવાર સાથે દ્વારકામાં જ રહે છે અને ૧૨૦ વર્ષની વયે પ્રભાસપાટણમાં તેમનો દેહાંત થાય છે.
       દ્વારકાથી પ્રભાસ સુધીમાં જે જે પ્રસંગો બન્યા તેનાં શિલ્પો, ચિત્રો અને શિલાલેખો મળે છે. મહાભારત યુદ્ધમાં શ્રીકૃષ્ણે જે જે પ્રસંગોમાં આગેવાની લીધી તે દરેક વિશે હજારો સાહિત્યિક પુરાવાઓ છે. “મહાભારત” જેવું આપણા દેશનું એક મહાન ઐતિહાસિક મહાકાવ્ય શ્રીકૃષ્ણના કેન્દ્રસ્થાને જ લખાયું છે. દૂર કંબોડિયાના મહાન વિષ્ણુ મંદિર અંકોરવટ્ટમાં તેના સેંકડો શિલ્પ પ્રાપ્ત છે.
       શ્રીકૃષ્ણના ઉત્તરજીવનના જેટલા પુરાવાઓ છે, તેના કરતાં ચોથા ભાગના પુરાવાઓ પણ શ્રીકૃષ્ણના પૂર્વજીવનના નથી ! શ્રીકૃષ્ણની બાળભક્તિ તે ‘ધર્મ’ની વાતો છે, ઈતિહાસની નહિ. ઈતિહાસ તો દ્વારકાનો જ છે અને તે અતિ પ્રાચીન છે. ગુજરાતી સાહિત્યમાં “કવિશ્રીના માનવંતા પદથી જેમનો સાદર ઉલ્લેખ થાય છે તે કવિશ્રી ન્હાનાલાલે દ્વારકા વિશે મન મૂકીને લખ્યું છે. કવિશ્રી કહે છે કે “વિશ્વે દ્વારિકા સ્હોતી બ્રહ્મભર્ગથી-’ મહાસાગર જેની આરતી ઉતારે છે તે દેવભૂમિ દ્વારકા “યુગ યુગ ધ્યાનવિલીન' નગરી છે.


      કવિશ્રી ન્હાનાલાલના આ ‘યુગ યુગ ધ્યાનવિલીન' શબ્દો, દ્વારકામાં થયેલા પુરાતત્ત્વ સંશોધનોથી આજે સિદ્ધ થયેલા છે. આપણે દ્વારકાનાં છેલ્લાં બે મહાન ઉત્ખનનોથી આ વાત સમજીએ : પહેલું ખોદકામ ૧૯૬૩ અને બીજું ૧૯૭૯માં છે. પહેલું ખોદકામ ડક્કન કોલેજ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ડો. હસમુખ સાંકળિયાના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ ખોદકામનો રિપોર્ટ પણ ૧૯૬૬માં પ્રસિદ્ધ થયો. આ ખોદકામ આજના જગતમંદિરની બાજુના એક, વીશ ચોરસ ફૂટ ઓરડામાં થયેલું. ગામ કરતાં મંદિર કંઈક ઊંચા ટેકરા ઉપર છે, આ ટેકરા ઉપર અતિ ગીચોગીચ વસવાટ છે. ખરેખર તો આ આખો ટેકરો ખરીદી લઈને અતિ વિશાળ પાયે અહીં ખોદકામ થવું ઘટે, પણ વસવાટ અને સંખ્યાબંધ ધર્મસ્થળેના કારણ અશક્ય છે. આખર આ ઓરડો ખરીદી લઈ તેમાં ચાલીશ ફૂટ ઊડે સુધી ખોદકામ થઈ શક્યું, પછી રેતી અને દરિયાના પાણી આવી ગયા. સાહસ તો આપણા એક મોટા ગજાના વિદ્વાન પરાતત્ત્વવિદ્દ ડૉ. હસમુખ સાંકળિયાનું હતું! તેઓ આ ખોદકામ દરમિયાન છેક સુધી નીચે ઊભા રહ્યા હતા! આટલી જગ્યામાં, આટલે ઊડે સુધી બે મજૂરો ખોદે તેની સાથે ઊભા રહેવું તે જીવનું જોખમ હતું! ઓરડાની રેતાળ દીવાલો ક્યારે ધસી પડે તેનો સતત ભય પણ હતો! આશરે ચાલીશ ફૂટ ઊંડે સુધી પહોંચી શકાયું ત્યાં સુધીમાં જે નિશાનીઓ મળી તેના આધારે એમ સ્પષ્ટપણે તારવી શકાયું કે દ્વારકાના આજના વસવાટ નીચે બીજા કુલ છ વસવાટો છે ! એટલે કે આજની દ્વારકા તે સાતમી દ્વારકા છે! સૌથી નીચે આવેલી દ્વારકાના જે અવશેષો છે તે આશરે ઈ.સ. પૂર્વે પંદરમી સદી આસપાસના છે. અત: મૂળની દ્વારકા ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ જૂની દ્વારકા છે.
      આપણી પૌરાણિક માન્યતા શ્રીકૃષ્ણને પાંચ હજાર વર્ષ જૂના માને છે. આ માન્યતા સુધી આ અવશેષો પહોંચી શક્યા નથી. વિશ્વભરના જિજ્ઞાસુઓ નિરાશ થયા પણ ડૉ. સાંકળિયાએ આ ખોદકામની મર્યાદા બતાવી. અહીં વિસ્તૃત ઉત્ખનન થઈ શક્યું નથી. સાચા નિર્ણય ઉપર આવવા માટે વ્યાપક ખોદકામ થવું જોઈએ. સુખદ આશ્ચર્ય એ થયું કે સોળ વર્ષ પછી આજના જગતમંદિરની ગામ તરફની ચોકી ખસેડવી પડે એટલી જર્જરિત થઈ ગઈ હતી તેને ખસેડવામાં આવી અને ઘણી વધુ જમીન ખુલ્લી થઈ ! આ ખુલ્લી જમીનનો લાભ લઈને સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ એસ.આર.રાવે, કેન્દ્ર સરકારના પુરાતત્ત્વ વિભાગને જાણ કરી તથા પોતાની યોજના મૂકી. સદ્ભાગ્યે ધ્યાન ઉપર લેવાયું અને દ્વારકામાં આજ સુધીનું સૌથી વિસ્તૃત ખોદકામ થયું. ૧૯૭૯ના આ ખોદકામનો રિપોર્ટ સરકારી તંત્ર તો જ્યારે બહાર પાડે ત્યારે પણ વ્યક્તિગત ધોરણે એસ.આર.રાવ તરફથી ૧૯૯૯માં ‘ધ લોસ્ટ સિટી ઓફ દ્વારકા' પ્રસિદ્ધ થયું. દ્વારકામાં જમીન ઉપર થયેલા આ બન્ને ખોદકામોનો મુખ્ય તફાવત એ છે કે ૧૯૬૩માં આજની દ્વારકા તે સાતમી દ્વારકા હોવાનું નજરમાં આવ્યું હતું, જ્યારે ૧૯૭૯માં આજની દ્વારકા તે આઠમો વસવાટ હોવાનું જાહેર થયું છે. આ આજની આઠમી દ્વારકા ૧૬૦૦ પછી ક્રમશઃ વિકાસ પામી છે, તેમાં ખનિજ, મીઠું અને મચ્છીના ઉદ્યોગો મુખ્ય કારણ છે.
     આજે એકવીશમી સદીમાં ૨૦૦૫થી થઈ રહેલાં દરિયાઈ પુરાતત્ત્વનો ફાળો, વિશિષ્ટ કહેવાય એવાં તથ્યો ઉપર પ્રકાશ ફેંકનારો બન્યો છે. ૧૯૭૯ના ખોદકામે અહીંના અવશેષો સિન્ધુસભ્યતા સુધીના હોવાનું નજરમાં આવ્યું હતું, જ્યારે ૨૦૦૫ પછી " દરિયાના પાણીમાં તળિયે પડી રહેલા અવશેષો બહાર આવ્યા છે અને તે નિઃશંક, સિન્ધુ—સભ્યતા પૂર્વેના છે. હજુ આજે ૨૦૧૯માં સ્થિતિ પ્રવાહી છે, પરંતુ દરિયામાંથી જે વસ્તુઓ મળી છે તે આઠ હજારથી વધુ પ્રાચીન અને આશરે દશેક હજાર વર્ષ જૂની છે.
       યાદ રહે : આ દ્વારકાના અવશેષો છે, શ્રીકૃષ્ણના કોઈ મંદિરના નથી. આપણે આજે તેને દ્વારકા' કહીએ છીએ પણ દશ હજાર વર્ષ પૂર્વે તેનું નામ “કુશસ્થલી હશે અથવું કોઈ બીજું-ઘ અહીં દરિયામાં એક નગરના અવશેષ છે અને તે અતિ પ્રાચીને છે એટલું સ્પષ્ટ છે. કુશસ્થલીના ખંડેર ઉપર શ્રીકૃષ્ણ દ્વારા દારકાનું સર્જન છે. આ પહેલી દ્વારકા પૂરાં સો વર્ષ પણ ટકી નથી. બત્રીશ વર્ષના શ્રીકૃષ્ણ દ્વારકા વસાવે છે અને એકસો વીશ વર્ષની ઉમેરે શ્રીકૃષ્ણ દેહત્યાગ કરે છે, ત્યારે દ્વારકા પણ સમુદ્રમાં ડૂબી જાય છે. આમ પ્રથમ દ્વારકા માત્ર અઠ્ઠયાસી વર્ષ અસ્તિત્વમાં રહી છે. આ પછી તુરત એ જ સ્થળે બીજી દ્વારકા વસી છે. આમ કુલ આજની આઠમી દ્વારકા હયાત છે. આ જ સ્થળે ફરી ફરી દ્વારકા વસી હોવાનું કારણ દરિયાઈ વેપાર લાગે છે. ખોદકામ દરમિયાન પ્રથમની દ્વારકા ઉપર પાંચ પાંચ ફૂટનો રેતીનો થર નજરમાં આવ્યો છે. દ્વારકા ઉપર દરિયા ફરી વળ્યો – એવી પૌરાણિક માન્યતા આ પુરાવાઓથી સિદ્ધ થાય છે.
     ખોદકામ દરમિયાન જે એક પછી એક દ્વારકા નજરમાં આવી, તેમાં પ્રથમની બે દ્વારકામાં મંદિરના કોઈ અવશેષો નથી. ત્રીજી દ્વારકામાં મંદિરના અવશેષો છે. આ ત્રીજી દ્વારકા આજથી બે હજાર વર્ષ પહેલાં વસી હશે, કારણ કે મંદિર સ્થાપત્યનો આરંભ છેલ્લાં બે-અઢી હજાર વર્ષથી જ છે.
      ગુજરાતમાં સૌથી જૂનામાં જૂનો મંદિરનો પુરાવો જામનગર જિલ્લાના ગોપ ગામમાં છે. સોમનાથમાં પણ જૂનાં મંદિરો છે અને શિલાલેખનો લેખિત પુરાવો જૂનાગઢના અશોક શિલાલેખમાંના સ્કન્દગુપ્તના ઈ.સ. ૪૫૬ના લેખમાં મળે છે. ‘ચક્રપાલિત’ નામના સુબાએ ગિરનારની બરોબરી કરે એવું ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવી આપ્યાનો અહીં ઉલ્લેખ છે. અતઃ સૌરાષ્ટ્રમાં છેલ્લાં બે હજાર વર્ષથી મંદિરો છે. દ્વારકામાં પણ આશરે બે હજાર વર્ષથી વિષ્ણુમંદિર પ્રમાણી શકાય છે. આ મંદિર પાંચ વખત ધ્વંસ થયું છે અને હાલનું અતિ ઊંચા શિખરવાળું ઈ.સ. ૧૬૦૦ સુધીમાં સર્જન  પામ્યું છે. ઓખામંડળના વાઘેરોના સ્વાતંત્ર્યસંગ્રહ વખતે આ મંદિર અંગ્રેજોના હાથે તૂટ્યું છે અને ૧૮૬૧માં મહારાજા ખંડેરાવ દ્વારા જીર્ણોદ્ધાર પામ્યું છે. ૧૯૦૩માં સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ મંદિરનો સુવર્ણકળશ ચડ્યો છે.
      સવારસાંજના પ્રકાશમાં સમુદ્ર અને ગોમતી નદીના સંગમ ઉપર પોતાની સોનેરી આભા લહેરાવતું આ મંદિર અને તેની છત્રછાયામાં વસેલું દ્વારકા, સમગ્ર દેશની યુગ યુગ ધ્યાનવિલીન એક મહાન નગરી છે." 
(સૌજન્ય : દિવાળી વિશેષાંક - ગુજરાત )

No comments:

Post a Comment