Tuesday, August 22, 2023

શિવમય શ્રાવણ - ૬

સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું અદભુત અને અલૌકિક ભીમાશંકર જ્યોતિર્લિંગ પ્રાગટ્યની દિવ્ય કથા  


    ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદી ને મળે છે. આશરે 3,250 ફૂટની ઊંચાઈ ઉપર સ્થિત આ મંદિર આખા દેશમાં આસ્થાનું એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે.

        શિવપુરાણ અનુસાર, પૂર્વકાળમાં ભીમ નામનો એક બળવાન રાક્ષસ હતો. આ રાવણના નાના ભાઇ કુંભકર્ણનો પુત્ર હતો. જ્યારે તેને ખબર પડી કે પિતાનું મૃત્યુ ભગવાન વિષ્ણુના અવતાર શ્રીરામના હાથે થયું તો તે ઘણો ક્રોધિત થયો. વિષ્ણુને પીડા આપવાના ઉદ્દેશ્યથી તેણે બ્રહ્માનું તપ કરી તેમને પ્રસન્ન કર્યા. બ્રહ્માનું વરદાન મેળવી એ રાક્ષસ વધુ શક્તિશાળી થઇ ગયો અને તેણે ઇંદ્ર વગેરે દેવતાઓને હરાવી દીધા. ત્યાર બાદ તેણે પૃથ્વીને જીતવાનો પ્રારંભ કર્યો. અહીં કામરૂપ દેશના રાજા સુદક્ષિણ સાથે તેનું ભયાનક યુદ્ધ થયું. અંતમાં, ભીમે રાજા સુદક્ષિણને હરાવીને કેદ કર્યા.

        રાજા સુદક્ષિણ શિવભક્ત હતા. કેદમાં રહીને તેણે એક પાર્થિવ શિવલિંગ બનાવ્યું અને તેની પૂજા કરવા લાગ્યો. આ વાત જ્યારે ભીમને ખબર પડી તો તે ઘણો ક્રોધિત થયો અને રાજા સુદક્ષિણનું વધ કરવાના ઉદ્દેશ્યથી ત્યાં પહોંચ્યો. જ્યારે ભીમે સુદક્ષિણને પૂછ્યું કે તું શું કરી રહ્યો છે? ત્યારે સુદક્ષિણે કહ્યું કે આ જગતના સ્વામી ભગવાન શંકરની પૂજા કરી રહ્યો છું. ભગવાન શિવ પ્રત્યે રાજા સુદક્ષિણની ભક્તિ જોઇને ભીમે એ શિવલિંગ પર તલવાર ચલાવી, ત્યારે ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા. પ્રકટ થઇને ભગવાન શિવે કહ્યું કે હું ભીમેશ્વર છું અને મારા ભક્તની રક્ષા કરવા માટે પ્રકટ થયો છું. ભગવાન શિવ અને રાક્ષસ ભીમ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતમાં પોતાનું હુંકાર માત્રથી ભગવાન શિવે ભીમ તથા અન્ય રાક્ષસોને ભસ્મ કરી નાખ્યા. ત્યારે દેવતાઓ અને ઋષિ-મુનિઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે તમે આ સ્થાન પર સદા નિવાસ કરો. આ પ્રકારે બધાની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ એ સ્થાને ભીમાશંકર જ્યોતિર્લિંગના રૂપમાં સ્થિર થયા.

        આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. પ્રાચીન વિશ્વકર્મા સ્થપતિઓએ હાંસલ કરેલું પ્રાવીણ્ય અને ચોકસાઈ આ મંદિરમાં જોવા મળે છે. આ એક સર્વ સામાન્ય પણ જાજરમાન મંદિર છે. આનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું અને સભામંડપ ૧૮મી સદીમાં નાના ફડનવીસે બંધાવડાવ્યો હતો. મંદિરનું શિખર પણ નાના ફડનવીસે બનાવડાવ્યું હતું. મહાન મરાઠા શાસક શિવાજી આ મંદિરની પૂજા અર્ચના માટે ફાળો મોકલતા. અન્ય શિવ મંદિરની જેમજ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે.

    અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે પણ ૧૩મી સદીના સાહિત્યમાં અહીંના ભીમાશંકરમ મંદિર અને (ભીમારથી નદી)નો ઉલ્લેખ જોવા મળે છે. સંત જ્ઞાનેશ્વરે ત્ર્યંબકેશ્વર અને ભીમાશંકરની મુલાકાત લીધી હોવાનું મનાય છે. અહીંના પટાંગણમાં (રોમન શૈલીનો) એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે, આ ઘંટ ચીમાજી અપ્પા (બાજીરાવ પેશ્વા પ્રથમના ભાઈ અને નાનાસાહેબ પેશ્વાના કાકા) દ્વારા ભેટ અપાયો હોવાનું મનાય છે. પોર્ટુગીઝ સામેના યુદ્ધના વિજય પછી ચીમાજી અપ્પાએ વસઈના કિલ્લાના બે વિશાળ ઘંટ લઈ લીધાં. તેમાંનો એક તેમણે અહીં ભીમાશંકરમાં અર્પણ કર્યો અને બીજો વાઈ નજીકના કૃષ્ણા નદી કિનારે આવેલા મેનોવાલી શિવ મંદિરને અર્પણ કર્યો.

         મનમાડની ટેકરીઓમાં ભીમાશંકર પાસે ૧૦૩૪ મીટરની ઈંચાઈ પર અંબા અને અંબાલિકા, ભૂતલિંગ અને ભીમાશંકરની બુદ્ધ શૈલિમાં કાંડરેલી મૂર્તિઓ આવેલી છે. નાના ફડનવીસ દ્વારા બંધાવાયેલ હેમદપંથી માળખામાં આવેલ વિશાળ ઘંટ જોવા લાયક છે. આ સાથે અહીંની આસપાસના હનુમાન તળાવ, ગુપ્ત ભીમાશંકર, ભીમા નદીનું મૂળ, નાગ ફણી, મુંબઈ પોઈન્ટ, સાક્ષી વિનાયક અને અન્ય ઘણાં સ્થળો જોવાલાયક છે. આ સાથે ભીમાશંકર એક સંવર્ધીત લાલ જંગલ ક્ષેત્ર છે જેમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ, પ્રાણીઓ, ફૂલો અને વનસ્પતિ જોઈ શકાય છે. જંગલના અંતરિયાળ ક્ષેત્રોમાં "શેકરુ" નામનું વિરલ પ્રાણી જોઈ શકાય છે. જંગલ પ્રેમીઓ માટે અને પર્વતારોહકો માટે અને જાત્રા કરવા નીકળેલા લોકો માટે ભીમાશંકર સારું સ્થળ છે. આ મંદિર પુનાના લોકોમાં ઘણું પ્રચલિત છે અને વિશ્વભરમાંથી લોકો અહીં દર્શન માટે આવે છે.

    ભીમાશંકર મંદિરની બાજુમાં કમલાજાનું સ્મારક છે. કમલાજા એ પાર્વતીનો એક અવતાર છે, જેમણે ત્રિપુરાસુર સામેના યુદ્ધમાં ભગવાન શંકરને મદદ કરી હતી. બ્રહ્માએ કમળના ફૂલ દ્વારા કમલાજાને પૂજ્યા હતા. દાનવો સામેનાં યુદ્ધમાં શાકીની અને ડાકીની નામના શિવગણોએ શિવજીને મદદ કરી હતી, તેમને પણ અહીં પુજવામાં આવે છે.

        ભીમાશંકર મંદિરની પાછળ મોક્ષકુંડ તીર્થ આવેલું છે, આનો સંબંધ ઋષિ કૌશિક સાથે છે. આ સાથે અહીં સર્વતીર્થ, કુશારણ્ય તીર્થ અને જય કુંડ આવેલા છે. કુશારણ્ય તીર્થ આગળ ભીમા નદી પૂર્વ તરફનું વહેણ ચાલુ કરે છે.

    ભીમાશંકર એ પ્રાચીન દેવસ્થાન છે. તે શિવના ૧૨ જ્યોતીર્લિંગમાંનું એક છે. શહેરી જીવનથી દૂર સફેદ વાદળોની વચમાંથી ડોકીયું કરતા આ સ્થળને જાત્રાળુઓનું સ્વર્ગ કહી શકાય છે. આ સ્થળની આસપાસની ટેકરીઓ પર આવેલા ગીચ જંગલો ઘણી લુપ્તપ્રાયઃ પ્રાણી અને વનસ્પતિ પ્રજાતિનું આશ્રય સ્થાન છે. પશ્ચિમ ઘાટના છેડે આવેલું આ સ્થળ આસપાસના ક્ષેત્ર, નદીઓ અને ટેકરીઓનું મનોરમ્ય દ્રશ્ય પુરું પાડે છે.

    ભીમાશંકરમાં એ ભીમા નદીનું મૂળ છે. આ નદી અગ્નિ દિશામાં વહીને કૃષ્ણા નદીને મળે છે. જંગલોની અવિરત હારમાળા, પર્વતના શિખરો, ભીમા નદીના પાણીનો ગણગણાટ આ સૌને કારણે આ સ્થળ ખરેખર સ્વર્ગ સમાન લાગે છે.

 - ઈશ્વર પ્રજાપતિ 

No comments:

Post a Comment