અપનો સે
હી તૂટા હૂં, તો
પરાયો સે સવાલ ક્યા કરું !
ખેડા જિલ્લાના કપડવંજ પાસેના
એક ગામની આ વાત છે. ગામમાં સાગર નામના યુવાનની દરજીની દુકાન હતી. તે પરણિત હતો.
સાગર કુશળ લેડીઝ ટેઇલર હતો. એટલે એના ત્યાં સ્ત્રીઓની અવર જવર રહે એ સ્વાભાવિક
બાબત છે. ગામની મોટાભાગની સ્ત્રીઓ વસ્ત્રો સિવડાવવા સાગર પાસે જ જતી. આ જ ગામમાં
પરણીને આવેલી સરિતા પણ સાગર પાસે જ પોતાનાં વસ્ત્રો સિવડાવતી. સરિતા પરણીત હતી.
ત્રણ સંતાનોની માતા હતી. એમ છતાં એની મારકણી નજરથી બચવું કોઈપણ પુરુષ માટે અઘરું
હતું.
સરિતા દુકાને આવે એ સાગરને પણ
ગમતું. સરિતા કોઈપણ બહાનું શોધી સાગરની દુકાને પહોંચી જતી. બંને પરણિત હતાં એમ
છતાં સાગર અને સરિતાને એક બીજાનું સાનિધ્ય ગમવા લાગ્યું. આ સંબંધ ધીમે ધીમે બધી
સીમાઓ ઓળંગી આગળ વધી ચૂક્યો હતો. પરણિત હોવા છતાં બન્ને ભાન ભૂલ્યા હતાં. બન્નેએ
સાથે જીવવા -મરવાના કૉલ પણ આપી દીધા. અને એક દિવસ બન્ને પોતાનાં ઘરબાર છોડી ભાગી
નીકળ્યાં. સરિતાને ત્રણ સંતાનોમાં બે દીકરીઓ મોટી હતી. જ્યારે દીકરો ચાર વર્ષનો
હતો. એનું નામ સંદીપ હતું. સરિતાએ દીકરા સંદીપને સાથે લઈ લીધો. ગામમાં તો જાણે
હાહાકાર મચી ગયો.
સાગર અને સરિતાએ પોતાના હસતા
રમતા પરિવારને આગ ચાંપી, કોઈનીય પરવા કર્યા વગર બધાથી
દૂર પોતાની નવી જિંદગી શરૂ કરી. સાગરે સરિતાનાં બધાં જ સપનાં પૂરાં કરવા સખત
પુરુષાર્થ આદર્યો. સરિતા આંગળીયાત તરીકે લાવેલી એ દીકરા સંદીપને સાગરે સગા બાપ
કરતાં વધું પ્રેમ આપી ઉછેર્યો. સમય જતાં કપડવંજ પાસેના જ એક બીજા ગામમાં સાગરે
કટલરી અને દરજી કામની દુકાન કરી. સાગર અચ્છો કારીગર તો હતો જ . એટલે દુકાન ચાલી
ગઈ. સાગરે બે પાંદડે થઈ પોતાનું ઘર પણ બનાવ્યું. એ પણ પોતાની પ્રેમિકા સરિતાના
નામે જ. કારણ કે સાગર સરિતાને અનહદ ચાહતો હતો.
સમય જતાં સરિતાના ચંચળ
સ્વભાવનો ખ્યાલ સાગરને આવી ગયો હતો. પતંગિયું જેમ એક ફૂલ પાસે ઝાઝું ટકી શકતું
નથી. એ જ હાલત સરિતાની હતી. પરંતુ હવે ઘરસંસાર નિભાવ્યા વગર સાગર પાસે બીજો કોઈ
ઉપાય જ નહોતો. આંખ આડા કાન કરીને સાગરે સંસારનું ગાડું ગબડાવે રાખ્યું. કેટલીય
અગમ્ય હકીકતો જાણવા છતાંય સરિતાને સુખી કરવાની કોઈ તક જતી કરી નહોતી.
નદીના પ્રવાહની જેમ સમય વહેતો
ગયો. દીકરો સંદીપ પણ ઉંમરલાયક થયો. જે રીતે સાગર અને સરિતાએ ભાગીને લગ્ન કર્યા હતા
એ જોતાં દીકરા સંદીપનું સગપણ તેમના સમાજમાં થાય એવી કોઈ શક્યતાઓ જણાતી નહોતી.
એટલે સંદીપ માટે બહારના સમાજની છોકરીઓ જોવાનું શરૂ કર્યું. આખરે
મહારાષ્ટ્રની છોકરી આથે સગપણ ગોઠવાયું. મરાઠી છોકરી કામિની સાથે સંદિપનું કોર્ટ
મેરેજ કરવમાં આવ્યું.
દીકરાના લગ્નની ખુશીમાં સાગરે ભવ્ય રિસેપશનનું
આયોજન કર્યું. અને પુષ્કળ ખર્ચ કર્યો. સંદીપના લગ્નના બે ચાર મહિના
થયા ત્યાં સુધી તો ઠીક ચાલ્યું. પરંતુ લગ્ન પહેલાં સંદીપ ગુજરાતમાંથી ઑસ્ટ્રેલિયા
ગયેલી એક છોકરી સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો. એ છોકરી હવે સંદીપને
ઑસ્ટ્રેલિયા બોલાવી ત્યાં સ્થાયી થવા પ્રલોભન આપી રહી હતી. સંદીપ પણ હવે
ઑસ્ટ્રેલિયા જઈ સ્થાયી થવાનાં સપનાં જોવા લાગ્યો. અને આ વાત એની માતા સરિતાને ખબર
પડી ત્યારે સરિતાને પણ દીકરો ઑસ્ટ્રેલિયા સ્થાયી થાય એવી લાલસા જાગી.
એ પછી સંદીપ અને કામિની વચ્ચે
ઝગડા શરૂ થયા. મા-દીકરો કામિનીથી છુટકારો મેળવવા તેના પર ત્રાસ ગુજારવા લાગ્યા.
ઝગડો એ હદે પહોંચી ગયો કે વાત છૂટ્ટાછેડા સુધી પહોંચી ગઈ. પિતા સાગરથી પુત્રવધુ
કમિનીનું દુઃખ જોયું જતું નહોતું. અને આખરે કામિની કંટાળી એક દિવસ ઘર છોડી પિયર
ચાલી ગઈ.
કામિની કેમ ચાલી ગઈ એની તમામ હકીકત સાગર જાણતો હતો. એટલે ગુસ્સે
થઈ એને સંદીપ પર હાથ ઉપાડ્યો. એ જ દિવસે સંદીપ ઘર છોડીને ચાલ્યો ગયો. સરિતા પણ
દીકરાનું અપમાન સહન કરી શકી નહીં. જેમ સંદીપ કામિનીથી છૂટકારો મેળવવા ઇચ્છતો હતો
એમ ચંચળ મનની સરિતા સાગરથી છુટકારો મેળવવા તો ક્યારની ઇચ્છતી હતી. અને હવે એને લાગ
મળી ગયો. સરિતાએ સાગરને સંભળાવી દીધું કે : 'સંદીપ આંગળીયાત છે એટલે એનું
સુખ તમારાથી જોયું જતું નથી.' આટલું કહી પ્રેમલગ્નના પચીસ વર્ષ
પછી એક બપોરે સરિતા પણ સાગરને થાપ આપી ભાગી ગઈ.
સાગરે સરિતાની ઘણી શોધખોળ કરી, પણ
ક્યાંય ભાળ મળી નહીં. સાગર આ આઘાત સહન કરી શક્યો નહીં. કારણકે હકીકત એ હતી કે
સંદીપને સગા બાપ કરતાંય વધું પ્રેમ સાગરે આપ્યો હતો. જે પ્રેમિકાને સુખી કરવા
કુટુંબ પરિવારને આગ લગાવી દીધી હતી, જેના ચંચળ સ્વભાવને પણ સાંખી લીધો, જેના
સુખ માટે જાત ઘસી નાખી એ પ્રેમિકા વર્ષો બાદ ઢળતી ઉંમરે હાથ તાળી આપી ચાલી ગઈ.
સાગર માટે જીવન જાણે ઝેર સમાન બની ગયું. હવે કોના માટે જીવવું એ
સવાલનો ઉત્તર ક્યાંયથી મળતો ન હતો. એટલે હૃદય કંપાવી નાખે એવી મૃત્યુ નોંધ લખી
સાગરે જીવન લીલા સંકેલી લેવાનો નિર્ણય કરી લીધો.
મૃત્યુ નોંધના શબ્દે-શબ્દે
સરિતા અને પુત્ર સંદીપ માટેનો સ્નેહ ઝળકે છે.
સાગરની મૃત્યુ નોંધ આ પ્રમાણે છે.
"અપનો સે હી તૂટા હું ,
તો અબ સવાલ ક્યા કરું!
તમે મને છોડીને ચાલ્યાં ગયાં
તેનું મને દુઃખ છે. સરિતા, હું તને ખૂબ જ પ્રેમ કરતો હતો.
સાચો પ્રેમ હતો એટલે તારી સાથે ઝગડતો હતો. એવું માની લેજે અને તું ખુશ અને આમાં
કોઈનો દોષ નથી. જે કોઈ ભૂલ હતી એ મારી હતી. માટે દુઃખ કરવાની જરૂર નથી. માટે
સામસામે ઝગડો કરી સંબંધ બગડવાની જરૂર નથી. મારી સરિતા અને સંદીપને કાંઈ
કહેતા નહીં.
સાગર અને સરિતાનો આટલે સુધી
સાથ હશે. તું મને જોઈ શકીશ એ તારા ભાગ્યની વાત છે. હું તને જોઈ નથી શક્યો એ મારા
દુઃખની વાત છે. ખરેખર હું તને મળી પણ ના શક્યો. હું તારી નજરમાંથી નીકળી ગયો છું.
એમાં તારી કોઈ ભૂલ નથી. કોઈ ભૂલ હોય તો તે મારી જ છે. માટે દુઃખ ના કરતી.
મારા ભાઈઓને માલુમ થાય કે મેં
કરેલાં કર્મોનું ફળ છે. માટે તમો પણ દુઃખ ન કરતા. મારે અને સરિતાનો આટલા સુધીનો
રોટલો ખાવાનો લખ્યો હશે. એટલે દુઃખ કરવાની કોઈ જરૂર નથી. અને સંદીપને કહું છું કે
મમ્મી ની સેવા કરજે અને મા દીકરો શાંતિથી જીવી લેજો. કારણકે મેં જે તમને દુઃખ
આપ્યું છે તે માટે મને ભગવાન માફ નહિ કરે.
આજ સુધીની મારી ભૂલોને માફ
કરજે.
લિ.
સાગર."
સાગરની હૃદયદ્રાવક મૃત્યુ નોંધ અહીં પૂરી થાય છે.
આ મૃત્યુ નોંધ સાગરે પોતના સગા સંબંધીઓને રાત્રે દોઢ વાગે વોટ્સએપ દ્વારા મોકલી
આપી. સંબંધીઓએ વહેલી સવારે મૃત્યુ નોંધ વાંચી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું
હતું.
સૌ કોઈએ યાદ રાખવું જોઈએ કે
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનો સાચો ઉકેલ નથી જ. જિંદગીની સહન ન થઈ શકે એવી જિંદગીની
કેટલીક નાજુક પળોમાં એકલા રહેવાને બદલે મિત્રો કે સ્વજનોની સંગાથે રહેવું જોઈએ.
જીવનમાં કોઈ એવી સમસ્યા સર્જાઈ જ નથી કે જેનું સમાધાન ન હોય. દગાબાજ વ્યક્તિ માટે
આપઘાત કરી જીવ આપી દેવો એ વળી કેવું સમાધાન ???
(સત્યઘટના. નામ પરિવર્તિત કરેલ
છે. )
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
નોંધ : -(આપના જીવનની પણ વ્યથા-કથા નીચેના સરનામે પોસ્ટ- કુરિયર, ઈ મેઈલ કે વોટ્સેપ દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે.
સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, મેઘરજ રોડ, મોડાસા. જિ. અરવલ્લી. પીન કોડ 383315. e-mail : khudishwar1983@gmail.com whatsapp : 9825142620)
નસીબ જોગે સરિતા સાગરમાં ન સમાઈ શકી
ReplyDeleteહું સાગર છું સરિતા ને સમાઉ છું
ReplyDeleteદિલ માં કાંઈ ના રાખું બધું કિનારે લાઉ છું
છતાં લોકો કહે છે કે હું કેટલો ખરો છું
પણ કોણ પૂછે પેલી સરિતાને એને હું કેટલો પ્યારો છું...
Nice story... Sir👌
ReplyDeleteSuperb 💐💐
ReplyDeleteપ્રેમમાં આંધળી બનેલી વ્યક્તિને પસ્તાવા સિવાય કંઈ જ મળતું નથી માટે સમજી વિચારીને જ તેમાં ડગલું માંડવું.
ReplyDelete