Tuesday, May 7, 2024

અવસર લોકશાહીનો

 પહેલાં મતદાન પછી જલપાન 

આદરણીય પ્રકાશભાઈ  શાહ એક મત આપવા અત્યંત વ્યસ્તતા વચ્ચે હજારો માઈલ અંતર કાપી અમેરિકાથી અરવલ્લી પધારે છે.



આજે 7 મે. અને આજે ગુજરાતમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી  થવા જઈ રહી છે. "મારા એક મતથી શું ફેર પડે છે ?" આવું વિચારી સેંકડો લોકો લોકશાહી પરત્વેની પોતાની ફરજ ચૂકી જાય છે. પ્રત્યેક ચૂંટણીમાં આવા સેંકડો લોકો માટે પ્રેરણા રૂપ દૃષ્ટાંત પૂરું પાડે છે આદરણીય પ્રકાશભાઈ શાહ. 
વિધાનસભા કે લોકસભા ભારતની કોઈપણ ચૂંટણી હોય ત્યારે પ્રકાશભાઈ શાહ મતદાનની પવિત્ર ફરજ નિભાવવા હજારો માઈલનું અંતર કાપી વતનની વાટ પકડે છે.  અમેરિકામાં ગરિમાપૂર્ણ પદ શોભાવનાર આદરણીય પ્રકાશભાઈ કે. શાહ સાહેબ ચૂંટણી સમયે પોતાનો એક મત આપવા અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ અમેરિકાથી ભારત અચૂક પધારે છે. માત્ર એક મત ખાતર કોઈ અમેરિકાથી ભારત આવે એ વાત સામાન્ય જનતાને અચરજ પમાડે છે. પરંતુ લોકશાહીને મજબૂત કરવા એક મતનું શું મૂલ્ય હોય છે એ પ્રકાશભાઈ શાહ સુપેરે જાણે છે. અને તેઓ કરોડો ભારતીય મતદારો માટે રોલ મોડેલ પૂરું પાડે છે. 

આજ રોજ પ્રકાશભાઈ શાહ વાત્રક ખાતે પધારી લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. હજારો માઈલ દૂર રહીને પ્રકાશભાઈ વતનને અનહદ પ્રેમ કરે છે, તો આજે આપણે આપણી ફરજ કેમ ચૂકીએ?
ચૂંટણી પંચનાં તાજેતરનાં એક રિપોર્ટ અનુસાર આપણાં દેશમાં 94.5 કરોડ મતદારો નોંધાયા છે અને આશ્ચર્યજનક રીતે એમાંથી એક તૃતિયાંશ લોકો પોતાનાં અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરતા નથી. 2019ની ચૂંટણીમાં 30 કરોડ લોકોએ પોતાનો મતાધિકાર જતો કર્યો હતો. લોકશાહી ધરાવતા કોઇપણ દેશ માટે ચિંતા ઉપજાવે એવી બાબત છે. મતદાન એ એક પ્રકારની રાષ્ટ્રસેવા જ છે. 
મારા એક મતથી શું ફેર પડે આવું વિચારનારા માટે એક રસપ્રદ કિસ્સો રાજસ્થાનનો છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી સમયે સીપી જોશી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હતા. આ ચૂંટણીમાં તેમને ૬૨૨૧૫ મત મળ્યા હતા જયારે હરીફ ઉમેદવાર કલ્યાણસિંહ ચૌહાણને ૬રર૧૬ મત મળ્યા હતા. માત્ર એક મત માટે સીપી જોશી ચૂંટણી હારી ગયા હતા. આ ચૂંટણીમાં જોશીના માતા અને પત્ની મતદાન કરવા ગયા ન હતા.
૧૯૯૮માં એક મત ઓછો મળતાં  સંવેદનશીલ સત્તાધિશ અટલ બિહારી વાજપેયીને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો. ૧૯૯૯માં સંસદમાં તેમની સરકાર એક મતે પડી ગઇ હતી. આ સમયે સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવમાં ૨૭૦ મત પડ્યા હતા જયારે પ્રસ્તાવની વિરૂદ્ધમાં ૨૬૯ મત હતા.
આવાં તો અનેક ઉદહરણોથી ઇતિહાસ ભર્યો પડ્યો છે. 
પ્રકાશભાઈ શાહ કહે છે "જો આપણે લોકશાહીને મજબૂત કરવા મતદાનથી અળગા રહીશું તો આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના આત્મા કેટલા દુઃખી થશે એ જાણો છો?  વિશ્વમાં ભારતની તાકાત વધારવા માટે પણ ભારતના નેતૃત્વને મજબૂત કરવા સો ટકા મતદાન કરવું જરૂરી છે. હું તો મિટ્ટી નો ઠૂર છું. ભારત માતા નું ઋણ ચૂકવવા ભારત આવું છું. આપ પણ આજે સો ટકા મતદાન કરી રાષ્ટ્ર સેવાયજ્ઞ માં આપની આહુતિ જરૂર આપશો.".
 યુવાનો, વડીલો, માતાઓ બહેનો સૌને અપીલ છે કે આજે મતદાન અચૂક કરી રાષ્ટ્રભક્તિના દર્શન કરાવશો. ભારત માતા પ્રસન્ન થશે.

- ઈશ્વર પ્રજાપતિ


No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts