ભક્તોની ભીડનો ભાંગીને ભુક્કો કરતા શ્રી ભીડભંજન હનુમાન મંદિર : સાકરીયા
આવતી કાલે હનુમાન જયંતીનું પાવન પર્વ છે. હનુમાનજી કરોડો લોકોના આરાધ્યદેવ અને પ્રેરણામૂર્તિ છે. કોઈ
પણ ગામ કે નગરમાં બીજા કોઈ દેવી દેવતાનું મંદિર હોય કે ન હોય પરંતુ હનુમાનજીનું
મંદિર દરેક ગામમાં અચૂક જોવા મળે છે. કેટલાંક સ્થળોએ આવેલ હનુમાનજીની પૌરાણિક
પ્રતિમા ભક્તો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર બને છે. આવી જ હનુમાનજીની પ્રાચીન દિવ્ય
પ્રતિમા અહીં સાકરીયા ગામમાં આવેલી છે. કલિયુગ કાળમાં પણ હનુમાનજીના પરચા
અપરામાંપાર છે.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક એવા મોડાસાથી માત્ર પાંચ કિલોમીટર દૂર, દિલ્હી-મુંબઈને જોડતા માર્ગ પર આવેલ પાવન ગામ સાકરીયાની ખ્યાતિ આજે
દેશ વિદેશ સુધી પ્રસરી છે. સાકરી નદીના કિનારે આવેલ સાકરીયા ગામના ભાગોળે અરણ્યની
વચ્ચે આવેલ પૌરાણિક સ્વયંભૂ પ્રગટ શ્રી ભીડભંજન હનુમાનજીની પ્રતિમા અલૌકિક છે.
નયનરમ્ય વાતાવરણ વચ્ચે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજીની પૌરાણિક પ્રતિમા મૂળ પાંડવ કાળ
વખતનું હોય તેવું વડીલોનું માનવું છે.
માલપુર પાસે આવેલ કલેશ્વરી સુધીના ગાઢ જંગલો હિડિંબા વન વિસ્તાર તરીકે ઓળખાય છે.
મહાભારત કાળ દરમ્યાન પાંડવોના અહીં વિચરણ થયાના અનેક પ્રમાણો પ્રાપ્ત છે. આ મંદિર
નજીકમાં આવેલું કલેશ્વરી કે જેમાં ભીમ પગલાના અવશેષો હોવાની લોકવાયકા છે.
પૌરાણિક કથા અનુસાર ભીમને પોતાની શક્તિ પર અભિમાન આવી ગયું ત્યારે
હનુમાનજીને રસ્તો રોકી તેનું અભિમાન ઉતાર્યું હતું. તે કથામાં હનુમાનજી ભીમનો
રસ્તો રોકીને જે મુદ્રામાં સુતા હતા તે પ્રમાણેની પ્રતિમાનું રૂપ હાલ અહીં જોવા
મળે છે. સુંદર અલંકારોથી સુશોભિત આરામનીની મુદ્રામાં અલૌકિક સૌંદર્ય ધરાવતી
હનુમાનજીની પ્રતિમા બસ નિહાળ્યા જ કરવાનું મન થાય છે. ભારતમાં સૂતેલા હનુમાનજીની
બે મૂર્તિઓ આવેલી છે એક અલ્હાબાદ ત્રિવેણી સંગમ અને બીજી સાકરીયા ગામે. ભીડભંજન
હનુમાનજી મંદિર આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરના
પટાંગણમાં પણ ત્રણ વર્ષ અગાઉ ખોદકામ કરતાં જૂની પૌરાણિક મૂર્તિઓ મળી આવેલ છે. જે
મંદિરમાં થયા છે મંદિરના પટાંગણની જૂની વાવ પણ મળી આવેલ છે જેમાં જૂની કોતરણી વાળા
કેટલાય અવશેષો જોવા મળે છે. આ બધી પૌરાણિક શિલ્પકળાના નમુના ઉપરથી નક્કી કરી શકાય
છે કે આ પ્રાચીન મંદિર હશે.
અહીં સ્થાપિત ભીડભંજન હનુમાનજીની પ્રતિમા કેટલાં વર્ષ પ્રાચીન છે
તેનો ચોક્કસ ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ ગામના વડીલો પાસે થી મળતી માહિતી મુજબ વર્ષો
પહેલાં અહીં અડાબીડ જંગલ હતું. ઘટાદાર આબલીઓની છાયામાં ખુલ્લી જગ્યામાં હનુમાનજીની
પ્રતિમા બિરાજમાન હતી. વર્ષોથી લોકો અહીં જંગલમાં આવી પ્રતિમાનું પૂજન કરતાં.
વર્ષો પહેલાં અહીં જન્માષ્ટમીનો મેળો પણ ભરાતો. વર્ષો જતાં કાળક્રમે જંગલ કપાતું
ગયું. અને હનુમાનજીની પ્રતિમા પર છત બનાવવાં આવી. અને ત્યારબાદ અહીં મંદિર નિર્માણ
પામ્યું. પરંતુ પ્રતિમાને મૂળ સ્થાનને જાળવી રાખવામાં આવ્યું છે.
આ જ પરિસરમાં કાલભૈરવનું સ્થાનક અને મંદિરના પૂર્વ સેવક મધવરામ દાસજીની સમાધિ પણ આવેલ છે. થોડા વર્ષો પહેલાં જ અમદાવાદના દર્શીતભાઈ જૈન પરિવારની પ્રેરણાથી મંદિરમાં રામજી પરિવારની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ સ્થાનનો પ્રભાવ અલૌકિક છે. પરિસરમાં પ્રવેશતાં જ દિવ્ય શાંતિનો અહેસાસ થાય છે. હાલ મંદિરના સંચાલન કરતા પ્રમુખશ્રી હેમંતભાઈ પટેલ, ઉપ પ્રમુખ રોહિતભાઈ પટેલ, મંત્રી શ્રી હેતલભાઈ, પૂર્વ પ્રમુખ આશિષભાઈ પેટેલ, બ્રિજેશ ઉપાધ્યાય જયેશભાઈ પટેલ, પ્રતિકભાઈ ભાવસાર અને મંદિરના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, ગામના યુવાનો, વડીલો અને સમસ્ત ગ્રામજનો દ્વારા આ જગ્યાનો ખુબ સુંદર વિકાસ કરવામાં આવી રહ્યો છે. ઘટાદાર વૃક્ષઓ, ફૂલ છોડ, લીલોછમ બગીચો અને પંખીઓનો કલશોર વાતાવરણ ને અધિક મધુર બનાવે છે.
દર શનિવારે આજુબાજુથી કેટલાય ગામના અને શહેરમાંથી દર્શનાર્થીઓ ચાલતાં હનુમાનજીના દર્શનનો લાભ લેવા આવે છે. કેટલાય શ્રદ્ધાળુ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. દેશ વિદેશમાંથી પણ લોકો દ્વારા રાખેલી માનતાઓ પૂર્ણ થતાં દર્શને અહીં આવે છે. દર વર્ષે હનુમાન જયંતી વખતે સાકરીયા ગામના વડીલો યુવાનો તથા આજુબાજુના ગ્રામજનોના સહકારથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં 20 થી 25 હજાર લોકો મહાપ્રસાદીનો લાભ લે છે. હનુમાન જયંતીના મહિના અગાઉથી ગામના આબાલવૃદ્ધ સૌ તડામાર તૈયારીમાં લાગી જાય હનુમાન જયંતીના દિવસે હનુમાનજી દાદાને સુંદર આભૂષણોથી શણગારવામાં આવે છે. તે દિવસે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં અંદાજિત સો થી વધુ યજમાનો યજ્ઞમાં બેસીને પૂજાનો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે હનુમાન જયંતીના આ ઉત્સવની સફળ બનાવવા ગામના બાળકોથી માંડી યુવાનો અને વડીલો ખૂબ જ સહયોગ આપે છે. છે. દર્શને આવતા હજારો દર્શનાર્થીઓ માટે સુચારુ સગવડ પુરી પાડવા ગ્રામજનો તત્પર રહે છે. આ ઉપરાંત કાળી ચૌદસના દિવસે પણ અહીં મહાપુજાનું આયોજન થાય છે. જેમાં પણ હજારો ભક્તો ઉમટે છે.
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ધામ અંદાજીત પાંચ એકર જગ્યામાં આવેલું છે. તેની ફરતે કોટ કરેલ છે. અહીં સુંદર બગીચો બાળકોને રમવા હિંચકા લપસણી પણ છે. જેથી શાળાના બાળકો અહીં એક દિવસના પિકનિક ઉપર પણ આવે છે. અહીં મોટી સંખ્યાના લોકોનું રસોડું થઈ શકે તે માટે રસોઈઘર પણ છે. પાણીની વ્યવસ્થા પણ કરેલ છે. જેથી અહી બાકીના દિવસોમાં સામાજિક અને અન્ય પ્રસંગો પણ દાદાના સાનિધ્યમાં થઈ શકે છે.
આ
રિદ્ધિ-સિદ્ધિ પૂર્ણ પૌરાણિક શ્રી ભીડભંજન હનુમાનજી દાદાના મંદિરની કીર્તિ ચારેકોર
દેશ-વિદેશમાં ફેલાયેલી છે. અહીંના વિકાસના કામો ને આગળ વધારવા દાદાના ભક્તો આવિરત
દાનનો પ્રવાહ પણ વહાવી રહ્યા છે. અહીં ભવ્ય મંદીર નિર્માણ થવા જઈ રહ્યું છે. શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા સમસ્ત સાકરીયા
ગ્રામજનો દ્વારા સાત કરોડના ખર્ચે ભવ્ય નિર્માણ કરાશે. આ મંદિરનું રૂ 7 કરોડના ખર્ચે ભવ્ય શિખરબદ્ધ નવ નિર્માણ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ
છે. જૂનું મંદિર હતું તેને પાડી દેવામાં આવ્યું છે. ખાલી સુતેલા ભીડભંજન હનુમાનજીની મૂર્તિ ને જ
ખસેડવામાં નથી આવી. જ્યાં આ મંદિર 71 ફૂટ લંબાઈ,60 ફૂટ પહોળાઈ અને 51 ફૂટની ઊંચાઈ ધરાવતા
ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન અને 4 દિશાઓમાં ચાર શીલા
પૂજનની ઉછામણી સહિત મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મંદિર ખૂબ જ આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો બેવડો સમન્વય અહીં
જોવા મળે છે.
શ્રી ભીડભંજન હનુમાનજી આપની મનોકામના પૂર્ણ કરે. જય સિયારામ.
શ્રી ભીડભંજન મંદિર નવ નિર્માણ કાર્યમાં સહયોગ આપવા ઈચ્છતા શ્રદ્ધાળુ
જનો નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકે છે.
Mo. – 74360 42176, 79841 48673, 99794 16825,
94289 65719, 94287 69064
( તસવીર સૌજન્ય : પ્રતિક ભાવસાર, સાકરીયા)
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment