ઉછળતી કુદતી રૂપા હવે શાંત બની ગઈ હતી. એને અણસાર આવી ગયો હતો કે તે દેવાના સંતાનની મૉ બનવાની છે.
અષાઢ મહિનાની મેઘલી રાત.. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ચાંદો સંતાકુકડી રમી રહ્યો હતો. જળભરેલી વાદળીયો અવની પર ક્યાંક ક્યાંક અમીછાંટણા કરી રહી હતી. આકશ જોતાં એમ લાગતું હતું કે એ ક્યારે તુટી પડશે કંઈ કહેવાય નહીં. રાત જામી ચૂકી હતી. કુતરાઓ પણ ભસવાનું છોડી પરસાળમાં લપાઈને પડ્યાં છે. વાદળનો ગળગળાટ અને વેજળીના ચમકારા રાતની નિરવ શાંતિને ચીરી નાખતા હતા. વૈષાખ અને જેઠના આકરા તાપમાં તપેલી ધરતીને તૃપ્ત કરવા મથી રહ્યાં છે.
પણ આ નળીયાં પર પડતાં વરસાદનાં ફોરાં રૂપાના હૈયામાં શૂળ બની ભોંકાઈ રહ્યાં
હતાં. અડધી રાત વિતી ચૂકી હતી એમ છતાં રૂપા હજી સૂઈ શકી નો’તી. સૌનો વ્હાલો વરસાદ
જાણે રૂપાનો વેરી બનીને આવ્યો ના હોય!! જેમ જેમ વરસાદની ઝડપ વધતી જતી તેમ તેમ પઠારીમાં
પડખાં ઘસવાની ઝડપ પણ વધતી જતી. યુવાનીના ઉમરે ઊભેલી રૂપાના હ્રુદયમાં કોઇ એને
અડપલાં કરી રહ્યું હતું. રૂપાના ઉર ઊંડાણે ગલીપચી કરનાર એ બીજું કોઈ નહી પણ દેવો
હતો, એની મોટી બહેન રતનનો દિયર.
વરસાદે રૂપાની ચિંતા કર્યા વગર મન
મુકીને વરસવાનું શરૂ કરી દીધું હતું. સર્વત્ર શિતળતા પ્રસરી ચુકી હતી. પણ આ તરફ
રૂપાના હૈયામાં બરાબરની આગ લાગી હતી. ન જાણે કેમ પણ આજે દેવાની યાદે રૂપને
ગાંડીતૂર બનાવી દીધી હતી. વરસાદી ભીની અંધારી રાતે રૂપા ભુતકાળમાં ક્યારે સરી પડી
એનું પણ ભાન ન રહ્યું.
વૈશાખ મહિનાના એ દિવસો હતા. મોટી બહેન રતનનાં
લગ્ન હતાં. લગ્ન મોટી બહેનનાં હતાં પણ રૂપા એવી સજી હતી કે સૌની નજર એને ટગર ટગર
જોયા જ કરતી.
ઘર આંગણે જાન આવીને બેઠી હતી.
સૌ કોઈ લગ્નને મહાલતાં હતાં ત્યારે યુવાન હૈયાં ફટાણાં ગાવામાં મસ્ત હતાં. ક્યારેય
કોઈ પુરુષ સામે ન જોનારી રૂપાની નજર વરરાજાની બાજુંમાં બેઠેલા યુવાન સામે જડાઈ
ગઈ. લાખ કોશિશ કરવા છતાંય નજર હટવાનું નામ જ લેતી ન હતી... ઊંચું કદાવર શરીર..
ગોરા વાન, તાજી ફુટેલી મૂંછનો કાળો દોર્રો અને રૂપાળા કાળા ભમ્મર આંકળીયા વાળ.
ગમે એવી સ્ત્રી મોહીને મરી પડે એવી એની વાકછટા ! રૂપા આ યુવાનની સામે જોતી જ રહી બસ
જોતી જ રહી..
દેવાની નજર પણ સૌથી અલગ તરી આવતી રૂપા પર
મંડાઈ જ ગઈ. ગોરો વાન, મોટા કપાળની મધ્યમાંની બિંદી, લાલગુમ હોઠની બરાબર ઉપરનો પેલો
કાળો તલ, કમર સુધી લટકતા કાળા ભમ્મર કેશ અને એમાંય મરુન રંગની બાધણી.. દેવો પણ રૂપાના
સૌદર્યને તાકી રહ્યો.
બંનેની નજરો મળી ‘ને આંખો એ જે કહેવાનું હતું એ એકમેકને કહી જ દીધું. બસ
ત્યાર પછી ક્યારેય મળવાનું બન્યું નહી.. વિજળીના કડાકાએ રૂપાનું ધ્યાન તોડ્યું..
કાલે સવારે સાસરેથી આવેલી રતનને તેડવા દેવો
આવવાનો હતો એ સુર્યોદયની ઇંતજારીએ રૂપાની ઊંઘ હરામ કરી નાખી હતી. વરસાદનું જોમ ઓછુ થયું હતું. પરોઢ થવા આવી પણ રૂપાનું મન દેવાના વિચારોના ચકરાવે એવું તો ચડ્યું કે કેમેય
કરીને એ પાછું જ વળતું નો’તું.
ત્યાં જ બારણાની સાંકળ ખખડી.
’બેટા રૂપા, આ દન માથે ચડ્યો હજું લગ
કેમ...??’
અને રૂપાનું ધ્યાન ફરી તુટ્યું. સફાળી
બેઠી થઈને બોલી.
’બાપુજી એ તો કાલનો થાક વધારે હતો એટલે
આંખ મળી ગઈ’તી.’
રૂપાએ સાંકળ ખોલી. ઘરનાં નેજાં હજી
નિતરતાં હતાં. ચુલો પેટાવવા પાછળ વાડામાં ગઈ.. દિવાસળી પેટાવી, આંગળી દાજી ગઈ
ત્યાં સુધી દિવાસળીને ચુલામાં મુકવાનું પણ રૂપા ભાન ભુલી’તી.
’ક્યારે દેવો આવે ‘ને ક્યારે લુચ્ચાને આંખો
અને હૈયું ભરીને જોઈ લઉં..’ વરસાદના કારણે હવા લાગેલાં તીતિયાં માંડ સળગ્યાં.’ પાણી
મુક્યું. મોટી બહેન રતન પણ રૂપાનું આ વર્તન સમજી શકતી નો’તી.
નાહી ધોઈ રૂપા અરીસા આગળ ઊભી રહી ..
આજે કઈ ઓઢણી ઓઢું ? કેવો શણગાર સજું?? સાસરે રતનને જવાનું હતું
અને શણગારના વિચારોમાં રૂપા ખોવાઈ ગઈ. ગમે તેમ પણ આજે જેને મનથી વરી ચૂકી છે એ
દેવો આવવાનો હતો ને!! એક ઓઢણી ઓઢે ઘડીકમાં એ ઉતારી નાખે અને બીજી ઓઢણી માથે કુકી
જુએ..
ત્યાં જ આયનામાં દૂરથી કોઈ આવનારનું પતિબિંબ રૂપા જોઈ રહી.. આ તો એ જ ઊંચો
કદાવર બાંધો ‘ને – લુચ્ચો એ જ છે. રૂપા ભાન ભૂલી.છેવટે પેલી જૂની ઓઢણી બાજુંમાં
પડી હતી એજ ઓઢી ઘરમાં ચાલી ગઈ.
જેની આવવાની રાહ જોઆવાતી હતીએ આવતાંની સાથે જ રૂપામાં જાણે સરમનો સાગર ઉમટ્યો.
આખરે તો એ સ્ત્રી હતી ને!! રૂપા ઘરમાં ચાલી ગઈ.
બાપું એ દેવાને આવકાર આપ્યો. રૂપાએ ખાટ્લો તો સવારથી જ ઢાળી નવી નક્કોર
ચાદર પાથરી રાખી હતી. રૂપા પર એવી તો સરમ
સવાર હતી કે દેવાને પાણી આપવાના બાહાને પણ બહાર ન આવી શકી. છેવટે રતને જ પાણી આપ્યું.
બાપુ દેવા સાથે ખેતી-વાડી અને વાવણીની
વાતો કરવામાં મશગુલ હતા. પણ આજે દેવાને ખેતી સાથે ક્યાં લેવાદેવા હતી?? એની નજર તો
ઘરનાં જ ડોકાયા કરતી. અને રૂપાને શોધ્યા કરતી.
જમવાનું ટાણું થયું દેવો અને બાપું જમ્યા. રાત્રે વરસાદ સારો પડ્યો હતો
એટલે બાપું દેવાને આરામ કરવાનું કહીને વાડીએ જોવા માટે નીકળી ગયા. અને મોટી બહેન
રતનને સાસરે જવાનું હતું એટલે શણગાર સજવા બાજુંમા ચંચળ ભાભીને ત્યાં ગઈ.
હવે ઘરમાં દેવો આરામ કરવાને બહાને ઢાંગ કરતો
ખાટલામાં પડ્યો પડ્યો અધખૂલી આંખે રૂપાને કામ કરતી નિહાળી રહ્યો હતો. રૂપાને પણ
ક્યાં કશુ કામ સુજતું હતું? એતો આમ તેમ ખણખોતર કરતી હતી.
રૂપાની ઘસાઈ ગયેલી જૂની ઓઢણી રૂપાનું જોબન ઢાંકવા અસમર્થ હતી. કામ કરવાનો
ડોળ કરતી રૂપા પણ ખાટલામાં પડેલા દેવાને તાક્યા કરતી. છેવટે દેવાએ ઉંઘવાનો ઢોંગ
છોડી મૌન તોડ્યું..’તરસ લાગી છે. થોડું પાણી મળશે?’
રૂપા પાણીનો કરશ્યો લઈ દેવા પાસે આવી. કરશ્યો લેવા જાતાં દેવાનો હાથ રૂપાને સ્પર્શ્યો અને જાણે બન્નેના
તનમાં વીજળી પસાર થઈ ગઈ હોય એવી ઝણઝણાટી વ્યાપી ગઈ. રૂપાનું તન હવે એના કહ્યામાં
ક્યાં હતું? અને મન તો ક્યારનુંય...
રૂપા ભાન ભૂલી. રૂપાની સરમ પણ હવે ક્યાંય સરમાઈને ચાલી ગઈ. બન્નેમાં
યુવાનીનો મદ હતો. અગ્નીની સંગતમાં આવતાં ગરથ જેમ પિગળવા લાગે એમ બન્ને યૌવન એક બીજામાં
ઓગળી ગયાં. બન્ને એ એકબીજાને એક બીજાના આલીંગનમાં બાંધી દીધાં. રૂપા અને દેવો સઘળી
મર્યાદાઓ ઓળંગી ગયાં.
કોઈના પગરવે રૂપા અને દેવાની સમાધી
તોડી. રૂપાએ ઝડપથી પેલી ઓઢણી ઉપાડી અને તન ઢાંકવાનો નિર્થક પ્રયત્ન કરવા લાગી.
કપડાં સરખાં કરી રહી ત્યાં જ રતન સજી ધજીને આવી ઊભી. બાપુ પણ વાડીએ ચક્કર લગાવીને
આવી ગયા.
રતનને
જવાનું ટાણું થયું. બાપું અને રૂપા એમને વળાવવા છેક ગામના ઝાંપા સુધી ગયાં. રતન
અને દેવો ક્ષિતિજે અલોપ થયાં ત્યાં સુધી રૂપા એકીટશે ક્ષિતિજને તાકી રહી.
દેવો તો ગયો સાથે રૂપાની ઉંઘ 'ને ચેન પણ
લેતો ગયો. અને પ્રેમની પીડા 'ને વેદનાના વાદળો આપતો ગયો.
રૂપા હવે સતત દેવાને ઝંખતી.. પળે પળ તેના આલીંગન માટે ઝુર્યા કરતી.. રૂપા
જાણે યુગોથી તર્સ્યું રણ અને દેવો જાણે એનું મૃગજળ! દિવસો વિતતા ગયા.
ઉછળતી કુદતી રૂપા હવે શાંત બની
ગઈ હતી. રૂપા ગુમસૂમ રહેવા લાગી. રૂપાને અણસાર આવી ગયો હતો કે પોતે દેવાના
સંતાનની મૉ બનવાની છે. આ પીડા કોઈનેય કહેવાય એવી નો’તી. રૂપા મનોમન ગુંગળાયા
કરતી.. પણ દિલ ઠાલવે ક્યાં.??
દેવાને મળીને બધું જ કહી દેવું હતું
પણ દેવાને મળવું કેમ? બે બે મહિના. થવા આવ્યા પણ કોઈ સમાચારેય આવ્યા નો’તા.
આખરે એક દિવસ રૂપાએ બાપુંને કહ્યું: ‘ બાપું મોટી બહેનને સાસરે ગયે બે-બે મહિના થઈ ગયા. એને મળવાનું ખુબ મન થયું છે, હું એને મળી આવું??’
’બેટા મને પણ રતન સાંભળી છે. જા બેટા, રતનની ખબરેય કાઢતી આવજે અને ભેળી આવે તો બે’દાડા રેવતે તેડીયે લાવજે.’
રૂપા શણગાર સજવા પડતાં મેલી ઝડપથી ઘરથી નીકળી કોઈ વાહનની રાહ જોયા વિના ચાલતી જ પકડી.
ભાદરવા મહિનાનું એ આકાશ.વાદળાંય સિંહની
જેમ ત્રાડો નાખી જાણે ગગન ગજવી મુકતાં. પણ
રૂપાને ક્યાં એ સંભળાતાં હતાં?? એનું હૈયું તો ચિંતાના ચકરાવે ચડ્યું હતું.દેવાને
જઈ પેટની વાત ક્યારે કહી દઉં ! બસ દેવાને હાથ પકડી કહી જ દઉં કે દેવા ચાલ આપણે પરણી
જઈએ. ક્યાંતો ક્યાંક દૂર ભાગી જઈએ.. ઘરે પાછી જઈશ તો બાપુની આબરૂના ધજાગરા થશે.
વિચારોના વંટોળ વચ્ચે રસ્તો ક્યાં કપાતો ગયો એ પણ ખ્યાલ ન રહ્યો..
વાદળાં જાણે હમણાં ફાટી પડશે એમ લાગતું હતું અને થયું પણ એવું જ... રૂપા
વરસાદમાં ભિંજાતી, નિતરતી છેવટે દેવાના ગામને પાદર પહોંચી.
‘દેવો મને ઓચિંતી જોઈ કેવો રોમાંચિત થઈ ઉઠશે' એ વિચારે રૂપાની ચિંતા થોડી
વિસારે પડી. વરસતા વરસાદે બહેનના ઘર તરફ ઝડપથી ડગલાં માંડતી રૂપા ઘરના આંગણે જઈ
ચડી.. બારણું અધખુલું હતું !
વરસાદની વાછટના કારણે બારણું વખાયું હશે
એમ વિચારી રૂપાએ હળવેકથી અધખુલા બારણાની તિરાડમાં ડોકીયું કરી જોયું. અને ત્યાં જ
રૂપા પર જાણે વીજળી પડી.. બારણાની આડાશમાં દેવો અને કોઈ અજાણી સ્ત્રી ભાન ભૂલ્યાં હતાં !
વિચિત્ર દૃશ્ય જોઈ બે-જીવી રૂપાના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ... દેવાને મળવા ઉતાવળી બનેલી રૂપા દેવાના ઘરના ઉંબરેથી જ પાછી વળી. એ પછી આજ દિન સુધી તેના પિતાના ઘરે પરત ફરી નથી. ન જાણે રૂપા ક્યાં હશે ???
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
No comments:
Post a Comment