Saturday, December 12, 2020

ભરોસાની ભેંસે આખરે પાડો જણ્યો.

ભરોસાની ભેંસે આખરે પાડો જણ્યો.
      આ કહેવતે વર્ષોથી પોતાની યથાર્થતા સાબિત કરતી આવી છે. એચ. ટાટ માટે બનવા જઈ રહેલા નિયમો માટે આ કહેવત પુનઃ યથાર્થ પુરવાવર થવા જઈ રહી છે. ગુજરાતના પાંસઠ હજાર શિક્ષકોની 4200 ગ્રેડ પેની માંગણી સ્વીકારી ગુજરાતની "અતિ સંવેદનશીલ" સરકારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષકોની લાગણીને સમજી સરકારશ્રીના આ મહત્વ પૂર્ણ નિર્ણય લેવા બદલ આભાર માનીએ એટલો ઓછો છે. પરંતુ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો પણ પોતાના હકો માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. ત્યાં જ સરકારે કોથળામાંથી બીલડું કાઢ્યું. 
       મળતી માહિતી મુજબ હવે એચ ટાટ આચાર્ય વહીવટી પોસ્ટ નહીં પરંતુ શૈક્ષણિક કેડર જ ગણાશે. તો પ્રશ્ન એ છે કે ભરતી સમયે હથેળીમાં ચાંદ બતાવી આ કેડર જ અલગ છે એવા દીવાસ્વપ્નો શું કામ બતાવ્યા?? હવે સરકાર જે નિર્ણય થઈ રહી છે એમાં સૌથી વધુ જવાબદારી વાહન કરતા એચ. ટાટ આચાર્યને જ સૌથી વધુ આર્થિક નુકસાન વેઠવાનું આવે તો નવાઈ નહીં. ગુજરાતીમાં પ્રચલિત કહેવત છે કે સૌથી વધું ખીલ્લા ઘરના મોભને જ સહન કરવા પડતા હોય છે. આ કહેવત મુખ્ય શિક્ષક એટલેકે Htat કેડરને બરાબર બંધ બેસે છે. 
      RTE - 2009 ના નોર્મસ પ્રમાણે શાળામાં મુખ્ય શિક્ષકની ભરતીની ભલામણ કરવામાં આવી. આ નિયમ લાગુ પડતાં તેજસ્વી અને ઉત્સાહી સારસ્વત મિત્રો અતિ ઉત્સાહમાં આવી શાળા અને શિક્ષણને ઉત્કૃષ્ઠ બનાવવાના સોનેરી સપના સજાવવા લાગ્યા. અધૂરામાં પૂરું સરકારે પણ ઉજ્વળ ભવિષ્યનાં સપનાં બતાવ્યાં. પરિણામ સ્વરૂપે શિક્ષકોએ એચ.ટાટની પરીક્ષા પાસ કરી પોતાની કાબેલિયત પુરવાર કરી પોતાના વતન નજીકની શાળાઓ છોડીને દૂરની શાળાના આચાર્ય તરીકે નિયુક્તિ પામ્યા. પોતાની માંગણીઓ કે હકની પરવા કર્યા વિના પોતાની શાળાની શૈક્ષણિક ગુણવત્તાને ઉત્કૃષ્ઠ બનાવવા જાત નીચોવી દીધી. અને રાજ્ય સરકારે જે ભરોસાથી શાળાઓમાં એચ.ટાટ આચાર્યની ભરતી કરી હતી એ વિશ્વાસને મુખ્ય શિક્ષકોએ બરકરાર રાખ્યો. પ્રામાણિકતાથી ફરજ પાલન કરવું એ તો દરેક કર્મચારીઓનો પ્રથમ ધર્મ છે. એમાં બેઇમાની ન જ ચલાવી લેવાય એ વાત સાથે શત પ્રતિસત સહમત. પરંતુ જેટલી કડકાઈ ફરજ પાલન બાબતે બતાવાય છે એટલી જ માનવતા ભર્યો અભિગમ એના હકો પણ આપવા માટે પણ દાખવવો જોઈએ કે નહીં??? એચ. ટાટ કેમ અને કોની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે એ સમજાતું નથી. વર્ષો વીતતાં ગયાં એમ છતાં નિયમોનું મનઘળાંત સ્પષ્ટીકરણ થતાં મુખ્ય શિક્ષકો હાલ મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઠરાવ ક્રમાંક પીઆરઇ/112010/2507/ક 16/6/2011 અનુસાર મુખ્ય શિક્ષક ગ્રેડ પે 4400 ઠરાવવામાં આવ્યો હતો. જે 21/3/2012 ના રોજ સુધારો કરી ગ્રેડ પે 4200 કરી દેવામાં આવ્યો. શુ મુખ્ય શિક્ષકને 4400 ગ્રેડ પે ન મળી શકે?? જો એમ ના થાય તો સળંગ નોકરીની ગણતરી પ્રમાણે આગામી વર્ષોમાં સરખી સિનિયોરિટી ધરાવતા આસિસ્ટન્ટ ટીચરનો પગાર મુખ્ય શિક્ષક કરતાં વધુ હશે. સરખી નોકરી છતાં વેતનમાં અસમાનતાનો કોઈ ઉકેલ આવશે ખરો? 
     થોડા સમય પહેલાં જ મુખ્ય શિક્ષકો પર વધનો વજ્રઘાત થયો. અને એના કારણે કેટલાક મુખ્ય શિક્ષકોને તો પોતાની મૂળ શાળાથી 100 -150 કિલોમીટર દૂરની શાળામાં જવું પડ્યું. હવે મુખ્ય શિક્ષક ન રહ્યો ઘરનો કે ન રહ્યો ઘાટનો! હવે મૂળ શાળામાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા પણ છે એમ છતાં 100 - 150 કિલોમીટર દૂર ગયેલા મુખ્ય શિક્ષકને મૂળ શાળામાં પરત આવવાનો લાભ ક્યારે મળશે?? પોતાની વાત કરે તો કોને કરે?? આખા રાજ્યના મુખ્ય શિક્ષકોનું સંખ્યાબળ પણ ઓછું. એટલે કોઈએ એમની મુંજવણ સાંભળવાની પણ તસ્દી ન લીધી. ઉજ્જવળ ભવિષ્યની આશાએ મોટા ઉપાડે મુખ્ય શિક્ષક તો બની ગયા પણ આખરે ફાયદો શું?? મુખ્ય શિક્ષકો એ પિતાના હકો કે માંગણીઓ માટે આજદિન સુધી કોઈ આંદોલનનો માર્ગ પસંદ નથી કર્યો. હંમેશા સરકાર અને શિક્ષણના હિતમાં પુરી પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે. ત્યારે એચ.ટાટ મુખ્ય શિક્ષકની કેડર ઉપેક્ષિત ન બની રહે એ માટે યોગ્ય પગલાં લેવાય એ જ અપેક્ષા હોય ને!   
      રાજ્યભરના Htat મુખ્ય શિક્ષકો ક્યારે સમજશે કે दुसरो के कंधे पे सिर्फ जनाजे निकलते है। અન્ય સંઘોને ભરોસે તમારું ભલું ક્યારેય નથી થવાનું. તમારા હક્ક માટે તમારે જ સંઘઠિત થવું પડશે. બાકી કોઈ માઈનો લાલ તમને હક નહીં અપાવે. હા, જાહેરમાં ઠાલાં આશ્વાસનો જરૂર આપશે. ઠાલાં આશ્વાસનથી હજી ક્યાં સુધી ભરમાં રહેશો?? "તમારા હકોની લડાઈ કોઈ બીજો લડશે" कहता भी दीवाना सुनता भी दीवाना। હવે તો જાગો એક બનો નેક બનો. સમગ્ર દેશમાં તમામ ક્ષેત્રોમાં ગુજરાત રાજ્ય એક આદર્શ મોડેલ પૂરું પાડી રહ્યું છે ત્યારે શાળામાં પટાવાળાથી માંડી પ્રિન્સિપાલ સુધીના તમામ કામો નિષ્ઠા પૂર્વક કરતા મુખ્ય શિક્ષકોના હકો બાબતે પણ હકારાત્મક પગલાં લઈ અન્ય રાજ્યો માટે એક આદર્શ પૂરો પાડશે એ જ અદમ્ય શ્રદ્ધા સાથે જય જય ગરવી ગુજરાત.

 

  

 




 

 

3 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts