Sunday, April 2, 2023

સન્ડે સ્પેશીયલ

વચન પ્રતિબદ્ધ ઓફિસર ડૉ. નરેન્દ્રકુમાર મીના સાહેબ  

જેઓએ બાળવયે IAS ઓફિસર બનવાનું સપનું સેવ્યું અને પ્રચંડ પુરુષાર્થ કરી  સપનું સાકાર કર્યું. 

 

  ડૉ. નરેન્દ્ર કુમાર મીના.

તેઓ 2010ની બેચના IAS ઓફિસર છે. શિક્ષકથી શરૂ કરી સચિવ સુધીની તેઓની જીવનસફર પ્રેરક છે. રાજસ્થાનના દૌસા જિલ્લાના ઝાઝીરામપુરામાં જન્મેલા ડૉ. નરેન્દ્રકુમાર મીના વાંચન અને લેખનમાં શરૂઆતથી જ ખૂબ સારા વિદ્યાર્થી હતા. નાનપણથી જ IAS ઓફિસર બનવાનું સપનું જોયું હતું, તેઓએ જ્યારે સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી ત્યારે આજના સમય જેટલી સુવિધાઓ પણ ઉપલબ્ધ નહતી. પરંતુ  સફળતા પ્રાપ્ત કરવાની જીદ અને પ્રચંડ પુરુષાર્થથી તેઓ સફળતા પામ્યા.  ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવતા નરેન્દ્રકુમારને બાળપણથી જ સાહિત્યમાં ઊંડો રસ હતો. તેમને બેડમિન્ટન રમવાનો શોખ પણ ગજબનો હતો.

        તેઓ ગણિત અને વિજ્ઞાનમાં ખુબ તેજસ્વી વિદ્યાર્થી હતા. પરંતુ તેમના પરિવારમાં કોઈએ  ગણિત વિજ્ઞાન વિષય સાથે સફળતા પ્રાપ્ત કરી ન હતી એટલે તેમને પણ ગણિત વિજ્ઞાન વિષય છેડવો પડ્યો આશ્ચર્યની વાત એ છે કે તેમને હિન્દી વિષયમાં સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હતા.  એમ છતાં ગણિત વિજ્ઞાન છોડી તેઓએ  હિન્દી વિષય સાથે અભ્યાસ કરવો પડ્યો.  તેમણે રાજસ્થાન યુનિવર્સિટી, જયપુરમાંથી હિન્દીમાં એમએ, એમફીલ અને પીએચડી કર્યું. 2007 થી ઓગસ્ટ 2010 સુધી,  બનારસ હિન્દુ યુનિવર્સિટી, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તેમણે વિદ્યાર્થીને ભણાવ્યા. આત્મસંતુષ્ટિ માટે અધ્યાપનનો વ્યવસાય ઉત્તમ માનવામાં આવે છે. પરંતુ બાળવયે ઓફિસર બનવાનું સપનું આગ બનીને હૃદયમાં પ્રજ્વલિત હતું. અધ્યાપન કાર્યની સાથે સાથે સિવિલ સર્વિસીસની પરિક્ષાઓની તૈયારી તેઓ કરતા રહ્યા. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આને આખરે એ દિવસ આવી પહોંચ્યો. સિવિલ સર્વિસીસ પરીક્ષા  પાસ આઈએએસ બનવામાં સફળતા મેળવી.

તેઓ કહે છે : " ખુલ્તેલી હથેળીમાં અપાર શક્મયતાઓ રહેલી છે. જરૂર છે એને ઓળખી અને જીવન પથ પર આગળ વધવાની."   તેમની પ્રથમ નિમણૂક ગુજરાતના  વલસાડ, હતી, જ્યાં તેમણે જળ વ્યવસ્થાપન, જંગલ અને ઉદ્યોગોના વિકાસ વિશે મથામણ આદરી.  અને તેના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયા.  આ પછી તેઓ હાલોલમાં મદદનીશ કલેક્ટર બન્યા. અહીં તેમને વિધાનસભાની ચૂંટણી યોજવાનો અનુભવ મળ્યો. આ પછી, ફેબ્રુઆરી 2014 માં તેઓ મહેસાણાના જિલ્લા વિકાસ અધિકારી બન્યા. તેમણે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગ માટે પ્રખ્યાત મહેસાણામાં પર્યાવરણ માટે ઘણું કામ કર્યું.

ત્યારબાદ તેમને રાજ્યના વડોદરા જિલ્લામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા હતા. અહીં તેમણે લોકોને સ્વચ્છતા મિશન વિશે જાગૃત કર્યા હતા. વર્ષ 2016માં તેમણે વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી હતી. ડો.નરેન્દ્રકુમાર મીણાએ વડોદરાના લોકોને સ્માર્ટ સિટી સાથે જોડવા તેમના પ્રતિભાવો લીધા હતા. આ અંતર્ગત વોટ્સએપ, ટ્વિટર અને ફેસબુક દ્વારા લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. આશરે 1 લાખ 75 હજાર લોકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો,

જેના કારણે વહીવટીતંત્રને સ્માર્ટ સિટી માટે ચલાવવામાં આવી રહેલી નવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સમાં સુધારા અંગે અભિપ્રાય પ્રાપ્ત થયા. લોકો જિલ્લા વહીવટી તંત્ર સાથે જોડાયા હતા. અને પોતાની ઈચ્છા મુજબ સ્માર્ટ સિટી બનાવવા માટે વેસ્ટ મેનેજમેન્ટ, ક્રાઈમ કંટ્રોલ, હેલ્થ અને ટ્રાન્સપોર્ટ અંગે મહત્વના સૂચનો આપ્યા હતા. આ રીતે વહીવટમાં સામાન્ય લોકોની ભાગીદારી વધારીને ડૉ.નરેન્દ્ર કુમાર મીનાએ પોતાની આગવી ઓળખ બનાવી.

        આ પછી તેમને ઓગસ્ટ 2017માં રાજ્યના મુખ્યાલય ગાંધીનગર ખાતે અધિક વિકાસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. અહીં તેમણે મુખ્યત્વે પંચાયતોના આધુનિકીકરણ પર કામ કર્યું અને ગુજરાતમાં લગભગ 14,000 પંચાયતોના વિકાસ માટે વિગતવાર રૂપરેખા તૈયાર કરી. રાજ્ય સરકાર પણ હવે તેમના દ્વારા તૈયાર કરાયેલા પ્લાન પર કામ કરી રહી છે.

ફેબ્રુઆરી 2019 માં, તેમને દેવભૂમિ દ્વારકાના જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા હતા. એ દરમિયાન  ભયંકર તોફાન- વાવઝોડા  બચાવ કાર્યમાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી અને તેમણે 50 હજાર લોકોને સમયસર સુરક્ષિત વિસ્તારોમાં ખસેડ્યા હતા. પરિણામ એ આવ્યું કે એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નહીં. કોરોનાના સમયગાળા દરમિયાન, તેમણે દરિયાઈ માર્ગે વિદેશથી આવતા લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે સખત મહેનત કરી હતી. દ્વારકાધીશ મંદિરના ઓનલાઈન દર્શનની શરૂઆત કરાવનાર પણ આ ઓફિસરની દૂરંદેશી છે. પાક વીમા યોજના હેઠળ તેમને દેશમાં સૌથી વધુ 450 કરોડ રૂપિયા મળ્યા છે.

     ડૉ. નરેન્દ્રકુમાર મીના લોકભાગીદારી અને ઉત્તમ કાર્ય માટે જાણીતા છે. આવી સ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના જિલ્લા મેજીસ્ટ્રેટ તેઓએ ફેમ ઈન્ડિયા અને એશિયા પોસ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઉત્તમ શાસન, દૂરંદેશી, ઉત્તમ વિચારસરણી, જવાબદાર કાર્યશૈલી, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની ઝડપી ક્ષમતા જેવા દસ માપદંડો પર ગંભીરતા અને વર્તન કાર્યક્ષમતા વગેરે કેટેગરીમાં તેમને અગ્રણી સ્થાન મળ્યું છે.

 ડૉ. નરેન્દ્રકુમાર મીનાનું અરવલ્લી જીલ્લાના કલેકટર તરીકે પોસ્ટીંગ થયા બાદ જીલ્લાના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ પગલાં લઈ ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. છેવાડાની વ્યક્તિ સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવા નિસબત સાથે કામ કર્યું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાનું ધ્વજ વંદન કાર્યક્રમ પણ અરવલ્લીના આંગણે યોજાયો હતો. જેનું પણ સફળ નેતૃતમાં ડૉ, નરેન્દ્રકુમારે કર્યું હતું, જેની નોંધ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા સુધી લેવાઈ.

તેઓ એક સફળ વહીવટ કર્તા તો છે જ સાથે સાથે શિક્ષણ અને સાહિત્યમાં પણ ઊંડી રુચી ધરાવે છે. તેનું એક ઉદાહરણ અહી પ્રસ્તુત છે. જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અરવલ્લી દ્વારા જીલ્લા કક્ષાનો શિક્ષકોનો ઇનોવેશન ફેસ્ટીવલ મોડાસા પાસેના સાકરિયા મુકામે યોજાયો હતો. જેના મુખ્ય મહેમાન તરીકે જીલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીના ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વ્યસ્તતા વચ્ચે પણ શૈક્ષણિક કાર્યક્રમ માટે  આયોજકોને  મહત્તમ  ૩૦ મિનીટ સમય ફાળવ્યો હતો. એમ છતાં કાર્યક્રમમાં શિક્ષકોના ઇનોવેશન જોતાં દરેક શિક્ષકના સ્ટોલની મુલાકાત લીધી. શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. શિક્ષણને વધુ અસરકારક અને રસમય કેવી રીતે બનાવી શકાય તે  માટે  દરેક શિક્ષક સાથે વ્યક્તિગત ચર્ચા કરી.  અને પૂરા ૪ કલાક શિક્ષકો સાથે સંવાદ કરવામાં વિતાવ્યા.   

        તેમની વચન પ્રતિબદ્ધતાનો દાખલો હ્રુદયને સ્પર્શી છે. તેનું પણ એક ઉત્તમ ઉદાહરણ અહી પ્રસ્તુત છે.  વાત જાણે એમ છે કે આકરૂન્દ આદર્શ પ્રા. શાળા પરિસરમાં આવેલી સંદેશ લાઈબ્રેરી દર મહીને પ્રેરણા પરબ વ્યાખ્યાન માળાનું આયોજન કરે છે.આ વ્યાખ્યાન માલા અંતર્ગત ડૉ. નરેન્દ્રકુમાર મીના સાહેબના  વ્યાખ્યાનનો કાર્યક્રમ ૩૧ માર્ચ ની મધ્યાહને જ નક્કી થયો. કે ૧ લી એપ્રિલનાં રોજ લાઈબ્રીનાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી  માર્ગદર્શન આપવા તેઓ ઉપસ્થિત રહેશે.  સોશિયલ મીડિયામાં જાહેરાત પણ મુકાઈ ગઈ. અને એની થોડી જ મિનિટમાં ગુજરાતના IAS કેડર ઓફિસર્સની ટ્રાન્સફરના આદેશ થયા. જેમાં અરવલ્લી સમાહર્તા સાહેબનું નામ પણ સમાવિષ્ટ હતું.

      આયોજકો  થોડી ચિંતામાં મુકાયા કે હવે સાહેબ વ્યાખ્યાન માટે આવશે કે કેમ ? અને એટલામાં કલેકટર સાહેબે ફોનથી આયોજકોને જાણ કરી કે "ટ્રાન્સફર થઈ છે. પણ આવતી કાલે લાઈબ્રેરીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવા હું જરૂર આવીશ"  ૧ એપ્રિલે બરાબર નિયત સમયે સાહેબ લાઈબ્રેરીમાં આવી પહોંચ્યા અને વિદ્યાર્થીઓ સાથે ખૂબ સહજ હળવી ફૂલ શૈલીમાં સંવાદ રચ્યો.

        પ્રસંગ ખૂબ નાનો છે પણ એક ઓફિસરની વચન પ્રત્યેની પ્રતિબદ્ધતા આપણ સૌને ખૂબ મોટો સંદેશો આપી જાય છે. એક વાર કમિટમેન્ટ કર્યું એટલે કોઈપણ પરિસ્થિતિ કે સંજોગોમાં એમાં અડગ રહેવું. આવી નિષ્ઠા અને પ્રતિબદ્ધતાને કારણે જ સાહેબ જ્યાં પણ સેવાઓ આપી છે ત્યાં લોક હૃદયમાં સ્થાન પામ્યા છે. ઉચ્ચ હોદ્દા પર રહીને છેવાડા વિદ્યાર્થીઓ માટે આવી પ્રતિબદ્ધતા જાળવી રાખવી એ નાનીસૂની વાત ન જ કહેવાય.

     માન. કલેકટર સાહેબે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લક્ષી ખૂબ સુંદર માર્ગદર્શન તો આપ્યું જ સાથે જીવન ઉપયોગી વાતો સદૃષ્ટાંત પ્રસ્તુત કરી. અને વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરો આપી વિદ્યાર્થીઓની  જિજ્ઞાસા સંતોષી.

    અરવલ્લી જીલ્લાના આવા સંવેદનશીલ સમાહરતા ડૉ. નરેન્દ્રકુમાર મીના સાહેબ હવે ગાંધીનગર સેવા બજાવશે. પરંતુ તેમની કાર્યપ્રણાલી અને તેમનો ઋજુ સ્વભાવ જીલ્લાના પ્રજાજનો ચિર કાળ સુધી યાદ રાખશે.  

ઈશ્વર પ્રજાપતિ 

9825142620

નોંધ : -(આપના જીવનની પોઝીટીવ પ્રેરક  સ્ટોરી નીચેના સરનામે પોસ્ટ- કુરિયર, ઈ મેઈલ કે વોટ્સેપ દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે.  

સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, મેઘરજ રોડ, મોડાસા. જિ. અરવલ્લી. પીન કોડ 383315. e-mail : khudishwar1983@gmail.com whatsapp : 9825142620) 

 

  

1 comment:

  1. માનનીય સાહેબ,
    પ્રથમ પરિચય થયો ,કોરોના ના સમયે વાત્રક હોસ્પિટલ ના કામ માટે, જે ઉતમ રહ્યો
    ત્યારબાદ, સાંભળે અરવલ્લી નો દેશ નો પ્રથમ પ્રયોગ ,ખુબ જ આત્મીયતા થી મદદ કરી. જે ગુજરાત ના દરેક જીલ્લા મા કરી શક્યા. કાયમ હકારતમક જ વાત.

    ReplyDelete

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts