Sunday, March 10, 2024

93 વર્ષની અમેરિકન વૃદ્ધ મહિલાએ કહ્યું. “મારે કોલેજને ડોનેશન આપવું છે.”


93 વર્ષની અમેરિકન વૃદ્ધ મહિલાએ કહ્યું. “મારે કોલેજને ડોનેશન આપવું છે.”



અમેરિકાના બ્રોન્ક્સમાં આવેલી વિખ્યાત આલ્બર્ટ આઈન્સ્ટાઈન કોલેજ ઓફ મેડિસનમાં અભ્યાસ કરવો હોનહાર વિદ્યાર્થીઓનું સ્વપ્ન હોય છે. વૈશ્વિક મેરીટ લીસ્ટ જોતા પ્રવેશ મેળવવો તો અઘરો છે જ પણ ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેઓ પ્રતિભા છતાં આ કોલેજની ખૂબ ઊંચી વર્ષના ૫૯૦૦૦ ડોલર ફી ભરવા સક્ષમ નથી. તેઓનું તો સ્વપ્ન રોળાય છે પણ સમાજ એક આવા ડોકટરની વંચિત રહે છે. અમેરિકા અને યુરોપની કેટલીક કોલેજની ફી મોંઘી હોય છે તેનું કારણ ત્યાં ઉપલબ્ધ લાઇબ્રેરી, વિદ્વાન પ્રોફેસરની ફેકલ્ટી, લેબ અને સંશોધનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્ચર હોય છે. આપણી જેમ સંચાલકો વિદ્યાર્થીઓને કંઈ આપ્યા વગર રાજકીય સાંઠગાંઠ સાધીને શિક્ષણને ધંધો નથી સમજતા.

થોડા દિવસો અગાઉ એક ઉદાહરણીય ઘટના બની. આઈન્સ્ટાઈન કોલેજના અધ્યક્ષની ઓફિસમાં એક વૃદ્ધ મહિલાએ પ્રવેશ કર્યો અને તેમણે તેનો પરિચય આપતાં કહ્યું કે 'મારું નામ રુથ ગોટ્ટેસ્માન છે અને હું આ જ કોલેજમાં ભૂતપૂર્વ મહિલા પ્રોફેસર તરીકે રહી ફરજ બજાવી ચૂકી છું.'

આ નિવૃત્ત મહિલા પ્રોફેસરની વય ૯૩ વર્ષની હતી તેથી સ્વાભાવિક છે કે વર્તમાન કોઈ સ્ટાફને તેનો પરિચય ન હોય. વૃદ્ધ મહિલાએ તેનો પરિચય આપીને સીધી મૂળ વાત પર જ આવતા સાવ ટુંકમાં જ કોલેજના અધ્યક્ષને કહ્યું કે 'મારા પતિનું થોડા દિવસો પહેલા મૃત્યુ થયું છે અને તેઓ તેમની વસિયતમાં તેનું રોકાણ અને તેની બચત મારા નામે કરતા ગયા છે અને તેમણે વસિયતમાં લખ્યું છે કે આ રકમ તારી, તારે આ રકમનું જે કરવું હોય તે કરજે.' એટલે હું આ કોલેજને ડોનેશન આપવા આવી છું.'

કોલેજમાં તો આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બે પાંચ લાખ ડોલર કે બહુ તો દસ લાખ ડોલર પણ ડોનેશન આપવા આવતા હોય તેથી અધ્યક્ષને કંઈ નવું ન લાગ્યું.

વૃદ્ધ ભૂતપૂર્વ મહિલા પ્રોફેસરે કહ્યું કે 'આ કોલેજનું મેડિકલ શિક્ષણ શ્રેષ્ઠ છે પણ અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં વિદ્યાર્થી પર બે લાખ ડોલર સુધીનો બોજ થઈ ગયો હોય છે. તે ડોકટર અને તેના પરિવારની આખી જિંદગી આર્થિક ભીંસમાં પસાર થતી હોય છે. મારા પતિ મારા નામે એક અબજ ડોલર (અંદાજે રૂ. ૮૪૦૦ કરોડ) મૂકીને ગયા છે અને મારી ઈચ્છા પ્રમાણે તેનો ખર્ચ કરવાની છૂટ આપી છે તો હું ડોનેશન આપવા આવી છું.'

અધ્યક્ષના મનમાં હશે કે એકાદ વિષય પર સ્કોલરશિપ તેમના નામથી થાય તે માટેનો આ પ્રસ્તાવ હોઈ શકે.

અધ્યક્ષે કહ્યું 'બોલો કઇ રીતે તમે કેટલું ડોનેશન આપવા માંગો છો.'

વૃદ્ધ ભૂતપૂર્વ મહિલા પ્રોફેસરે એક જ શ્વાસમાં એકદમ સહજતાથી કહ્યું કે 'મારા નામના તમામ એક અબજ ડોલર હું આ મેડિકલ કોલેજને આપવા માંગુ છું.'

અધ્યક્ષ તો ખુરસી પરથી ઊભા થવાનું બાકી રહે તેમ ચોંકી ગયા. ભારે પ્રયત્નપૂર્વક સ્વસ્થતા પ્રાપ્ત કરીને અધ્યક્ષે પૂછયું કે 'કોઈ અલાયદી જમીન ખરીદીને તમારા નામથી કોઈ ડિપાર્ટમેન્ટ કે કોઈ સંકુલ કે ટ્રસ્ટ ઇચ્છો છો.. કઈ રીતે આ રકમનો ઉપયોગ કરીએ?'

તે નિવૃત્ત મહિલા પ્રોફેસરે કહ્યું કે 'આ કોલેજમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓની તેઓને મેડિકલ ડિગ્રી મળે ત્યાં સુધીની તમામ ફી ડોનેશનની રકમ અને તેનું વ્યાજ મળે તેમાંથી ખર્ચ કરજો. એટલે કે આ કોલેજમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થી મફતમાં અભ્યાસ કરે તે માટે આ રકમ છે.'

મહિલાએ બીજી શરત એ મૂકી કે 'મારા નામની કોઈ તકતી ના મૂકતા કે કોઈ ટ્રસ્ટ મારા નામનું ન હોવું જોઈએ. વિદ્યાર્થીને પણ જણાવવાની જરૂર નથી કે તે કોઈપણ ફી વગર અભ્યાસ કરે છે તે રકમ કોણે આપી છે. આ રકમ કોલેજને આપી દઉં છું અને કોલેજ માત્ર એવી જ જાહેરાત કરે કે હવેથી અમારી કોલેજના જે વિદ્યાર્થીઓ મેરીટ લીસ્ટ પ્રમાણે પ્રવેશ મેળવશે તે તમામને નિઃશુલ્ક ચાર વર્ષ અભ્યાસ કરવાનો છે.'

એક ગણતરી પ્રમાણે અત્યારે જ જો પ્રત્યેક વિદ્યાર્થિની ચાર વર્ષની બે લાખ ડોલરની કુલ ફી એક અબજ ડોલરમાં ફાળવી દેવાય તો ૫૦૦૦ વિદ્યાર્થીઓ એડવાન્સ ફી સાથે ફ્રીમાં અભ્યાસ કરી શકે. પણ કોલેજમાં તો પ્રત્યેક વર્ષે ૩૦૦ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે. તે રીતે આજે જ વીસ વર્ષ જેટલી રકમ તો છે જ. તે પણ એડવાન્સ ગણતરી કરીએ તો  ખરેખર તો પ્રત્યેક સેમેસ્ટર વખતે ફીનો હિસ્સો અપાતો હોય છે તેથી મૂકેલું રકમનું વ્યાજ પણ જમાં થતું રહે. આવી પ્રેરણાથી બીજા કોઈ દાનવીર તેમાં જોડાય તે નિશ્ચિત છે. મહિલાએ કોઈ શરતો કે નામ વગર એમ જ રકમ આપી હોઇ તે ફંડમાં કોઈપણ ઉમેરો થઈ શકે અને કોલેજ માટે આ રીતે રકમ મળી હોઈ તે હવે વિસ્તારવી આસાન બની રહેશે.

કોલેજે મહિલાની હાજરીમાં જ જાહેરાત કરી દીધી છે કે આગામી જુલાઈથી શરૂ થતાં સત્રમાં જે વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવશે તેઓને ડિગ્રી મળે ત્યાં સુધી ફ્રીમાં અભ્યાસ કરવાનો છે. કોલેજની જાહેરાત કે બ્રોશર અને વેબસાઈટ કોઈ માધ્યમમાં મહિલાએ કોઈનું નામ ન મૂકવાની શરત મૂકી છે.

કોલેજે તેના જર્નલમાં આ મહિલા વિશે લખ્યું અને મીડિયામાં કવરેજ થયું.

ધનવાન માઈકલ બ્લૂમબર્ગ દ્વારા ૧.૮ અબજ ડોલરનું ડોનેશન જોહન હોપકિન્સ સંસ્થાને કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અભ્યાસ માટે અપાયેલ આ સૌથી મોટું દાન છે અને હવે તે પછી બીજા ક્રમે આ મહિલાના દાનનો આવે છે. જો કે દાતાનું ક્યાંય નામ ન હોય તેવો આ મહિલા રુથનો આ એક માત્ર કિસ્સો છે.

આપણે ત્યાં પણ વિદેશમાં ૫૦ કરોડની યાટની માલિકી ધરાવતા કે લગ્નમાં કરોડો વેડફતા શ્રીમંતો, છૂટાછેડા બાદ યુવતીને મળતી મિલિયન્સ ડોલરની રકમ અને ધનિકોના પ્રવાસમાં ઐયાશીના ફોટા અને અહેવાલ આવે છે પણ રુથ ગોટ્ટેસ્માન જેવી મહિલાએ આ અસાધારણ માનવીય દાન કર્યું તેની જોઈએ તેવી નોંધ નહીં લેવાય.એટલે જ લોકોની નજરમાં ઝટ ન ચઢે તેવું શોધીને અમે આ લખવા પ્રેરાયા.

યાદ રહે અમેરિકાની આવી ટોચના રેન્કની કોલેજ મફતનું ભણતર છે એટલે ઉપરથી ચીઠ્ઠી લઈને આવેલા કે વગદારના ફોનથી લાયકાત ન હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નથી આપતું. જો કે અમેરિકામાં એવું કલ્ચર પણ નથી કે લાયક ન હોય તેવા માટે કોઈ સાંસદ કે સેનેટ ફોન કરે.

ભારતમાં આવો કોઈ દાનવીર હોય તો રાજકારણીઓ અને વગદારોના ફોનથી લાયક ન હોય તેવા વિદ્યાર્થીઓ મફતમાં અભ્યાસ માટે બેઠકો ભરી મૂકે અને લાયક રહી જાય.

અમેરિકામાં અને બ્રિટન સહિત યુરોપની પ્રતિષ્ઠિત કોલેજો પારદર્શક વહીવટ કરે છે. મહિલાની આ હદના ડોનેશન છતાં લાક્ષણિકતા એ પણ હતી કે તેણે પોતાના પરિવાર કે જ્ઞાાતિ માટે કેટલીક ફ્રી બેઠકો અનામત રાખવી તેવી શરત પણ નહોતી મૂકી.

અમેરિકન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ જેસે અહેરેનફેલ્ડે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમેરિકા (અને વિશ્વ પણ) હોનહાર ડોકટરોની તીવ્ર અછત અનુભવી રહ્યું છે તેનું સૌથી મોટું કારણ મેડિકલમાં અભ્યાસ કરવાનો ખર્ચ ઓછા લોકોને પરવડતો હોય છે. ડોકટરો ઓછા છે તેને લીધે ગ્રામ્ય વિસ્તારો સુધી ડોકટર પહોંચતા જ નથી. અવાસ્તવિક બિલ મૂકીને ડોકટરો દર્દી પાસેથી ચાર્જ વસૂલે છે. કેમ કે તેઓને ફી સરભર કરવી હોય છે.

જો શહેર કે રાજ્યની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજને નિવૃત્ત મહિલા પ્રોફેસર જેવા દાતા મળી જાય તો ડોકટરોની સંખ્યા અને ગુણવત્તા પણ વધે. તેથી પણ વિશેષ સમાજમાં દાન આપવાની 'ગીવિંગ બેક ટુ સોસાયટી'ની ભાવના વધતી રહે.

 મહિલાના મેડિકલ કોલેજના અનોખા ડોનેશનની પ્રેરણા લઈને તરત જ વિશ્વની ધનાઢય મહિલાઓની યાદીમાં સ્થાન પામે છે તેવી જુલિયા કોચે જેઓ કોઈ લાંબી બીમારીથી પીડાતા હોય તેઓ માટે રહેવા, ભોજન અને સુશ્રુષા સાંપડે તેવું મેડિકલ કેર સેન્ટર વેસ્ટ પામ બીચમાં ઉભુ કરવા ૭.૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૬૦૦ કરોડ)ની રકમ દાનમાં આપવાની જાહેરાત કરી છે.

અમેરિકામાં ડોનેશનનું કલ્ચર વિશ્વમાં પ્રણેતા સમાન કહી શકાય. 'ધ ક્રોનિકલ ઓફ ફીલાન્થરોફી' લખે છે કે અમેરિકામાં વર્ષ ૨૦૨૩માં માત્ર શૈક્ષણિક સંસ્થાઓને જ ૫૮ અબજ ડોલર જેટલી જંગી રકમનું ડોનેશન મળ્યું છે આ ખૂબ જ ઉત્સાહજનક અને સુખદ ભાવિ તરફ આંગળી ચીંધતો ટ્રેન્ડ છે. અમેરિકામાં વિશ્વનો કોઈપણ વિદ્યાર્થી, કોઈપણ રંગ કે ધર્મનો હોય તે આ લાભ લાયકાત પ્રમાણે મેળવી શકે છે.

જ્ઞાાન પોસ્ટ : પુત્ર સ્ટેનફોર્ડ જુનિયરનું ૧૫ વર્ષની વયે જ ટાઇફોઇડની બીમારીમાં નિધન થતાં   અમેરિકાના ઉદ્યોગપતિ અમાસા લેલેન્ડ સ્ટેનફોર્ડ અને પત્ની જેનને વિચાર આવ્યો કે તેના વહાલસોયા પુત્રની યાદમાં સમાજને કંઇક પ્રદાન આપીએ અને તેઓએ કેલિફોર્નિયા સ્ટેટમાં પાલો આલ્ટો વિસ્તારમાં જમીન ખરીદી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની ૧૮૮૫માં સ્થાપના કરી.આ માટે તે જમાનાના ૪ કરોડ ડોલરનું દાન કર્યું હતું. તેનો પ્રથમ વિદ્યાર્થી હર્બર્ટ હૂવર હતો જે આગળ જતા ત્યાંથી અભ્યાસ કરીને અમેરિકાના પ્રમુખ બન્યા હતા. આજ સુધીમાં સ્ટેનફોર્ડમાં અભ્યાસ કરી ચૂકેલા ૭૪ વિદ્યાર્થીઓએ આગળ જતાં નોબેલ પારિતોષિક, ૩૮ વિદ્યાર્થીઓએ ટયુરીન એવોર્ડ, ૧૫૦ ઓલિમ્પિક ગોલ્ડ  સહિત ૨૪૬ મેડલ જીત્યા છે.વિશ્વના ૭૦ અબજોપતિ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂક્યા છે. અમેરિકાની તમામ સંસ્થાઓમાં સૌથી વધુ એકર વિસ્તાર આ યુનિવર્સિટી ધરાવે છે.

એક શૈક્ષણિક સંસ્થા અને ડોનેશન વિશ્વને કઈ હદની ભેટ આપી શકે છે તે વિચારવા જેવું છે.હજુ બે વર્ષ પહેલા જ સ્ટેનફર્ડને જોહન ડોએર નામનાં ધનાઢય વ્યકિતએ ૧.૨ અબજ ડોલરનું દાન કલાઈમેટ સ્કૂલ સ્થાપવા માટે આપ્યું હતું.આ સ્કૂલ તેના નામથી બનશે. (સાભાર માહિતી સૌજન્ય – હોરાઈઝન : ભવેન કચ્છી )

સંપાદન – ઈશ્વર પ્રજાપતિ

9825142620

 

No comments:

Post a Comment