Saturday, January 29, 2022

.... અને આઝાદ ભારતની પહેલી ફાંસી અંબાલા જેલમાં ગોડસેને અપાઈ

          ........ અને આઝાદ ભારતની પહેલી ફાંસી 

              અંબાલા જેલમાં ગોડસે અને આપ્ટેને અપાઈ 

              


           આજે ગાંધી બાપુની ૭૪મી પુણ્યતિથી છે.  અહિંસાના પૂજારી એવા બાપુને આખરે ગોળીએથી વીંધાવું પડ્યું. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સાંજના ૫.૪૦ વાગ્યે જવાહરલાલ નહેરુએ સત્તાવાર જાહેરાત કરી :  “બાપુ હવે આપણી વચ્ચે નથી.”  આ સમાચારથી સમસ્ત દેશ અને દુનિયાએ  આઘાતનો જબરજસ્ત આંચકો અનુભવ્યો. સમાચાર જાણ્યા એ ઘરોમાં ભાગ્યે જ એ સાંજે ચૂલો સળગ્યો ! આખો દેશ જાણે સુન્ન થઈ ગયો ! ગાંધીજીની હત્યા અને તે પછેના  ૨૨ મહિના બાદ  ગોડસેને અપાયેલ ફાંસી સુધીના આખા ઘટનાક્રમ પર સમગ્ર દેશ અને દુનિયા મીટ માંડીને બેઠી હતી.

          તારીખ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ની આ વાત છે. એ દિવસે પણ દિલ્હી કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું હતું. બપોર પછી તડકો નીકળ્યો. ગાંધીજી બીરલાહાઉસમાં નિવાસ કરતા હતા. ૧૩ જાન્યુઆરીથી ૧૮ જાન્યુઆરી સુધી  કોમી તોફાનો રોકવા કરેલા સળંગ ઉપવાસને કારણે બાપુ બીમાર અને કમજોર હતા. અશક્તિને કારણે પ્રાર્થના સભામાં જવા ટૂંકો રસ્તો પસંદ કર્યો. લોકો બાપુને નમસ્તે કહી રહ્યાં હતાં. ભીડમાં ગોડસે પણ હતો. ગોડસેએ પણ બાપુને નમસ્તે કર્યા, બાપુના ચરણ સ્પર્શ કરવાની કોશિશ કરી. બાપુ મનુ અને આભાના ખભા ઉપર હાથ મૂકી ચાલી રહ્યા હતા. તેમને કહ્યું “બાપુ કો આજ બહુત દેર હો ગઈ હૈ. રાસ્તા દીજીએ”. પરંતુ એ જ વખતે નથ્થુરામ ગોડસેએ મનુ-આભાને ધક્કો મારી ખસેડી દીધા અને બાપુ સામે પોઈન્ટ ૩૮ બેરેટા સેમી ઓટોમેટીક પિસ્તોલ તાકી ઉપરાઉપરી ત્રણ ગોળીઓ તેમની છાતી પર ધરબી દીધી. આ દૃશ્ય જોઈએ લોકો હેબતાઈ ગયા. કેટલાકે ગોડસે પર ગુસ્સો કર્યો, પરંતુ સાંજના ૫.૧૭ વાગ્યે બિરલા હાઉસની લોનમાં ‘હે રામ’ કહેતા ઢળી પડ્યા. આ વાતની ખબર પડતા સરદાર દોડતા આવ્યા. પરંતુ તેઓ બાપુ પાસે પહોંચે એ પહેલા બાપુએ તેમના  નેત્રો બંધ કરી દીધા હતાં. થોડી જ મીનીટોમાં પંડિત નહેરુ પણ આવી પહોંચ્યા. બાપુને બેહોશ હાલતમાં એક ઓરડામાં લઈ  જવાયા. સાંજના ૫.૪૦ વાગ્યે જવાહરલાલ નહેરુએ સત્તાવાર જાહેરાત કરી :  “ બાપુ હવે આપણી વચ્ચે નથી.”

           બાપુ પર ગોળી ચલાવ્યા બાદ ગોડસે ભાગ્યો નહિ. તેને પિસ્તોલ સાથે જ પકડી લેવામાં આવ્યો. ગોડસેને ઘટના સ્થળની બાજુમાં જ આવલા તુઘલક રોડ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો. રાત્રે ૯.૪૫ વાગ્યે ગોડસે વિરુદ્ધની એફ. આઈ. આર. નં. ૬૮   સબ ઇન્સ્પેક્ટર દુલારામે લખી. આ એફ.આર.આઈ. ઉર્દૂમાં લખવામાં આવી હતી. ઘટનાનાં સાક્ષી તરીકે નંદલાલ મહેતાએ નજરે જોએલી આખી એ ઘટનાનું પોલીસ સમક્ષ વર્ણન કર્યું. એ વખતે દિલ્હીના આઈજીપી ડી.વી. સંજીવની, તેમના ડેપ્યુટી ડી.વી. મહેતા અને ડી.એસ.પી. જશવંત સિંહ પણ હાજર હતા.  નંદલાલ મહેતાએ આપેલા બયાન પર તેમના હસ્તાક્ષાર લેવામાં આવ્યા. પોલીસે ઇન્ડિયન પીનલ કોડ ૩૦૨ હેઠળ ગુનો દાખલ કર્યો. નજરે જોનાર બીજા સાક્ષી તરીકે સરદાર ગુરુબચનસિંહે સહી કરી. દિલ્હી પોલીસ સંગ્રાહલયમાં ઉર્દૂમાં લખવામાં આવેલી આ એફ.આર.આઈ. આજે પણ સુરક્ષિત છે.

         લોકઅપમાં રહેલા ગોડસે સાથે એક પત્રકારે વાત કરી અને પૂછ્યું , “ શું આના વિષે કશું કહેવા માંગો છો ?”  ત્યારે ગોડસે એ કહ્યું “ અત્યારે એટલું જ કાજી શકું ચુ કે મને કોઈએ અફસોસ નથી. બાકીની બાબતો હું કોર્ટમાં કહીશ.”

         કોર્ટમાં સુનાવણી કરતા જજ જીડી ખોસલાએ વર્ષ ૧૯૬૫ માં સમગ્ર કેસ પર ‘The murder of Mahatma’  વિષય  આધારે  એક પુસ્તક લખ્યું હતું. જેમાં મહાત્મા ગાંધીની હત્યા અને ત્યાર પછીના કેસની વિગતો આપવામાં આવી છે.

          ગોડસેની ધરપકડ પછી તરત જ પોલીસે અન્ય કાવતરાખોરોની શોધ શરૂ કરી. તપાસ પાંચ મહિનામાં પૂરી થઈ ગઈ. ત્યાર પછી લાલ કિલ્લાની ટ્રાયલ કોર્ટે કેસની સુનાવણી શરૂ કરી. જેનું નેતૃત્વ ન્યાયાધીશ આત્મ ચરણ કરી રહ્યા હતા.

         જસ્ટીસ ખોસલા આ કેસની સુનાવણી કરતી ત્રણ જજની બેન્ચમાંથી એક હતા. કેસની ગંભીરતા અંગે તેઓ લખે છે કે : “ સામાન્ય રીતે હાઈ કોર્ટ નાં નિયમો અનુસાર હત્યા નાં કેસની સુનાવણી બે જજ ની બેંચ  કરતી હતી. પરંતુ આ કેસ એટલો સંવેદનશીલ હતો અને સાક્ષીઓ અને પુરાવા એટલા બધા હતા કે મુખ્ય ન્યાયાધીશે ત્રણ ન્યાયાધીશોની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો. આ બેન્ચમાં જસ્ટીસ ભંડારી, જસ્ટીસ અછુરામ અને હું ( જી.ડી ખોસલા ) સામેલ હતા. મામલાની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને અમે નકી કર્યું છે કે અમે જૂની પરમાંપરાનું પાલન નહિ કરીએ. અમે ન્યાયાધીશો દ્વારા પહેરવામાં આવતી વિગ પણ પહેરી ન હતી.”

         જસ્ટીસ ખોસલા લખે છે : “ ગોડસેએ વકીલ લેવાની ના પાડી. અને પોતાનો કેસ પોતે લડ્યો.”

        ૨ જી મે ૧૯૪૯ નાં રોજ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ.  આઠ મહિના સુધી કેસ ચાલ્યો જેમાં ફરિયાદી પક્ષામાં ૧૪૯ સાક્ષીઓની જુબાની લેવાઈ. ટ્રાયલ કોર્ટે ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૯ નાં રોજ પોતાનો ચુકાદો આપ્યો. જેમાં નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને મૃત્યુ દંડની સજા સંભળાવવામાં આવી હતી. અન્ય છ ( ગોડસેનો  ભાઈ ગોપાલ ગોડસે  સહીત ) કાવતરાખોરોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ નિર્ણય સામે દોષિતોએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગોડસે એ પોતાને મળેલી સજા સામે અપીલ કરી ન હતી.  તેણે તેની સામેના હત્યાના આરોપને પડકાર્યો પણ નહિ ! ગોડસેએ હાઈ કોર્ટમાં દલીલ કરી હતી કે ‘આ કોઈ કાવતરું ન હતું. હત્યા માટે પોએ એકલો જ જવાબદાર છે. સહ આરોપીયો નિર્દોષ હતા. તેમને છોડવા જોઈએ.’

         કોર્ટે ૨૧ જૂન, ૧૯૪૯ના રોજ ૩૧૫ પાનાનો ચુકાદો આપ્યો હતો. જેમાં ગોડસે અને આપ્ટેની મૃત્યુ દંડની સજા યથાવત રાખવામાં આવી હતી. તે સમયે બ્રિટીશ સંસદનો એક પ્રીવી કાઉન્શીલનો એક ભાગ હતો જ્યાં ગોડસેએ અપીલ કરી હતી. આ અપીલ પણ ૨૬ ઓક્ટોબર ૧૯૪૯ નાં રોજ ફગાવી દેવામાં આવી હતી. અને ફાંસી આપવા માટે ૧૫ નવેમ્બર ૧૯૪૯ ની તારીખ નક્કી કરવામાં આવી હતી.

           ફાંસીના ચુકાદા બાદ દેશ-વિદેશમાંથી એવા અનેક પત્રો આવ્યા, જેમાં હત્યારાઓ ને ફાંસીની સજા ન કરવા વિનંતી કરવામાં આવી હતી.  નારાયણભાઈ દેસાઈએ તેમના  પુસ્તક 'મારું જીવન એ જ મારી વાણી -૪' માં નોધ્યું  છે કે " ગાંધીજીના અસ્થી વિસર્જન પછી જુગતારામ (દવે ) ની પ્રરણાથી આસપાસના ૨૮ ગામોમાંથી એકથી થયેલી મેદની એ ઠરાવ કર્યો કે આઝાદ ભારત દેશમાંથી સજા-એ-મોત ની પરંપરા દૂર કરવાનો આરંભ ગાંધીના ખૂનીને ફાંસી ન દઈને થાય ." 

           ગાંધી હત્યા વિશેની સરકારી ફાઈલમાં સજા માફી માટેના કેટલાક પત્રો સચવાયેલા છે. સજા માફી ની વિનંતીઓમાં નોધનીય રજૂઆતો ગાંધીજીના બે પુત્રોની છે.  ડરબનથી મણીલાલ ગાંધીએ ગવર્નર જનરલને તાર કરી ગોડસેની સજા માફા કરવા વિનંતી કરી હતી.  ગાંધીજીનાં મૃત દેહને અગ્નિ દાહ આપનાર તેમન પુત્ર રામદાસ ગાંધીએ ગૃહ મંત્રી સરદાર પટેલને પત્ર લખ્યાની નોધ અણમોલ વિરાસત પુસ્તકમાં આ પ્રમાણે છે. "ગોડસેને ફાંસીની સજા કરવી, એ  બાપુજીની અહિંસાથી ઉલટું થશે અને એમાંના આત્માને કલંક થાશે. ગોડસેના મૃત્યુ થી બાપુ ફરી જીવતા થવાના નથી. અમે દુખી છીએ, પણ વેર લઈને શું કરવાનું ? અને કોની સામે વેર લેવાનું ? નથુરામ તો ફક્ત નિમિત્ત હતો. એટલે વેરેની હિંસા જગાડીને આપણે બાપુજીની જીવનભર ની સાધના નો ક્ષય કરવો જોઈએ નહિ. આમ કરવાથી અહિંસાના પૂજારીનું અપમાન થશે." 

            ગોડસેના પરિવારે તાત્કાલિન રાજ્યપાલ રાજગોપાલાચારી સમક્ષ  દયાની અરજી દાખલ કરી હતી. ૫ મી નવેમ્બર ૧૯૪૯ નાં રોજ રાજગોપાલાચારી સમક્ષ દયાની અરજી આવી.  ૭ નવેમ્બરે તેમણે તેને ફગાવી દીધી. અને  ૧૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ આઝાદ ભારત દેશની પહેલી  ફાંસી  અંબાલા જેલમાં નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને આપવામાં   આવી હતી.            સુપ્રસિધ વિદ્વાન એફ.આર.મોરેસે લખ્યું છે કે “ ગાંધીજીના જીવન કાર્યને આવનાર  પેઢીઓ જ્યારે મૂલવવા બેસશે ત્યારે રાજકીય નેતા કરતાં માનવા પ્રેમી તરીકેનું મૂલ્ય કદાચ ઊંચું આંકે એવું બને.” અને વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્ર પટેલ લખે છે કે  “ યાદ રહે કે કોઈએ ગાંધીજીની હત્યા કરી  શકશે પરંતુ ગાંધી વિચારધારાની નહિ.”

(સંદર્ભ : ગાંધીજી એક ખોજ : દેવેન્દ્ર પટેલ, The murder of Mahatma Gandhi : G.D. Khosala)

 - ઈશ્વર પ્રજાપતિ 

 


6 comments:

  1. માહિતી વિશેષ ની શ્રેણી માં અગ્રીમ આર્ટિકલ.

    ❤️🙏✔️

    ReplyDelete
  2. આપની લેખન શૈલી થી પ્રભાવિત થનારા લોકોમાં મારું નામ પણ જોડાજો
    Information conjugate with great expression technique

    ReplyDelete