Sunday, July 3, 2022

સન્ડે સ્પેશિયલ - 24

સાત ચોપડી ભણેલા નરેશભાઈ પ્રજાપતિની  ટ્રક ડ્રાઈવરથી લઈ મર્સડીઝ સુધીના માલિક સુધીની સફર

"હું આજે  ભલે આલિશાન બંગલામાં રહુ છું, મર્સડિઝમાં ફરું છું, પરંતુ  ટ્રક ડ્રાઈવર તરીકે  અત્યંત ગરીબીમાં પસાર કરેલ દિવસો નજર સામે રાખીને જીવું છું." - નરેશભાઈ  પ્રજાપતિ.

 

     નબળી આર્થિક પરિસ્થિતિનાં કારણે માંડ સાત ધોરણ ભણેલા, એક સમયે ડ્રાઈવરની નોંકરી કરતા અને જીવલેણ અકસ્માતમાંથી આબાદ બચેલ વ્યક્તિ  આજે કરોડોનો કારોબાર ચલાવી જાણે, આ કથા આમતો કોઈ દંતકથા સમાન લાગે છે.  પરંતુ  હિંમત અને સાહસના સહારે શૂન્યમાંથી શિખર સુધીની રોમાંચક સફરની  આ કહાની  અમદાવાદના રહેવાસી નરેશભાઈ પ્રજાપતિની છે. અમદાવાદ સરખેજના સાવ સાધારણ પરિસ્થિતિ ધરાવતા એક સામન્ય પરિવારમાં જન્મેલા નરેશભાઈની જીવન કથા કોઈ રોમાંચક ફિલ્મી કહાનીથી જરા પણ ઉતરતી નથી.

           નરેશભાઈના પિતા નાગજીભાઈ અને માતા વીજુબહેન કાળી મજૂરી કરી ઘર સંસાર ચલાવતા. તેમને પાંચ દીકરાઓ તેમાં નરેશભાઈ સૌથી નાના. નરેશભાઈ પોતાના જીવનાની સંઘર્ષ યાત્રા વર્ણવતાં જણાવે છે કે મારા જન્મથી જ જાણે  સંઘર્ષ મારા કરમે લખાયો હતો માત્ર 9 વર્ષની નાની ઉંમરે મારી માતાને ગુમાવી દીધી હતી. ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે અમારું જીવન જ સમાપ્ત થઈ ગયું ! માતાના મૃત્યુના આઘાતમાંથી માંડ બહાર આવી શક્યા. પરંતુ દુર્ભાગ્યે આમારો પીછો કરવાનું છોડ્યો નહીં, જ્યારે હું 14 વર્ષનો થયો ત્યારે મારા માથા પરથી મારા પિતાની છત્રછાયા પણ ગુમાવી દીધી.

           નાની ઉમરમાં ઘરની સઘળી જવાબદારી માથે આવી પડી. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે માંડ ધોરણ સાત સુધી ભણી શક્યા. જિંદગીના બે છેડા ભેગા કરવા કાળી મજૂરી કરવી પડતી. અભાવોની વચ્ચે જિંદગીના દિવસો પસાર થઈ રહ્યા હતા.  

         જીવનમાં બે પાંદડે થવાની આશાએ  નરેશભાઈએ   ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ગુજરાતથી હૈદરાબાદ બેંગ્લોર સુધી માલસામાનની હેરફેર શરૂ કરી. આ દરમિયાન વર્ષ 2001માં રાજકોટમાં તેમના  લગ્ન થયા. ઘર તો માંડ્યું પરંતુ ઘર સંસાર ચલાવવા  ત્યારબાદ પરિવારનું ધ્યાન રાખવા માટે રાત-દિવસ મહેનત કરી. જીવતરની  ગાડી પણ પાટા પર આવવા લાગી. અને થોડા સમય પછી ઘેર  વર્ષ 2002 માં પુત્ર અને ત્યારબાદ પુત્રીને જન્મ થયો. જીવનમાં જાણે સુખનો સુરજ ઉગ્યો. ! પરંતુ આ સુખનો સુરજ એટલો જલ્દી આથમી જવાનો હતો એની કોઈએ કલ્પના પણ કરી નોહોતી. એક મોટો જીવલેણ  અકસ્માત તેનું વિકરાળ મો ખોલીને સામે ઉભો હતો.

         નરેશભાઈ  જણાવે છે  કે "લગ્ન પછી બધું બરાબર ચાલી રહ્યું હતું. મેં મારી ડિપોઝિટના પૈસાથી એક ટ્રક પણ ખરીદી હતી. અને એક દિવસ હું ટ્રક પર માલસામન બાંધી રહ્યો હતો. અને 11000 વોટની પાવર લાઈન મારી ઉપરથી પસાર થઈ રહી હતી. અને એ તાર સ્પર્શી જતાં એટલો જબરજસ્ત વીજળીનો જાટકો લાગ્યો કે હું છેક ઉપરથી નીચે પટકાયો. મારું શરીર સંપૂર્ણપણે નિર્જીવ બની ગયું હતું."

        નરેશભાઈને  લાગેલો ઇલેક્ટ્રિક આંચકો એટલો ભયંકર હતો કે તેમને  બચાવવા દોડી  આવેલા લોકોએ જણાવે છે કે નર્શભાઈને વીજ કરંટ  ત્રણ વાર પોતાની તરફ ખેંચી ગયો,  જેના કારણે તેમના પગનું ઘણું માંસ રાખ થઈ ગયું. પરંતુ કુદરતના ચમત્કારને કારણે જ તેમનો જીવ બચી ગયો હતો.

           નરેશભાઈને અત્યંત નાજુક હાલતમાં અમદાવાદની જ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતો જોઈને ડોક્ટરોએ તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવા ભલામણ કરી. અને તેમને  ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમના પર 17 જેટલા ઓપરેશન થયા.  સારવાર તો મળી, પરંતુ તેમનો  પરિવાર ખાનગી હોસ્પિટલની મોટી ફી ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતો.  નરેશભાઈની સારવાર માટે ટ્રકની વેચી દીધી અને બીજા દોઢ લાખ રૂપિયા વ્યાજે  લેવા પડ્યા. એમાં છતાં  પણ પૈસા સંપૂર્ણપણે ચૂકવી શકયા  ન હતા, આવી પરિસ્થિતિમાં નરેશભાઈના મિત્રો આગળ આવ્યા.  

       ગુજરાતના રમખાણો દરમિયાન રાત દિવસ ફરજ બજાવતા  પોલીસકર્મીઓને  નરેશભાઈ  નિઃસ્વાર્થપણે  ભોજન કરાવતા. નરેશભાઈની  નાજુક સ્થિતિમાં એ સૌ  ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસકર્મીઓ  નારેશભાઈની મદદ  કરી. હોસ્પિટલના 3 લાખ રૂપિયા ભેગા કરીને ચૂકવ્યા. અને બાકીની રકમ તેમના સસરા નાનજીભાઈ મગનભાઈ મુલિયા એ  ચૂકવી. નરેશભાઈ  3 મહિના પછી કોમામાંથી બહાર આવ્યા. એ  પછી,  નરેશભાઈ  હિંમત ન હાર્યા ,  નિવૃત્ત અધિક પોલીસ અધિક્ષક ડી.જી. વાઘેલા સાહેબ, દીપકભાઈ  વ્યાસ રીટાયર એ.સી.પી.  જેવા અધિકારીઓનો   આભાર માનીને તેણે ફરીથી નવું જીવન શરૂ કરવાનો સંકલ્પ કર્યો અને ધીમે ધીમે ફરી તેના ટ્રાન્સપોર્ટ વ્યવસાયને આગળ ધપાવ્યો.  જીવનમાં આવતા પડકારો સામે બાથ ભરી. દિવસ-રાત જોયા વિના સખત પરિશ્રમ આદર્યો.  આ વખતે નસીબે પણ સાથ આપ્યો. ટ્રાન્સપોર્ટનો ધંધો ફૂલ્યોફાલવા લાગ્યો અને થોડા વર્ષોમાં તેની મહેનત રંગ લાવી. નરેશભાઈએ  પોતાની ટ્રાન્સપોર્ટ કંપની શરૂ કરી. જ્યાં તેમને  22 ટ્રક ચલાવવાનું શરૂ કર્યું. ધંધામાં મંદી શરૂ થઈ અને ટ્રકોનો ધંધો ઠંડો પડવા લાગ્યો. પછી એક દિવસ, નરેશભાઈ તેમના  પોલીસ અધિકારી મિત્ર સાથે બેસીને તેની સમસ્યા વિષે વાત કરી રહ્યા હતા.  હસ્તી પેટ્રોકેમિકલ એન્ડ શિપિંગ લિમિટેડના ડાયરેક્ટર રુચિર રમેશભાઈ પરીખ ત્યાં હાજર હતા. તેઓને પણ તેમના વિશાળ ટ્રાન્સપોર્ટ બિઝનેસ માટે મહેનતુ અને ભરોસાપાત્ર વ્યક્તિની જરૂર હતી.

        નરેશ કહે છે કે "જ્યારે રુચિર રમેશભાઈ  પરીખે મારી સાથે કામ વિશે વાત કરી ત્યારે મને ખબર ન હતી કે તે આટલી મોટી કંપનીના માલિક છે. તેમના સરળ અને સરળ સ્વભાવે મને તેમના માટે કામ કરવાની પ્રેરણા આપી. 6 મહિના સુધી તેમણે મને કામની તાલીમ આપી, તેમને  મને ખૂબ મદદ કરી, તે પોતે એક કર્મચારીની જેમ કામ કરતો હતા. મને 2 વર્ષ પછી ખબર પડી કે તે આ મોટી કંપનીનો માલિક છે.

    નરેશભાઈ જણાવે છે કે કરંટ લાગ્યાની ઘટના બાદ તેમને ઊંઘ આવતી જ નથી. 24 કલાક માંથી તેઓ માંડ 3 થી 4 કલાક જ સુઈ શકે છે.

         નરેશભાઈના  મિત્રો અને રૂચિરભાઈ પરીખની મદદથી નરેશની કાર માત્ર પાટા પર આવી એટલું જ  નહીં પરંતુ સડસડાટ દોડવા લાગી. આજે નરેશભાઈ લાયઝન ડાયરેક્ટર છે. તેમના હાથ  નીચે ઘણા એન્જિનિયર અને MBA કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને આ બધું તેમના અનુભવ, કાર્યક્ષમતા અને મહેનતના આધારે શક્ય બન્યું હતું. આજે નરેશભાઈ  પાસે કંપનીએ આપેલી મર્સિડીઝ કાર છે અને આલીશાન  બંગલો પણ  છે.

         નરેશભાઈનો પુત્ર પણ આ જ કંપનીમાં પર્ચેજ મેનેજર છે. ટ્રાન્સપોર્ટ બિઝનેસના ક્ષેત્રમાં નરેશભાઈનું નામ  સૂર્યની જેમ ઝળહળે છે. આજે પરિવારમાં સુખ સમૃદ્ધિની છોળો ઉડી રહી છે. તેમનાં પત્નીએ પણ જિંદગીના નાજુક દિવસોમાં પડછાયો બની સાથ આપ્યો છે.  નરેશભાઈ  કહે છે મારી પત્ની અને મારી પુત્રી એ જ મારું સૌભાગ્ય છે. તેમના પગલે જ આજે લીલીવાડી છે.  

     સફળતાના શિખરો સર કર્યા પછી તેઓ પોતાના ભૂતકાળના દિવસો ભૂલ્યા નથી. ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોની મદદ માટે નરેશભાઈનો પરિવાર હંમેશા  તત્પર રહે છે. કોરોનાના કપરા કાળ દરમિયાન જ્યારે રાજ્યમાં લોકડાઉન લાગેલું હતું ત્યારે ગરીબ પરિવારોની મદદ માટે નરેશભાઈ સામે આવ્યા હતા. આશરે ૨૫ લાખ જેટલી રકમનું દાન કર્યું.  ગરીબ પરિવારમાંથી આવતા નરેશભાઈએ ગરીબીનું દુખ જોયું છે. અને એટલે જ કોરોના કાળમાં અમદાવાદ રાજકોટ જેવા શહેરોમાં ગરીબ પરિવારોને રાશનની કીટો ઘેરઘેર પહોચાડી મદદરૂપ બન્યા હતા.   ગરીબ દીકરીઓના શિક્ષણ માટે નરેશભાઈ ઉદાર હાથે દાન આપે છે. સાથે સાથે જરૂરિયાતમંદ દીકરીયોના લગ્ન સમયે પણ યથાયોગ્ય મદદ કરવાનું ચુકતા નથી. નરેશભાઈ એ બસો જેટલા ફ્રીજનું સમાજની દીકરીઓને કન્યાદાન આપ્યું છે. અને આજે પણ સેવા પ્રવૃત્તિઓ માટે તેમનો હાથ લંબાયેલો રહે છે,  

- ઈશ્વર પ્રજાપતિ

98251 42620 



7 comments:

  1. સાહસ,સહનશીલતાની પ્રેરણાદાયી કહાની. અદભુત રજુઆત..ધન્યવાદ ઈશ્વરભાઈ

    ReplyDelete
  2. ખુબજ પ્રેરણાદાયી અને real સ્ટોરી... શૂન્ય માંથી સર્જન....

    ReplyDelete
  3. વાહ! ખૂબ પ્રેરણાત્મક 👌

    ReplyDelete
  4. નરેશભાઈ ના સાહસને અને તમારા લેખન કૌશલ્યને ધન્યવાદ ઇશ્વરભાઇ

    ReplyDelete