Sunday, October 23, 2022

સન્ડે સ્પેશિયલ - 40

  "લક્ષ્મીના માલિક થવાને બદલે તેને માતા તરીકે સ્વીકારો અને સૂક્ષ્મ અભિમાનનો ત્યાગ કરો !" : પૂજ્ય ડોંગરેજી મહારાજ 

        દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે. ભારતનો અને ખાસ કરીને હિંદુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ હોય કે તવંગર એ સહુ દીપાવલીના પર્વને ખૂબ આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પાંચ દિવસોનું મહાપર્વ છે. ધનતેરશથી માંડીને ભાઈબીજ સુધીના દિવસોનું આગવું માહાત્મય છે.

      દીપાવલી એક એવું પર્વ છેજેની બાબતમાં વિચારતાં જ મન-મસ્તિષ્કમાં પ્રકાશરૂપી એક સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. ઉપનિષદો કહે છે : ‘અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય.’ દીપાવલી અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ છે એટલે કે અસત્ય છોડીને સત્ય તરફ જવાનું આ પર્વ છે. દીપાવલીના દિવસે લંકાવિજય બાદ ભગવાન શ્રીરામનું અયોધ્યામાં ભવ્ય સ્વાગત કરવા આખા નગરને દીવડાઓથી પ્રજ્વલિત કરી દેવામાં આવ્યું હતું. દીવડાઓની કતાર એટલે દીપાવલી એ અંધારી રાતે ભગવાન શ્રીરામનું અયોધ્યાવાસીઓએ ભવ્ય સ્વાગત કરવા દીપકોની રોશની પ્રગટાવી હતીજે પ્રથા ભારતભરમાં ઘરઘરમાં આજે પણ મનાવવામાં આવે છે. તેનો આધ્યાત્મિક અર્થ એ પણ છે કે દીપક તન અને મન એ બેઉનો અંધકાર દૂર કરે છે. દીપક શુભનું પ્રતીક છે.

      દીપાવલીનાં મહાન પર્વનો સંબંધ માત્ર હિંદુઓ માટે જ મહત્ત્વપૂર્ણ નથી એનો સંબંધ અન્ય ધર્મો સાથે પણ છે. જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરનો નિર્વાણદિન પણ આ જ દિવસે છે. શીખોનાં આસ્થાનાં કેન્દ્ર એવા શ્રી હરમંદિર અર્થાત્ સુર્વણમંદિરની નીવ(પાયો) પણ આ દિવસે જ રાખવામાં આવ્યો હતો.

      દીપાવલીના તહેવારોનો પહેલો દિવસ ધનતેરશ લોકો ખરીદી કરવા માટે શુભ માને છેજેમ સમુદ્રમંથનથી દેવી મહાલક્ષ્મી પ્રગટ થયાં તે જ રીતે આજના દિવસે જ ભગવાન ધન્વંતરી હાથમાં અમૃતનો કળશ લઈને ઉત્પન્ન થયા હતા. કહેવાય છે કે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિરોગી કાયા અને દીર્ઘાયુ હોવું જરૂરી છે. ભગવાન ધન્વંતરી દેવતાઓના ચિકિત્સક છે. ધનતેરશના દિવસે તેમની આરાધના કરવાથી રોગ, શોકમૃત્યુ વગેરેનો ભય સમાપ્ત થઈ જાય છે. ભગવાન ધન્વંતરીના પ્રાગટય સમયે તેમના હાથમાં ચાંદીનો કળશ હતો તેથી ધનતેરશના દિવસે ચાંદી અને વાસણો ખરીદવાની પરંપરા છે.

       ધનતેરશને યમદીપકનાં નામથી પણ ઓળખવામાં આવે છે. ધનતેરશની સાંજે લોકો ઘરનાં આંગણામાં દક્ષિણ દિશામાં તેલનો દીપક પ્રગટાવી યમરાજને અર્પણ કરે છેઆમ કરવાથી અકાળ મૃત્યુ ટળી જાય છે.

       ધનતેરશ પછીનો બીજો દિવસ કાળી ચૌદશ અથવા નરક ચતુર્દશી તરીકે ઓળખાય છે. તેને ઘણા નાની દીપાવલી પણ કહે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. યુદ્ધમાં નરકાસુરનું મૃત્યુ થયું હતું, તેથી આ દિવસ ‘નરક ચતુર્દશી’ તરીકે ઓળખાય છે. ઘણાં લોકો આ દિવસે ૧૪ દીવડા પ્રગટાવે છે, એવું કહેવાય છે કેશ્રીકૃષ્ણનાં મહારાણી સત્યભામાએ નરકાસુરની સેના સામે મુકાબલો કર્યો હતો તેથી તેના બીજા દિવસે મહારાણી સત્યભામાની પૂજા કરવામાં આવી હતી.

        સત્યભામાને દેવી મહાલક્ષ્મીની સંજ્ઞાા પ્રદાન કરવામાં આવી હતી. આ કારણથી પશ્ચિમ ભારતનાં લોકો તેને ‘નરક ચતુર્દશી’ કહે છે. બંગાળનાં લોકો તેને ‘ભૂત ચતુર્દશી’ કહે છે.

           તે પછી દીપાવલી એ મુખ્ય પર્વ છે. દીપાવલી પર દેવી લક્ષ્મીની પૂજા થાય છે. લક્ષ્મી ધન અને યશનાં દેવી છે. દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજન માટે મહત્ત્વનો છેકારણ કે સમુદ્રમંથન દરમિયાન દરિયામાંથી જે ૧૯ રત્નો નીકળ્યાં તેમાં સહુથી વિશિષ્ઠ રત્ન દેવી લક્ષ્મીજી હતાં. આ અનુપમ, સુંદરી, સુવર્ણમય, તિરિહારિણી, વરદાત્રી, પ્રસન્નવદનાશુભા અને ક્ષમાશીલ એવાં દેવી લક્ષ્મીને ભગવાન વિષ્ણુએ પોતાનાં પત્નીનાં રૂપમાં સ્વીકાયાંર્ હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિમર્ય બનાવી દીધું હતું. એ કારણે પણ આપણે પ્રતિવર્ષ આ કાળી રાત્રે સમગ્ર વાતાવરણમાં દીપમાળાને પ્રગટ કરીને દેવી મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ પરંતુ ઘણીવાર માણસો અતિ ધન પ્રાપ્ત કરવાની લાલચમાં લક્ષ્મીજીના પતિ નારાયણ અર્થાત્ ભગવાન વિષ્ણુને ભૂલી જાય છે. આ સંદર્ભમાં વામન અવતારની પૌરાણિક કથા અતિ સુપ્રસિદ્ધ છે. એ કથાનો સંદેશ એટલો જ છે કે ભગવાન વિષ્ણુને લક્ષ્મીજી વગર ચાલે છે પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ચાલતું નથીતેથી પંડિતો લક્ષ્મીજીને માતા તરીકે સ્વીકારવા અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સલાહ આપે છે.

        પૂજય ડોંગરેજી મહારાજે કહ્યું હતું કેલક્ષ્મીપૂજનના દિવસે લોકો એ વાત યાદ રાખે કે જે લોકો ધનવાન છે અને જેઓ એવું અભિમાન કરે છે કે, ‘હું બહુ મોટો છું’ તેમને ભગવાન માફ કરતા નથી. લક્ષ્મી મારી નથી પણ તે લક્ષ્મી નારાયણની છે તેવો ભાવ રાખનારને લક્ષ્મીજી કોઈક દિવસ ભગવાન નારાયણની ગોદમાં પણ બેસાડે છેલક્ષ્મીના માલિક થવાને બદલે તેને માતા તરીકે સ્વીકારો અને સૂક્ષ્મ અભિમાનનો ત્યાગ કરો !

      લક્ષ્મીનો બીજો અર્થ સ્ત્રી પણ છે. લક્ષ્મીનો સહજ અર્થ છે સુલક્ષણવાળી. દીપાવલીના દિવસોમાં દેવી મહાલક્ષ્મીની પૂજા સાથે ઘરમાં જે ગૃહલક્ષ્મી છે તેનું પણ સન્માન કરો. કજિયાવાળા ઘરમાં લક્ષ્મીમાતા ટકતાં નથી.

     દીપાવલીનો આગલો દિવસ ગોવર્ધનપૂજાના રૂપમાં પણ માનવામાં આવે છે. આ પૂજા દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ સ્વંય શરૂ કરી હતી. દ્વાપર યુગમાં બધા જ વ્રજવાસીઓએ પોતાનાં બધાં જ કાર્યો છોડીને છપ્પન ભોગ વગેરે તૈયાર કરીને ઇન્દ્ર દેવની પૂજા કરીને સારી વર્ષા માટે પ્રાર્થના કરી હતી. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કેવર્ષા તો ગોવર્ધન પર્વતને કારણે થાય છે તેથી તેની આરાધના કરવી જોઈએ. એ પછી વ્રજવાસીઓએ એમ જ કર્યું, એ પછી વરુણદેવે એટલીબધી વર્ષા કરી કેવ્રજવાસીઓ વ્યાકુળ થઈ ગયાં. એ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની કનિષ્ઠ આંગળી પર ધારણ કરીને ઊંચકી લીધો હતો અને સમસ્ત વ્રજવાસીઓની રક્ષા કરી હતી. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રનાં ઘમંડને ચૂર ચૂર કરી દીધું હતું. એ પછી ઇન્દ્ર ભગવાન શ્રીકૃષ્ણના પગે પડી ક્ષમાયાચના કરવા લાગ્યા હતા. એ પછી આજ સુધી હિંદુઓ અને ખાસ કરીન વૈષ્ણવો ગોવર્ધનને પૂજાના રૂપમાં શ્રદ્ધાપૂર્વક મનાવે છે.

      દીપાવલી પછીનો દિવસ ભાઈ-બીજ તરીકે ઊજવવામાં આવે છે. ભાઈ-બીજનો દિવસ ભાઈ અને બહેન વચ્ચેના સ્વાર્થરહિત પ્રેમનું પ્રતીક છે. એને યમદ્વિતીયા પણ કહેવાય છે. પુરાણકથા અનુસાર યમુનાજી તે યમરાજાનાં બહેન છે. કહેવાય છે કેઆજના દિવસે યમુનાજીમાં ભાઈ અને બહેન સ્નાન કરે તો યમરાજ પ્રસન્ન થાય છેએથી જ આજના દિવસે બહેન તેના ભાઈનાં કપાળ પર તિલક લગાવી ભાઈનાં દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે.

      ચાલોઆપણે બધાં મળીને મનના અંધકારને દૂર કરીએ. અજ્ઞાાન અને અસત્યના અંધકારને દૂર કરીએ.

      શુભ દીપાવલી.

( સૌજન્ય : રેડ રોઝ, ૧૫ નવેમ્બર ૨૦૧૫ - દેવન્દ્ર પટેલ) 

 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts