Sunday, December 10, 2023

સન્ડે સ્પેશિયલ

  મસ્તક વિનાની મળેલી  અજાણી યુવતીની લાશ ! 

આખરે એ દુર્ભાગી યુવતી કોણ હતી ???




વર્ષ ૨૦૧૮ ની વાત છે. સૌરાષ્ટ્રના એક જાણીતા શહેરની ડમ્પિંગ સાઈટ પર એક યુવતીનું ધડ  વિકૃત હાલતમાં મળી આવ્યું. યુવતીની ઓળખ થઇ ન શકે તે માટે કોઈએ ક્રુરતા પૂર્વક   યુવતીનું મસ્તક વાઢી નાખી લાશને ડમ્પિંગ સાઈટ પર ફેકી દીધી હતી. આખા પંથકમાં જાણે  ચકચાર મચી ગયો. પોલીસને જાણ થતાં તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી.

લાશ જોતાં જ અંદાજ આવતો હતો કે યુવતીની હત્યા અંદાજે ૩૬ કલાક પહેલાં કરવામાં આવી છે. યુવતીએ જીન્સ ટોપ પહેર્યું હતું. શાતીર દિમાંગ ધરાવતા હત્યારાએ લાશની આસપાસ કોઈ પુરાવા પણ છોડ્યા ન હતા. મસ્તક વિનાની લાશની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. પોલીસ માટે આ હત્યાનો ભેદ ઉકેલવો એક  જટિલ કોયડો બની ગયો હતો. મૃત્યુ પામેલ યુવતીના જમણા હાથ પર V.V. ત્રોફાવેલ હતું. આ સિવાય યુવતીની ઓળખ થઇ શકે એવી કોઈ વિગત ઉપલબ્ધ હતી નહિ.

હાથ પર ત્રોફાવેલ V.V. અંગ્રેજી બે મૂળાક્ષરોના આધારે હત્યારા સુધી પહોંચવું પોલીસ માટે સહેલું ન હતું. પોલીસે ધીરજ પૂર્વક કામ લીધું અને તપાસ આરંભી. આસપાસના વિસ્તારમાંથી ગુમ થયેલી યુવતીઓની માહિતી એકત્રિત કરી. મૃત્યુ પામેલ યુવતીએ પહેરેલ વેસ્ટર્ન કપડાં આધારે ઓળખ કરવા છાપાં – ટેલીવિઝન પર જાહેરાત આપવામાં આવી. આસપાસના વિસ્તારમાંથી ગુમ થયેલ યુવતીઓના હાથ પર V.V. એવું ત્રોફાવેલ નિશાન છે કે કેમ ? આ બધી જ તપાસ કરી જોઈ પણ આ યુવતીની ઓળખ થાય એવી કોઈ કડી ક્યાયથી હાથ લગતી જ નહતી.

પોલીસે અંગત બાતમીદારોને સક્રિય કરી તપાસના ચક્રો વધુ ગતિમાન કર્યા. એક વિશ્વાસુ બાતમીદારે પોલીસને માહિતી આપી કે આ હત્યાનો બનાવ બન્યો છે ત્યારથી પાસેના ગામમાં રહેતો વિશાલ નામનો વ્યક્તિ પણ ગાયબ છે. યુવતીના હાથ પર ત્રોફાવેલ V.V. નાં કારણે શંકા વધુ પ્રબળ બની જતી હતી.  આ કેસને ઉકેલવા  વિશાલ સુધી પહોંચવું જરૂરી હતું. પોલીસે પાસેના ગામ પાસે જઈ ખાનગી રાહે  વિશાલની વિગતો એકત્રિત કરી. વિશાલનું પગેરું શોધવું જરૂરી હતું. જીલ્લા પોલીસે વિશાલને શોધવા ઈન્ટેલીજન્સ એજન્સીને  કામે લગાડી. ભારે જહેમત બાદ પોલીસને વિશાલની ભાળ મળી. વિશાલ કચ્છના એક છેવાડાના ગામની વાડીમાં આશ્રય લીધો હતો. સૌરાષ્ટની પોલીસ કચ્છ પહોંચી વિશાલને પૂછપરછ માટે લઈ આવી. શરૂઆતમાં વિશાલે ચતુરાઈ પૂર્વકના જવાબ આપી પોલીસને ગુમરાહ કરતો રહ્યો. પરંતુ પોલીસે કડક હાથે કરેલી  ઉલટ પ્રશ્નોત્તરી દરમિયાન વિશાલની કોઈ હોંશિયારી ચાલી નહિ. અને પછી તો જે પણ બન્યું હતું એ પોપટની જેમ વિશાલ બોલવા લાગ્યો. વિશાલે જે કબૂલાત કરી એ સાંભળી સૌ કોઈ ચોંકી ઉઠયા. 

મૃત્યુ પામેલ યુવતીનું નામ વિમલા હતું. તે પરણિત મહિલા હતી. તે ત્રણ સંતાનોની માતા હતી. તેને સંતાનોમાં બે દીકરીઓ અને એક દીકરો હતો. પરંતુ પતિ સાથેના કંકાસને કારણે તે તેની નાની દીકરી સાથે અલગ રહેતી હતી. જયારે મોટી દીકરી અને દીકરો વિમલાના પતિ સાથે રહેતાં હતાં. વિશાલ તેની બહેનનાં ઘેર જતાં વિમલા સાથે આંખ મળી ગઈ. વિશાલ અને વિમલા એકબીજાને પસંદ કરવા લાગ્યા. અને એકબીજાને અવાર નવાર મળવા લાગ્યાં. બંનેએ સાથે જીવવા મારવાના કોલ આપી દીધા. વિમલાએ પ્રેમની નિશાની રૂપે પોતાના જમણા હાથ પર V.V. એમ ત્રોફાવી દીધું.  

વિમલા હવે તેની નાની દીકરી લઈને વિશાલની સાથે જ રહેવા આવી ગઈ. પરંતુ આ સંબધ વિશાલના પરિવારને મંજૂર હતો નહિ. રોજ રોજ કંકાસ વધવા લાગ્યો. એટલે વિશાલ વિમલાને લઇ બીજા ગામ વાડીએ રહેવા ચાલ્યો ગયો. વાડીએ રહેવા આવ્યા બાદ પણ કોઈ અણગમતા કારણસર વિમલા અને વિશાલ વચ્ચેનો કંકાશ સમ્યો નહિ. વિશાલ હવે દારૂની લતે ચડી ગયો હતો. રોજ દારૂ પી ને આવી વિમલા સાથે મારઝૂડ કરતો. વિમલા પોતાના પતિને છોડીને હવે પસ્તાઈ રહી હતી પરંતુ તેની પાસે પાછા વળવાનો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. તેના સંતાનોનું ભાવી પણ અંધકારમય બની ગયું હતું. વિમલાનું જીવન હવે જાણે નર્કાગાર બની ગયું હતું.

          એક સાંજે વિશાલ ચિકકાર દારુ પીને ઘેર આવ્યો અને વિમલા સાથે ઝઘડો કર્યો. વિમલા આ સહન કરી શકી નહિ. ઝઘડાએ ઘાતક રૂપ લીધું. વિશાલ બેરહમીથી વિમલા પર તૂટી પડ્યો. વિમલાનું પ્રાણપંખેરું ઉડ્યું નહિ ત્યાં સુધી વિશાલ તેને મારતો રહ્યો. આખરે  વિમલા મૃત્યુ પામી. વિમલા મારથી મૃત્યુ પામી છે એ જાણી વિશાલ ગભરાઈ ગયો.  હવે કોઈને પણ આ વાતની જાણ ન થાય એ માટે એને લાશને સગેવગે કરવાનું નક્કી કર્યું. પોતે હત્યા કરી છે અને હવે પકડાઈ ન જાય એ માટે હવાતિયા મારવા લાગ્યો.લાશની ઓળખ થાય નહિ અને  કોઈને શંકા જાય નહી એ માટે વિમલાને જીન્સ અને ટોપ પહેરાવી દીધું. અને કરવતથી મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. ધડને ડમ્પિંગ સાઈટ પર ફેંકી આસપાસ જાળી ઝાંખરા પાથરી દીધાં. જ્યારે મસ્તક બીજા કોઈ ગામના સીમ વગડામાં જઈ  દાટી દીધું.

લાશને સગેવગે કર્યા બાદ જાણે  કશું જ બન્યું ન હોય એમ વિશાલ વાડીએ જઈ કામમાં જોતરાઈ ગયો. માણસ જ્યારે હેવન બને છે ત્યારે માનવતાની તમામ મર્યાદાઓ નેવે મૂકતા જરા પણ શરમાતો નથી.  વિશાલે વિમલાની તો ક્રૂર હત્યા કરી નાખી, હવે વિમલા જે  સગીર વયની દીકરી સાથે લાવી હતી તેની ઉપર નજર બગાડી, વિશાલ પોતાની હવસ સંતોષવા લાગ્યો. વિશાલ હેવન બની માસુમ કળીને મસળતો રહ્યો.

પોલીસ સમક્ષ વિશાલે કરેલી કબૂલાત સાંભળી ખુદ પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ. પોલીસે ગજબની કુનેહથી હાથ પર ત્રોફાવેલ મુલાક્ષારોના આધારે આ જટિલ કેસને ઉકેલી હેવાનને  જેલને હવાલે કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. એક વાત તો નક્કી છે પાપી પાપ કરતાં ગમે તેટલી ચાલાકી કરે પરંતુ કરેલું પાપ છાપરે ચડી પોકારતું હોય છે. વિમલાની દીકરીને મૂળ પિતાને સોંપી દેવામાં આવી.વિશાલ જેલના સળિયા પાછળ  પોતે કરેલા કર્મોની સજા ભોગવી રહ્યો છે.   

(સત્ય ઘટના. નામ પરિવર્તિત કરેલ છે.)

-     ઈશ્વર પ્રજાપતિ

98251 42620

( નોંધ -  આપ પણ આપના જીવનની વ્યથા કથા નીચેના સરનામે પોસ્ટ કે કુરિયર થી મોકલી શકો છો. અથવા નીચેના આપેલા નંબર પર Whatsapp કરી શકો છો.  સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ , મેઘરજ રોડ, ઉમિયા ચોકની સામે, મોડાસા 383315.  સંપર્ક : ૯૮૨૫૧ ૪૨૬૨૦ )

No comments:

Post a Comment