Tuesday, April 11, 2023

સન્ડે સ્પેશિયલ

 પુસ્તક પરિશીલન 

1. માતૃભાષાનું વ્યાકરણ.


                     લે. ડૉ. મોતીભાઈ મ. પટેલ
               પ્રકાશક - અવનિકા  પ્રકાશન અમદાવાદ.
        ગુજરાતના શિક્ષણ જગતમાં આદરણીય ડૉ. મોતીભાઈ મ. પટેલના નામથી વળી કોઈ અજાણ હોઈ શકે ? મોતીભાઈ પટેલ સાચા અર્થમાં ગુજરાતના શિક્ષણ અને સાહિત્ય જગતમાં એક અણમોલ મોતી છે. મોતીભાઈ પટેલ જે ગુજરાતના પ્રથમ હરોળના શિક્ષણ શાસ્ત્રી તરીકે પોખાયા છે. 
     ગુજરાતના શિક્ષણ અને સહિત જગતને અનેક પુસ્તકો તેઓએ ભેટ ધર્યા છે. છેલા અઢી દાયકાથી તેઓ નિવૃત્ત છે. નિવૃત્તિ પછી મોતીભાઈનું ચિંતન શિક્ષણમય રહ્યું છે. . અઢળક વાંચે છે. ભરપૂર લખે છે.
    નવી શિક્ષણ નીતિ અમલી બનતાં અભ્યસક્રમ અને પાઠ્યક્રમમાં આમૂલ પરિવર્તન અપેક્ષિત છે. ત્યારે વ્યાકરણ શિક્ષણના પાઠ્યક્રમના એકમો ભણાવવા ધોરણ 6- 8 માં ગુજરાતી ભણાવનાર શિક્ષક વ્યાકરણ ક્યાંથી ભણાવશે? એ ચિંતામાંથી 86 વર્ષની વયે મોતીભાઈનો શિક્ષક આત્મા કકળી ઉઠ્યો. અને આ વિચારે વ્યાકરણ શિક્ષણની સંદર્ભ પુસ્તિકાઓ તૈયાર થઈ. 
       પરમ આદરણીય ડૉ. મોતીભાઈ પટેલ લિખિત તાજેતરમાં જ પ્રગટ થયેલાં ગુજરાતી ભાષાના વ્યાકરણ અંગેના કુલ સાત સંદર્ભ પુસ્તકોએ શિક્ષણ જગતમાં ખૂબ ચર્ચાયાં છે. તેમાનું એક પુસ્તક એટલે માતૃભાષાનું વ્યાકરણ. 

      કુલ 9 પ્રકરણ અને 80 પાનમાં વિસ્તરેલું આ પુસ્તક ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ અને બી.એડ. પ્રશિક્ષણાર્થીઓ માટે ખૂબ ઉપકારક નીવડે તેમ છે. 
    લેખક પુસ્તકના શરૂઆતના પ્રકરણમાં નોંધે છે કે "ભાષા શીખવા માટે વ્યાકરણનું જ્ઞાન અનિવાર્ય નથી એવા મંતવ્ય સાથે સહમત થઈએ તો પણ, કથન અને લેખનની સ્પષ્ટતા અને શુદ્ધિ માટે વ્યાકરણનું જ્ઞાન ઉપકારક છે એ કેમ ભુલાય ?" વાત બિલકુલ યથાર્થ છે. 
         આ પુસ્તકમાં સ્વર અને વ્યંજનું શિક્ષણ, નામ અને તેના જાતિ - વચન, સર્વનામ અને તેના જાતિ વચન, વિશેષણ, કર્તા કર્મ, ક્રિયાપદ, જેવા મુદ્દાની પ્રકરણ વાર સરળ શબ્દોમાં સદૃષ્ટાંત સમજૂતી આપી છે. 
વાંચકના મહાવરા માટે પ્રકરણના અંતે કસોટી પણ આપેલ છે. જેથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી વધુ મહાવરો કરી શકે. 
        વ્યાકરણ પુસ્તિકાના પાને પાને એક સજ્જ શિક્ષક નાં દર્શન થયા વિના રહેતાં. નથી.  પુસ્તક હાથમાં લેતાં ફોર કલરમાં છપાયેલું એનું આકર્ષક મુખપૃષ્ઠ જોતાં પુસ્તકમાં સમાવિષ્ટ મુદ્દાઓનો ખ્યાલ આવે છે. 
પુસ્તકનું મૂલ્ય 125 રૂપિયા છે. 
________________________________________________

2. સમાસ-સંધિનું અધ્યાપન 

    

        ડૉ. મોતીભાઈ પટેલ લિખિત વ્યાકરણ સંદર્ભ પુસ્તિકા છે.  પુસ્તિકાના પાન ઉઠાલવતાં જ જાણી શકાય કે લેખક ડૉ મોતીભાઈ પટેલે આ પુસ્તિકા માધ્યમિક શાળાના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અને બી.એડ. ના પ્રશિક્ષણાર્થીઓ માટે તૈયાર કરવમાં ઘણી જહેમત ઉઠાવી છે . 
        ખેડૂત જેમ અનાજને તરત જ ઓળખી શકે છે ભાષા શિક્ષકે સમાસને વાંચતાની સાથે ઓળખી શકે એ જરૂરી છે. વ્યાકરણનું નામ સાંભળતાં જ કેટલાક તો ભડકી ઉઠે છે. પરંતુ ભાષાના માધુર્ય માટે વ્યાકરણ શિક્ષણ અત્યંત આવશ્યક છે. 
         આ પુસ્તિકા કુલ બે વિભાગમાં વહેંચાયેલી છે. 1. સમાસ અને 2. સંધિ.  પ્રથમ વિભાગના ત્રણ પ્રકરણના પ્રથમ 41 પેજમાં સમાસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી છે. જ્યારે પુસ્તિકના દ્વિતીય વિભાગ સંધિમાં 35 પેજમાં સંધિ વિશે લેખકે સુંદર સમજૂતી આપી છે. 
         આ પુસ્તિકામાં પણ સરળ શૈલીમાં સમાસ અને સંધિની સમજ આપવામાં લેખક સફળ રહ્યા છે. પ્રકરણના અંતે આપેલા સ્વાધ્યાયનો મહામવરો કરતાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં પણ વધારો થઈ શકશે. 
        પુસ્તકમાં અત્યંત ઝીણવટ ભર્યું કામ થયું છે. કોઈ કલ્પી પણ ન શકે કે ભાવિ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ચિંતા કરી બારીક કામ કરી પુસ્તિકા તૈયાર કરનાર લેખકની ઉંમર 86 વર્ષની હશે ! 
      સંધિ અને સમાસની પૂરતાં ઉદાહરણ સહિત સમજૂતી આપવામાં આવી છે. 
_________________________________________________________

3.માતૃભાષા-ગુજરાતીનું લેખન અધ્યાપન.


       ટેકનોલોજીના સમયમાં આદર્શ લેખનકળા દિવસેને દિવસે વિસરાતી જાય છે. કોલેજ કક્ષાનો વિદ્યાર્થી પણ આદર્શ પત્ર લેખન કરવામાં મુંઝવણ અનુભવે છે. પાયાના શિક્ષણથી જ જો લેખન કૌશલ્ય બાબતે સભાનતા કેળવાય તો એના હકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય. 
      માતૃભાષા - ગુજરાતીનું લેખન અધ્યાપન પુસ્તિકામાં લેખક ડૉ. મોતીભાઈ પટેલે ધો. 6 થી 8ના ભ્યાસક્રમમાં લેખન કૌશલ્ય વિકાસ સંદર્ભના જે એકમ છે તે બધાં પાંચ પ્રકરણમાં સમાવી લીધાં છે. આપણે ત્યાં ગુજરાતીમાં લેખનની આવી પુસ્તિકા પ્રથમવાર પ્રગટ થઈ છે. 
     પુસ્તિકામાં 1. રૂઢીપ્રયોગો અને તેનું અધ્યાપન, 2. સર્જનાત્મક લેખિત  અભિવ્યક્તિ, 3. પ્રસંગ આલેખન અને વાર્તા લેખન, 4. ચિઠ્ઠી લેખન અને પત્રલેખન, 5. અઘરા શબ્દો નો અર્થ. એમ પાંચ પ્રકરણમાં લેખન કૌશલ્ય વિકસાવવા ઉદાહરણ સહિત સમજૂતી આપવામાં આવી છે. પુસ્તિકામાં કુલ 64 પાન છે. લેખકે નાનકડી આ પુસ્તિકા દ્વારા ગાગરમાં સાગર સમાવવાનો  સફળ પ્રયોગ કર્યો છે. પ્રકરણને લાગતા લેખનના આદર્શ નમૂના પણ મુકવામાં આવ્યા છે. 
          પુસ્તિકાનું મૂલ્ય રૂપિયા 100 છે. 
____________________________

4. છંદ - અલંકારોનું બંધારણ


       છંદ અને અલંકાર એ ભાષાનાં ઘરેણાં છે. ભાષમાં તેના પ્રયોજનથી ભાષા લાલિત્ય અને ભાષા માધુર્ય અનેક ઘણું વધી જાય છે. આપણા પ્રાચીન મહાકાવ્યો અને બીજું સાહિત્ય પણ છંદોદબદ્ધ છે. એને યાદ રાખવું પણ સહેલું બની જાય છે. જેથી હજારો વર્ષો આપણો સાહિત્ય વારસો તેના મૂળ રૂપે જળવાયો છે. 
       છંદ - અલંકારનું અધ્યાપન પુસ્તિકાના લેખક ડૉ. મોતીભાઈ પટેલે છંદો અને અલંકારો વિશે તલસ્પર્શી અને રસપ્રદ સમજ પુસ્તકના પાને પાને પ્રગટ કરી છે. આ પુસ્તિકા માધ્યમિક શાળાનાં ધો. 9 થી 12ના ગુજરાતી શિક્ષકો અને બી.એડ. ના પ્રશિક્ષણાર્થીઓ માટે તો ઉપકારક બની રહે તેમ છે, સાથે સાથે ભાષા જિજ્ઞાસુઓ માટે પણ ખૂબ ઉપયોગી થઈ પડે તેમ છે. 
         કુલ 104 પાનાં પર વિસ્તરેલું આ પુસ્તક મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. 1. છંદનું અધ્યાપન 2. અલંકારનું અધ્યાપન.
        1. છંદના અધ્યાપનમાં.પણ બે પેટા વિભાગ દ્વારા સમજ આપવાનો રસાળ પ્રયત્ન લેખેકે કર્યો છે. (અ) અક્ષરમેળ છંદ અને (બ) માત્રા મેળ છંદ.
       (અ) અક્ષરમેળ છંદની સંકલ્પના સાથે કુલ 28 પ્રકારના અક્ષરમેળ છંદના પ્રકારોની વિગતવાર સમજ આપવામાં આવી છે. 
      (બ) માત્રામેળ છંદ એ છંદ અધ્યાપનનો બીજો પેટા વિભાગ છે જેમાં તેની સંકલ્પના સાથે કુલ માત્રામેળ છંદના 14 પ્રકારોની સચોટ રીતે લેખકે આલેખ્યાં છે. 
       જ્યારે બીજા મુખ્ય પેટા વિભાગ અલંકારોના અધ્યાપનની સમજૂતી આપવામાં આવી છે. જેમાં 1 સંકલ્પના, 2. શબ્દાલંકાર ના પ્રકાર, 3. અર્થાલંકારના કુલ 31 પ્રકાર અને 4. અલંકારોનું નાટયીકરણના પ્રકરણોમાં સમજૂતી રસપ્રદ રીતે પીરસવા લેખકે પ્રયત્ન કર્યો છે. 
     વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે આ પુસ્તિકા ઉપયોગી સાબિત થાય એમ છે. પુસ્તિકાનું મૂલ્ય 165 રૂપિયા છે. 
__________________________

5. ભાષાકીય સજ્જતા.


      ઉચ્ચ પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વ્યાકરણના અધ્યયન અધ્યાપન પ્રક્રિયમાં ખૂબ ઉપયોગી નીવડે તેવી આ પુસ્તિકા છે. 
    ભાષાકીય સજ્જતાની સરળ શૈલીમાં પ્રસ્તુતિ માટે પુસ્તિકાને કુલ બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. 
        પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક ડૉ. મોતીભાઈ પટેલ નોંધે છે કે "ભાષા-માતૃભાષા વિચાર , અનુભવ અને લાગણી નું વાહન છે. આ વાહન જેટલું શુદ્ધ અને સચોટ તેટલું કથન ધારદાર અને અસરકારક. શ્રોતા તરફ તાક્યું તીર ફેંકવામાં માતૃભાષાની શુદ્ધ રજૂઆત એક સુંદર અને સંગીન સાધન છે. આ સાધન અધૂરું હોય તો વિચારોની રજૂઆત, અનુભવની અભિવ્યક્તિ અને લાગણીનું પ્રગટીકરણ પણ અધૂરું અને અનર્થજનક બને" વાત સો ટચની છે. 
        આ પુસ્તિકા દ્વારા લેખકે ભાષા શુદ્ધિની અતિ સુક્ષમ બાબતોની કાળજી લઈ અતિ સુંદર છણાવટ કરી છે. પુસ્તિકા કુલ 64 પાનની છે. યાદ રહી જાય તેવા ઉદાહરણોથી પુસ્તિકા સમૃદ્ધ બનવાયી છે સાથે સાથે વધુ મહાવરા માટે સ્વાધ્યાય પણ આપવામાં આવ્યાં છે. આ પુસ્તિકામાં દરેક એકમની ટૂંકી સમજ આપી ઉપચારમાં તેનું કારણ અને સ્વાધ્યાયમાં આપેલા એવા જ શબ્દો શોધવા આપેલ છે. 
       પુસ્તિકાનું કદ ભલે નાનું છે પરંતુ ભાષા શિક્ષણ માટે વિરાટ કાર્ય કરી શકે તેમ છે.  આ પુસ્તિકાનું મૂલ્ય 100 રૂપિયા છે. 
______________________________

6. ગુજરાતી વ્યાકરણનું અધ્યાપન.


        પરમ આદરણીય ડૉ. મોતીભાઈ પટેલ અને આદરણીય રમણ સોની સાથે મળી આ પુસ્તિકા તૈયાર કરી છે. બન્ને લેખકશ્રીઓ શિક્ષણમાં નાવીન્ય સભર સફળ પ્રયોગો કરતા રહ્યા છે. શિક્ષણ પ્રત્યે આજીવન સમર્પિત રહી નિવૃત્તિના દાયકાઓ બાદ આજે પણ ડૉ. મોતીભાઈ પટેલ અને રમણ સોની પ્રવૃત્ત છે. 
       ગુજરાતી વ્યાકરણનું અધ્યાપન આ પુસ્તિકા માધ્યમિક શાળાના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બી.એડ.ના પ્રશિક્ષણાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સંદર્ભ પુસ્તિકા પીરવાર થઈ શકે તેમ છે. આ પુસ્તિકા બેઉ લેખક શ્રીઓએ અનુસ્નાતકના તેમના પ્રિય આચાર્ય ડૉ. ધીરુભાઈ ઠાકરને અર્પણ કરી ગુરુ ઋણ અદા કરવાનો વિનમ્ર ભાવે પ્રયત્ન કર્યો છે. પ્રિય આચાર્ય ને આનાથી વળી રુડી અંજલિ બીજી શું હોય શકે !
        પુસ્તિકામાં કુલ 9 પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 1. વર્ણ પરિચય 2. ઉચ્ચાર અને જોડણી, 3. પદવિચાર, 4. નામ (સંજ્ઞા) , 5. સર્વનામ અને વિશેષ વિચાર, 6. ક્રિયાપદ અને પ્રયોગ, 7. કૃદંત, 8. અન્ય પદ પ્રકારો : ક્રિયાવિશેષણો ઈત્યાદિ, અને 9 પદચ્છેદ તમામ પ્રકરણમાં તેમના પેટા પ્રકરણોમાં વિભાજિત કરી વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. ભાષા સરળ અને રસાળ છે. કુલ 104 પાન ધરાવતું આ પુસ્તક નું મૂલ્ય 165 રૂપિયા છે. 
      વિદ્યાર્થીઓ અને શિક્ષકો સિવાય વાલી અને વ્યાકરણ અભ્યાસુઓ માટે આ પુસ્તક આશીર્વાદ રૂપ સાબિત થશે. 
_______________________________

7. ગુજરાતી ભાષાસજ્જતા અને લેખન કાર્યનું અધ્યાપન
  


            લે. ડૉ. મોતીભાઈ મ. પટેલ - રમણ સોની
     ગુજરાતી ભાષાસજ્જતા અને લેખન કાર્યનું અધ્યાપન પુસ્તિકા ભાષાસજ્જતા અને લેખનકાર્ય એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે. ભાષાસજ્જતા વિભાગમાં ત્રણ પેટા પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે લેખનકાર્યમાં ચાર પેટા પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
       પ્રસ્તુત પુસ્તકમાં ભાષા સજ્જતમાં, પ્રશ્નાર્થક, અનુસ્વાર, વિરામચિહ્નો, સંક્ષિપ્તરૂપો, કહેવતો, શબ્દસમૂહને બદલે એક શબ્દ, અને ગુજરાતી શબ્દભંડોળની વિગતે વાત કરી છે. તો લેખનકાર્ય વિભગમાં સંક્ષેપીકારણ, વિસ્તૃતીકરણ, અર્થ વ્યવહાર, પરિશીલન અને કાવ્ય રસદર્શનની વિગતે વાત કરવામાં આવી છે. 
      દરેક મુદ્દાની સદૃષ્ટાંત સમજૂતી આપવામાં આવી છે. 96 પાન ધરાવતા આ પુસ્તક નું મૂલ્ય 150 રૂપિયા છે.   
         વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધ્યાપકો અને જિજ્ઞાસુઓ માટે આ પુસ્તકો કોઈ અનમોલ ખજાનાથી કમ નથી. ગુજરાતી ભાષા માટે અને સમસ્ત શિક્ષણ જગત માટે આ સાતેય પુસ્તકો દીવાદાંડીરૂપ સાબિત થશે. 
      પરમ આદરણીય મોતીદાદા એ ૮૬ વર્ષે  તપ આદરી શિક્ષણજગતને  સાત પુસ્તિકાઓ ભેટ ધરી માતૃભાષાની ખુબ મોટી સેવા કરી છે.  
       સાત પુસ્તકોના સેટની મૂળ કિંમત 955 છે જે વળતર કાપી 799માં પોસ્ટેજ ખર્ચ સાથે મોકલી આપવામાં આવે છે. 

પ્રાપ્તિ સ્થાન : 
અવનિકા પ્રકાશન અમદાવાદ.
સંપર્ક :+919879001081

અમૃતાલય કેન્દ્ર, ઉમિયા ચોકની સામે, મેઘરજ રોડ, મોડાસા, અરવલ્લી, પીન કોડ. - 383315
સંપર્ક : +919426271470

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

1 comment: