કિરણે કહ્યું :
"બે યુવકો મિત્તલને જબરજસ્તીથી ઉઠાવી જંગલ તરફ જતા બેલ મેં જોયા છે."
તારીખ ૧૪ જૂન ૨૦૨૨. અરવલ્લી
જિલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદે આવેલા છેવાડાના ગામની આ વાત છે. ગામ ખૂબ
નાનું હોવાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે મેઘરજ જવું પડતું. આ ગામમાં
રહેતી મિત્તલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. પોતાના ડોક્યુમેન્ટસની કોપી કઢાવવા અને
કપડાં સિવડાવવા તે એક બપોરે મેઘરજ જવાનું કહીને ઘેરથી નીકળી.
બપોરથી
નીકળેલી જુવાન જોધ દીકરી સાંજ પડી એમ છતાં ઘેર પહોંચી નહિ એટલે સ્વાભવિક રીતે જ
પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા. મિત્તલનો ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો એટલે ચિંતા
વધુ ઘેરી બની. તેની બધી સહેલીઓને પણ ફોન કરી પૂછી જોયું. ક્યાંય ભાળ મળી નહિ..
ખૂબ
રાહ જોયા પછી રાત્રીના સમયે પરિવારે મિત્તલની શોધખોળ આદરી. બધે જ તપાસ કરી જોઈ પણ
ક્યાંયથી મિત્તલનો પત્તો લાગ્યો નહિ. શોધખોળમાં રાત પસાર થઈ ગઈ.. સવાર થઈ એમ છતાં
મિત્તલના કોઈ સમાચાર મળ્યા નહીં. પરિવારના
માથે તો જાણે આભ ફાટ્યું ! કેટલીય શંકા કુશંકાઓ પરિવારજનોનું હૃદય ચીરી નાખતી.
બપોર થતાં કિરણ નામનો યુવાન મિત્તલના
સમાચાર લઈને આવ્યો. પાસેના ગામના બે યુવાનો મિત્તલને માર મારી મોટર સાઇકલ પર
ઉઠાવીને જંગલ તરફ ભગતાં જોયાના સમાચાર કિરણે આપ્યા. સમાચાર સાંભળીને પરિવારના પગ
નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. દીકરી સહીસલામત હશે કે કેમ ? અને હશે તો કેવી હાલત માં હશે એ વિચાર જ ધ્રુજાવી મુકતો હતો.
મિત્તલને
શોધવામાં કિરણ પરિવારની મદદે આવ્યો. કિરણે બતાવેલી દિશા તરફનો રસ્તો જંગલમાં જતો
હતો. મિત્તલની શોધમાં બધા એ જંગલ તરફ ગયા. ત્યાં જે દૃશ્ય જોયું ત્યાં બધાના હોશ જ
ઊડી ગયા. જંગલના એક ઝાડ પર લાશ લટકતી હતી અને એ લાશ બીજા કોઈની નહિ પણ મિત્તલની
હતી.
ઝાડ પર દુપટ્ટાના સહારે લટકી મિત્તલની
લાશ જોતાં જ સમજાઈ જાય એમ હતું કે આ આત્મહત્યા નહિ પણ ઈરાદા પૂર્વક કરાયેલી હત્યા
છે. લાશ જમીનને અડકેલી અને પગ વળેલા
હતા. જેથી સ્પષ્ટ થતું હતું કે આ આત્મહત્યા તો નથી જ. મિત્તલ કોલેજ કરતી એક
હોશિયાર યુવતી હતી. તેનાં પણ સપનાઓ હતા. પરંતુ કોઈએ દુપટ્ટા વડે બાંધી
મિત્તલની સાથે સાથે એનાં સપનાઓની પણ હત્યા કરી કરી હતી.
પરિવારે પોલીસને તાત્કાલિક જાણ કરી
સમાચાર આપ્યા. અને કિરણે આપેલી માહિતિને આધારે એણે જે નામ આપ્યા હતા એમની વિરુદ્ધ
એફ.આર.આઈ. દાખલ કરવમાં આવી.
વાત
વાયુ વેગે ચારેકોર પ્રસરી ગઈ. જ્યાં સુધી ગુનેગારો પકડાય નહિ ત્યાં સુધી દીકરીના
શબને અગ્નિ સંસ્કાર નહિ કરવાનો પરિવારે નીર્ધાર કર્યો. ઘટનાની ગંભીરતા જાણીને
પોલીસ પણ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ. જિલ્લા પોલીસ પર પણ આ કેસ જાણે પડકારરૂપ બની
ગયો હતો. તાત્કાલિન જિલ્લાના પોલીસ વડા સંજય ખરાતે ગુનેગારોને ઝડપથી પકડી લેવાની મિત્તલના
પરિવારને ખાતરી આપી અને પરિવાર
સાથે સમજાવટ અને કુનેહ પૂર્વક કામ
લીધું.
કેસની તપાસ તાત્કાલિન એલ.સી.બી. પી. આઈ. સી.પી.
વાઘેલા અને પી. એસ.આઈ. એ.એમ. દેસાઈને સોંપવામાં આવી. તેઓએ જુદી જુદી ટિમો બનાવી
અને વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડ્યા.
કિરણે
પોલીસને જે નામ આપ્યા હતા. પોલીસે તેમને ઝડપી પાડ્યા. તેમની સઘન પૂછપરછ કરી. પણ
કોઈ સફળતા ન મળી. કડક પૂછપરછ કર્યા બાદ પોલીસને એટલો તો અંદાઝ આવી ગયો કે જેમણે
પકડ્યા છે એ યુવાનો નિર્દોષ છે. પરંતુ આરોપી બીજું જ કોઈ છે. કેસ હવે ગુંચવાતો જતો
હતો. અન્ય કોઈ કડી પણ મળતી ન હતી. પોલીસે ધીરજ પૂર્વક કામ લીધું.
