Sunday, May 7, 2023

સન્ડે સ્પેશિયલ

 માનવતાની મહેક 

               "સાહેબ ! ઊભા રહો, આપને એક વાત કહેવી છે."
            એક પોલીસ અધિકારીની ઓફિસમાંથી બહાર નીકળી, હું મારી કાર તરફ જઈ રહ્યો હતો એ સમયે મારા કાને આ સાદ સંભળાયો. અવાજ પરિચિત હતો. શબ્દો મારા કાને પડતાં જ ઉતાવળે ચાલતા મારા પગ થંભી ગયા. મને સાદ કરનારી એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ દલસુખભાઈ હતા.
         દલસુખભાઈ ઘણા વર્ષોથી આ  કચેરીમાં સેવક તરીકે ફરજ બજાવે છે. એક "કર્તવ્ય"  પુસ્તક લેખન દરમિયાન અવાર નવાર જુદા જુદા પોલીસ સ્ટેશને મારી  નિયમિત અવર જવર રહેતી. ત્યારે દલસુખભાઈ મારી સેવામાં ખડે પગે તૈયાર રહેતા. ખૂબ ઓછા સમયમાં એમને હું અનેકવાર મળ્યો હતો, એમ છતાં એમની સાથે કોઈ ઝાઝી વાતચીત થઈ ન હતી. પણ આજે એમણે સાદ કરી મને બોલાવ્યો એટલે હું તરત થંભ્યો.  દલસુખભાઈ મારી પાસે આવી ઉભા રહી ગળગળા આવજે બોલ્યા."સાહેબ, આપને એક વાત કરવી છે."
            "બોલો દલસુખભાઈ શું વાત છે ? " : વાત જાણવાની મારી ઉત્કંઠા દર્શવી.
           "સાહેબ, મેં સાંભળ્યું છે કે તમે પોલીસની સારી કામગીરી વિશે પુસ્તક લખી રહ્યા છો?"
           મેં કહ્યું : "હા, અને હવે પુસ્તકનું ફાઈનલ પ્રુફ તૈયાર થઈ ગયું છે. પુસ્તક આવતી કાલે પ્રિન્ટમાં જશે."
            દલસુખભાઈએ કહ્યું. : "સાહેબ, ખૂબ ઉત્તમ કામ કર્યું આપે. મારે પણ તમને કહેવું છે કે આપણા જીલ્લામાં  એક એવા પણ પોલીસ અધિકારી છે તેઓ   મારા માટે તો ભગવાન સમાન છે." 
        આટલું બોલતાં બોલતાં દલસુખભાઈના ગાળામાં ડૂમો ભરાઈ આવ્યો. દલસુખભાઈના હૃદયની લાગણી જરજરીયાં બની આંખમાં તરી આવી. એક સેવક એક ઓફિસર વિશે આવી વાત કરે એટલે વિગતે વાત જાણવાની  તાલાવેલી જાગી.
        ભીના સાદે દલસુખભાઈ વાત માંડે છે. : "સાહેબ, હું તો સમાજના એક પછાત વર્ગમાંથી આવું છું. જન્મતાંની સાથે કુદરતે જાણે ગરીબી  ભેટમાં આપી. અભાવોની વચ્ચે ઉછેર થયો. દસમા ધોરણની પરીક્ષા ફી પિસ્તાલીસ રૂપિયા હતી. મજૂરી કરી, પણ એટલા પૈસા એકઠા ન કરી શક્યો. એટલે ભણવામાં હોશિયાર હોવા છતાં આગળ ભણવાનું માંડી વાળ્યું. ઘર ચલાવવા પૈસાની જરૂર હતી, એટલે મોડાસા બાયપાસ પર ચાની લારી કરી. માત્ર ચાની લારી પર ઘર ચલાવવુ મુશ્કેલ હતું એટલે હોમ ગાર્ડમાં ભરતી થયો. આખી રાત હોમ ગાર્ડની ડ્યુટી કરવાની અને દિવસે ચાની લારી. સખત મહેનત કરી બે છેડા ભેગા કરવા મથામણ કરતો રહ્યો. લગ્ન થયાં. ત્રણ સંતાનો થયાં. જવાબદારી વધતી ગઈ એમ ખર્ચ પણ વધતું ગયું. પેટે પાટા બાંધી દીકરીઓને ભણાવી. અને પરણાવી. એક દીકરી શિક્ષિકા છે, બીજી દીકરી BSc માં પહેલો નંબર લાવી GPSC ની તૈયારી કરે છે. દીકરો સંગીત વિશારદ છે.
            થોડાં વર્ષો પહેલાં મારી નિયુક્તિ આ  કચેરીમાં થઈ. સાહેબ, ઘણાં વર્ષોથી આ કચેરીમાં ફરજ બજાવું છું. કેટકેટલાય હોનહાર અધિકારીઓના હાથ નીચે કામ કર્યું છે.   ટૂંકી આવકમાં ઘર ચલાવવું અને સામાજિક ખર્ચાના કારણે મારા માટે ઘર બનાવવું એક સપના સમાન હતું. મોડાસાના એક બિલ્ડર મિત્રએ પ્લોટ ભેટમાં આપ્યો હતો પણ એ પ્લોટ પર મકાન બનાવી શકું એવી કોઈ જ પરિસ્થિતિ નહતી.
        મારી પાસે પ્લોટ તો હતો જ પરંતુ એના પર ઈંટ માંડવાની મારી તાકાત ન હતી. પાકું ધાબા વાળું ઘર બનાવવાની તીવ્ર ઝંખના હતી. પરંતુ સપનાનું ઘર બને એવા આસાર દૂર દૂર સુધી નજરે પડતા ન હતા. મારા હૈયામાં ચાલતી ઘર બનાવવાની ગડમથલ એક પોલીસ અધિકારી સાહેબ  પામી ગયા. એ સાહેબ પાસે માણસનું મન વાંચવાની ગજબની શક્તિ છે. સાહેબે મને બોલાવી મને પૂછ્યું :'દલસુખભાઈ નવું ઘર બનાવવું છે ?' સાહેબનો પ્રશ્ન સાંભળી હું અચંબિત થઈ ગયો.. મારા આશ્ચર્ય વચ્ચે સાહેબે કહ્યું 'દલસુખભાઈ, તમે નવું ઘર બનાવવાનું શરૂ કરો. તમને અમારો પૂરતો સાહિયોગ મળશે.' અવાક બની હું સાહેબની વાત સાંભળતો જ રહ્યો. ઉચ્ચ સ્થાને બેઠા પછી છેલ્લા કર્મચારીની જરૂરિયાતોનું કેટલું બારીક ધ્યાન સાહેબ રાખે છે !
            સાહેબના સૂચનથી ઘર બનાવવાનું શરૂ કર્યું. ઈંટો, સિમેન્ટ, રેતી આવતી ગઈ. ઈંટ પર ઈંટ મંડાતી ગઈ. જોત જોતામાં મારા સપનાનું ઘર તૈયાર થઈ ગયું. આજે મારા પરિવારને માથે પાકી છત છે એ સાહેબના આશીર્વાદ વગર શક્ય બની ન હોત. અધિકારીઓ તો ઘણા આવ્યા અને ગયા પરંતુ એક સેવકના પરિવારની ચિંતા કરી, એના પાકા મકાન માટે સહાયરૂપ બને એવા અધિકારી દીવો લઈ શોધવા નીકળીએ તોય ન જડે.. મારા સપનાના ઘરની દીવાલ ઉપર  સાહેબની તસવીર શોભી રહી છે. મારા માટે તો એ  સાહેબ મારા ભગવાન છે."
    દલસુખભાઈ વાત પૂરી કરતાં કરતાં તેમની આંખોમાંથી અશ્રુ રૂપે અહોભાવ  નીતરી રહ્યો હતો.
        દલસુખભાઈની વાત સાંભળી હું નિઃશબ્દ હતો.  એ પોલીસ  અધિકારીને મળી આ પ્રસંગ કર્તવ્ય પુસ્તકમાં પ્રગટ કરવા તેમની અનુમતિ માંગી તો તેઓ એ વિનમ્રતા પૂર્વક જણાવ્યું કે "કેટલીક બાબતો બીજાને જણાવવા માટે નથી હોતી પણ આત્મસંતોષ માટે હોય છે. આ કામ મે કર્યું છે એવું કોઈનેય કહેશો નહિ. દલસુખ ભાઈનું આ કામ પ્રભુની ઈચ્છાથી થયું છે હું તો નિમિત્ત માત્ર છું."  પોલીસ અધિકારી સાહેબના  આ નવીન રૂપને હું મનોમન વંદી રહ્યો! 

No comments:

Post a Comment