Sunday, May 14, 2023

સન્ડે સ્પેશીયલ

 "કાગળ છું હું કોરો અને  વંચાઈ  રહ્યો  છું. " 

(પંક્તિ : સૈફ  પાલનપુરી)  


(પુસ્તક લોકાર્પણની કેટલીક તસવીર ઝલક )

જિંદગીના કેટલાક પ્રસંગો મધુર સંભારણા બની આજીવન હ્રદયમાં સચવાઈ જતા હોય છે. મારા જીવનના યાદગાર દિવસોની જો યાદી બનાવવામાં આવે તો એમાં ૧૧ મે ૨૦૨૩ના દિવસને અચૂક સામેલ કરવો જ પડે. કારણ કે એ દિવસે મારાં બે મહત્વના પુસ્તકો ૧. પદ્મશ્રી દેવેન્દ્રભાઈ  પટેલના જીવન – કવન આધારિત કોફી ટેબલ બુક “દેવેન્દ્ર પટેલ-જીવન સફર “ અને ૨. અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબના નેતૃત્વમાં જીલ્લા પોલીસના સાહસની દિલધડક સત્ય કથા આધારિત “કર્તવ્ય” પુસ્તકનો લોકાર્પણ સમારોહ મોડાસાના ટાઉન હોલમાં યોજાઈ ગયો. ટાઉનહોલ માનવ મેદનીથી ચિકાર ભરાઈ ગયો હતો. ટાઉનહોલની ખુરશીઓ ખૂટી પડતા  કેટલાય શ્રોતાઓએ આખો કાર્યક્રમ ઊભા  ઉભા જ માણવો પડ્યો. સાહિત્યના કાર્યક્રમમાં ઉમટેલી માનવ મેદની ઐતિહાસિક હતી. ભાવકોનો અપ્રતિમ પ્રેમ જોઈ આંખો ભીંજાયા વિના ન રહી શકી.

આ બે પુસ્તકો મારા માટે મહત્વના કેમ છે ? કેમ આ પુસ્તકો લખવા મારું મન મજબૂર બન્યું એની કેટલીક રસપ્રદ વાતો આપની સાથે વહેચાવી મને ગમશે.  

૧. દેવેન્દ્ર  પટેલ (જીવન સફર)      

   મારું બાળપણ  મોસાળ આકરુંદમાં રણછોડમામાના ઘેર  વિત્યું છે.  એ સમય  દરમિયાન દેવેન્દ્રભાઈ પટેલ  દર બુધવારે અમદાવાદથી  આકારુંદ આવે. દર બુધવારે દેવેંદ્રભાઈને ત્યાં દૂધ આપવા જતો.  હું બુધવારની રાહ જોતો. પૂજ્ય રેવાબાને દૂધની બરણી આપી, દેવેન્દ્રભાઈ પટેલને નિહાળતો. ત્યારથી જ તેઓની Dynamic Personality ઊંડી છાપ મારા માનસપટ પર પડી હતી. મારા પિતાજી પણ મને બાળપણમાં દેવેંદ્રભાઈનું પ્રેરક દૃષ્ટાંત આપતા. આકરૂંદમાં મારો અભ્યાસકાળ પૂરો થયો, પછી ક્યારેક ક્યારેક ઔપચારિક મુલાકાતો થતી રહેતી. પરંતુ એ સમયે ઝાઝો કોઈ પરિચય કેળવાયેલો નહીં

             વર્ષો વીત્યાં અને 2014 માં  આકરુંદ આદર્શ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે મારી નિયુક્તિ થઈ.  મારું મોસાળ મારી કર્મભૂમિ બન્યું. પછી તો શાળાના વિકાસ બાબતે અવાર નવાર  દેવેન્દ્રભાઈ પટેલને મળવાનું થયું. અને તેઓના સાનિધ્યની શિતળ છાયામાં કામ કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું.   તેઓની સાદગી  હૃદયસ્પર્શી છે. છેવાડાના જણને  મદદરૂપ થવા હંમેશા તત્પર રહે છે.

         દેવેંદ્રભાઈની  કલમે મને શબ્દ પ્રીતિનું ઘેલું લગાડ્યું. અને મારી કલમે શબ્દો પ્રગટ્યા, મ્હોંર્યા.અને મહેક્યા..  દેવેન્દ્રભાઈ મારા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. મારી લેખન પ્રવૃત્તિને સતત ઈજન આપતા રહ્યા છે.  જો તેઓની હુંફ ન મળી હોત તો કદાચ મારી લેખન યાત્રા છ પુસ્તકો સુધી આટલી જલદી પહોંચી શકી ન હોત. તેઓ પત્રકારત્વને મિશન બનાવી જીવન જીવ્યા છે. પોતાની જાતને તેઓ નખશીખ પત્રકાર માટે છે. તેમના જીવન કવનથી નવી પેઢી પરિચિત થાય એ હેતુથી કોફી ટેબલ બુક તૈયાર કરી છે, જેમાં દેવેન્દ્રભાઈ પટેલના જીવનના અનેક યાદગાર પ્રસંગો ટૂંકમાં વર્ણવવાનો પ્રયાસ કર્યો છે, સાથે સાથે તેમના જીવનની અલભ્ય, ઐતિહાસિક અને  યાદગાર તસવીરો આ પુસ્તકમાં વાંચકો જોઈ શકાશે.   દેવેન્દ્રભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વ માપવા મારા શબ્દનો ગજ ખૂબ ટૂકો પડે !  સિમિત શબ્દોમાં વિરાટ વ્યક્તિત્વને સમાવવું શક્ય નથી, એમ છતાં, દેવેંદ્રભાઈ પટેલના લાખો ચાહકો તેઓના જીવન દર્શનથી પરિચય પામે માટેનો મારો બાલિશ પ્રયાસ માત્ર છે.

          દેવેન્દ્રભાઈના જીવન કવન અને સાહિત્ય સર્જનનો વધુ અભ્યાસ કરવા માંગતા જિજ્ઞાસુઓ માટે દેવેન્દ્ર પટેલ જીવન સફર પુસ્તક ખુબ ઉપકારક નીવડશે જ એવું મારું અંગત માનવું છે.

 ૨. કર્તવ્ય. પોલીસના સાહસની કેટલીક દિલધડક સત્યકથાઓ  

વર્ષ ૨૦૨૦ની આ વાત છે. કોરોના કાળ દરમિયાન  વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ સાહેબે ‘ધ ગ્રેટ કોરોના વોરિયર’ નામે સુંદર પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ  પુસ્તક અરવલ્લી જિલ્લાના  પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબને  પહોંચાડવાની જવાબદારી તેમણે  મને સોંપી  હતી. જ્યારે હું પોલીસ અધિક્ષકની કચેરીએ પુસ્તક ભેટ આપવા ગયો. મને એ તારીખ  બરોબર યાદ છે.  તારીખ હતી  ૧ લી  સપ્ટેમ્બર ૨૦૨૦.  આ પહેલાં ક્યારેય પોલીસ સ્ટેશન કે કોઈ પોલીસ ઓફિસરની  ઓફિસમાં જવાનું થયું જ  નહોતું. ફિલ્મો અને ટી..વી. સીરીયલોમાં દર્શાવવામાં આવતા પોલીસ ઓફિસરના ચરિત્રો આધારે પોલીસ ઓફિસર બાબતે  મનોવલણ ઘડાયું હતું. એ જ  મનોવલણ સાથે પોલીસ અધિક્ષકની ઓફિસમાં હું દાખલ થયો.

   જિલ્લાપોલીસ અધિક્ષક સંજય ખરાત સાહબે ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો. સાથે લઈ ગયો હતો એ પુસ્તક ભેટ આપ્યું. સાહેબ સાથે અડધા કલાકથી વધુ સત્સંગ જામ્યો. એક IPS ઓફિસરનું સાહજિક  વર્તન અને ઉષ્માપૂર્ણ વ્યવહાર જોઈ મારા અચરજનો પાર ન રહ્યો. આ અમારી પહેલી મુલાકાતમાં  ફિલ્મો અને સીરીયલોએ વર્ષોથી ઘડેલાં પોલીસ ઓફિસર વિશેનાં મનોવલણો થોડી મિનિટોટોમાં બદલાઈ ગયાં. સાહેબનો સરળ અને શાલીન સ્વભાવ હૃદયને સ્પર્શી ગયો. એ પછી તો નિયમિત અમારી મુલાકાતો થતી રહી.  તેમને નજીકથી કામ કરતા નિહાળવાનો અવસર મળ્યો.

સંજય ખરાત સાહેબના  હકારાત્મક અભિગમથી જિલ્લાપોલીસની કાર્ય પદ્ધતિમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું. જિલ્લાપોલીસે આદરેલી કડક કાર્યવાહીથી ખૂંખાર ગુનેગારો અને અસામાજિક તત્ત્વો રીતસરના ફફડવા લાગ્યા. જિલ્લામાંબનેલા ચોરી, હત્યા અને  લૂંટના જટિલ કેસોને ગણતરીના દિવસોમાં ઉકેલી પ્રજાનો વિશ્વાસ જીતી લીધો.  ગુનાખોરીનો ગ્રાફ નીચે ઉતરતો ગયો. જિલ્લામાંસૌહાર્દપૂર્ણ વાતાવરણનું નિર્માણ થયું.

ફિલ્મો અને સિરિયલો આધારે અનેક લોકો પોલીસ વિષે નકારાત્મક મનોવલણ ધરાવતા હોય છે. અને અખબારો અને સમાચાર ચેનલો દ્વારા પણ મોટાભાગે  નકારાત્મક સમાચારોને પ્રસારિત કરવામાં આવતા હોય છે. જેનાથી લોકોના મનમાં પોલીસ વિશે  ઘડાયેલું  નકારાત્મક મનોવલણ વધુ પ્રબળ બને છે. પરંતુ હકીકત એનાથી ઉલ્ટી હોય છે. રાત દિવસ ખડે પગે ઊંભા રહી પ્રજાની સુરક્ષા માટે પોલીસ ફરજ બજાવે છે. કુદરતી આપદા હોય કે કોરોના કાળ જેવી અન્ય કોઈ આફત પોલીસ પોતાની જાનની પરવા કર્યા  વિના  ઢાલ બનીને ઊભી રહી જાય છે. આવા કિસ્સાઓ જલ્દી પ્રકાશમાં નથી આવતા.  ખાખી એ માત્ર રંગ નથી પણ એક ઝનૂન છે. છેલ્લા ત્રણેક વર્ષથી પોલીસની કામગીરી  નિકટથી નિહાળી હું પ્રભાવિત થયો.   

અરવલ્લીની જાંબાઝ  પોલીસે જાનના જોખમે પાર પાડેલા  ઓપરેશનની સકસેસ સ્ટોરીઝ પુસ્તક રૂપે સમાજ સમક્ષ મૂકવાની મારી પ્રબળ ઇચ્છા હતી.  સંજય ખરાત સાહેબ પાસે  પુસ્તક પ્રગટ કરવાની અનુમતિ માંગી અને તેઓએ અનુમતિ આપી. પુસ્તક લેખન માટે જુદા જુદા કેસની વિગતો એકત્ર કરતો હતો એ દરમિયાન ધ્યાને આવ્યું કે ખૂંખાર ગુનેગારોને પકડવા પોલીસે કેવાં- કેવાં  જોખમો લેવાં પડતા હોય છે. અનેક જોખમોની વચ્ચે પણ પોલીસ ધાર્યું ઓપરેશન પાર પાડીને જ રહે છે. આવા અનેક દિલચસ્પ કિસ્સાઓ તમને આ પુસ્તકમાં વાંચવા મળશે.

પુસ્તક માટે જરૂરી માહિતી એકત્રિત કરવા માટે માટે જિલ્લાના પોલીસ ઓફિસર દ્વારા સુંદર સહયોગ પ્રાપ્ત થયો. જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ,  Dy.Sp કે. જે. ચૌધરી સાહેબ,  Dy.Sp ડાભી સાહેબ, LCB PI કે.ડી. ગોહિલ સાહેબ, Sp  સાહેબના અંગત મદદનીશ રાહુલભાઈ પટેલે   વ્યસ્તતા વચ્ચે પણ સમય મર્યાદામાં મને જરૂરી કેસોની તમામ વિગતો પૂરી પાડી છે, જેના લીધે આ પુસ્તક ગણતરીના દિવસોમાં પ્રકાશિત થઈ શક્યું.

રસપ્રદ અને જટિલ કેસ અરવલ્લી જિલ્લાપોલીસે અનેક પડકારોની વચ્ચે કેવી રીતે ઉકેલી નાખ્યા ? ચોતરફ દહેશત ફેલાવનાર ગેંગના ગુંડાઓને જેલના સળિયા પાછળ કેવી રીતે ધકેલી દીધા ? બેફામ બનેલા બુટલેગરોમાં ફફડાટ કેમ ફેલાયો ? આવા કિસ્સા જાણવા અને માણવા વાચકોને ગમશે જ.  સાથે સાથે મહિલા બૂટલેગરોને રચનાત્મક માર્ગે વાળવા પોલીસે કરેલા પ્રયત્નો, દારુણ ગરીબીમાં જીવવા મજબૂર બનેલા  બ્લાઈંડ આંતરરાષ્ટ્રીય  ક્રિકેટરના જીવનમાં જિલ્લાપોલીસે કેવી રીતે પ્રકાશ પાથર્યો ? પુસ્તકમાં પ્રગટ થયેલા આવા   જિલ્લાપોલીસના માનવીય અભિગમનાં  પ્રકરણો  વાચકોના હૃદયને ભાવવિભોર કરશે.

ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબ, વરિષ્ઠ પત્રકાર પદ્મ શ્રી દેવેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન. કલેકટર સાહેબ, અરવલ્લી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ,  મોડાસા નગર પાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર,  ઉદ્યોગપતિ અશોકભાઈ પટેલ, યુવા લેખક માંસુંગ દોસ્તની ઉપસ્થિતિમાં બે પુસ્તકોનો લોકાર્પણ સમારોહ યોજાયો. મોડાસા નગરના શ્રેષ્ઠીઓ, સાહિત્યકારો, પત્રકારો, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી અભિનંદનની વર્ષા કરી હતી આ દૃશ્ય હું જીવનભર ભૂલી શકું તેમ નથી. 

શિક્ષણ ઋષિ મોતીભાઈ મ. માટેલ ઉર્ફે મોતીદાદા પ્રત્યક્ષ હાજર રહી શક્યા નહતા પરંતુ પરોક્ષ રીતે તેમના આશીર્વાદ અવિરત વરસી રહ્યા હતા જેનો અહોભાવથી રાજીપો વ્યક્ત કરું છું. સૌના અપ્રતિમ સ્નેહ બદલ વિનમ્ર ભાવે નતમસ્તકે  હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પુસ્તક લોકાર્પણ સમારોહને સફળ બનવાવવા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ અને સમગ્ર જીલ્લા પોલીસ ટીમે જે જહેમત ઉઠાવી છે તે બદલ તેમનો હું આજીવન ઋણી રહીશ. 

 ( નીચે આપેલ લીંક ક્લિક કરી બંને  પુસ્તકો ઘેર બેઠાં  મંગાવી શકો છો.  અથવા  મો. નંબર 9825142620 પર whatsapp મેસેજ કરી પુસ્તક મંગાવી શકો છો. 

link  :-   https://forms.gle/VAfkSybPWPK3Dsue6

 : -    https://docs.google.com/forms/d/e/1FAIpQLScS0CHZeVlXnpxAFfZKnUcrHZhQcgl5nz07RGhaTsOQkYkQ6A/viewform?usp=pp_url&entry.1091543000=Option+1

-          ઈશ્વર પ્રજાપતિ

9825142620


 

 

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts