Sunday, May 28, 2023

સન્ડે સ્પેશિયલ

"મહાન લક્ષ્ય માટે આપેલું બલિદાન ક્યારેય વ્યર્થ નથી જતું" : વીર સાવરકર

       આજે એટલે કે 28મી મે   વીર સાવરકર જી ની જન્મ જ્યંતી, 28 મે 1883ના રોજ વિનાયકનો જન્મ કોંકણસ્થ  બ્રાહ્મણ જ્ઞાતિમાં, દામોદર પંતને ત્યાં નાસિક જિલ્લાનાં દેવલાલી ગામ પાસેનાં ભગુર નામનાં નાના ગામડામાં થયો હતો. દામોદર પંતને ગણેશ, વિનાયક અને નારાયણ નામનાં ત્રણ પુત્રો હતા અને એક પુત્રી હતી. આ ત્રણેય ભાઈઓનાં જીવનનો મોટો ભાગ સ્વાતંત્ર્ય સંગ્રામનાં અણનમ યોદ્ધા તરીકે જેલમાં વીત્યો.

બાળપણ:

પિતા દામોદર પંત સંસ્કૃતનાં પ્રકાંડ પંડિત આધુનિક અંગ્રેજી ઢબનો અભ્યાસ પણ કરેલો પણ તેમને હૈયે તો પ્રાચીન ભારતની સંસ્કૃતિ અને સિદ્ધિઓ વસેલી. માતા રાધાબાઈ ખુબજ ધાર્મિક, રામાયણ-મહાભારત-ગીતા જેવા ધર્મ ગ્રંથોની પ્રેરણાત્મક વાતો કહે.

આઠમા ધોરણમાં ભણતી વખતે તેણે એક લેખ લખ્યો, ‘ભારતની ભવ્યતા’ જે જાણીતા મરાઠી નાસિક વૈભવ માં છપાયો. વિનાયકે હિન્દુઓની નિર્બળતા ટાળવા બાળમંડળીનાં મિત્રોને સંગઠિત કરી શરીરને વજ્ર જેવું બનાવવા શપથ લીધા. 1897માં પૂનામાં રાષ્ટ્રીય કૉંગેસનું અધિવેશન ભરાયું હતું. વળી તિલક મહારાજે રૂઢિગત ઉજવાતા ગણેશ ઉત્સવનો કાયાપલટો કરી તેને રાષ્ટ્રીય ઘડતરનું રચનાત્મ્ક પર્વનું સ્વરૂપ આપ્યું. ગામમાં અભ્યાસ પૂરો થયા પછી વિનાયકને નાસિક ઉચ્ચત્તર અભ્યાસ માટે જવાનું થયું. આ અરસામાં જ માતા રાધાબાઈનું અવસાન થયું. પિતા દામોદરરાવ જ ભાઈભાંડુઓના માતા અને પિતા બેય બની રહ્યા.

1899માં સપ્ટેમ્બર માસમાં પ્લેગની મહામારીમાં પિતા દામોદર પંતનું અવસાન થયું. વિનાયકે 1900ની શરૂઆતનાં અરસામાં એક દેશભક્ત જૂથ રચ્યું અને નામ પાડયુ, મિત્રમેળા આ નાનકડા વિચાર માંથી  આગળ જતા વિનાયકનાં હાથે જ અભિનવ ભારત‘ નામની પ્રસિદ્ધ સંસ્થાની રચના થઇ. જેનો એક ફાંટો વિદેશમાં જઈને ગદરપાર્ટી‘ તરીકે ઓળખાયો.

તિલક મહારાજ રમૂજમાં વિનાયકે બનાવેલ અભિનવ ભારત ને ‘સાવરકરની છાવણી’ કહેતાં. વિનાયકે પ્રજાની નાડ પારખીને ધાર્મિક ઉત્સવોને સામાજિક પરિવર્તન અને રાજકીય જાગૃતિનાં માધ્ય બનાવ્યા. આ સમયગાળામાં વિનાયકરાવનું લગ્ન ભાઉસાહેબ પંલક રામચંદ્ર ચિપળૂકરની સૌથી મોટી પુત્રી યમુના દેવી સાથે થયું અને 1905 માં પ્રભIકર નામે પુત્ર જન્મ થયો.

સ્વદેશીની ચળવળ:

પુના બેઠેલા વિનાયકરાવે તથા અભિનવ ભારત મંડળે જાહેરમાં વિદેશી વસ્ત્રોની હોળી થઇ. વિનાયકરાવ એવું કહેતાં કે, આ વિદેશી વસ્ત્રોની હોળી નથી. વિદેશી પ્રત્યેનો આદરભાવ અને સ્વદેશી પ્રત્યેનાં અભાવની હોળી છે.

લંડન પ્રયાણ:

લંડનમાં વસવાટ દરમ્યાન ભરતની આઝાદી માટે ઝઝુમતા અનેક મહાન 

નેતાઓ- શ્યામજી કૃષ્ણ વર્મા,લાલ હરદયાળવિરેન્દ્ર ચટ્ટોપાધ્યાય , મેડમ કામા ,સરદાર સિંહ રાણા તથા ઐયરનાં સંપર્કમાં આવ્યા. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયા હાઉસ નામની એક સંસ્થા સ્થાપી. શ્રી સાવરકરે ભારતના સ્વાતંત્ર્યયુદ્ધનો ઇતિહાસ નામનો ગ્રંથ મરાઠી ભાષામાં તૈયાર કર્યો. ત્યારબાદ અંગ્રેજીમાં ભાષાંતર કરી પોલેન્ડમાં છપાવ્યો. આ પુસ્તક અંગ્રેજ સરકાર પ્રચારમાં આવતું અટકાવી ન શકે તે માટે તેને પબ્લીક પેપર્સ નામનું બનાવટી નામ આપ્યું. પાછળથી ભારત સરકારને આ પુસ્તક સાચા સ્વરૂપમાં શું છે તે જાણ થતા ઇંગ્લેન્ડ અને ભIરતમાં તેના પર પ્રતિબંધ મુકાયો. સાવરકરે ભારતીય ઢબે શિવાજી,મહારાણા પ્રતાપ,ગુરૂ નાનકદેવ,ગુરૂ ગોવિંદસિંહજી જયંતિઓ ઉજવવા માંડી.

22 ઓગસ્ટ 1907 દિવસે જર્મનીમાં ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કૉંગેસનું અધિવેશન ભરાઈ રહ્યું હતું. શ્રી સાવરકરે મેડમ કામI સાથે મળીને  ભગવો રાષ્ટ્રધ્વજ બનાવ્યો જેની વચોવચ વંદે માતરમ લખેલું હતું. જેમાં સ્વસ્તિક, કમળ, તલવાર અને કિરપાણ જેવા પ્રતીકો મુખ્ય હતા. મેડમ કામાએ કહ્યું કે આ ભારતની આઝાદીનો ધ્વજ છે. ભારતનાં અનેક લબરમૂછીયા યુવાનોનાં ધગધગતાં લોહીથી પવિત્ર બન્યો છે.

સાવરકરનાં મોટાભાઈની ધરપકડ :

વાઇસરોય લોર્ડ મિન્ટો પર કર્ણાવતીમાં હાથગોળો ફેકવાનાં કેસમાં સાવરકરના નાનાભાઈ નારાયણરાવને પકડવામાં આવ્યા અને મોટાભાઈ ગણેશ પંતને દેશનિકાલ કરવામાં આવ્યા 17 જાન્યુઆરી 1910ના દિવસે ભારતમાં જજ મોંતગેમેરીએ સાવરકરનાં નામે વોરન્ટ કરાવ્યું. સાવરકર 13 માર્ચના રોજ ફરી ઇંગ્લેન્ડ પહોંચ્યા. હજુ વિક્ટોરિયા સ્ટેશન ટ્રેનમાંથી બહાર નીકળે તે પહેલાં તેમની ધરપકડ થઇ. અદાલતમાં મળવા આવેલાં આયંગરને પોતાનાં આગોતરા આયોજન વિશે ટૂંકો સંદેશો આપ્યો. “હવે માર્સેલ્સ બંદરે મળીશું.”

એ પછી 1 લઈ જુલાઈ 1910ના જુલાઈ રોજ વિનાયકરાવને પી. એન્ડ .ઓ નામની બ્રિટિશ  સ્ટીમર કંપનીની સ્ટીમર દ્વારા ભારત જવા રવાનાં કર્યા.

મુક્તિ માટે સાગરતરણ :

વિનાયકરાવ સાવરકરને લઈને ભારત આવવા નીકળેલી સ્ટીમર 10 જુલાઈ 1910ના રોજ ફ્રાન્સનાં માર્સેલ્સ બંદરે પહોંચી. સાવરકરે કુદરતી હાજતે  જવા માંગણી કરી, આથી તેમને સ્ટીમરનાં પાયખાનામાં જવાની સંમતિ અપાઈ.’

  વિનાયકરાવે પાયખાનામાં પ્રવેશ કરી પાયખાનાની બારીનાં કાચ તોડી દરિયામાં ઝંપલાવ્યું. તેઓ બેડી સાથે  દરિયામાં કૂદી પડેલાં. ચોકિયાતોને ખબર પડતા વિનાયકરાવ ઉપર બંદૂકના બાર કરવાં માંડયા. આ રીતે માર્સેલ્સ બંદરે પહોંચી ડક્કાનાં પગથિયાં ચઢી માર્સેલ્સની ભૂમિ તરફ નાસવા લાગ્યા. પાછળ સ્ટીમરમાંના ચોકિયાતો ચોર,ડાકુ પકડો તેવા પોકારો પાડવા લાગ્યા. ફ્રેન્ચ પોલીસે આ યુવાનને પકડ્યો. વિનાયકરાવે આ ચોકીયાતને અંગ્રેજીમાં ઘણું સમજાવ્યું કે હું ચોર નથી રાજકીય શરણાર્થી છું અને ફ્રાન્સમાં રાજકીય આશ્રય મેળવવાં આવ્યો છું. ફ્રેન્ચ સિપાઈઓ વિનાયકરાવના અંગ્રેજી બોલાયેલા શબ્દો ના સમજ્યા અને ફ્રેન્ચ પોલીસે સાવરકરને સ્ટીમરના પરનાં સૈનિકોને સોંપી દીધાં.

ભારત આગમન :

કાયદાની દ્રષ્ટિએ કેસ 15 સપ્ટેમ્બરથી શરુ થયો. સ્પેશીયલ ટ્રિબ્યુનલમાં કોઈ જ્યુરી નહિ અપીલનો કોઈ હક્ક નહીં માત્ર કાયદા અને ન્યાયનાં નામે એક વ્યવસ્થિત પણે ગોઠવાયેલું નાટક હોય તેમ 68 દિવસની સુનવણી પછી નક્કી સજા ફટકારાઇ. આજીવન કેદ અને કાળા પાણીની સજા.

સાવરકરનાં સાથીદારો શ્યામજી કૃષ્ણ વર્મા,મેડમ કામ અને સરદાર સિંહ રાણા વગેરેએ છેક હેગની આંતરરાસ્ટ્રરીય અદાલતમાં આ કેસની ધા નાખી, પરંતુ અંગ્રેજ સરકારે પોતાની વગનો પુરેપુરો ઉપયોગ કરી  તદ્દન નિર્દોષ એવા વિનાયકને પણ એક કેદી અને ગુનેગાર બનાવી સજાને પાત્ર ઠેરવી દીધાં. તા. 30 જૂને સાવરકરને ટ્રિબ્યુનલે બીજી આજીવન દેશવટાની સજા ફરમાવી.

ડુંગરી જેલમાં :

ડુંગરી જેલમાં સાવરકરને કેદીના વસ્ત્રો પહેરાવ્યાં. તેમના ચશ્મા છીનવી લેવાયાં અને છાતી ઉપર સજાની મુદત દર્શાવતો લોખંડી બિલ્લો ટીંગાડયો. આ બિલ્લા પર કોતર્યું હતું. તા. 10 જાન્યુઆરી 1910 થી તા.10 જાન્યુઆરી 1960″ આવાં વસ્ત્રો જોઈને તેમને લાગ્યું કે હવે આ જન્મ આ કેદીના વસ્ત્રો તથા બિલ્લો દેહ પરથી ઉતરશે જ નહીં અને આ જ વસ્ત્રોમાં મારુ શબ પણ જેલની કોટડીમાંથી બહાર નીકળશે.”

હેગની આંતરાષ્ટ્રીય અદાલતને વિમુખ ચુકાદો આપવાના કારણે જન્મટીપની સજા ભોગવતાં સાવરકરને આંદામાન રવાના કરવાની તૈયારી અંગ્રેજ સરકરે કરવા માંડી 4 જુલાઈ 1911 નાં રોજ તેમને આંદામાનની કુખ્યાત સેલ્યુલર જેલની કોટડી નં 44 માં ભારતીય નરકેસરીને પુરી દેવાયો. સેલ્યુલર જેલ વિષે એવું કહેવાતું કે ત્યાં જે કેદી તેમાંય ખાસ ક્રાંતિકારી જાય એ પછી જીવતો પાછો ફરતો નથી.


પાણી પીવાની વાતતેI દૂર, કુદરતી હાજતે જવાની પણ પરવાનગી આપવામાં આવતી નહોતી. આવાં અમાનુષી વાતાવરણમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સાવરકરે કવિતાઓ લખી તે પણ કાગળ પેનના ઉપયોગથી નહિ,જેલની દીવાલો પર ક્યારેક નખથી ક્યારેક કાંટાથી લખ્યા પછી તેને રટીલે. આંદામાનનાં જીવતાં દોજખથી સાવરકર જીવતા પાછા ફર્યા પછી તેમને આ કવિતાઓ ફરીથી લખી, છપાવી કેવી ધગધગતી…. રાષ્ટ્રભક્તિ!  કેવી અદભુત સ્મરણશક્તિ!

21 જાન્યુઆરી,1921 દશ વર્ષનાં જીવતેજીવ નર્કનાં અનુભવ પછી લોકજુવાળ સામે સરકાર ઝુકી અને સાવરકરને ભારત લાવવામાં આવ્યા. સાવરકર અવિરત પણે પુસ્તકો લખતા રહ્યા. 1925માં દીકરી પ્રભા અને 1928માં દીકરો વિશ્વાસ બે સંતાનો થયા. પોતાનાં સમાજ કાર્ય દરમ્યાન સાવરકરે હિન્દૂ મહાસભાની સ્થાપના કરી. જેના પ્રમુખપદે તેઓ સાત વર્ષ રહ્યા 1930માં તેમણે પતિતપાવન મંદિર ની રચના કરી. જેમાં સૌ કોઈ  નાતજાતનાં ભેદભાવ વગર પ્રવેશ કરી શકતા. સૌની એક  ઓળખહિન્દૂ.

રાજકારણમાં સક્રિય ન હોવાં છતાં જયારે 1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થઇ ત્યારે સાવરકરને પણ તેમાં સંડોવવામાં આવ્યા હતા પરંતુ કોઈ પુરાવા ન મળતાં આખરે 10 ફેબ્રુઆરી 1949નાં રોજ એમને માનપૂર્વક આરોપમુક્ત કરવામાં આવ્યા.

સુભાશચંદ્ર બોઝ:

સાવરકરે અને 1945 માં આઝાદ સેનાનાં સૈનિકોને બિનશરતે મુક્ત કરવા નિવેદન કર્યું. નેતાજી સુભાષચંદ્ર બોઝ જાપાન પહોંચ્યા તે પહેલા ભારતમાં સાવરકરને મળ્યા અને ભારતમાંથી દૂર થઇ આઝાદ હીંદ ફોજ સ્થાપવાની પોતાની યોજના સમજાવી અને સાવરકરજીનાં આશીર્વાદ મેળવ્યાં.

1 લી ફેબ્રુઆરી 1966 થી સાવરકરે અન્નજળનો ત્યાગ કર્યો. આખરે 26 ફેબ્રુઆરી 1966 નાં દિવસે તેમણે કાળને આત્મસમર્પણ કરી દીધું. એક કર્મનિષ્ઠ, શુદ્ધ ભારતીય,હિન્દુત્વનો પ્રખર હિમાયતી અને ક્રાંતિનો જન્મદાતા મૃત્યુંજય બનીને વીરોચિત ગતિ પામ્યો.

સાવરકરની વિચારધારા:

ભારતનાં રાજકીય ઇતિહાસમાં શ્રી સાવરકરની મુક્તિ પછીની કાર્યવાહી કોમવાદી-સંકુચિત ચીતરવા પ્રયાસ થયા છે.  રાષ્ટ્રવાદની વેદી ઉપર અદ્વિતીય ત્યાગ અને બલિદાન આપનાર સાવરકરને ક્યારેય ભૂલી ન શકાય. સાવરક સામI પ્રવાહે લડવાની નૈતિક તાકાત ધરાવતાં લોખંડી પુરુષ હતા.

હિન્દૂ‘ વ્યાખ્યા

સાવરકરનાં મતમુજબ હિન્દુ શબ્દની વ્યાખ્યા એ એ છે કે, જેઓ  સિંધુ નદી અને સમુદ્ર વચ્ચે પ્રસરેલી ભારતભુમીને પોતાની પિતૃભૂમિ કે માતૃભૂમિ માનતાં હોય અને પુણ્યભૂમિ તરીકે સ્વીકારતાં હોય” એટલે કે અન્યભૂમિમાં પોતાનો ધર્મ સ્થપાયો હોય અને વિકાસ પામ્યો હોય તેમ છતાં ભારતને પુણ્યભૂમિ તરીકે સ્વીકારતાં હોય તેજ હિન્દૂહિન્દૂ શબ્દ હિન્દુસ્તાનનું હૃદય છે.”

સાવરકર સંપૂર્ણ અહિંસાનો અસ્વીકાર કરતાં. તેઓ એવું માનતા 

મુસ્લિમ આક્રમણકારોએ તક્ષશિલા અને નાલંદા જેવાં વિદ્યાલયોનો નાશ કર્યો. તેમાંના ગ્રંથો સતત છ માસ સુધી બળતાં રહ્યા.ત્યાંના વિદ્વાનોની અને પંડિતોની કત્લ થઇ કારણ કે તેમની પાસે શસ્ત્રો નહોતાં ફક્ત શાસ્ત્રો હતાં. આથી જો આત્માનો વિકાસ કરવો હોયશ્રેષ્ઠ સાહિત્ય સંસ્કૃતિનું નિર્માણ કરવું હોય તો ક્ષાત્રતેજ/શસ્ત્રોનું નિર્માણ કરવું  પડે! આથી ભારતને જીવતું રાખવું હોય અને પ્રજાને જીવંત રાખવી હોય તો તે માટે હિંસા અનિવાર્ય રીતે સ્વીકારવી  પડેવળી આતતાયીને,જુલમી,  રાષ્ટ્ર વિઘાતકને હણવા હિંસા આચરવી  જોઈએ.’ આવી હિંસાને તેઓ ધર્મ આજ્ઞાની હિંસા માનતા. તેઓ ભારતમાં સંપૂર્ણ અને ફરજીયાત લશ્કરી તાલીમ આપવામાં માનતા. સાવરકરને મન હિન્દૂ ધર્મ  માનવધર્મ છેતેઓ માનવતાને  ધર્મ માનતા

 અખૂટ રાષ્ટ્રવાદને જીવન સમર્પિત કરનાર, રાષ્ટ્રવાદના આ ભીષ્મપિતામહ મહામાનવે વીરભોગ્ય વસુંધરા. ફક્ત વીરોને માટે  વિશ્વ છે. એ સૂત્રને જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું અને આપણા ભારતનાં ઉજ્જવળ રાજકીય તથા સાંસ્કૃતિક પુનઃઉત્થાનનાં ઇતિહાસમાં સદીઓ સુધી ભાવિ પેઢીનો સતત તેજપૂંજ પાથરતી દીવાદાંડી જેવું સનાતન સ્થાન પ્રાપ્ત કરેલ છે.

(સાભાર : ડોમયંક ત્રિવેદી)

- ઈશ્વર પ્રજાપતિ

9825142620




No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts