Tuesday, March 28, 2023

એક કડવો અને એક મીઠો અનુભવ.

 એક કડવો અને એક મીઠો અનુભવ.


     નવા શૈક્ષણિક સત્રથી સરનામું બદલાયું. ઉદેપુરના સ્થાને મોડાસા થયું. એક મહિનામાં માંડ બધું ઠીક ગોઠવાયું હતું. ગયા રવિવાર બપોરે પરિવાર સાથે બહાર જવાનું થયું. કામ પૂરું કરી બે કલાકમાં તો પરત પણ આવી ગયા. પણ છેક સાંજે ખબર પડી કે ઘરના વરંડામાં મુકેલી સાયકલ ગાયબ હતી. મને એમ કે આસપાસ જ ક્યાંક હશે. આજુબાજુ શોધખોળ કરી જોઈ પણ સાયકલ મળી નહીં. ભર બપોરે આટલી અવર જવર વચ્ચે કોઈ ઘરનો ઝાંપો ખોલી સાયકલ ઉઠાવી જાય આ વાત તો માન્યામાં જ નહોતી આવતી. 

      મારા વતન ઉદેપુરમાં ઘર ખુલ્લું મૂકી આખો દિવસ ક્યાંય ગયા હોઈએ તો એક ખીલી પણ ખોવાઈ હોય એવું મારા ધ્યાન પર નથી. પણ અહીં મોડાસામાં ધોળા દિવસે ઘર આગળથી લોક કરેલી સાયકલ ગઈ. અમે જાણ્યું સૂડીનો ઘા સોયથી ટલ્યો. આ થયો મારો કડવો અનુભવ. 

      હવે મીઠો અનુભવ ! સાયકલ ખોવાયા જેવી નાની બાબતની પોલીસને જાણ કરવાનું પણ મુનાસીબ લાગતું નહતું. પોલીસ આમ.પણ ખૂબ વ્યસ્ત હોય છે અને એમાં સાયકલ ચોરી જેવી બાબતની ફરિયાદ નોંધાવી મને યોગ્ય લાગતી નહતી. પરંતુ આસપાસના પડોશીઓનું માનવું હતું કે મારે જાણવા જોગ ફરિયાદ તો અપાવી જોઈએ. જેથી ભવિષ્યમાં આ વિસ્તારમાં કોઈ મોટી ચોરી થતી અટકી શકે. 

      બધાની વાત માન્ય રાખી. .મારી પાસે એક જ પોલીસ અધિકારીનો નંબર હતો. અને એ અધિકારી એટલે બીજું કોઈ નહીં પણ અરવલ્લી જિલ્લાના હોનહાર પોલીસ અધિક્ષક (SP) શ્રી સંજય ખરાત સાહેબ. તે દિવસે તેઓ ગાંધીનગર ખાતે PM સાહેબના કાર્યક્રમમાં વ્યસ્ત હતા એમ છતાં મારી વાત સાંભળી તેઓએ કહ્યું "એક અરજી લખી વોટ્સએપ કરી દો."

     સાયકલ જેવી વસ્તુ ખોવયેલી પાછી મળે એ અશક્ય લાગતું હતું એમ છતાં સાહેબને અરજી લખી વોટ્સએપ કરી. સાહેબનો તરત જ રીપ્લાય આવ્યો. "ढूंढ लेंगे हम।" સાહેબના ત્વરિત જવાબ થી હું દંગ રહી ગયો. ગઈ કાલે સાહેબે હાઇવે પર સાયકલ લઈ જતા ચોરનું CCTV ફૂટેજના ફોટા મોકલી મને જાણ કરી કે "ચોર ઓળખાઈ ગયો છે. સાયકલ કાલે મળી જશે." મને તો આ બાબત કોઈ ચમત્કાર સમાન લાગી. અને આજે વહેલી સવારે મોડાસા ટાઉનના PI શ્રી તોમર સાહેબનો ફોન આવ્યો કે ઈશ્વરભાઈ આપની સાયકલ મળી ગઈ છે. આપની અનુકૂળતાએ મેળવી લેશો." 
       આજે સાંજે સાયકલ લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યો. PI તોમર સાહેબે ખૂબ પ્રેમ પૂર્વક આવકર્યો અને આગ્રહ પૂર્વક કોફી પણ પીવડાવી. જને માત્ર ફિલ્મોમાં જ પોલિસ સ્ટેશન જોયા હોય એને આ પોલીસ સ્ટેશનનું આવું હૂંફાળું વાતાવરણ આશ્ચર્યમાં જ મૂકી દે. 
જે પોલીસ અધિકારી શ્રીઓ એ સાયકલ શોધવા જહેમત ઉઠાવી હતી તે સૌ સાથે એક તસવીર લીધી. આ હતો એક મીઠો અનુભવ.

         વાત માત્ર સાયકલની નથી. વાત ઈચ્છા શક્તિની છે. એક નાની ફરિયાદને પણ એક પોલીસ ઓફિસર કેટલી ગંભીરતાથી લઈ એનો ઉકેલ લાવી આપે છે આ ઈરાદો કાબિલે તારીફ છે. મોટા ભાગે પોલીસ વિશે નકારાત્મક બાબતો સમાચારમાં સમાવિષ્ટ કરવમાં આવતી હોય છે. પણ સાવ કાંઈ એવું નથી જ નથી. હોનહાર ઓફિસર્સ પોતાના પરિવાર અને જાનની પણ પરવા કર્યા વિના નિષ્ઠા ફરજ બજાવતા હોય છે. પરંતુ સમાજમાં આવા ઓફિસર્સની નોંધ ભાગ્યે જ લેવાતી હોય છે. 

         ચોરાયેલી સાયકલ શોધવી ભલે આમ નાની બાબત જણાતી હોય પરંતુ અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સાહેબ, મોડાસા ટાઉન PI શ્રી તોમર સાહેબ અને તેમની સમસ્ત ટીમને કોટી સલામો...

- ઈશ્વર પ્રજાપતિ


No comments:

Post a Comment