મિત્તલની
હત્યા સમયે એ સ્થળના લોકેશન પર જે સીમકાર્ડ વારંવાર એક્ટિવ હતું એની તપાસ આદરી અને
આ તપાસમાં.જે મોબાઈલ નંબર સામે આવ્યો એ જાણી સૌ દંગ જ રહી ગયા. ઘટના સ્થળે હત્યા સમયે જે મોબાઈલ નંબર વારંવાર લોકેટ થતો હતો એ
નંબર બીજા કોઈનો નહીં પરંતુ કિરણનો જ હતો. આ એ જ કિરણ જે મિત્તલના પરિવાર અને
પોલીસને આરોપીઓ વિશે શરૂઆતથી માહિતી આપી રહ્યો હતો.
પોલીસે ચતુરાઈ પૂર્વક કિરણને જ દબોચી લીધો. અને પોલીસે તેના
આગવા અંદાજમાં પૂછપરછ કરવા માંડી, ત્યારે
કિરણ ડાહ્યો ડમરો બની પોપટની જેમ બકવા લાગ્યો. કિરણે હત્યાનો ગુન્હો કાબુલી લીધો. કિરણે જણાવ્યા પ્રમાણે તે મિત્તલ સાથે છેલ્લા દોઢેક વર્ષથી
પ્રેમમાં હતો. અને બંને અવાર નવાર મળતાં રહેતાં. હત્યાના દિવસે પણ ક્રિરણ અને
મિત્તલ ગામની સીમના એ જંગલમાં મળ્યાં હતાં..એ સમય દરમિયાન મિત્તલના ફોનમાં.એના કોઈ
પીરુષ મિત્રના મેસેજ ફ્લેશ થયા. મિત્તલ અન્ય કોઈ પુરુષ સાથે પણ પ્રેમ સંબંધ હોવાની
કિરણને શંકા ઉપજી. અન્ય કોઈ પુરુષના મેસેજ મિત્તલના ફોનમાં આવેલા જોઈ કિરણ સાંખી ન
શક્યો. એનો ગુસ્સો સાતમા આસમાને જઈ ચડ્યો. અને મિત્તલના ગાલ પર જોરદાર તમાચો ચોડી
દીધો. તમાચાનો પ્રહાર એટલો જોરદાર હતો કે મિત્તલ ત્યાં જ ઢળી પડી અને તે બેભાન થઈ
ગઈ.
મિત્તલ બેભાન થઈ જતાં કિરણ ગભરાઈ ગયો.
કિરણને થયું કે મિત્તલ મૃત્યુ પામી છે. પોતે ક્યાંય ફસાઈ જાય નહીં એટલે મિત્તલના
ગળે દુપટ્ટો કસીને બાંધી ઝાડ સાથે લટકાવી દીધી. પોતે ક્યાંય આ હત્યાના ગુન્હામાં
ફસાઈ ન જાય એટલે એને આખી કહાની ઉપજાવી કાઢી..અને પરિવારની સાથે મિત્તલને શોધવાનો
ડોળ કરવા લાગ્યો હતો. પરંતુ પોલીસની હોશિયારીથી કિરણ બચી શક્યો નહિ.કિરણના ઘરમાંથી
મિત્તલનો ફોન પણ કબજે લેવામાં આવ્યો.
પોલીસે રાત દિવસ એક કરી હત્યારા વિરુદ્ધના પુરાવા એકત્રિત કર્યા. નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો જેમાં મદદનીશ જીલ્લા સરકારી વકીલ જે.એસ.દેસાઈએ ધારદાર રજૂઆત કર હતી. અને આખરે ૨૮ ફેબ્રુઆરીના રોજ નામદાર ન્યાયાલય દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો. નામદાર કોર્ટે કસુરવાર કિરણને આજીવન કેદની સજા ફટકારી અને રૂપિયા પંદર હજારનો દંડ ફટકાર્યો હતો. અને આખરે એક શાતીર હત્યારો જેલના હવાલે કરી દેવામાં આવ્યો.
વિશ્વાસની વેલ પર જ પ્રેમનું પુષ્પ પાંગરતું હોય છે. પ્રેમ જેવા પવિત્ર સંબંધમાં જ્યારે અવિશ્વાસ અને શંકા પ્રવેશે છે ત્યારે તેનો કેવો કરુણ અંજામ આવે છે તેનું આ દૃષ્ટાંત છે.
અરવલ્લી જિલ્લાના તાત્કાલિન પોલીસ વડા સંજય ખરાતના નેતૃત્વમાં આવા અનેક જટિલ કેસ ઉકેલી પ્રજામાં પોલીસ પરત્વેના વિશ્વાસની એક મિશાલ પ્રસ્તુત કરી હતી. હાલ અરવલ્લી જિલ્લાના પોલીસ વડાવડા શૈફાલી બરવાલે પણ ખૂબ ઓછા સમયમાં પ્રશંશનીય કામગીરી કરી પ્રજાનો વિશ્વાસ બરકરાર રાખ્યો છે.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
નોંધ : -(આપના જીવનની પણ વ્યથા-કથા નીચેના સરનામે પોસ્ટ- કુરિયર, ઈ મેઈલ કે વોટ્સેપ દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે.
સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, મેઘરજ રોડ, મોડાસા. જિ. અરવલ્લી. પીન કોડ 383315. e-mail : khudishwar1983@gmail.com whatsapp : 9825142620)
No comments:
Post a Comment