કાશ્મીરના ગોપાલપોરા શાળાનાં વિદ્યાર્થીઓ ભીની આંખે
સવાલ પૂછે છે :
“... પણ એમણે અમારાં શિક્ષિકા બેનને ગોળી કેમ મારી ? ”
પૃથ્વી પરનું કહેવાતું
સ્વર્ગ કાશ્મીર નર્ક બનવા તરફ આગળ વધી રહ્યું છે. ટાર્ગેટ કિલિંગની રોજબરોજ બનતી
ઘટનાઓ હૃદયદ્રાવક છે. સમગ્ર દેશ સ્તબ્ધ
બની ઘટનાઓ નિહાળી રહ્યો છે. આવી વધુ એક કરુણતમ ઘટના ગત મંગળવારના રોજ બની.
કાશ્મીરના
કુલુગામ જીલ્લાની આ વાત છે. મૂળ સાંબા જીલ્લાની રજની બાલા નામની હિંદુ મહિલા કાશ્મીરના કુલગામ જીલ્લાના ગોપાલપોરા
ગામની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી
હતી. તેનાં લગ્ન રાજકુમાર સાથે થયાં હતાં.
રાજ કુમાર પણ ૨૦૦૯ થી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને તેર વર્ષની
એક પુત્રી પણ છે. ૧૯૯૦ ના દાયકામાં કાશ્મીરી
પંડિતોએ કાશ્મીર છોડ્યું એ પછીના ૨૭ વર્ષ બાદ આ પરિવાર કાશ્મીર ઘાટીમાં પરત ફર્યો હતો.
રજની બાલાનો પરિવાર ભાડાનું મકાન રાખી અહી સ્થાઈ થયો હતો. પરંતુ આ પરિવાર કુલગામમાં
ટાર્ગેટ કિલિંગનાં ભયમાં જીવી રહ્યો હતો. શિક્ષણ વિભાગના અધિકારીઓને અન્ય જિલામાં ટ્રાન્સફર માટે રજની બાલા અને રાજકુમાર દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ વહીવટી તંત્રએ આ બાબતને ગંભીરતાથી લીધી જ નહિ. વહીવટી તંત્રએ
રજની બાલાના ટ્રાન્સફરનો ઓર્ડર કર્યો ત્યારે ઘણું મોડું થઇ ચુક્યું હતું.
પરિસ્થિતિ ઘણી વણસી ચુકી હતી. તાજેતરના સમયમાં કાશ્મીરનો કુલગામ જીલ્લો આતંકવાદના નવા ગઢ તરીકે ઉભરી રહ્યો છે.
રજની છેલા બે વર્ષથી ગોપાલપોરા શાળામાં શિક્ષિકા
તરીકે ફરજ બજાવતી હતી. સોમવારની સાંજે રજની બાલાની ટ્રાન્સફર થઇ. મંગળવારનો દિવસ રજની
બાલાનો સ્કૂલનો છેલ્લો દિવસ હતો. પરિવાર ઘણો
ખુશખુશાલ હતો. બીજા દિવસથી સુરક્ષિત સ્થાનની સ્કૂલમાં હાજર થવાનું હતું. એટલે મંગળવારે
રજનીનો પતિ રાજ કુમાર મોટર સાયકલ પર શાળાએ છોડવા માટે જાય છે. ગોપલપોરા જમ્મુ શ્રીનગર
હાઈવેથી લગભગ ૨૫ કિલોમીટર દૂર છે. મુખ્ય રસ્તાથી
શાળા ઘણી દૂર હતી. જ્યાં ગાડા વાટ પણ નથી.
ત્યાંથી ફરજીયાત ચાલીને જ જવું પડતું. રજનીને આ રસ્તો હવે છેલ્લી વાર ચાલીને પસાર કરવાનો
હતો એના આનંદથી હરખાઈ રહી હતી. પરતું આ આનંદ
થોડી જ પળોમાં માતમમાં પરિવર્તિત થવાનો હતો. રજની શાળાના પરિસરમાં પહોચી ત્યારે સવારના લગભગ
૧૦ વાગવા આવ્યા હતા. શાળામાં પ્રાર્થનાનો સમય હતો. અને અચાનક ધડાધડ ગોળીબારનો આવાજ સંભળાયો. પ્રાર્થનામગ્ન વિદ્યાર્થીઓનું
ધ્યાન તૂટ્યું. પ્રાર્થના કરી રહેલાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળા પરિસરમાં દોડી આવ્યા
અને જે દૃશ્ય જોયું એ હ્રદય કંપાવી દેનારું હતું.
શાળાના ગેટથી ૧૦ થી ૧૫ મીટરના અંતરે વિદ્યાર્થીઓનાં
પ્રિય શિક્ષિકા રજની બાલા લોહીથી લથપથ પડ્યા હતાં. રજનીના માથાના ભાગે અંધાધુંધ ગોળીઓ
મારવામાં આવી હતી. તેમની પાસે રહેલી લાલ રંગની
થેલી અને જાંબલી રંગના ચંપલ નજીકમાં પડ્યા હતાં. હુમલો એટલો ખતરનાક હતો કે છેક પગરખાં
સુધી લોહી વહી ગયું હતું.
અંધાધુન્ધ
ગોળીબારના આવાજે ત્યાં કેટલાક સ્થાનિક લોકો દોડી આવ્યા. પરંતુ એટલી વારમાં આતંકીઓ ત્યાંથી
ફરાર થઇ ચુક્યા હતા. રજનીને તરત કુલગામની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી પરતું ત્યાં
સુધીમાં રજનીએ પ્રાણ ત્યજી દીધા હતા.
રાજકુમાર રજનીને મુકીને હજી તેમની શાળાએ
પહોંચ્યા પણ ન હતા અને તેમને ફોનથી રજનીની નિર્મમ હત્યાની જાણ કરવામાં આવી. સમાચાર સાંભળતાં
જ રાજકુમારના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. તેર વર્ષની પુત્રી સાના માતા વિહોણી બની
ગઈ. તેની આંખમાંથી વહેતી અશ્રુધારા રોકાવાનું નામ નથી લેતી. આક્રંદ કરતાં કરતાં
માસુમ દીકરી સૌને એક જ સવાલ પૂછે છે કે “ મારી મમ્મીની નિર્દય હત્યા કરનારાઓ મને એટલું
જ બતાવો કે મારી મમ્મીનો વાંક શું હતો? ”
આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. સુરક્ષા દળોએ
મોરચો સંભાળ્યો. સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પરંતુ કાંઈ જ હાથ ન લાગ્યું.
જ્યારે આતંકીઓએ શિક્ષિકા પર ગોળીબાર કર્યો ત્યારે શાળાની અંદર ૭૦ વિદ્યાર્થીઓ હાજર
હતાં. ગોળીબારનાં અવાજથી સૌ સુન્ન બની ગયાં હતાં. વિદ્યાર્થીઓને જ્યારે જાણ થઇ કે તેમનાં
પ્રિય શિક્ષિકા બેનની હત્યા આતંકીઓ એ કરી છે ત્યારે એકબીજાને વીંટળાઈને ચોધાર આંસુએ
રડવા લાગ્યાં. કારણ કે આ એ જ શિક્ષિકા બેન હતાં જે વિદ્યાર્થીઓને સહિષ્ણુતા,
સમાનતા અને સદભાવનાના પાઠ શિખવતાં હતાં. અને
આજે એ જ શિક્ષિકા બેન આતંકીઓનો ભોગ બની ગયાં.
“... પણ એમણે અમારાં શિક્ષિકા બેનને ગોળી
કેમ મારી?” ગોપાલપોરા શાળાના વિદ્યાર્થીનાં દિલમાં ઉગતો એક સવાલ પથ્થરદિલ વ્યક્તિનું
હૃદય ચીરી નાખે છે. પરંતુ ખેદની વાત એ છે કે આ સવાલનો નક્કર જવાબ કોઈ બુદ્ધિજીવીઓ પાસે
નથી. સામાન્ય બાબતોની ચર્ચામાં ટીવી ચેનલ પર માઈક તોડતા બુદ્ધિજીવીઓ આ સાદો સવાલ સંભાળતાં જ તેમના હોઠ સિવાઈ જાય છે.
આ તો એક જ પરિવારની કરુણ દાસ્તાન પ્રસ્તુત કરી છે. પરંતુ આવા
સેકડો પરિવારો ભયના ઓથાર હેઠળ કાશ્મીર ઘાટીમાં જીવન ગુજરી રહ્યા છે. ગમે ત્યારે કોઈ
આતંકી હાથમાં પિસ્તોલ લઈને આવે, નામ પૂછે અને એ નામ જો આતંકીને પસંદ ન પડ્યું તો છાતીમાં
ગોળીયો ધરબી જાય એ કાંઈ કહેવાય નહિ. અને એટલે
હવે કેટલાય પરિવારો ઘાટી છોડી સુરક્ષિત સ્થાને આશ્રય લેવા નીકળી પડ્યા છે.
ઓક્ટોબરમાં કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની શરૂઆત
થઇ. છેલા કેટલાક દિવસોમાં સાત નાગરિકોની હત્યા કરવામાં આવી છે. મેં મહિનામાં બીજી કાશ્મીરી
હિંદુ હત્યા છે. પહેલાં રાહુલ ભટ અને ત્યાર પછી શિક્ષિકા રજની બાલાની સરેઆમ હત્યા કરવામાં
આવી.
પૃથ્વી પરના આ સ્વર્ગને ન જાણે કોની નજર લાગી છે! ઋષિ
કશ્યપની આ તપોભૂમિ રક્તરંજિત બની છે. રોજબરોજ થતી નિર્દોષોની ઘાતકી હત્યાઓથી સૌ ભારતીયોનાં
હૃદય અત્યંત વ્યથિત છે. આ પીડા હવે પરાકાષ્ઠાએ પહોંચી છે. દાયકાઓથી પીડા ભોગવી રહેલા કાશ્મીરી પંડિતોના પુનઃવસન
માટે આ સમય જ શ્રેષ્ઠ સમય છે. કારણકે કેન્દ્રમાં પ્રખર રાષ્ટ્રવાદી મોદી સાહેબની સરકાર
છે. દેશ હિત માટે બોલ્ડ નિર્ણયો લેવા માટે જો કોઈ એક માત્ર નેતા સક્ષમ હોય તો તે મોદી સાહેબ છે. જેમને એક
જાટકે ૩૭૦ની કલમ હટાવી દેશ વિરીધી તત્વોને કડક સંદેશો આપી દીધો છે. કઠોર કદમ ઉઠાવવા મોદી સાહેબની નિષ્ઠા માટે દેશ વાસીઓને
લેશ માત્ર શંકા નથી. અને એટલે જ સમસ્ત દેશ મોદી સાહેબની સામે આશાભરી નજરે મીટ માંડીને
બેઠો છે. દેશ કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ ઝંખે છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી
શ્રી અમિતભાઈ શાહની જોડી કાશ્મીર સમસ્યાનો કાયમી ઉકેલ આપી શકે તેમ છે.
દેશવાસીઓ ઝંખે છે કે કાશ્મીરની ઘાટીઓમાં ફરી
એક વાર સોનાનો સુરજ ઊગે, અહી પુનઃ અમનનું સામ્રાજ્ય પ્રસ્થાપિત થાય, કાશ્મીરની ઘાટીઓ આક્રંદથી નહિ પણ પંખીઓના કલશોરથી ફરી ગુંજી ઊઠે, બંદુકની ગોળીઓનો
અવાજ નહિ પણ નદી સરોવર અને વહેતા ઝરણાંના કલકલ નાદે વાતાવરણ રણકી ઊઠે. કરોડો લોકોના હૃદય સમ્રાટ નરેંદ્રભાઈ મોટી ભારતીયોની આ પ્રબળ મહેચ્છા સત્વરે પૂર્ણ કરે એ જ અભ્યર્થના !
-
ઈશ્વર પ્રજાપતિ
9825142620
ખરેખર ખૂબ જ દુઃખદ...વાંચીને પણ કાળજું કંપી જાય છે તો જેના સ્વજન હશે તેમની હાલત શુ હશે ??
ReplyDeleteવાહ! સાહેબ તમારી કલમમાં પંડિતોની વેદના આબેહૂબ રજૂ થઈ છે. ખરેખર! અદ્ભુત 🙏
ReplyDeleteખરેખર દુઃખ દ ઘટના
ReplyDeleteસર,જોરદાર લેખ.પણ દુ:ખોથી ભરેલ આવી દશા બહેનોની
ReplyDeleteહૃદયદ્રાવક ઘટના છે
ReplyDelete