સરદાર પટેલની વિદાય બાદ આ રાષ્ટ્રે તેમનાં દીકરી
મણીબહેનની મદદ માટે એક આંગળી પણ ઉંચી કરી ન હતી.
આજે 3 જી અપ્રિલ છે. સરદાર પુત્રી મણીબહેનની
૧૧૯મી જન્મ જયંતી છે, પરંતુ બહુ ઓછા તેમના સાદગીભર્યા જીવન-કવનથી પરિચિત
હશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની સાથે પડછાયો બની રહી, પોતાનું સમસ્ત
જીવન પિતાની સાર સંભાળ અને રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરી દીધું. અત્યંત પ્રામાણિક
અને વફાદારીના ગુણો ધરાવતા મણીબહેન સરદાર પુત્રીને છાજે એવું બેમિસાલ જીવન જીવી ગયાં.
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં અગ્રેસર ભૂમિકા ભજવનાર, આઝાદ ભારતની પાર્લામેન્ટના સદસ્ય
રહી સાદગી અને શાલીનતાનું ઉદાહરણ પુરુ
પાડનાર મણીબહેનની યોગ્ય કદર આપણો સમાજ કરી શક્યો છે ખરો ?
3
જી એપ્રિલ ૧૯૦૩ના રોજ કરમસદમાં જન્મેલાં મણીબહેનનું સમસ્ત જીવન આજના કહેવાતા રાજનેતાઓ
માટે એક મિશાલરૂપ છે. મણીબહેન એટલે મધ્યમ કદનાં, દુબળાં, પાતળાં, રંગે ભીને વાન હંમેશા
સફેદ ખાદીનાં લૂગડાં તે પણ સાડી પેઠે ઉંચો પહેરેલો સાડલો અને કોણી સુધી બોય વાળું પોલકું.
જ્યારે જુઓ ત્યારે એ જ પહેરવેશ. તેઓએ રંગીન કપડાં કદી પહેર્યા નહિ. દેખાવે સાધારણ લાગતાં મણીબહેનને મુંબઇની કોન્વેન્ટ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું.
મુંબઈમાં મણીબહેન અને ડાહ્યાભાઈ અરસપરસ અંગ્રેજીમાં
વાતો કરતાં. અને શાળામાં ફ્રેંચ ભાષા શીખતાં. ગાંધીજીની અસરને કારણે ૧૬ વારસનાં મણીબહેને
જાતે અસહકાર અપનાવી લીધો. ૧૯૨૦માં તેમને સરકારી શાળા છોડી. ૧૯૨૧માં મણીબહેન અને ડાહ્યાભાઈ
મેટ્રિક પાસ થઇને ગુજરાત વિદ્યાપીઠમાં જોડયાં.
પાટીદારની
કન્યા વયસ્ક થાય એટલે તેને પરણાવી દેવાની જ ચિંતા થાય. પરંતુ દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં
વ્યસ્ત એવા વિધુર પાતાની હાલત જોઈ તેમની સેવા માટે મણીબહેને બાપુના આશીર્વાદથી લગ્ન
કરવાનું જ માંડી વાળ્યું. આ તેમનો પ્રથમ શ્રેષ્ઠ ત્યાગ હતો.
૧૯૨૧માં
સત્તર વારસાનાં મણીબહેને પોતાના ઘરેણાની પોટલી બાંધી પોતે ઘરેણા ગાંધીજીને આપી દેશે
તેવું પોતાના પિતા વલ્લભભાઈને જણાવ્યું. અને દાગીના આશ્રમને સોંપી દીધા.
મણીબહેનનાં ફોઈ ડાહીબાએ આપેલી બે સોનાની બંગડીઓ, વિઠ્ઠલભાઈએ ઇંગ્લેન્ડથી આણેલી સોનાની
કાંડા ઘડિયાળ, બે એરિંગ અને બીજા દાગીના હિન્દુસ્તાનની આઝાદી માટે સમર્પિત કર્યા.
પોતે લીધેલી સાયકલ પર બેસી મણીબહેન નિયમિત
આશ્રમમાં જતાં. મણીબહેન અમદાવાદમાં સાયકલ પર ફરનારી પહેલી પાટીદાર છોકરી હતાં.
૧૯૨૪નાં નવેમ્બરમાં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા પછી ગાંધીજીના આગ્રહથી મણીબહેન
૧૯૨૫માં થોડો સમય પૂનાની સર્વન્ટ ઓફ ઇન્ડીયા સોસાયટીમાં રહ્યાં. તે પછી વર્ધામાં જમનાલાલ
બજાજ અને તેમાનાં પત્નીની દેખરેખ હેઠળ રહ્યાં.૧૯૨૬ની શરૂઆતમાં મણીબહેન ઘણાં અઠવાડિયાં
આશ્રમમાં કસ્તુરબાની બાજુની ઓરડીમાં રહ્યાં.
૧૯૨૧
પછી મણીબહેને કાંતેલા સૂતરમાંથી વલ્લભભાઈનાં ઘણાં ખરાં ધોતિયાં અને ઝભ્ભા તૈયાર થતા.
અને ૧૯૨૭ પછી તો વલ્લભભાઈને અંગે જે કાપડ ચડતું તે માટે બધું સૂતર મણીબહેન કાંતતાં.
બાપ જોડે વાત કરવાની હિમ્મત મણીબહેન કદી કરી શકયાં નહિ. પણ મણીબહેન બાપની સારસંભાળ
લેવાની આવડત કેળવી લીધી . મણીબહેને પિતાનો પડછાયો બની રહેવાનું નક્કી કર્યું. તે પછી તેમના નોકર-ચાકર થી માંડીને અંગત સચિવ સુધીની
બધી જ કામગીરી મણીબહેન કરતાં હતાં. જરૂરી ચીજો લઇ આવવી અને લઇ જવી, તેમના ઝભ્ભા –
ધોતિયાં માટે સૂતર કાંતવું, તેમને લખેલા કાગળોની નકલ કરી રાખવી અને આવેલા કાગળ ફાઈલમાં
ગોઠવી રાખવા , નકામા મુલાકાતીઓ ટાળવા બીમાર હોય અથવા થાકેલા હોય ત્યારે તેમની ચાકરી
કરવી – આ અને આવાં બીજાં કામ મણીબહેને ઉપાડી લીધાં હતાં.
મણીબહેન હમેશા તેમના પિતાની સાથે રહ્યાં. વલ્લભભાઈ બહાર ગામ જાય ત્યારે મણીબહેન
અચૂક તેમની સાથે જતાં. બાપના સમય અને શક્તિ બચાવવા મણીબહેન લોકો સાથે ઝગડી પડતાં.
કારણ કે વલ્લભભાઈ તેમને માટે કેન્દ્ર સ્થાને હતા. કોઈને નારાજ કરવાનો તેમનો ઈરાદો ન
હતો. બાપની સગવડ સાચવવા પોતાનાથી બને તેટલા પ્રમાણમાં સાનુકુળ સંજોગો ઉભા કરવા તે એકમાત્ર
ઉદ્દેશ હતો.
ભારતના
સેકડો રાજાઓનાં પ્રેમથી દિલ જીતી લેનાર સરદાર સાહેબે પોતાની પુત્રી માટે ફૂટી કોડી
કે નાની ઓરડી પણ રાખી ન હતી. સરદાર સાહેબના અવસાન બાદ મણીબહેન પૂરા ચાર દાયકા જીવ્યાં.
અમદાવાદના પ્રીતમનગરના અખાડા પાસેનાં એક સામાન્ય મકાનમાં રહ્યાં.
“જ્યારે સરદાર પટેલનું નિધન થયું, ત્યારે મણીબહેન તેમની એક ચોપડી અને થેલો લઈને
દિલ્હીમાં જવાહરલાલ નેહરુને મળવા ગયા અને તે ચીજો સોંપી. ત્યારે તેમણે નેહરુને કહ્યું
કે તેઓના પિતાએ આમ સૂચના આપી હતી. અને સાથે તાકીદ કરી હતી કે તે બીજા કોઈને ન આપવી.
આ થેલીમાં કોગ્રસ પક્ષાની માલિકીના રૂપિયા ૩૫ લાખ હતાં અને તે ચોપડી પક્ષાના હિસાબોનો
ચોપડો હતો. નેહરુએ આચીજો સ્વીકારી અને માંનીબહેનનો
આભાર માન્યો. તેઓ વધુ કંઇક બોલશે એ આશાથી મણીબહેન રોકયાં પણ તેઓ એક શબ્દ વધુ ન બોલ્યા,
તેથી તેઓ ઉઠીને પાછાં ફરી ગયાં.”
આ હકીકત
વર્ગીસ કુરિયનને તેઓના પુસ્તક “મારું સ્વપ્ન”માં
સવિસ્તૃત આલેખી છે. ડૉ. કુરિયન આગળ નોંધે છે.
“મેં (ડૉ.કુરિયન ) તેમને
(મણીબહેનને) પૂછ્યું કે નહેરુ તમને શું કહેશે, એવી તમારી શું અપેક્ષા હતી?” ત્યારે
ડૉ. કુરિયનને પ્રત્યુત્તર આપતાં મણીબહેને કહ્યું
“મને હતું કે તેઓ કદાચ કહેશે કે હવે હું કઇ રીતે રહીશ? અથવા બીજું કંઈ નહિ તો એટલું પૂછશે કે શું મને મદદ કરવા તેઓ
કંઈ કરી શકે તેમ છે ? પરંતુ તેમણે આવું કદી પૂછ્યું નહિ.”નહેરુના આ વર્તનથી મણીબહેન
ખુબ હતાશ થઇ ગયાં હતાં.
ડૉ. કુરિયન આગળ લખે છે : “માત્ર નહેરુ જ નહિ કોંગ્રેસ પક્ષાના અન્ય રાષ્ટ્રીય નેતાઓમાંથી પણ કોઈએ
તેમના પિતાના મૃત્યુ બાદ મણીબહેનનું શું થયું
તે જાણવાની પરવા કરી નથી. તેમની પાસે પોતાના
તો પૈસા હતાં નહિ. સરદાર પટેલના મૃત્યુ બાદ બિરલાએ તેમને થોડો વખત દિલ્હીમાં આવેલા
બિરલા હાઉસમાં રહેવા કહ્યું તો ખરું, પણ તે વ્યવસ્થા તેમને ફાવી નહિ તેથી પોતાના સગાંને
ત્યાં અમદાવાદ રહેવા માટે ચાલી આવ્યાં. તેમની પાસે મોટરકાર પણ નહોતી તેથી તેઓ બસમાં
અને ટ્રેનનાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતાં.
પાછળથી ત્રીભુવાન્દાસે તેમને સંસદના સભ્ય ચૂંટાવામાં મદદ કરી, તેરથી તેમને પ્રથમ
વર્ગનો પાસ તો મળ્યો, પણ એક સાચા ગાંધીવાદીની જેમ તેમને ત્રીજા વર્ગમાં પ્રવાસ કરતાં
રહેવાનું જ પસંદ કર્યું.”
સરદાર પટેલે રાષ્ટ્ર માટે આટઆટલા ત્યાગ કર્યા ત્યારે તેમની વિદાય બાદ એ રાષ્ટ્રે
તેમની દીકરીની મદદ માટે એક આંગળી પણ ઉંચી ન કરી. પાછલા વર્ષોમાં, જ્યારે તેઓની આંખે
ઝાંખપ આવી ગઈ, ત્યારે અમદાવાદના માર્ગો પર એમને હાથ જાલીને દોરનાર પણ કોઈ નહોતું.
તેઓ ઘણી વખત ઠોકર ખાઈ બેસતાં અને કદીક પડી પણ જતાં. રસ્તે જતા લોકોની મદદથી તેઓ ઊભાં
થતા. જ્યારે તેઓ મરણ પથારીએ હતાં ત્યારે તે વખતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ચીમનભાઈ
પટેલ તેમના ખાટલા પાસે આવ્યા. એક ફોટોગ્રાફરને બોલાવ્યો, પોતે તેમના માથા આગળ ઊભાં
રહીને ફોટો પડાવ્યો અને તે ફોટો બધા જ છાપાંઓમાં બીજે દિવસે પ્રકાશિત કરાયો. બહુ થોડા
પ્રયત્ને એ લોકો તેમાંના પાછલાં વર્ષો સગવડ ભર્યા બનાવી શક્યાં હોત !
મણીબહેને મૃત્યુ પહેલાં ૨૫/3/૧૯૮૦ નાં રોજ એક પત્ર લખીને તૈયાર રાખ્યો હતો.
તેમાં લખ્યું હતું :
“અમદાવાદમાં મારા કાકા ભાઈ કાકાના દીકરા પુરુષોત્તમ ભાઈનાં મકાનમાં ગેરેજ પરની
રૂમમાં રહું છું. તેમાં પાતીનો એક ખાટલો છે. તે બાપુને ઠીક નહોતું રહેતું ત્યારે શિયાળામાં
દિલ્હીમાં ચોકમાં સુવાડવા માટે વપરાતો હતો. આ ઉપરાંત ગોદરેજના ચાર કબાટોમાં પુસ્તકો
છે. મારું અવસાન થાય ત્યારે આ બધું સરદાર સ્મારકમાં જાય.
મારું જ્યાં અવસાન થાય એ જ ગામમાં લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતે જેમ બને
તેમ જલદીથી મારા દેહનો અગ્નિસંસ્કાર કરવો. આ અંગે જરૂરી થોડીઘણી રકમ મારી પાસે હશે
જ. કપડાં મારાં જ કાંતેલા સૂતરની ખાદીનાં પહેરું છું તેથી બેગમાંથી કાઢી મને પહેરાવવાં.
સગવડ હોય તો મારા અવસાન પછી ચક્ષુદાનની ઈચ્છા છે. અગ્નિસંસ્કારના ખર્ચ પછી જો કોઈ
રકમ બચે તો તે મારા ભત્રીજા બીપીનભાઈ અને ડાહ્યાભાઈ પટેલને આપવી.”
લિ.
મણીબહેન વલ્લભભાઈ પટેલ
અને દેશના એક અત્યંત શક્તિશાળી નેતાનાં પુત્રી મણીબહેન પટેલ કોઈ જ મિલકત, જાયદાદ કે સંપત્તિ છોડ્યા વગર જ ૨૬ માર્ચ ૧૯૯૦નાં રોજ ૮૭ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment