પ્રાચીન નગર, મોજીલું મોડાસા - ૧
મોડાસાનું થાણું સાચવવા અમદાવાદના સુલતાને 600 ઘોડેસવાર અને 50 હાથી આપી બે મોટા અમીરોને મુક્યા હતા.
માજૂમ નદીના તીરે વિકસેલું અને વિસ્તરેલું રમણીય પ્રાચીન નગર મોડાસા અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે. શિક્ષણ નગરી, આરોગ્યધામ તરીકે ઓળખ પામેલું આ નગર સ્વભાવે મોજીલું છે. અહીં વસતા લોકો આનંદી છે. સાંપ્રત સમયમાં વિકાસની હરણફાળ ભરી વિસ્તરતું મોડાસા નગર હજ્જારો વર્ષ પુરાણો ઇતિહાસ પોતાના ભૂગર્ભમાં ધરબીને બેઠું છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મોડાસા નગરના ઈતિહાસના તાર છેક પાષાણ યુગ સાથે જોડાયેલા છે .
આવો, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના રોમાંચક અને ભવ્ય ભૂતકાળમાં એક ડોકિયું કરીએ.
મોડાસા નગરનો કોઈ કડીબદ્ધ ઈતિહાસ ક્યાંય નોંધાયો નથી. પરંતુ અહીંના સાહિત્યકાર ભોગીલાલ ગાંધી, રમણલાલ સોની, અને ડો. વિનોદ પુરાણી જેવા ઇતિહાસના અભ્યાસુ વિદ્વાવાનો પાસે મોડાસાના ઇતિહાસની માહિતીનો ખજાનો સંગ્રહયેલો પડ્યો છે. વિસ્તારમાંથી મળી આવેલ અવશેષો નગરની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. કહેવાય છે કે મોડાસા નગર અસંખ્ય ટીમ્બાઓ પર વસેલું નગર છે. નગરની આસપાસનો જમીન વિસ્તાર સમતલ છે પરંતુ નગરનાં જૂનાં ઘરો, મહોલ્લાઓ, ખડકીઓ ઊંચા નીચા ટીમ્બાઓ પર છે. એનું કારણ એ છે કે આ ટીમ્બાની નીચે એક પછી એક એમ અનેક ગામોના થર ધરબાયેલા પડ્યાં છે.
મોડાસાની આસપાસના વિસ્તારોમાં ઉત્ખનન કરતાં પ્રાચીન શિલ્પ સ્થાપત્ય વસ્તુઓ, સિક્કાઓ,ધાર્મિક વસ્તુઓ, ઈંટો વગેરે જેવા અવશેષો મળી આવ્યાં છે. જેમાં ચોથી સદીના યજ્ઞના અશ્વવાળા " ગધૈયા" નામે ઓળખાતા સિક્કા મળી આવ્યા છે. મધ્યકાલીન મુસલમાન બાદશાહોના સમયના સોનાના સિક્કાઓ તો અનેક મળ્યા છે.
ચીની પદયાત્રી હ્યુ એન સંગ (ઈ. સ. 640 આસપાસ) વડાલી આવ્યા હોવાની નોંધ મળે છે. આ પ્રવાસીની નોંધ મુજબ તે વડાલી (ઓછાલી) થઈ ખેટક (ખેડા ) ગયો હતો. ઇતિહાસકારોના અનુમાન મુજબ હ્યુ એન સંગ મોડાસા થઈને ખેટક ગયા હોઈ શકે.
આ પ્રદેશ શાતવાહન, ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક, રાષ્ટ્રકૂટ જેવા રાજાઓના શાશન તળે હતો. દસમી સદીમાં માળવાના પરમારોનું શાસન ગુજરાતના મોડાસા સુધી પ્રવર્તતું હતું. એ સમયના તામ્રપત્રોમાં મોડાસાનો નામોલ્લેખ આ નગર પ્રાચિન સમયમાં પણ મહાત્તા ધરાવતું હોવાનું લેખિત પ્રમાણ છે. આ તામ્રપત્રોમાં મોડાસાનનું નામ "મોહડવાસક" લખેલું છે. આ તામ્રપત્રમાં મોડાસા જિલ્લાના કંભારોટક (કમરોડા) અને સીહકા (શિકા) ગામની દાનની વિગત લખેલી છે. બીજું એક તામ્રપત્ર 11મી સદીની નાગરી લિપિમાં લખેલું છે જેમાં મોડાસાને સાડા સાતસો ગામેવાળા "મોહડવાસક મંડળ "નું મુખ્ય મથક કહેવાયું છે. આ તામ્રપત્ર ધારાનાગરીના રાજા ભોજદેવના સમયનું છે. તેમાં તામ્રપત્ર કોતરનારનું નામ સાતગે "વત્સરાજસ્ય " એવી વત્સરાજની સહી જોવા મળે છે. આ તામ્રપત્ર મોડાસા કોલેજ કેમ્પસના મ્યુઝીયમ માં સચવાયેલું છે.
મધ્યયુગમાં ઉત્તરભારતના દિલ્હી જેવાં શહેરોના હાજયાત્રીઓ મક્કા જવા સુરત બંદરે જવું પડતું . આ મુસાફરીની મધ્યમાં આવતા મોડાસામાં હજયાત્રીઓ પડાવ નાખી વિરામ લેતા. ત્યારબાદ સુરત જવા માટે નીકળતાં. તેમાંના કેટલાક હજયાત્રીઓ અહીં જ રોકાઈ ગયા અને ત્યારથી જ મોડાસા મુસ્લિમ સમુદાયના લોકો માટેનું વસાવાટનું કેન્દ્ર બન્યું.
આ પ્રદેશ અનેકવાર લશ્કરી ચડાઈનો ભોગ બન્યું છે. અનેકવાર લૂંટાયું છે. મોડાસાના જાણીતા સાહિત્યકાર ભોગીલાલ ગાંધીના એક અભ્યાસ લેખ દ્વારા જાણવા મળે છે કે ઈ. સ. 1520માં સોરઠનો હાકમ મલિક અયાઝ તથા અમદાવાદથી ગુજરાતનો હાકમ કિયાસ-ઉલ-મુલ્ક બેઉ લશ્કર લઈને મોડાસા આવ્યા હતા. દિલ્હીથી રાજસ્થાન થઈ ગુજરાતમાં પ્રવેશવાનો દ્વાર સહીસલામત રાખવા અમદાવાદના સુલતાને બે મોટા અમીરોને 600 ઘોડેસવાર અને 50 હાથી આપી મોડાસાનું થાણું સાચવવા મુક્યા હતા.
ઈ. સ. 1524માં સુલતાન મુઝફર શાહ મહેમદાવાદથી મોડાસા આવ્યો હતો. તેણે મોડાસાના કિલ્લાને નવેસરથી બંધાવ્યો હતો. ત્યારબાદ અકબરે ગુજરાત પર ચડાઈ કરી ગુજરાત જીતી લીધું. હવે મોડાસા પણ મુઘલ થાણું બન્યું. ઈ. સ. 1577 માં શાહબુદ્દીન (1577 - 1583) નામના સુબેદારે મોડાસાના કિલ્લાનું સમારકામ કરાવ્યું. ફોજ વધારી થાણું મજબૂત કર્યું. મોડાસા થાણાંની હુકુમત હેઠળ162 ગામો આવતાં હતાં અને એ સમયે રાજ્યની ઉપજ 8,00,000 ( આઠ લાખ) ની હતી. (સંદર્ભ :"મારુ ગામ મોડાસા" લેખક ; રમણલાલ સોની)
( ક્રમશઃ )
( ક્રમશઃ )
લેખન :ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)
Nice article 🙏🏻
ReplyDelete