Sunday, November 6, 2022

સન્ડે સ્પેશિયલ 42

  ગાબટ એ તો રત્નોની ખાણ છે. આ ગામે ‘માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ’ના નામે આરંભેલ માનવતાનો મહાયજ્ઞ ગામેગામ આરંભાય તો!  

 

       અરવલ્લી જીલ્લાનું ગાબટ ગામ આમ તો છેવાડાનું ગામ ! પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ગાબટ એ માનવરત્નોની ખાણ છે. આ ભૂમિએ અનેક મુઠ્ઠીઊંચેરા માનવીઓ સમાજને ભેટ ધર્યા છે. ગાબટની ભૂમિનું પાણી પીને આ ભૂમિના માનવરત્નો એ અરવલ્લીથી માંડી અમેરિકા સુધી ડંકો વગાડ્યો છે. પૂર્વ કેન્દ્રીય કેબીનેટ મિનિસ્ટર અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ કે. કે. શાહ એ આ ધરતીના પુત્ર હતા. જયારે અમેરિકામાં રહી  ભારતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં  એક લાખથી વધુ એકલ સ્કૂલની શરૂઆત કરનાર રમેશભાઈ શાહ પણ આ જ ધરતીની દેણ છે. અમેરિકાના પૂરાવ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાના સલાહકાર સોનલ શાહનાં મૂળ પણ ગાબટ સાથે જોડાયેલાં છે. કે.કે.શાહના પુત્ર પ્રકાશભાઈ શાહ પણ અમેરિકામાં રહી આ વિસ્તારની સેવા માટે અવિરત પ્રયાસો કરી રહ્યા છે. અમદાવાદમાં સ્થાઈ થયેલો ભગત પરિવાર હોય કે મુંબઈમાં સ્થાઈ થયેલા  સુરેશભાઈ શાહ હોય તેઓ  વતન પર અવિરત વહાલ વરસાવતા રહે છે.  આ યાદી હજી ઘણી લાંબી થઇ શકે તેમ છે. પરંતુ આજે આ વાત કરવાનો ઉપક્રમ નથી આજે વાત કરવી છે ગાબટ ગામના માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા  શરૂ થયેલા માનવતા મહાયજ્ઞ સમાન ટીફીન સેવાની!

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

      ગાબટ ગામના અનેક શ્રેષ્ઠીઓ દેશ વિદેશ સ્થાઈ થયા છે. પરતું ગામના કેટલાંક પરિવારોની સ્થિતિ અત્યંત દયનીય છે. કોઈ શારીરિક અશક્ત છે તો કોઈ વૃધ્ધાવસ્થાએ નિરાધાર છે. આવા પરિવારો માટે  બે ટંક ભોજન મેળવવું દોહેલું છે. આવા પારિવારોની નાજૂક સ્થિતિ ગામના સંવેદનશિલ અને વિચાશીલ વ્યક્તિઓને વિચારતા કરી મૂકતી અને આ વિચારની ફલશ્રુતિ એટલે જ માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ટીફીન સેવા

     મોટા ભાગના ગ્રામજનો સુખી, હોય સમૃદ્ધ હોય એ જ ગામના કોઈ નિઃસહાય પરિવાર ભૂખ્યો સૂએ એ કેમ ચાલે ? નાજૂક પરિસ્થિતિના કારણે કોઈ વ્યક્તિ ભૂખી ન રહે આ વિચારમાં જ માનવીય લાગણી છલકે છે.

       માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગાબટના મંત્રી તરીકે સેવા આપતા જીતેન્દ્રભાઈ કે. મોજાગર સંસ્થાની શરૂઆત કરતી વેળાની વાતો વાગોળતાં જણાવે છે કે હું અને મારા મિત્ર હિતેશભાઈ સોની તેમની દુકાને બેસતા ત્યારે ગામના કેટલાક પરિવારોની સ્થિતિ જોતાં થતું કે આ લોકો બે ટંક પેટનો ખાડો કેવી રીતે પૂરી શકતાં હશે ? તેઓ એક તો શરીરે અશક્ત છે. બીજા કોઈનો આધાર નથી અને  તેમની પાસે  કોઈ આવકનું સાધન નથી. આવા પરિવારો માટે ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા થઇ શકે તો કેવું ! એમાંથી વિચાર જન્મ્યો કે  આપણે ટિફિન સેવા ચાલુ કરીએ.  જરૂરિયાતમંદ લોકોને આપણે જમવાનું આપી મદદ કરી શકીએ. પરંતુ એકલા હાથે આ કાર્ય કરી શકાય તેમ ન હતું લગભગ એક વર્ષ સુધી વિચાર કરતા રહ્યા. એ સમય દરમ્યાન ગામની  હાઈસ્કૂલમાં સ્માર્ટ વિલેજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે એ મિટિંગમાં ટિફિન સેવા માટે વાત કરતાં  જગતભાઈ શાહે મને  પૂછ્યું : ‘ક્યારે ચાલું  કરો છો ટિફિન સેવા?’ તો મેં કહ્યું  ‘ટૂંક સમયમાં.’ તો જગતભાઈ શાહે કહ્યું : ‘ટૂંક સમય તો મહિનો કહેવાય અને બે મહિના પણ કહેવાય.’

     વિજયભાઈ કે શાહ જેઓ અનેક વિધ સેવા કર્યો સાથે જોડાયેલા છે તેઓ  ગાબટ આવ્યા હતા.  તેમની સાથે  પણ વાત થઈ તો તેમનો હિતેશભાઈના દુકાનના ઓટલે બેસી આછી માહિતી આપી. તેઓ કહ્યું કે  ‘ચિંતા કરતા નહિ, તમે એક ટીમ બનાવી ટીફીન સેવાનું કામ શરૂ કરો.’  હિતેશભાઈ, વિનયભાઈ શાહ, કિરીટભાઈ શાહ તથા અન્ય વ્યક્તિઓની હાજરીમાં વિજયભાઈ શાહે કહ્યું  કે ‘હિતેશભાઈ સોનીને પ્રમુખ બનાવો સાથે સાથે  હિસાબ માટે જીતુભાઈને જોડે રાખો તથા પ્રવીણભાઈ તથા વિનયભાઈ તથા અન્ય સભ્યોની હાજરીમાં નક્કી કરી દરેક સભ્યોએ યથાશક્તિ દાનનો સહયોગ આપી ટીફીન  સેવા શરૂ  કરવા માટે નક્કી કર્યું.  પછી ક્યારે ચાલુ કરીએ ટિફિન સેવા તો મે  કીધુ( જીતેન્દ્ર મોજાગરે) શુભ કામ મે દેરી કિસ બાત કી? આવતી કાલેથી જ ચાલુ કરીએ. અને પ્રથમ દિવસની જે ટિફિન સેવાનો ખર્ચ થાય તે હું આપીશ અને  એ આ રીતે ટિફિન સેવા શરૂ થઇ.

         ટીફીન સેવા શરૂ થઇ એ તારીખ હતી ૮મી માર્ચ ૨૦૧૮. માત્ર છ ટીફીનથી આ સેવા કાર્ય  શરૂ કરવામાં આવ્યુ. દાતા શ્રી ઓ નો સહયોગ મળતો રહ્યો અને ટિફિન સેવાનું કાર્ય ભગવાન ની કૃપા થી આજ દિન સુધી અવિરત ચાલ્યા કરે છે.

         કોઈ વ્યક્તિ ગામમાં ભૂખ્યો ના સુવે આશયથી ટિફિન સેવા ચાલુ કરવામાં આવી ટિફિન સેવા ચાલુ કરવામાં આવી ત્યારથી આજ દિન સુધી ગાબટના દરેક લોકો  તથા જે બહાર વસે છે તેમના તરફથી દાન ફાળો ટ્રસ્ટમાં અવિરત આવતો રહે છે. જન્મ દિવસ નિમિતે, લગ્ન તિથિ નિમિતે, લગ્ન નિમિતે તથા અન્ય શુભ પ્રસંગે ટિફિન સેવા લખવી ટ્રસ્ટમાં સહયોગ આપતા રહે છે. કાયમી તિથિ નિમિત્તે દાન આપી કાયમી તિથિ માટે પણ દાતાશ્રીઓ તરફથી દાન આપવામાં આવે છે

      દાતાશ્રીઓના સાથ અને સહકારથી ટ્રસ્ટનું  સુંદર મકાનનું પણ નિર્માણ કરેલ છે. જેનો દરરોજ સવારે ૧૧.૩૦ વાગે ૩૫ જરૂરિયાતમંદ લભરથીઓ ને દરરોજ ટિફિન સેવા આપવામાં આવે છે. દાળ,ભાત,રોટલી તથા શાક અને મીઠાઈ તથા ફરસાણ સાથેની ટિફિન સેવા આપવામાં આવે છે. દરરોજ ૩૫ લાભાર્થીઓને ટિફિન સેવા આપવામાં આવે છે. ચાલુ વર્ષે  અંદાજિત ૧૧૦૦૦( અગિયાર હજાર) લાભાર્થીઓને ટિફિન સેવાનો લાભ આપેલ છે. કોરોના વખતે પણ અનાજ, કરિયાણાના કિટની સેવા પણ આપેલ છે. ટ્રસ્ટ ચાર વર્ષ પૂરા કરી ટ્રસ્ટ પાચમાં વર્ષ માં પ્રવેશ કરેલ છે.

      માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં નાની મોટી સેવાકિય પ્રવૃત્તિ ચાલે છે. અન્નક્ષેત્ર, આદર્શ લગ્ન, મેડીકલ સારવાર, ઠંઠા પાણીની પરબ, સીનીયર સીટીઝન (લાયબ્રેરી) મરણ પાછળ કીટ, અસ્થી વિસર્જન, વાર્ષિક ટુર, આંખનું ઓપરેશન તથા કપડાંનું વિતરણ,  જેવી  સેવાકિય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે.  

       સેવાકાર્યમાં  દાતાશ્રીઓના ફાળો છે તે અમૂલ્ય છે.  સર્વે પ્રવૃત્તિમાં સાથ-સહકાર આપનાર પ્રેરણાસ્રોત શ્રી અનંતભાઇ એન શાહ, સુરેશચંદ્ર ચીમનલાલ તથા ભગત પરિવારના  સ્વ.મુ.શ્રી વ્રજમોહનભાઈ પરિવાર (ભગત એન્ડ સન્સ વાળા) તથા સુરેશભાઈ શાહ પરિવાર (મુંબઈ), પટેલ જયંતિભાઈ મનોરભાઈ (બાદરપુરા), નિલેષભાઈ સોની, પંચાલ શીવાભાઈ ડી. પરીવાર, સી.સી.શાહ, નવનીતભાઈ ડી. શાહ (મુંબઈ), મધુસુદનભાઈ  ડી. (મુંબઈ), પટેલ રોશનભાઈ બાલુભાઈ, તથા ઠેકડી વિજયભાઈ તથા વિલાસબેન સાથ આપનાર દરેક દાતાશ્રીઓના સહકારથી  સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ વેગવંતી બની છે.

         પ્રવીણભાઈ એમ શાહ માનવસેવા છે. ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. માનવસેવા  ચેરીટેબલ ટ્રસ્ટ ગાબટ સર્વ ધર્મ સમભાવ ની ચાલતી સંસ્થા છે. આ સંસ્થામાં જ્ઞાતિવાદ, કોમવાદ કે રાજકારણથી અલગ રહી સર્વધર્મ સમભાવથી ચાલતી સંસ્થા છે. માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ભવિષ્યમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા ઈચ્છે છે. જે દાતાશ્રીઓના સહકાર વગર અશક્ય છે.

      માનવતાના આ મહાયજ્ઞમાં આહુતિ આપનાર સૌ સેવાવ્રતીઓને વંદન !

- ઈશ્વર પ્રજાપતિ 

98251 42620

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts