Saturday, April 8, 2023

સન્ડે સ્પેશિયલ

 ફૂટબોલનો એક ઉત્તમ ખેલાડી મોસ્ટ વોન્ટેડ બની ગયો.

 


          જીવનમાં ધનવાન બનવાનો કોઈ જ શોર્ટકટ નથી. એમ છતાં ટૂંકા રસ્તે ધનવાન બનવાની લાલચમાં ગુન્હાખોરીના રસ્તે વળીને કેટલાય આશાસ્પદ  યુવાનોએ પોતાનું જીવન બરબાદ કરી નાખ્યાના દાખલા આપણા સમાજમાં  મોજૂદ છે. આજે વાત કરવી છે એક એવી વ્યક્તિની કે જે શાળા સમયમાં ફૂટબોલનો ઉત્તમ ખેલાડી હતો અને  યુવાનીમાં શોર્ટકટ અપનાવી  અમીર બનવાની લાલચે ગુનાખોરીના ચક્રવ્યૂહમાં એવો તે સપડાતો ગયો કે એક પછી એક એમ ગંભીર ગુનાઓ આચરતો જ ગયો. અને એક સમયનો  ફૂટબોલનો  હોનહાર ખેલાડી મોસ્ટ વોન્ટેડ બની ગયો.

      એનું નામ છે સૂકો. અરવલ્લી ગિરિમાળાની ગોદમાં આવેલું ભિલોડા તાલુકાનું નાનું અમથું ડોડીસરા એનું ગામ. પહાડીઓથી ઘેરાયેલું ગામ. ગામમાં પ્રવેશતાં જ બિરસા મૂંડાજીની પૂર્ણ કદની પ્રતિમાના દર્શન થાય છે. ગામના આ ચોકનું નામ પણ બિરસા મુંડા ચોક એવું નામ આપવામાં આવ્યું છે.  સૂકાનો  જન્મ અહીં જ થયો. પહાડીયોની વચ્ચે મોટો થયો. શાળા સમય દરમિયાન તે ફૂટબોલનો સારો ખેલાડી હતો. એનું શરીર કસાયેલું હતું.

        સુકાની ઘરની સ્થિતિ સાધારણ હતી. તેનાં  માતા-પિતા ખેતી કરતાં. પણ સૂકો અત્યંત મહત્વકાંક્ષી હતો. એને પણ અમીર બનવું હતું. આ વિસ્તારમાં રૂઆબ જમાવવો હતો. પ્રામાણીકતાના પંથે તેની મહત્વકાંક્ષા સિદ્ધ કરવા વરસો લાગે તેમ હતા. પણ એટલી ધીરજ સુકા પાસે હતી નહિ. ટૂંકા રસ્તે પૈસા રળવા એણે દારૂનો ધંધો શરૂ કર્યો. ઓછી મહેનતે વધુ પૈસા મળવા લાગ્યા. પૈસા આવતા એનો આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી ગયો. હવે આસપાસના વિસ્તારમાં એની દાદાગીરી પણ વધવા લાગી. એના વિરુદ્ધમાં કોઈ વાત કરે તો પણ તેને જાહેરમાં ફટકારતો. એમ છતાં એના વિરુદ્ધ ફરિયાદ કરવાની હિંમત કોઈ જ કરતુ નહિ.   

     અરવલ્લીના ભિલોડાના આ પહાડી વિસ્તારમાં મોટાભાગની વસ્તી  આદીઅવાસી સમાજની છે. આ વિસ્તારના લોકો  જેમણે શાળામાં શિક્ષણ મેળવ્યું છે. વહીવટમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે.  પરંતુ જેઓ ભણ્યા નથી, નિરક્ષર છે. તેઓ પાસે રોટલો રળવા  રોજગાર કે ધંધો નથી. શું કરવું તેની પણ ખબર  નથી. સુકો આવા અબુધ  લોકોનું નેતૃત્વ કરવા લાગ્યો.  ધંધા રોજગાર વગરના લોકોને ગેરકાયદેસર કામો તરફ વાળી ટૂંકા રસ્તે કમાણી કરવા પ્રેર્યા. આવા લોકો માટે સુકો જાણે મસીહા બની ગયો. દારૂના ધંધામાં કમાણીનું ગણિત સીધું અને સરળ છે. ઓછા ખર્ચે  વધુ પૈસા મળી રહે છે. . વહીવટીતંત્ર સાથે સંબધ બનાવી,  આઠ-દસ સાગરીતો તૈયાર કરી  બહુ મોટી કમાણી કરી શકાય છે. સુકો માસ્ટર માઈન્ડ હતો.  પૈસાની જરૂરીયાત વાળા બીજા લોકો પૈસાની લાલચ આપી તેના ગેરકાયદેસર ધંધામાં પણ જોડવા લાગ્યો. અને આખી ગેંગ બની ગઈ. પોલીસની વાન એ વિસ્તારની આસપાસથી પસાર થાય તો તેના સાગરીતો તરત સૂકાને જાણ કરી દેતા. અને સુકો તરત ત્યાંથી પલાયન થઇ જતો. એને નેટવર્ક એટલું જબરજસ્ત બનાવ્યું હતું કે અખા વિસ્તારની રજેરજની માહિતી એને સેકન્ડોમાં મળી જતી.  

          સુકાની ઉમર  અંદાજે 30 વર્ષની  છે. પહાડી ખીણમાં રહેતો હતો, ડુંગરોની વચ્ચે રહી તેનું શરીર પણ ખડતલ બનાવ્યું છે. કસાયેલું શરીર, નાની પણ સ્ટાઇલિશ મૂછો, સીધું અણિયારૂ  નાક,  ગોરો રંગ,  ટૂંકા પણ વાંકડિયા વાળ. સ્થિતિસ્થાપક કાપડની રંગીન કેપ. જે  ઠંડી અને તડકામાં માસ્ક તરીકે તેનો ઉપયોગ કરતો.

         સુકો હવે બેફામ બની ગુના આચરવા લાગ્યો. આસપાસના લોકોને તો રંજાડતો જ. પણ પોલીસે એના ત્યાં રેડ કરી તો પોલીસ ઉપર ઘાતક  હુમલો કરી દીધો. એટલું ઓછું હોય એમ પોલીસની રાયફલ ઝૂંટવી પલાયન થઈ ગયો.  જાણે એને  કોઈનો ડર જ રહ્યો ન હતો, જીલ્લા પોલીસ આલમમાં પણ હવે સૂકાની ગેંગનું નામ પ્રચલિત બની ગયું હતું,

     અરવલ્લીના બે મોટા ડુંગરોની વચ્ચે આવેલું ડોડીસરા ગામ હતું..ગામ તરફ જતો માત્ર એક જ મુખ્ય રસ્તો છે. ગામ ડુંગરથી ઘેરાયેલું હોવાથી બીજા રસ્તે ગામ સુધી પહોંચવું ઘણું મુશ્કેલ હતું. સૂકો આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી સુપેરે પરિચિત હતો. તે તેના સાગરીતોના સંપર્કમાં રહેતો હતો. ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી કે ગામમાં કોઈ પણ અજાણી વ્યક્તિ પ્રવેશે તો સુકાને તરત જ બાતમી મળી જતી. એટલે પોલીસના અનેક પ્રયત્નો છતાં સુકો હાથ આવતો જ ન હતો.   

            આજદિન સુધી સૂકા વિરુદ્ધ કુલ 23 જેટલા  કેસ નોંધાયા છે. જેમાં, પોલીસ પર બે વાર  જીવલેણ હુમલા, પોલીસની એસોલ્ટ રાઇફલનું અપહરણ, ધાડ, મારામારી, દારૂની હેરાફેરી અને બે ખૂન  જેવા ગંભીર ગુન્હા તેના વિરુદ્ધ  નોંધાયા હતા. તેણે પોતાના સગા  કાકાને નિર્દયતા પૂર્વક મોતને ઘાટ ઉતાર્યા હતા. સુકાને શંકા હતી કે તેના કાકાની નજર તેની પુત્રવધૂ પર હતી, તેણે સગા કાકાને છાતીમાં  છરાના ઘા મારીને હત્યા કરી હતી. એમ છતાં કેસનું સમાધાન કરી નાખી સુકો કોર્ટમાં નિર્દોષ છૂટી ગયો હતો. એની ધાક જ એટલી જમાવી હતી કે  તેના વિરુદ્ધમાં કોઇપણ કેસ થાય તો પૈસા અને પાવરથી  આરોપી પક્ષે તે સમાધાન કરાવી લેતો અને કાયદાના હાથમાંથી છટકી  જતો. પછી તો આ સિલસિલો ચાલુ રહ્યો અને સુકો બેખૌફ બની ગુના આચરતો રહ્યો. અને મોસ્ટ વોન્ડેટ બની ગયો.

          બેખૌફ સુકાએ ક્રૂર રીતે બીજી હત્યા કરી નાખી.. તેને એવી શંકા હતી કે કોઈએ તેના પર મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો છે. જેના કારણે તેનો ધંધો સાવ ધીમો-નબળો પડી ગયો છે. આ શંકા રાખી કરી  એક તાંત્રિકનું ખૂન  કરી નાખ્યું. ખૂન પણ અત્યંત ઘાતકી રીતે કર્યું હતું. તાંત્રિકને પકડી ધેર  લાવી ભૂખ્યો અને તરસ્યો બાંધી રાખ્યો અને સળંગ બે દિવસ સુધી ઢોર માર માર્યા કર્યો. અને વીજળીનો કરંટ આપ્યા કરતો.  તાંત્રિકને દયનીય હાલતમાં હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો  પરતું  સારવાર દરમિયાન તેનું  મોત નીપજ્યું. આ હત્યામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને પોલીસે દબોચી લીધા. પરંતુ સુકો ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

     કોઇપણ હિસાબે સૂકાને પકડવાનું કામ પડકાર જનક હતું. એણે પોલીસને લલકાર ફેંક્યો હતો. LCB, SOG,   સ્પેશીયલ ફોર્સ અને ભિલોડા પોલીસ  સાથે મળી પોલીસ દિવસ-રાત સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તપાસ દરમિયન રાજસ્થાન, પંજાબ સુધીની  સરહદ પણ ખૂંદી નાખી.સુકો છુમંતર હતો. સુકા પાસે  પવનની ઝડપે દોડતી મોટરબાઈક હતી. પહાડી રસ્તાઓ પર તે પૂરી સ્પીડથી ચલાવી શકતો. અને પળવારમાં પહાડીઓમાં તે ગાયબ થઇ જતો.

        અરવલ્લી જીલ્લા પોલીસ વડા સંજય ખરતે કેસની ગંભીરતા સમજી સૂકાને જેલના હવાલે કરવા યોજના ઘડી કાઢી. પોલીસની ટીમ બનાવી જેમાં તાત્કાલીન  એલ.સી.બી. પી.આઈ. સી.પી. વાઘેલા, એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. શંકરજી, અભેસિંહ, વિષ્ણુભાઈ, દિલીપભાઈ, પ્રવીણકુમાર, રતિલાલ, વીરભદ્રસિંહ સામેલ હતા.    અને બાતમીદારો રોક્યા.

સૂકાએ બે લગ્ન કર્યા હતા. તેને બે પત્નીઓ હોવા છતાં તે ત્રીજી કોઈ યુવતી સાથે પ્રેમ  સંબધ ધરાવતો હતો. એક રાત્રે સૂકો તેની પ્રેમિકાને મળીને પરત આવતો હતો. એની બાતમી પોલીસને મળી ગઈ. અને લાગ જોઈ જીલ્લા પોલીસે સૂકાને ત્યાં જ દબોચી લીધો.  આખરે પોલીસને સફળતા મળી અને સૂકો પકડાયો,

    સુકાને પકડ્યા પછી ખુદ જીલ્લા પોલીસ વડા સંજય ખારાતે તેની  પૂછપરછ કારી. સંજય ખરાત કહે છે. : પકડાયા પછી સૂકાના ચહેરા પર પસ્તાવાનો કોઈ જ  ભાવ જોવા મળ્યો  ન હતો. ગુનો કર્યાની જરા અમથી ગ્લાની પણ એના ચહેરા પર જોવા મળતી નોહતી. લાગણીહીન વેધન કરતી આંખો અને ઘણા દિવસો સુધી ન નાહવાને કારણે એના શરીરમાંથી  એક વિચિત્ર ગંધ આવતી હતી.

        પૂછપરછમાં એ વાત પણ બહાર આવી કે સૂકો તેની પ્રેમિકાને લઇ હરિયાણા ભાગવાની ફિરાકમાં હતો. હરિયાણા જઈ ત્યાં દારૂનો મોટાપાયે બિજનેશ શરૂ કરવાની એની યોજના હતી. પરંતુ જીલ્લા પોલીસે તેની યોજના પર પાણી ફેરવી નાખ્યું.    પોલીસ વડા સંજય ખરાત પાસે  23 ગુનાઓનું લિસ્ટ તૈયાર હતું.  તેના ગુના આ લીસ્ટ  કરતાં પણ વધુ હતા. રાજ્ય સરકાર પણ આવા ગુનેગારોને ડામવા કટિબદ્ધ છે. એટલે જ રાજ્ય સરકારે GUJCTOC (ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝેશન ક્રાઈમ એકટ ) અમલી બનાવ્યો છે. અને આ કાયદાના અમલીકરણથી સુકો અને તેના 19 જેટલા સાગરીતો  હાલ જેલના હવાલે છે.

        જીલ્લામાં ગુનાખોરી આચરી ચોમેર તરખાટ મચાવનાર સૂકાની આખી ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવા માટે અરવલ્લી જીલ્લા પોલીસની કામગીરીને બિરદાવવી જ રહી. આ ઓપરેશનને સફળ બનાવનાર તમામ ઓફિસરને દિલ સે સેલ્યુટ ! 

      સૌ કોઈએ યાદ રાખવું જોઈએ કે ધનવાન બનવાનો કે સફળતા પ્રાપ્ત કરવાનો કોઈ જ શોર્ટકટ નથી હોતો. અને શોર્ટકટથી કદાચ સફળતા કદાચ મળી પણ જાય તો એ અલ્પજીવી હોય છે. અને તેનો અંત ખૂબ પીડા દાયક હોય છે. !

         ઈશ્વર પ્રજાપતિ 

9825142620

નોંધ : -(આપના જીવનની પણ વ્યથા-કથા e-mail : khudishwar1983@gmail.com  ઈ મેઈલ  દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે.  

 


 
       

 

5 comments:

  1. એક ગુનેગાર ની કહાની...નાની વયે કિર્તી, ધન ની પ્રબળ ઇચ્છાઓ.

    ReplyDelete
  2. ફિલ્મ બને એવી કહાની છે.

    ReplyDelete
  3. અદભૂત આર્ટિકલ

    ReplyDelete