Monday, August 21, 2023

શિવમય શ્રાવણ - ૫

શ્રીવિષ્ણુના વૈજુ નામ પરથી જ પ્રભુ વૈજનાથના નામે પ્રસિદ્ધ થયા. 


    પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણમાં શિવજીના દર્શનનો અદકેરો જ મહિમા છે. તેમાં પણ ભારતની ભૂમિ એ તો દ્વાદશ જ્યોતિર્લિંગના  દર્શનની ભૂમિ છે. અને આ બાર જ્યોતિર્લિંગમાં પાંચમું સ્થાન ધરાવે છે બાબા વૈદ્યનાથ.બાબા વૈદ્યનાથને ભક્તો વૈદ્યનાથેશ્વર, બૈદ્યનાથ તેમજ વૈજનાથ જેવાં નામોથી પણ સંબોધે છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ શિવલિંગના દર્શન માત્રથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. અને એટલે જ તો તે કામના લિંગ તરીકે પણ પ્રસિદ્ધ છે.
    વૈદ્યનાથ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી કામનાઓ પૂર્ણ થવાની માન્યતા છે. અને એટલે જ તે કામના લિંગ તરીકે પણ ઓળખાય છે. બાબા વૈદ્યનાથને ભક્તો વૈજનાથ પણ કહે છે. એક માન્યતા અનુસાર શ્રીવિષ્ણુના વૈજુ નામ પરથી પ્રભુ વૈજનાથના નામે પ્રસિદ્ધ થયા.
     શિવપુરાણમાં પણ બાબા વૈદ્યનાથનો ઉલ્લેખ મળે છે. શિવપુરાણ અનુસાર વૈદ્યનાથ સ્વરૂપ એ તો દર્શન માત્રથી ભક્તોના તમામ પાપકર્મનું હરણ કરી લેનારું છે. ભોળાનાથનું જ્યોતિર્મય વૈદ્યનાથ સ્વરૂપ ઝારખંડમાં દેવઘર નામના સ્થાન પર શોભાયમાન છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમાં “પરલ્યાં વૈદ્યનાથં ચ” તરીકે વૈદ્યનાથ જ્યોતિર્લિંગના સ્થાનનો ઉલ્લેખ મળે છે. તે સ્થાન મૂળે તો ઝારખંડનું દેવઘર જ હોવાનું મનાય છે. અલબત્, મહારાષ્ટ્રના પરલીમાં તેમજ હિમાચલ પ્રદેશના કાંગડામાં આ જ્યોતિર્લિંગ સ્થિત હોવાના દાવા થતાં રહ્યા છે. પણ, દેવતાઓનું ઘર મનાતું દેવઘર જ મુખ્ય હોવાની માન્યતા વધુ પ્રચલિત છે. અહીં મંદિર મધ્યે દેવાધિદેવનું જ્યોતિર્મય સ્વરૂપ પ્રસ્થાપિત થયું છે. વૈધનાથ ધામની સ્થાપના સતયુગમાં થઈ હોવાનું માનવામાં આવે છે.

    શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 27-28માં વૈદ્યનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્ય સંબંધી કથાનું વર્ણન છે. કથા અનુસાર રાક્ષસરાજ રાવણે મહેશ્વરને પ્રસન્ન કરવા કૈલાસ પર્વત પર જઈ દુષ્કર તપ કર્યું. પણ, રાક્ષસરાજના મનોભાવોને જાણનારા શિવજી ઝડપથી પ્રસન્ન ન થયા. આખરે, રાવણે એક પછી એક પોતાનું મસ્તક કાપી શિવજીને અર્પણ કરવાનું શરૂ કર્યું. જ્યારે દસમું અને અંતિમ મસ્તક કાપવા રાવણ તૈયાર થયો ત્યારે મહાદેવે પ્રગટ થઈ તેને રોક્યો. કરુણાનિધાને રાવણને તેના બધાં મસ્તક પાછા આપી તેની ઈચ્છા અનુસાર તેને પરમ બળની પ્રાપ્તિના આશિષ આપ્યા. મહાદેવના વરદાનથી પ્રસન્ન થઈ રાવણ સ્વયં તેમને જ લંકા લઈ જવા હઠાગ્રહ કરી બેઠો. ત્યારે શિવજીએ તેને લંકા લઈ જવા પોતાના અંશ રૂપી એક શિવલિંગ આપ્યું. સાથે જ કહ્યું કે, “તુ તેને જમીન પર જ્યાં મુકીશ ત્યાં જ તે સ્થાપિત થઈ જશે !”
    રાવણ હર્ષ સાથે લંકા જવા નીકળ્યો. પરંતુ, માર્ગમાં શિવજીની જ માયાથી રાવણને લઘુશંકાની ઈચ્છા થઈ. કહે છે કે દેવઘરની આ જ ભૂમિ પર રાવણે એક ગોપબાળને જોયો. વૈજુ નામના તે બાળકના હાથમાં રાવણે શિવલિંગ મૂકી દીધું. દંતકથા એવી છે કે, વૈજુ નામનો તે ગોપબાળ વાસ્તવમાં શ્રીહરિ વિષ્ણુ જ હતા ! જેમણે તે શિવલિંગ જમીન પર મૂકી દીધું. અને પછી શિવજીના વરદાન અનુસાર તે ત્યાં જ સ્થિર થઈ ગયું. રાવણે પૃથ્વી પરથી શિવલિંગને ઊંચકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તે હલ્યું સુદ્ધા નહીં. આખરે, તે નિરાશ થઈ પરત ફર્યો. ત્યારબાદ સર્વ દેવતા અને ઋષિમુનિઓએ મળી મહાદેવના આ દિવ્ય રૂપની પૂજા કરી અને તેને વૈદ્યનાથ નામ આપ્યું. એક માન્યતા અનુસાર શ્રીવિષ્ણુના વૈજુ નામ પરથી જ પ્રભુ વૈજનાથના નામે પ્રસિદ્ધ થયા. કે જેમના દર્શન માત્ર ભક્તોના સર્વ મનોરથોની પૂર્તિ કરનારા મનાય છે.
    વૈધનાથધામ મંદિર પરિસરમાં કુલ 22 જેટલાં મંદિરો આવેલા છે. આ તમામ મંદિરોને સફેદ રંગથી રંગવામાં આવ્યાં છે, જે સુંદર ચિત્ર પ્રસ્તુત કરે છે. હાલમાં રહેલ મંદિરનો મુખ્ય દ્વાર બિહારના ગિધોર પ્રાંતના રાજા પુરાણમલે ઈ.સ.1516માં બંધાવ્યું હતું. એવો ઉલ્લેખ છે કે બંગાળના પાલ શાસનના સામ્રાજ્યનો વિસ્તાર દેવધર સુધી કરવામાં આવ્યો હતો.
    મુખ્ય મંદિરનો કળશ સોનાનો છે. આના પાછળની કથા પણ રસપ્રદ છે. અંગ્રેજોના શાસનકાળમાં સંથાળ જાતિના લોકો બાબા વૈધનાથ મહાદેવના મંદિરમાં આવ્યાં. આ લોકો પૂરેપૂરા નાસ્તિક હતાં. તેમણે આ મંદિરના તાંબાના બનેલા કળશને તીરનું નિશાન બનાવીને કળશમાં છેદ પાડ્યો. એવું કહેવાય છે કે આ છેદથી તેમાંથી હજારોની સંખ્યામાં ભ્રમરો એટલે કે ભમરાઓ બહાર નિકળ્યાં અને સંથાળ લોકોને કરડવા લાગ્યાં. ભ્રમરોના કરડવાથી ઈજાગ્રસ્ત થયેલાં આ લોકો બાબા વૈધનાથના શરણે ગયાં અને ભગવાન ભોળાનાથ મહાદેવની ક્ષમા માંગી. ભગવાન ભોળાનાથે તેમને ક્ષમા  આપી અને સંથાળ જાતિના લોકો ત્યારથી જ શિવભક્ત બની ગયાં.     આ ઘટના બાદ ગિધોરનરેશની રાજમાતાને બાબા વૈધનાથે સ્વપ્નમાં આદેશ આપ્યો કે મારો તાંબાનો કળશ જીર્ણ થઈ ગયો છે. જેને બદલાવીને તમે નવો કળશ લગાવો. રાજમાતાએ તેમના રાજગુરુની સલાહ લઈને તાંબાના કળશના સ્થાને સવામણ સોનાનો કળશ ચડાવવાનો આદેશ આપ્યો. અને આજે પણ મંદિરમાં આ કળશ જોઈ શકાય છે.
- ઈશ્વર પ્રજાપતિ 

No comments:

Post a Comment