Sunday, October 22, 2023

સન્ડે સ્પેશિયલ

 એક સમયે રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા મહેન્દ્રભાઈએ  પ્રચંડ પુરુષાર્થના બળે  એવો  ચમત્કાર સર્જ્યો કે હાલ  એકએકથી ચડિયાતી   ઈમ્પોર્ટેડ ગાડીઓ અને આલીશાન હોટેલના મલિક છે.

ક્યારેક દ્વારિકા જવાનું થાય અને ઉતારા માટે ઉત્તમ હોટેલની શોધ આદરો તો એમાં હોલિસ્ટન હોટેલ જોઈ મોહી પડાય તો નવાઈ નહિ ! હોટેલની ભવ્યતા જોતાં માન્યામાં ન આવે કે આ હોટેલના માલિક માત્ર નવ ચોપડી ભણેલા અને એક જમાનામાં રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હશે.  દ્વારકામાં પ્રવેશતાં જ ઇસ્કોન દરવાજાથી થોડા જ આગળ વધીએ એટલે જમણા હાથે આલીશાન હોલિસ્ટોન હોટેલ નજરે પડે ! હોટેલની સ્વચ્છતા, સુઘડતા અને સગવડો આંતરરાષ્ટ્રીય કક્ષાના માપદંડોમાં ફિટ બેસે તેવી ! આ હોટેલના સાહસિક મલિક છે મહેન્દ્રભાઈ કેર.

મહેન્દ્રભાઈ મૂળ વતન તો પોરબંદર પરંતુ સમયનું વહેણ તેમને દ્વારિકા તાણી લાવ્યું અને તેઓ અહીં ગોમતીના ઘાટે આવી સ્થિર થયા છે. તેમના જીવનમાં ડોકિયું કરીએ તો તેમને સાંપડેલી સફળતા દિવાસ્વપ્ન સમાન જ લાગે. જિંદગીના શરૂઆતનાં વર્ષોમાં જાહોજલાલી ! એ પછી પડતીની શરૂઆત થઈ...  એવી પડતી કે જિંદગી જાણે ઊંધા માથે પટકાઈ હોય એમ સઘળું વેર વિખેર થઈ પડ્યું ! દારુણ ગરીબીએ ઘરમાં ધામા નાખ્યા.  જાત નીચોવી પ્રચંડ પુરુષાર્થના બળે ગરીબી મૂળને ઉખાળી ફેંકી ! મહેન્દ્રભાઈની જીવનકથા કોઈ ફિલ્મની પટકથા જેવી રોમાંચક છે.

ઈશ્વર પ્રજાપતિ લિખિત પુસ્તકો ખરીદવા અહીં ક્લિક કરો

વર્ષ 1960 ના દાયકામાં પોરબંદરમાં બહુ ઓછા પરિવાર પાસે કાર હતી. એ જમાનામાં મહેન્દ્રભાઈના પિતા દેવુભા  કારના માલિક હતા. અશોક લેલનની ટ્રક પણ ખરી ! પિતા દેવુભા પોરબંદરની જાણીતી કાપડની મિલમાં નોકરી કરતા. મિલના માલિકને વફાદાર રહી પૂરી પ્રામાણિકતાથી ફરજ બજાવતા. કાપડની મિલમાં મજૂરો દ્વારા થતી ચોરી તેમણે જ બંધ કરાવી. અને કુનેહથી કામદારોની હડતાળ પણ પુરી કરાવી બંધ પડેલી મિલ ફરી શરૂ કરાવી હતી. એટલે તેઓ ઘણા લોકોની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. ફરજ પ્રત્યેની વફાદારીનું પરિણામ  કદી કલ્પ્યું  ન હોય એવું ભયાનક આવ્યું. મહેન્દ્રભાઈના પિતાજીની કરપીણ હત્યા  કરી નાખવામાં આવી. એ વખતે મહેન્દ્રભાઈની ઉંમર માંડ પાંચ વર્ષની હતી. તેમનાથી એક બહેન મોટાં જેમની ઉંમર 6 વર્ષની અને બીજાં બે ભાઈલાં નાનાં.
સમયે એવી તો કરવટ બદલી કે જાણે પંખીનો આખો માળો વિખરાઈ ગયો. પિતાનું ખૂન થતાં આખો પરિવાર જાણે નોંધારો બની ગયો. પિતૃક સંપત્તિ પણ છીનવાઈ ગઈ. હવે ઉપર આકાશ અને નીચે ધરતીનો સહારો હતો. મહેન્દ્રભાઈનાં માતા કુમાબેન ચાર સંતાનોને લઈ દ્વારિકા આવી ગયાં. નાનીમાના ખોરડે સંતાનોનો ઉછેર થયો.

ઘરની નાજુક પરિસ્થિતિ વચ્ચે મહેન્દ્રભાઈ ઝાઝું ભણી શક્યા નહી માંડ નવ ચોપડી ભણ્યા.. નાની ઉંમરે પરિવારની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. બાળપણ જાહોજલાલીમાં વીત્યું પણ કિશોર અવસ્થા અને યુવાનીકાળમાં કાળી મજૂરી ભાગ્યમાં લખી હતી. વર્ષ 1971-72 માં મોટા બાપુજીની પણ હત્યા થઈ ગઈ.

સમય એક પછી એક કારમા ઘા મારે જતો હતો. એમ છતાં વિષમ પરિસ્થિતિમાં મહેન્દ્રભાઈ કદી ડગ્યા નહીં. કપરી પરિસ્થિતિ સામે હાર્યા થાક્યા વિના  હિંમતથી બાથ ભીડવાનું મહેન્દ્રભાઈએ બરાબર શીખી લીધું હતું. 

દ્વારિકા વિશ્વપ્રસિદ્ધ યાત્રા ધામ હોવાથી વિશ્વભના પ્રવસીઓ અહીં આવે. આ મુસાફરોની અવરજવર માટે રીક્ષા ચલાવવાનો ધંધો ધીકતો ચાલે. વર્ષ 1980માં મહેન્દ્રભાઈએ ભાડેથી રીક્ષા ચલાવી. એ જ વર્ષે મહેન્દ્રભાઈનાં લગ્ન પણ થયાં. એક વધુ જવાબદારી વધી. દ્વારિકામાં મહિને 30 રૂપિયાના ભડાનું એક ઘર લીધું.  રીક્ષાના ધંધામાં ફાવટ આવી ગઈ.પરંતુ રીક્ષા ભાડાની હોવાથી તેનાથી થતી બધી કમાણી ભાડામાં જ જતી. આખરે પોતાની રીક્ષા લાવવાનું નક્કી કર્યું. સોનાની ચેન વેચી અને મિત્ર દિલીપ દવેએ મદદ કરી. આમ પોતે રીક્ષાના મલિક બન્યા. રાત દિવસ જોયા વિના કામ કર્યે જ રાખ્યું. વર્ષના અંતે મહેન્દ્રભાઈ પાંચ રિક્ષાના માલિક હતા.

મહેન્દ્રભાઈ પોતે ઝાબાજ માણસ એટલે તેમના દુશ્મનોનો પણ પાર વિનાના  ! એક વાર કોઈએ તેમની રીક્ષા પર ગાડી ચડાવી તેમને પતાવી દેવાનોો  પ્રયાસ  કર્યો. આ અકસ્માતમાં તેમનો કુદરતીરીતે આબાદ બચાવ થયો. એ દિવસથી રીક્ષા ચલાવવાનું બંધ કર્યું. અને સમાજની ધર્મશાળા ચાલાવવાની જવાબદારી લીધી.

મહેન્દ્રભાઈ ભલે નવ ચોપડી ભણેલા પણ કોઠાસૂઝ ગજબની. કોઈપણ ધંધામાં હાથ અજમાવે  એમાં બે પાંદડે કેમ થવાય એની આવડત પણ ખરી. તેમની મહેનત રંગ લાવવા લાગી. થોડી ઘણી બચત થતાં થોડી જમીન ખરીદી. મહેન્દ્રભાઈ જે જમીન ને હાથ લગાડે એ સોનુ બની જતી.  પરિણામે જમીન લે-વેચમાં ખૂબ મોટી કમાણી થવા લાગી. આ દરિયા કિનારાનો વિસ્તાર હોવાથી તેમણે ફિશરીંગના બિઝનેસમાં પણ જંપલાવ્યું ! એમાં પણ પાસા સવળા પડ્યા. અને ધંધો જામી ગયો.

મહેન્દ્રભાઈ સમાજની ધર્મશાળા ચલાવતાં ખ્યાલ આવ્યો કે હોટેલનો બિઝનેસ પણ ઉત્તમ બિઝનેસ છે. એટલે હોટેલના બીઝનેસમાં ઝંપલાવવાનું મન બનાવી લીધું.  પોતે ભલે ભણી ન શક્યા પણ કાળી મજૂરી કરીને  સંતાનોને ભણાવવામાં કોઈ કસર છોડી નહીં. તેમના દીકરા પણ ભણીને પગભર થયા. હવે દ્વારિકામાં એક આલીશાન હોટેલનું સ્વપ્ન સાકાર કરવું હતું.
     મોખાની જગ્યા લઈ મહેન્દ્રભાઈએ જોત જોતામાં સપનાની આલીશાન હોટેલ ઉભી કરી દીધી. આશરે 40 રૂમ ધરાવતી આ હોટેલને તૈયાર કરવામાં મહેન્દ્રભાઈ અને તેમના દીકરાઓએ પોતાનો જીવ રેડી દીધો છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હોટેલના વૈભવશાળી રૂમ થ્રિ સ્ટાર કે ફાઈવ સ્ટાર હોટેલને આંટીઓ ખવડાવે તેવા છે. હવે શિવરાજ પુર બીચ પાસે 70 રૂમ ધરાવતી લકઝરીયસ નવીન હોટેલ બનાવવાનું કામ આરંભ્યું છે.

મહેન્દ્રભાઈએ જાત ઘસી પરિવારે ગુમાવેલી જાહોજલાલી પાછી મેળવી. તેમની  પાસે હાલ ઈમ્પોટૅટ કારનો કાફલો છે. દ્વારિકા આસપાસ ખૂબ મોટી જમીનના તેઓ માલિક છે. મોટો દીકરો દુબઈ સ્થાયી થઈ બિઝનેસ ચલાવે છે. નાનો પુત્ર વકીલાત ભણી હાલ હોટેલ ચલાવે છે. છેલ્લા કેટલાય વર્ષથી દ્વારિકામાં ડિસ કનેક્શન પણ મહેન્દ્રભાઈનો પરિવાર ચલાવે છે. ગુજરાતના એક જાણીતા અખબારની એજન્સી પણ તેમના નામે છે. રાજકોટમાં પણ તેઓ  એક આલીશાન શો રૂમ ધરાવે છે. નવ ચોપડી ભણેલા મહેન્દ્રભાઈ નાંં પૌત્ર પૌત્રી રાજકોટની સુખ્યાત ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. પૌત્ર-પૌત્રી ને ફાંકડું અંગ્રેજી બોલતાં જોઈ પોતે હરખ પામે છે.    

     કેળવણીના કબીરવડ સમાન આદરણીય ડૉ. મોતીભાઈ પટેલ સાથે  થોડા દિવસ પહેલાં મહેન્દ્રભાઈની આ આલીશાન હોટેલનું આતિથ્ય માણ્યું.   મન્દ્રભાઈને તેમની સફળતાનું રહસ્ય પૂછતાં તેઓ જણાવે છે કે પુરુષાર્થ કરવામાં ક્યારેય પાછીપાની નથી કરી એ બધું તો ખરું પણ આ બધી જ દ્વારિકાધીશની લીલા છે. એના આશીર્વાદ વિના કશું શક્ય નથી.

મહેન્દ્રભાઈની  ઘાટી મૂછો, ભરાવદાર ચહેરો  અને પડછંદ બંધો જોઈ ભલભલાના હાંધા ગગડી જાય જાય. પરંતુ તેમનું હૃદય બાળક જેવું નિખાલસ છે. જયારે તેઓ  ભૂતકાળની વાતો તાજી કરે છે ત્યારે તેમણે  કરેલો પ્રચંડ સંઘર્ષની વિતકકથાનાં દૃશ્યો તેમની આંખમાં તગતગે છે.

મહેન્દ્રભાઈ કેરને ઝીંદાદિલીને સલામ. અને હા, દ્વારકાધીશના દર્શને જાઓ તો હોલીસ્ટોન હોટેલની મુલાકત લઇ સાહસવીર મહેન્દ્રભાઈના સાહસને રૂબરૂ નિહાળજો.  સમયની થાપટો ખાઈને  જીવનથી હારેલા થાકેલા પ્રત્યેક માનવી માટે  મહેન્દ્રભાઈ કેર  જીવતું જાગતું પ્રેરણાનું ઝરણું છે.     

- ઈશ્વર પ્રજાપતિ

98251 42620  

3 comments:

  1. That the excellent way to live the life

    ReplyDelete
  2. Bad situation is the measure of good situation, Mahendra Bhai.
    👏

    ReplyDelete