સુભાષચંદ્ર બોઝ અને એમિલી શેંકલની દિલચસ્પ પ્રણયકથા
"મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. થઇ શકે કે હું તને ક્યારેય જોઈ શકું નહિ.
પણ વિશ્વાસ કરો તમે મારા હદયમાં રહો છો." : નેતાજી સુભાષચંદ્ર બોઝ
આજે
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી છે. નેતાજીના જીવન અને મૃત્યુ અંગે કેટલીક
હકીકતો રહસ્ય જ રહી. આજદિન સુધી કેટલાક રહસ્યો પરથી પડદો ઊંચકાઈ શક્યો નથી. ક્રાંતિપુરુષના
જીવન મધ્યાહને પાંગરેલી અનોખી પ્રણયકથા અને વિવાહિત જીવન વિષે બહુ ઓછા લોકો જાણે છે.
નેતાજીના મોટાભાઈ શરતચંદ્ર બોઝના પુત્ર
શિશિર કુમારનાં પત્ની અને ત્રણવાર સંસદસભ્ય બનેલાં કૃષ્ણા બોઝે સુભાષચંદ્ર અને
એમિલીની પ્રેમકથા વિશે 'અ ટ્રુ લવ
સ્ટોરી-એમિલી એન્ડ સુભાષ'
પુસ્તક
લખ્યું છે. સુભાષચંદ્ર
અને એમિલી શેંકલ વચ્ચેના પ્રેમસંબંધનું દિલચસ્પ વિવરણ તેમાં લખેલું છે.
ઈ.સ. 1934નાં વર્ષની આ વાત છે. સુભાષચંદ્ર બોઝ તે
સમયે ઓસ્ટ્રેયાની રાજધાની વિયેનામાં હતા. આ દરમિયાન તેમને એક યુરોપિયન પ્રકાશને ‘ધ
ભારતીય સ્ટ્રગલ’ પુસ્તક લખવાનું કામ સોંપ્યું. અનેક વ્યસ્તતા વચ્ચે પુસ્તક લેખન માટે
નેતાજી પાસે સમય રહેતો ન હતો. એટલે પોતે બોલે
એ ઝડપે અંગ્રેજી ટાઇપિંગ કરી શકે એવા સહયોગીની જરૂર પડી. સુભાષચંદ્ર બોઝના દોસ્ત ડૉ. માથુરે બે લોકોના રેફરન્સ આપ્યા. બંનેને ઇન્ટરવ્યુ માટે
બોલાવ્યા પરંતુ ઇન્ટરવ્યુ સમયે નેતાજી સંતુષ્ટ થયા નહિ ત્યાર પછી બીજા ઉમેદવારને
ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા.
તારીખ 24 જૂન, 1934ના રોજ એક પ્રભાવશાળી મહિલા એમિલી શેંકલ નોકરી માટેનું ઇન્ટરવ્યુ આપવા આવ્યાં હતાં. તેઓ સારૂ ઇંગ્લિશ જાણતાં હતાં. અને શોર્ટહેન્ડ પણ આવડતું હતું. તેઓ ઇન્ટરવ્યુમાં પાસ થઇ ગયાં અને નેતાજીને પુસ્તક
લખવામાં મદદ કરવા લાગ્યાં. એ વખતે એમિલી 23 વર્ષનાં હતાં. સુભાષચંદ્ર બોઝ 37 વર્ષના હતા.
પોતાની
દીકરી કોઈ ભારતીયને ત્યાં કામ કરે એ એમિલીના પિતાને પસંદ ન હતું પણ તેઓ સુભાષચંદ્ર
બોઝને મળ્યા ત્યારે તેઓ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા.
એમિલી જુન 1934થી સુભાષચંદ્ર બોઝની સાથે કામ કરવાનું શરુ કર્યું. નેતાજીના જીવનમાં પ્રવેશેલાં એમિલીના આગમનથી નેતાજીના જીવનમાં એક નવા જ પ્રકરણની શરૂઆત થવાની હતી, જેની કોઈએ કલ્પના પણ કરી હતી નહિ. .
સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ શરતચંદ્ર બોઝના પૌત્ર
સુગત બોઝને સુભાષચંદ્ર બોઝના જીવન પર ‘હિજ મેજેસ્ટી અપૉન્ટ–સુભાષચંદ્ર બોઝ એન્ડ
ઇન્ડિયાઝ સ્ટ્રગલ અગેસ્ટ એમ્પાયર’ નામનું પુસ્તક લખ્યું છે. આમાં તેમણે લખ્યું છે
કે એમિલીને મળ્યા પછી નેતાજીના જીવનમાં નાટકીય પરિવર્તન આવ્યું.
સુગત બોઝના મત અનુસાર આ પહેલા સુભાષચંદ્ર બોઝને લગ્ન માટે કેટલીય ઓફર મળી હતી. પરંતુ તેમને એકમાં પણ દિલચસ્પી બતાવી નહી. પરંતુ એમિલીની ખુબસુરતીએ સુભાષચંદ્ર બોઝ પર જાદુ કરી દીધું હતું. સુગત બોઝે પુસ્તકમાં એમિલીને ટાંકીને જણાવ્યું છે કે "પ્રેમની પહેલ સુભાષચંદ્ર બોઝે કરી હતી અને ધીમે-ધીમે અમારો સંબંધ રોમૅન્ટિક થતો ગયો હતો."
સુભાષચંદ્ર બોઝ અને એમિલી એક બીજાને બેપનાહ પ્રેમ કરતાં હતા. 1934 થી 1945 વચ્ચે બનેનો સાથ 12 વર્ષનો રહ્યો. અને બને સાથે 3 વર્ષથી ઓછું સાથે રહ્યા. મિહિર બોઝે પોતાના એક પુસ્તકમાં નોધ્યું છે કે 1934 થી 1942 દરમિયાન નેતાજીએ 180 પત્રો લખ્યા હતા.
એમિલીને
લઈને તેમની લાગણી કેવી હતી તે તેમના પત્ર દ્રારા જાણી શકાય છે. આ પત્ર એમિલીએ પોતેજ
શરતચંદ્ર બોઝના પુત્ર શિષિરકુમાર બોઝની પત્ની ક્રિષ્ના બોઝને આપ્યા હતા.
5 માર્ચ, 1936 ના રોજ લખાયેલ પત્ર
આ રીતે શરૂ થાય છે.
"માય ડાર્લિંગ,
સમય આવતા હિમપ્રવાત પણ ઓગળે છે, એવો ભાવ મારી અંદર
છે. હું તમને કેટલો પ્રેમ કરું છું, એ કહેવા માટે હું કંઇક લખતા રોકી શકતો નથી.. જેમ આપણે એકબીજામાં
કહીએ છીએ, માય
ડાર્લિંગ, તમે મારા
હૃદયની રાણી છો.પરંતુ તમે પણ મને પ્રેમ કરો છો.
મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. કદાચ આખી જિંદગી
જેલમાં રહેવું પડે, મને ગોળી
મારે અથવા મને ફાંસીએ લટકાવી દે. થઇ શકે કે હું તને ક્યારેય જોઈ શકું નહિ. પણ
વિશ્વાસ કરો તમે મારા હદયમાં રહો છો. તમે મારા વિચારો અને મારા સપનામાં રહેશો. જો
આપણે આ જીવનમાં મળતા નથી તો પછી હું તમારી સાથે આગામી જીવનમાં રહીશ.”
સુભાષચંદ્ર બોઝે આ પત્રને નષ્ટ કરવાની
વિનંતી પણ કરી હતી, પરંતુ
એમિલીએ પત્ર સંભાળીને રાખ્યો હતો.
એમિલીએ કૃષ્ણા બોઝને જણાવ્યા અનુસાર, એમિલીના 27મા જન્મદિવસે-1937ની 26 ડિસેમ્બરે તેમનાં લગ્ન થયાં હતાં. લગ્ન વખતે સામાન્ય ભારતીય નવોઢાની માફક પોતે પણ સેંથીમાં સિંદૂર પૂર્યું હતું. જોકે, બન્નેએ એ લગ્નને ગુપ્ત રાખવાનો નિર્ણય કર્યો હતો.
બનેના પ્રેમની નિશાની રૂપે 29 નવેમ્બર 1942ના રોજ એક પુત્રી જેનો જન્મ થયો. જેનું નામ અનીતા રાખવામા આવ્યું. સુભાષચંદ્ર તેમની પુત્રીનું મોં જોવા માટે 1942ના ડિસેમ્બરમાં વિયેના ગયા હતા. એ પછી તેમણે એમિલી તથા અનિતાની માહિતી આપતો પત્ર શરતચંદ્ર બોઝને બંગાળી ભાષામાં લખ્યો હતો. નેતાજી ત્યાર બાદ મિશન પર નીકળી ગયા હતા અને એ પછી તેઓ ક્યારેય પાછા ફર્યા ન હતા.
એમિલી શેંકલે ક્યારેય બોઝનાં પત્ની હોવાની ઓળખ ઉજાગર નહીં કરી. તેઓ પોતાની પુત્રીને લઇને ઑસ્ટ્રિયામાં જ રહ્યાં. અને જીવનનિર્વાહ માટે એક તારઘરમાં નોકરી કરતાં રહ્યાં. દીકરી અનિતા બોઝે ઘણા સમય બાદ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે એમાનાં માતાને પણ બોઝના મૃત્યુની ખબર અન્ય લોકોની જેમ રેડિયો સમાચારથી મળી હતી.
એમિલી શેંકલે એક નાની ટેલિગ્રામ ઓફિસમાં કાર્યરત રહીને તેમણે અનિતાનો ઉછેર કર્યો અને જર્મનીનાં વિખ્યાત અર્થશાસ્ત્રી બનાવ્યાં. એમિલી શેંકલ સુભાષચંદ્ર બોઝની યાદોના સહારે 1996 સુધી જીવતાં રહ્યાં હતાં. વિયેના ખાતે 13 માર્ચ 1996માં 85 વર્ષની ઉંમરે એમિલીએ અંતિમ શ્વાસ લીધા હતા.
સુભાષચંદ્ર બોઝ અને એમિલીનાં પુત્રી અનિતા બોઝ એક જર્મન અર્થશાસ્ત્રી છે અને
ઑગ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યાં છે. અનીતા બોઝે “નેતાજી સુભાષચંદ્ર
બોઝ એન્ડ જર્મની” નામનું પુસ્તક પણ લખ્યું છે. જેનું લોકાર્પણ ભારતના
તાત્કાલિન મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે
કરવામાં આવ્યું હતું. અનીતા બોઝ અને એમનો પતિ પ્રો. માર્ટિન ફાફ જર્મનીના રાજકારણમાં સક્રિય
છે. અનિતા બોઝને એક પુત્ર- પીટર અરુણ અને બે પુત્રી- થોમસ કૃષ્ણા અને માયા કૈરીના
છે.
નેતાજીની 125મી જન્મજયંતીનાં ઐતિહાસિક દિને ભારતના સ્વતંત્ર
સંગ્રમના ઐતિહાસિક સ્મારક ઈન્ડીયા ગેટ પાસે નેતાજીની ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ ભારતના યશસ્વી વડાપ્રધાન
નરેંદ્ર મોદીજીના હસ્તે થઈ રહ્યું છે. સમસ્ત ભારતવર્ષ માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ પ્રસંગે પોતાના પરિવાર સાથે જર્મનીમાં રહેતાં
અનીતા બોઝે પ્રસન્નતા વ્યક્ત કરી છે.
વિરલ વિભૂતિને કોટી કોટી વંદન.
જય હિન્દ.
- ઈશ્વર પ્રજાપતિ
Nice sir..👌👌👍👍
ReplyDeleteसुन्दर म् लिखितम् अस्ति। अभिनन्दनम् ददामि इति।
ReplyDelete