માય ફ્રેન્ડ ઠાકોરભાઈ
આદરણીય દેવેન્દ્ર પટેલ સર લિખિત "માય ફ્રેન્ડ ઠાકોરભાઈ " હાથ લાગ્યું. વાચવાનું શરૂ કર્યા પછી પુસ્તક પૂર્ણ ન થયું ત્યાં સુધી એને છોડી શક્યો નહિ, એટલી સરળ અને રસાળ શૈલીમાં લખાયેલ આ પુસ્તકનો આસ્વાદ અહી પ્રસ્તુત છે.
વોશિંગ્ટન પોસ્ટના તંત્રી કેથેરાઈન ગ્રેહામે લખ્યું છે કે "We are not here to be popular, not to be respected, we are here to be belive." અર્થાત પત્રકારત્વ એ લોકપ્રિય થવા માટે કે માન સન્માન પામવા માટેની વ્યવસાય નથી. પરંતુ લોકો તમારી વાતમાં વિશ્વાસ મૂકે તેવી વિશ્વસનીયતા હાંસલ કરવાનો વિષય છે.
ગુજરાતથી માંડી અમેરિકાનું પત્રકારીતા જગત એક સાથે ગૌરવ લઈ શકે એવું ગૌરવંતુ એક નામ એટલે ઠાકોરભાઈ પટેલ..
ચરોતરના સુણાવથી શરૂ કરેલી સંઘર્ષ પૂર્ણ જીવનયાત્રાને આપ બળે ઝઝૂમીને એક નવી ઊંચાઈ પર લઈ ગયા. સુણાવથી તલોદ. તલોદ થી અમદાવાદ અને અમદાવાદથી અમેરિકા સુધીની ઠાકોરભાઈ પટેલની શાનદાર જીવનસફરને આદરણીય દેવેન્દ્ર પટેલ સરે શબ્દબદ્ધ કરી સુંદર પુસ્તક પ્રગટ કર્યું છે. સરળ છતાં રસાળ શૈલીમાં આ પુસ્તક પ્રગટ કરી દેવેન્દ્ર પટેલ સરે ઠાકોરભાઈ સાથેની પચાસ વર્ષની મૈત્રીનું ઋણ અદા કર્યું છે.
સાધારણ પરીવારમાંથી આવતા શિક્ષકપુત્ર ઠાકોરભાઈ પટેલ જીવન ઝંઝાવાતોમાંથી સ્વબળે આગળ આવ્યા.
આ પુસ્તકમાં લેખકે ઠાકોરભાઈના બાળપણથી લઈ યુવાનીના સંઘર્ષકાળના દિવસોને આબેહૂબ અલખ્યા છે.
દેશ વિદેશની રાજનીતના અભ્યાસુ ઠાકોરભાઈ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓ પર ગજબનું પ્રભુત્વ ધરાવતા. સ્થાનિક પત્રકારો, સાહિત્ય કારો અને રાજનેતાઓ સાથે તેમનો અંગત ઘરોબો તો હતો જ પણ સાથે સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ અને સિલિબ્રિટીઝ સાથે તેમના ગાઢ સંબંધો રહ્યા છે.
વીજળી કંપનીમાં કેશિયર તરીકે, કામદારોના બાહોશ નેતા તરીકે, નીડર પત્રકાર તરીકે અને પરિવાર ના મોભી તરીકેની અનેકવિધ જવાબદારીઓ સુપેરે પાર પાડી. તેમનાં પત્ની સરલાબેન અને તેમની ત્રણ દીકરીઓ સોનલ, રૂપલ અને તેજલ સાથે તેઓ અમેરિકા સ્થાઈ થયા. એમ છતાં ગુજરાત સાથેનો નાતો કાયમ માટે યથાવત રહ્યો. પોતાની ત્રણ દીકરીઓ ઉપરાંત તેઓ પાલ્ય પુત્રી જયશ્રી બેનના પાલ્ય પિતા તરીકેની ફરજ અદા કરી..
સત્ય વાત રજૂ કરવામાં કોઈની સડાબારી રાખતા નહીં. એક જમાનાના રાજનેતાના પ્રશંસા કરતો આર્ટિકલ લખનાર ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારને ચોટદાર ખુલ્લો પત્ર લખવાનું સાહસ ઠાકોરભાઈ જેવા નીડર પત્રકાર જ કરી શકે.
ઠાકોરભાઈના જીવન પરિચય પામવા આ પુસ્તક ઉપયોગી થશે જ સાથે સાથે નવોદિત સર્જકો માટે અભ્યાસ કરવા જેવું પુસ્તક છે. પત્રકારીતા ક્ષેત્રમાં પ્રદાન કરવા ઇચ્છતા તમામ યુવાનોએ ગાંઠે બાંધવા જેવી વાતો લેખકે સુંદર રીતે પ્રસ્તુત કરી છે.
લેખક લખે છે. :
"પત્રકાર અને સાહિત્યકાર વચ્ચે એક ભેદરેખા છે. બંને વચ્ચે કોઈ સમાન વાત હોય તો તે 'શબ્દ' છે. શબ્દ એ સાહિત્યનું માધ્યમ છે. અને શબ્દ એ જ પત્રકારત્વનું માધ્યમ છે. એથીય આગળ વધીને એમ કહી શકાય કે શબ્દ એ સાધન છે સાધ્ય નથી. પત્રકારત્વ નો મૂળ હેતુ માહિતીનું પ્રદાન અને પૃથક્કરણ છે. એમ કરવા માટે શબ્દના વૈભવની જરૂર નથી.
અઘરમાં અઘરી વાત સરળતાથી કહેવામાં આવે તે પ્રત્રકારત્વનો પહેલો સિદ્ધાંત છે. વિચારો અને માહિતીની સ્પષ્ટતા એ બીજો સિદ્ધાંત છે. ઓછામાં ઓછા શબ્દોમાં વધુ વાત કહેવી તે ત્રીજો સિદ્ધાંત છે. એકની એક વાત નું પુનરાવર્તન ન કરવું તે ચોથો સિદ્ધાંત છે. લોકપ્રિયતા માટે જ ન લખવું તે પાંચમો સિદ્ધાંત છે. માહિતી ની ચકાસણી કરી આધારભૂત લખવું તે છઠ્ઠો સિદ્ધાંત છે. વાંચકો નો વિશ્વાસ કદી ન ગુમાવવો એ સાતમો સિદ્ધાંત છે. નીડરતા લખવું તે આઠમો સિદ્ધાંત છે. કડવામાં કડવી વાત સભ્ય ભાષામાં લખવી તે નવમો સિદ્ધાંત છે. સૌંદર્ય અને બિભત્સતા વચ્ચે પાતળી ભેદરેખા છે તે સમજીને એ મર્યાદાનો લોપ કદી ના કરવો તે દસમો સિદ્ધાંત છે."
આદરણીય ઠાકોરભાઈ તો હાલ આપણી વચ્ચે હયાત નથી પણ તેમના શબ્દ કર્મ થકી સદાય જીવંત રહેશે.
- ઈશ્વર પ્રજાપતિ
સપર્ક : 9825442620
No comments:
Post a Comment