“જિંદગીના એ નાજુક દિવસો ક્યારેય નહિ ભૂલાય. એસ.એસ.સી.ની પરીક્ષા આપવા મોડાસા જવા માટે મારી પાસે ભાડાના ૨૫ પૈસા ન હતા.” : માન. મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ
અરવલ્લી જીલ્લાનું
ચારણવાડા ખોબા જેવડું ગામ તેમનું વતન છે. ખેત મજૂરી કરતા સાધારણ પરિવારમાં તેમનો જન્મ
થયો. દારુણ ગરીબી કોને કહેવાય તેને નિકટ તેમને નિહાળી છે. બાળપણનો સમય એટલો વિકટ હતો
કે બે ટંક ભરપેટ ભોજન મળે તો ઉજાણી જેવું લાગતું. બાળપણના એ દિવસો યાદ કરીને આજે પણ
ભીખુસિંહ પરમાર સાહેબની આંખોના ખૂણા ભીના થયા વિના રહેતા નથી.
એક ન્યુઝ એજન્સીને ઈન્ટરવ્યું આપતાં ભીખુસિંહ
પરમાર સાહેબ જણાવે છે કે “ઓલ્ડ એસએસસીની
પરીક્ષા હતી. પરીક્ષા આપવા માટે મોડાસા જવાનું હતું. મારા ગામથી મોડાસા જવા માટે 25 પૈસા ભાડુ થતું
હતું. મારી પાસે તે વખતે પૈસાની વ્યવસ્થા ન હતી. જેથી હુ પરીક્ષા આપવા જવાનું માંડી વાળ્યું હતું. તે સમયે મારા કાકા જે ગામમાં કરિયાણાની નાની
દુકાન ચલાવતા હતા. તેમને મને જોયો તો પુછયુ કે, પરીક્ષા આપવા કેમ ગયો નથી? મે સ્વાભાવિક રીતે તેમને
કહ્યું કે, પરીક્ષા આપવા
તો જવું છે પરંતુ મારી પાસે ભાડુ નથી. તે સમયે મારા કાકાએ મને 75 પૈસા આપ્યા હતા.
જેમાં 25 પૈસા
ટિકિટમાં ખર્ચ કર્યા હતાં અને 50 પૈસા મારી પાસે રાખ્યાં હતા. તે સમયે મને 25 પૈસા ન મળ્યા હોત
તો હુ પરીક્ષા પાસ ન કરી શક્યો હોત.
Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .
જ્યારે
ઉચ્ચ શિક્ષમ મેળવવા માટે મોડાસા જતા ત્યારે મારા માતા એક કપડામાં ટીફીન ભરીને આપે
જેમાં મકાઇ કે બાજરાનો રોટલો હોય કાંતો મરચું હોય કાંતો ડુંગળી મુકી હોય. જ્યાં સુધી
અભ્યાસ કર્યો હત્યાં સુધી મરચું અને ડુંગળી, રોટલો ખાઇને જીવન વિતાવ્યુ છે.
પરિવારના
ગુજરાન ચલાવવા અને પગભર થવા માટે આરોગ્ય વિભાગમાં દવા છંટકાવ કરવા માટે હંગામી ઘોરણે
કામ કરવાનું શરૂ કર્યુ. ગામડે-ગામડે જઇને રોગચાળો અટકાવવા માટે દવા છંટકાવ કરતા
હતા. તે સમયે કોઇ વાહન વ્યવહારની વ્યવસ્થા ન હતી. જેથી પગપાળા એક ગામમાંથી બીજા
ગામમાં જવાનું થતું હતું. સવારે 4 વાગે ઉઠી જવું પડતું હતું. ચાર વાગે દવા છંટકાવ માટેનો ભારે
સામાન ઉઠાવીને 10 થી 15 કી.મી અંતર ચાલતા
હતા. આ સમય દરમિયાન ગામની સ્કૂલના મકાનમાં આશરો લેતા હતા. કેટલીક વાર અંતરિયા
ગામડામાં રોકાવાનું થતું ત્યાં જમવા માટેની કોઈ વ્યવસ્થા ન હતી. આ અરસા દરમિયાન
ગામમાં થેલી લઈને ફરતો હતો ઘરે ઘરે જઈને લોટ ઉઘરાવતો હતો. જેમાં લોકો ઘઉ , મકાઈ , બાજરોનો યથાશક્તિ
પ્રમાણે લોટ આપતા હતા. સાંજે કામ પૂર્ણ કરીને માંગીને લઇને આવેલા લોટના રોટલા
બનાવીને જમતા હતા.
દવા
છંટકાવની નોકરીમાં દિવસમાં એક વાર માંડ જમવા મળતું હતું. કેટલીક વાર તો આખો દિવસ
ભુખ્યા રહીને કામ કરનું પડતું હતું. જેથી ભોજનનું મૂલ્ય શું છે અને ભૂખની પીડા શું હોય છે એ હું સુપેરે જાણું છું. રાત્રી દરમિયાન
ભાજન કર્યા બાદ રોટલો વધે તો પેન્ટના ખીસ્સામાં રોટલો મુકી રાખતા હતા. સવારે
ભાજનની વ્યવસ્થા થતી ન હતી. જેથી રાત્રીનો રોટલાનો સવારે નાસ્તો કરીને દવાના
છંટકાવ કરવા માટે જતા હતા. આમ દવા છંટકાવ કરવાની નોકરીએ ભાજનનું મહત્વ અને કરકસર કેવી
રીતે કરવી તે શીખવ્યું હતું.
દવા
છંટકાવની નોકરી છોડ્યા બાદ હિંમતનગર ખાતે કપ રકાબી બનાવતી ફેકટરીમાં નોકરી કરવાની
શરૂઆત કરી હતી. જેમાં મારી કામગીરી કપ રકાબીની ક્વોલીટી તપાસવાની હતી. જેમાં કપ-રકાબી
અથડાવીને તેના અવાજ આધારે ક્વોલીટી નક્કી કરવાની હતી. બે કરતાં વધુ મહિના
ફેકટરીમાં કામ કર્યુ પરંતુ જમવાની તકલીફ પડતી હોવાથી નોકરી છોડવી પડી હતી. ભોજનની
અપૂર્તી વ્યવસ્થાને લીધે નોકરી છોડવા માટે મજબૂર બન્યો હતો .
નેતાના ગુણો
બાળપણથી મારામાં હતા. જ્યારે શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે મોનિટર તરીકે શિક્ષક
મારી પસંદગી કરતા હતા. રાજકારણમાં આવવાની ઘટના પણ રસપ્રદ છે. અમારે ત્યાં ત્રણ ગામ
વચ્ચે એક પંચાયત હતી. અમારે ત્યાં ક્યારેય સરપંચની ચૂંટણી થતી ન હતી. ત્રણ ગામના આગેવાનો
એકઠા થઇને સરપંચની પસંદગી કરતાં હતાં. એ સમય મને યાદ છે. જ્યારે સરપંચની નિમણૂંક
કરવાની હતી ત્યારે ત્રણ ગામનાં આગેવાનો
એકઠા થયાં હતા. હું પણ આ સરપંચ કોણ બને છે તે જોવા માટે ગયો હતો. એ સમયે મારી ઉંમર
લગભગ 21 વર્ષની વય
હતી. આગેવાનો વચ્ચે ચર્ચા ચાલી ત્યારે અમારા ગામનાં લોકોએ માગણી મુકી કે, આ વખતે સરપંચ અમારા
ગામનો બનશે. ચર્ચાની અંતે નક્કી થયુ કે સરપંચ અમારા
ગામનો હશે. પરંતુ સરપંચ કોણ હશે તે ગામનાં લોકોએ જાહેર કરવાનું હતું. હું એક તરફ
બેઠો હતો. મારા ગામના આગેવાનોએ મારા તરફ જોયું અને મને કહ્યું સરપંચ બનીશ?. અવઢવ વચ્ચે
મેં હા ભણી અને ગામનાં લોકોએ મારા નામની
જાહેરાત કરી.
આ રીતે
મારી રાજકીય સફળની શરૂઆત થઈ. વર્ષ 1977 માં જીતપુર ગામનો બિનહરિફ સરપંચ બન્યો હતો. 45 વર્ષથી સરપંચપદ
મારા પરિવાર પાસે જ છે. હાલ મારા પુત્ર ગામનાં સરપંચ તરીકે જવાબદારી નિભાવી રહ્યા
છે. ગામમાં સરપંચ પદ ટકાવી રાખવું એ ધારાસભ્ય, સાંસદ સભ્યનાં પદ કરતાં પણ અધરુ છે. સરપંચ તરીકે તમે કામ
ન કરો તો લોકો તમને સ્વીકારતા નથી. પરંતુ ગામનાં સરપંચની જવાબદારી મે ઈમાનદારીથી
નિભાવી હતી.
સરપંચ બન્યા બાદ હવે પરિવારનું ગુજરાન
ચલાવવા માટે ગુજરાત એસ.ટી વિભાગમાં હેલ્પર તરીકેની નોકરી શરૂ કરી. આ નોકરીમાં મારી
કામગીરી બસોની સાફ સફાઇ કરવાની હતી. ગુજરાત એસ. ટી વિભાગમાં ત્રણ વર્ષ સુધી બસોની સાફ
સફાઈ કરવાની કામગીરી કરી હતી. એ દરમિયાન મોડાસા એ.પી.એમ.સી.માં અનાજ લે વેચ માટેની
નાની દુકામ શરૂ કરી હતી. એસ.ટી વિભાગમાં
મોટે ભાગે રાત્રી દરમિયાન નોકરી કરી છે. સવાર થાય એટલે મોડાસા એ.પી.એમ.સી. પહોંચી
જતો હતો. સવારે દુકાન ચલાવતો હતો મારા પત્ની ટીફીન મોકલી દેતાં હતાં. ત્યાર બાદ
સાંજ પડે એટલે દુકાન બંધ કરીને બસો સાફ - સફાઈ કરવાની નોકરી કરતો હતો. આ સમય
દરમિયાન મારા પત્નીએ મને ખુબ સહયોગ આપ્યો. અનાજનો વ્યપાર અને એસ.ટી.ની નોકરી એક
સાથે કરતો પણ ક્યારેય જમાવની તકલીફ પડી નથી. મારા પત્નીએ પણ પોતાની જવાબદારી
નિભાવીને જમવામાં કોઇ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
વર્ષ 1981 માં હેલ્પર તરીકેની નોકરી છોડી દીધી. કારણ કે, આ નોકરી થકી ગુજરાન
ચાલી શકે તેમ ન હતું. નોકરી છોડ્યા બાદ માઇનિંગ ક્ષેત્રે લેબર તરીકેની નોકરી શરૂઆત
કરી. જીવનમાં અનેક સંઘર્ષો આવ્યા પણ ક્યારેય હાર માની નિરાંતે બેઠો નથી. ખેતરમાં કાળી
મજૂરી પણ કરી છે. આજે ભલે મંત્રી બન્યો છું પણ મારી જિંદગીના પાછલા વર્ષો હું ભૂલી
શક્યો નથી.”
ભીખુસિંહની
પરમારની સરપંચથી શરૂ થયેલી રાજ્કીય સફર રાજકક્ષાના મંત્રી સુધી પહોંચી છે. ભીખુસિંહ
પરમાર પાંચ વાર વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતા. વર્ષ 1995માં પ્રથમવાર મોડાસા
સીટ પરથી ચૂંટણી લડ્યાં હતા. 2002માં તેઓ અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતા. 2007 માં બસપામાંથી
મોડાસા સીટ પર ચૂંટણી લડ્યા હતા અને હાર થઇ હતી. 2017માં ભાજપમાંથી મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યા
પણ 1640 વોટની પાતળી
સરસાઈથી હાર થઇ હતી. 2022 માં ભાજપે ફરી
ટિકિટ ફાળવી અને ભીખુસિંહ પરમાર મોડાસા સીટ વિજેતા બન્યા. પ્રથમવાર ધારાસભ્ય બન્યા
રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સ્થાન મળ્યું.
ભીખુસિંહ પરમાર
સાહેબ આજે મંત્રી પદ શોભાવી રહ્યા છે એમ છતાં તેઓ જમીન સાથે જોડાઈ રહેવામાં માને છે.
સામાન્યમાં સામાન્ય વ્યક્તિ તેમને સહજ રીતે મળીને રજૂઆત કરી શકે છે. અને તેના નિરાકરણ
માટે ભીખુસિંહ પરમાર સાહેબ પૂરા દિલથી પ્રયત્નશીલ રહે છે.
એક પાયાના કાર્યકર તરીકે વર્ષો સુધી તેમણે જનસેવાનું
તપ આદર્યું હતું. સાવ સામાન્ય અને છેવાડાના જન માટે તેમના ઘરના
દ્વાર હંમેશા ખુલ્લા રાખ્યા છે. પોતાનાં કામ પડતાં મૂકી અન્યના કામ માટે નિસ્વાર્થ
ભાવે દોડી પડે. અને એટલે જ તેઓ લોકહૃદયમાં સ્થાન પામ્યા છે. તેમની લોકપ્રિયતાનો
ગ્રાફે સદા ઉર્ધ્વ ગતિ કરી છે.
ભીખુસિંહ
પરમાર ગ્રામપંચાયતના સદસ્યથી માંડી ગુજરાત રાજ્યના
મંત્રી બનવા સુધીની તેઓની સફરમાં અનેક ઉતાર ચડાવ આવ્યા છે. પણ ઉતાર ચડાવમાં હારી
થાકી બેસી જવાના બદલે બમણા વેગે પુરુષાર્થ કરી તેઓએ કમર કસી. ક્યારેક
જીત મળી તો ક્યારેક હાર પણ બન્ને સ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહી જીવનમાં સંતુલન જાળવવામાં
તેઓ સફળ રહ્યા છે. "જીતથી છલકાઈ જવું નહિ અને હારથી નાસીપાસ થવું નહિ"
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
ખૂબ જ સરસ લેખ છે માન. મંત્રી સાહેબશ્રીના જીવન વિશે
ReplyDelete