આજની
પોઝિટિવ સ્ટોરીઃ આચાર્ય ઈશ્વરભાઈ પ્રજાપતિનું પરાક્રમઃ
ખાનગી શાળાના
વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પાછા આવ્યાઃ
આકરુંદમાં ૭૦ લાખના ખર્ચે અદ્યતન પુસ્તકાલય બની રહ્યું છે.
આલેખનઃ
રમેશ તન્ના
માનવામાં
ના આવે પણ જાણીને આનંદ થાય તેવી સાવ સાચી કથા આજે મિત્રો સાથે વહેંચવી છે. આખા
દેશમાં ખાનગી શાળાઓનો દબદબો છે ત્યારે ધનસુરા તાલુકાના આકરુંદ ગામમાં એક આચાર્યે
એવો ચમત્કાર કર્યો છે કે લોકો ખાનગી શાળામાંથી પોતાના સંતાનોને ઉઠાડીને સરકારી
પ્રાથમિક શાળામાં દાખલ કરી રહ્યાં છે અને તે પણ હોંશે હોંશે.
એક
પ્રાથમિક શિક્ષક અને આચાર્ય ધારે તો કેવું મોટું, પ્રેરક અને સમાજ
ઉપયોગી કાર્ય કરી શકે તેનું જીવંત ઉદાહરણ ઈશ્વરભાઈ પ્રજાપતિ છે. તેમણે પોતાની
શાળાનો સર્વાંગી વિકાસ કર્યો છે. અહીં ધોરણ એકથી આઠમાં ૩૨૭ વિદ્યાર્થીઓ છે. પહેલાં
૧૬૦ વિદ્યાર્થીઓ હતા. ઈશ્વરભાઈએ શાળાની સિકલ અને સકલ બન્ને બદલી નાખ્યાં છે. તેમણે
નિશાળનો કાયાકલ્પ કર્યો છે. જર્જરિત શાળા હવે આકર્ષક બની ગઈ છે. તે હવે વનરાજિ અને
લીલોતરીથી શોભે છે. ૧૨ શિક્ષકો દિલ દઈને વિદ્યાર્થીઓને ભણાવે છે. શિક્ષણ કાર્ય
ઉપરાંત અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે.
અહીં
૭૦ લાખના ખર્ચે અદ્યતન પુસ્તકાલય બની રહ્યું છે. વિશિષ્ટ કહી શકાય તેવા આ મોર્ડન
પુસ્તકાલયમાં વાંચનાલય પણ હશે. ઈશ્વરભાઈ કહે છે કે શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત
આજુબાજુના ગામના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતા હોય તેમને
અહીં પુસ્તકો, ઈન્ટરનેટ, અખબારો, સામયિકો, સંદર્ભગ્રંથો
એમ વિવિધ સુવિધા અપાશે. આ લાયબ્રેરી સંપૂર્ણ એર કન્ડિસન્ડ હશે. અહીં રાત્રિ
રોકાણની સુવિધા પણ હશે. વિદ્યાર્થીઓને વિના મૂલ્યે તમામ સગવડ અપાશે.
મામલતદાર-કલેક્ટર સહિતના નિષ્ણાતો અહીં આવીને વિદ્યાર્થીઓને વિના મૂલ્યે તાલીમ પણ
આપશે.
આ
પુસ્તકાલયના નિર્માણની કથા રસપ્રદ છે. જાણીતા પત્રકાર અને લેખક પદ્મશ્રી દેવેન્દ્ર
પટેલ પણ આકરુંદ ગામના વતની છે. ઈશ્વરભાઈ પ્રજાપતિના પ્રયાસો અને પ્રતિબદ્ધતા જોઈને
તેઓ રાજી થયા. જ્યારે તેમને પુસ્તકાલયના પ્રોજેક્ટની ખબર પડી ત્યારે તેમણે, એ
જ રાત્રે ઈશ્વરભાઈને ફોન કરીને પોતાના તરફથી ૨,૫૧,૦૦૦ રૂપિયા આપવાનું કહ્યું. તેમણે સંદેશ
ગ્રુપના અધિપતિ ફાલ્ગુનભાઈ પટેલને પુસ્તકાલયની માત્ર વાત કરી ત્યારે ક્ષણનો પણ
વિલંબ કર્યા વિના આ ઉમદા કાર્ય માટે તેમણે ૧૧ લાખ રૂપિયાનું દાન આપ્યું.
દેવેન્દ્ભાઈ પટેલના અન્ય એક મિત્રે ૧૦ લાખ રૂપિયા આપ્યા. તેઓ અવારનવાર આ શાળા
સંકુલની મુલાકાત લે છે અને સરકાર તથા સમાજને આ ભલી અને લોક ઉત્કર્ષની પ્રવૃત્તિ
સાથે જોડી આપે છે. ઈશ્વરભાઈ કહે છે કે દેવેન્દ્રભાઈનો સહયોગ, હૂંફ
અને માર્ગદર્શન મેળવીને જ અમે આગળ વધી રહ્યા છીએ.
શાળા
ઉત્કર્ષની પ્રવૃત્તિઓને સમાજ સુધી પહોંચાડવા માટે ઈશ્વરભાઈએ સોશિયલ મિડિયાનો
શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. તેઓ હવે નિયમિત બ્લોગ પણ લખે છે. સોશિયલ મિડિયા દ્વારા
જાણકારી મેળવીને અમેરિકાના એક વતન પ્રેમી ગુજરાતી દર શિયાળામાં આ સંસ્થાને એક લાખ
રૂપિયાનું દાન આપે છે. એમાંથી ગરીબ વિદ્યાર્થીઓ માટે સ્વેટર લેવામાં આવે છે.
ઈશ્વરભાઈ ભીના અવાજે કહે છે કે સમાજ કેટલો બધો સારો છે. સારી ભાવનાથી થતી
પ્રવૃત્તિમાં સમાજ ખડે પગે અને ભરેલા હૃદયે હાજર રહે છે. ગુજરાતના શિક્ષણ મંત્રી
ભુપેન્દ્રસિંહ ચુડાસમા આ શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે. શાળાની પ્રગતિ અને
પ્રતિબદ્ધતા જોઈને તેઓ ખૂબ રાજી થયા હતા. તેઓ પોતાનાં પ્રવચનોમાં આ ગામની શાળાનું
ઉદાહરણ આપીને કહે છે કે ગુજરાતની બધી સરકારી શાળાઓ આવી બનવી જોઈએ.
ઈશ્વરભાઈ પ્રજાપતિ સજ્જ અને પ્રેમાળ
શિક્ષક છે. તેઓ વિદ્યાર્થીઓને હૃદયથી ભણાવે છે. વિદ્યાર્થીઓનો ઉત્કર્ષ એ જ તેમનો
જીવનધર્મ છે. તેઓ ઉત્તમ સંશોધક અને લેખક છે. દર અઠવાડિયે નિયમિત બે બ્લોગ લખે છે
તેમાં ખૂબ ઊંડાણ અને સ્વાધ્યાય હોય છે. શાળાના સમયમાં આવું કામ ન જ કરાય તેવો
તેમનો પાકો નિર્ધાર હોવાથી અઠવાડિયામાં બે દિવસ રાત્રે એકથી સવારના છ સુધી કામ કરે
છે. માણસ જ્યારે પ્રતિબદ્ધ હોય ત્યારે તેને ઉજાગરા નડતા નથી. આવા ઉજાગરા પછી તો
જાગરણ બની જતા હોય છે. (હજી આર્થિક સગવડ ના હોવાથી તેમણે ઘરે કોમ્પ્યુટર વસાવ્યું
નથી, તેથી
લાંબા લેખો અને સોશિયલ મિડિયાના લખાણો મોબાઈલ ફોનથી લખે છે. કોઈ પણ કામ સાધન વગર
ના અટકે, હા, સાધના
વિના અટકે.)
ઈશ્વરભાઈ
મિડિયા, પત્રકારો, સરકાર, સાહિત્યકારો, વિવિધ
સંસ્થાઓ, લેખકો, પ્રકાશકો
એમ વિવિધ ક્ષેત્ર અને વ્યક્તિઓ સાથે જીવંત સંપર્કો રાખે છે. તેમનું પ્રયોજન એ છે
કે હું કોઈ પણ રીતે અને પ્રીતે મારી શાળાને આગળ લાવું. મારી શાળાના વિદ્યાર્થીઓને
મહત્તમ લાભ મળે તેવું ગોઠવું. તેઓ દર મહિને એક નિષ્ણાતને બોલાવીને શાળામાં તેમનું
પ્રવચન પણ ગોઠવે છે.
મનુભાઈ
પંચોળી એમ કહેતા કે જ્યારે ગ્રામજનો તલાટી કરતાં ગામના શિક્ષકને વધારે મહત્ત્વ
આપશે ત્યારે સાચી પ્રગતિ થશે. તેઓ એમ પણ કહેતા કે સાહિત્ય અને શિક્ષણ સમાજની બે
આંખો છે. ઈશ્વરભાઈ પ્રજાપતિ એક ઉમદા વ્યક્તિ છે અને પ્રતિબદ્ધ શિક્ષક છે. વિનોબા
ભાવે આચાર્યની જે વ્યાખ્યા કરતા હતા એ વ્યાખ્યા ઈશ્વરભાઈએ ચરિતાર્થ કરી છે.
ઈશ્વરભાઈ કહે છે કે જે કંઈ થઈ રહ્યું છે તેમાં અનેક લોકોનો સહયોગ છે. શાળા
વ્યવસ્થાપન સમિતિ અને શિક્ષણપ્રેમી ગ્રામજનોનો પણ અમને અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો
છે.
આમ
તો ગુજરાતનું શિક્ષણ ધંધાદારી થઈ ગયું છે, સડી ગયું છે, મોંઘુ
થઈ ગયું છે. શિક્ષણ ખાડે ગયું છે અને શૈક્ષણિક સંસ્થાઓ ફેક્ટરી બની ગઈ છે તેવું
ચિત્ર દેખાય છે. આવી સ્થિતિમાં આકરુંદની પ્રાથમિક શાળા રૂપેરી કોર જેવી સોહામણી
લાગે છે. ઈશ્વરભાઈ પ્રજાપતિ મોટું આશ્વસન અને આશા બની રહ્યા છે. જો ગુજરાતને આવા
થોડા વધુ ઈશ્વરભાઈ મળે તો ખાડે-અખાડે જતું શિક્ષણ પાછું આવે.
ઈશ્વરભાઈ
પ્રજાપતિ અને તેમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન અને પત્રકાર-લેખક દેવેન્દ્ર
પટેલને પણ અભિવંદન કે તેમણે અંગત રસ લઈને આ સમગ્ર પ્રકલ્પને વેગ આપ્યો.
(ઈશ્વરભાઈનો
સંપર્ક નંબર 9825142620 છે.)
(પોઝિટિવ મિડિયા માટે આલેખનઃ
રમેશ તન્ના - ૯૮૨૪૦૩૪૪૭૫)
No comments:
Post a Comment