ગુરુવાર, 9 જાન્યુઆરી, 2020

શિક્ષણ જ્ગતના ઝગમગતા સિતારા : ટીમ કેનપુર કંપા પ્રાથમિક શાળા


  ઉપવન સમી મધમધતી અને ધબકતી પ્રાથમિક શાળા : કેનપુર કંપા પ્રાથમિક શાળા                  

                   
                       કેનપુર કંપા પ્રાથમિક શાળા.
                   અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની છેવાડે આવેલ એક અંતરિયાળ પ્રાથમિક શાળા. ગામને ગૂગલ પર શોધવા મથો તો ગૂગલ પણ ગોથે ચડે તો નવાઈ નહીં.  આચાર્ય અને સાથી શિક્ષકોના સહિયરા પ્રયત્નો થકી વેરાન વન વગડા વચ્ચે આવેલી શાળા દર્શનિય તિર્થ સમાન બની છે.   નાના અમથા કંપાની શાળા જોતાં જાણે દિલમાં ગજબની શાંતિ પથરાઈ જાય. દાયકાઓ પહેલાંની આકર્ષક બંધણી ધરાવતું શાળાનું જૂનું પણ ભવ્ય મકાન ગામના શિક્ષણપ્રેમી વડવાઓની દીર્ઘ દૃષ્ટિની સાક્ષી પૂરે છે. રંગબેરંગી ફૂલોથી મધમધતુ અને જાત જાતના પક્ષીઓના કલરવથી ગુંજતું શાળાનું પરિસર પ્રવેશતાં જાણે તપોવનમાં પ્રવેશ્યાની અનુભૂતિ કરાવે છે. હરિયાળી, રળિયામણી અને શિસ્તબદ્ધ શાળા પરિસરનું નિર્માણ પાછળ દિવસો કે મહિનાઓ નહીં પરંતુ અહીં ફરજ બજાવતા ફરજનિષ્ઠ શિક્ષકોના દાયકાઓના કર્મયોગની ફલશ્રુતિ છે.
            શાળાની સ્થાપના તો છેક 1954 ની સાલમાં થઈ હતી. આજે પણ જાજરમાન લાગતું શાળાનું જૂનું મકાન કંપાના દીર્ઘદ્રષ્ટા વડીલો છીનભાઈ મકનાભાઈ પટેલ, ભાઈલાલભાઈ રણછોડભાઈ પટેલ અને અંબાલાલ મકનાભાઈ પટેલે બંધાવી આપ્યું. અને શાળાનું ઉદઘાટન વિ. સં. 2010 ને વૈશાખ વદ ને તારીખ 30/5/1954 ને રવિવાર ના રોજ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ગુલઝારીલાલ નંદા હસ્તે શાળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
               શાળામાં ફરજ બજાવતા સુમનભાઈ પટેલ ખંતિલા અને ઉદ્યમી આચાર્ય તરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.   બે દાયકા પહેલાં જ્યારે તેઓ શાળામાં શિક્ષક તરીકે જોડાયા ત્યારે આજુ બાજુ વેરાન વગડા વચ્ચે શાળા એકલી અટૂલી ઉભી હતી. એક બે લીમડાનાં ઝાડ, જંગલી મહેંદી અને જૂના પુરાણા ત્રણ વર્ગખંડ. સુમનભાઈનાં પત્ની પરુલબેન પણ શાળામાં ફરજ બજાવે. શિક્ષક દંપતી શાળાને ઉપવનમાં પરિવર્તિત કરી મહેકતી કરવાનો જાણે પ્રણ લીધો. શાળાને ધબકતી કરવા શાળા આચાર્ય સુમનભાઈ મથામણ આદરી. પછી જોયો દિવસ કે જોઈ રાત. રવિવાર કે જાહેર રજાની પણ પરવા કર્યા સિવાય મહત્તમ સમય શાળાની કાયપાલટ કરવામાં ખર્ચી નાંખ્યો. કોઈ નોંધ લે કે લે પરંતુ મૂંગા મોએ બસ કામ કર્યા કરવું, પોતાની ધૂનમાં મસ્ત બનીને મથ્યા કરવું એમણે જાણે જીવન મંત્ર બાનવી દીધો. દિવસો.મહિનાઓ અને વર્ષો વીતતાં ગયાં અને સુમનભાઈની મહેનત રંગ લાવવા માંડી. કાર્યની સુવાસ ધૂપની જેમ ચોમેર પ્રસરવા લાગી. હથેળીમાં સમાઈ જાય એવડો નાનો અમથો કંપો. માંડ પાંચ થી સાત પરિવાર અહીં વસે છે. બાકી ગ્રામજનો ધંધાર્થે અમદાવાદ મુંબઈ અને પરદેશમાં સ્થાયી થયા છે.  પરંતું આજુબાજુનાં ગામો ના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળામાં આવતાં ગયાં.
              વિદ્યાર્થીઓ વધતાં ગયાં. એમ શિક્ષકોનું મહેકમ પણ વધતું ગયું. નવા વર્ગખંડની જરૂરિયાત ઊભી થઈ. સુમનભાઈ અથાગ પ્રયત્નો અને કુનેહ પૂર્વક દાતાશ્રી હીરાબેનના નામથી બે વર્ગખંડની જમીન કંચનભાઈ પાસેથી દાન સ્વરૂપે પ્રાપ્ત થઈ. અને ભૂમિ પર નવીન વર્ગખંડો નિર્માણ પામ્યા. શિક્ષકોની મહેનત બિરદાવતાં અન્ય દાતઓ પણ શાળાની જરૂરિયાતો પૂરી પાડવા હંમેશા તત્પર રહે છે. સુમનભાઈનું બહોળું મિત્ર મંડળ પણ શાળાને મદદ તૈયાર રહે છે.  
           જ્યારે ખરા દિલથી પ્રયત્ન કરવામાં આવે ત્યારે કુદરતને પણ સાથ આપે છે.. સદનસીબે દિવસે દિવસે શાળાને કર્મયોગી શિક્ષકો પ્રાપ્ત થતા ગયા. અને જે શિક્ષકો શાળામાં જોડાતાં ગયા તેઓ પણ પ્રતિબધ્ધતાથી શિક્ષણયજ્ઞમાં આહૂતી આપતાં  ગયાં.   કર્મયોગી   શિક્ષક દંપતીની સાથે વર્ષ 2003 માં શાળામાં ભાવનાબેન પટેલ જોડાયાં. અને જાણે સોનામાં સુગંધ ભળી.  ભાવનાબેન એટલે નખશીખ બાળરંગે રંગાયેલાં શિક્ષિકા બેન. થોડા સમય પહેલાં વિદ્યાર્થીઓને અનોખી રીતે આવકારવાનો નવતર પ્રયોગનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત થયો હતો. લાખો લોકો ભાવનાબેનના નવતર પ્રયોગને સરાહયો. અને ગુજરાતના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા શાળાની નોંધ લેવા માટે મજબૂર બન્યાં. ભાવનાબેન જો બે દિવસ રજા પર જાય તો બે દિવસનો વિરહ વર્ગના બાળકો અકળાવી મૂકે છે. અને શાળાએથી આવતાં બાળકો વહાલથી ભેટી પડે છે. શિક્ષણ માં અવિરત નિત નવીન પ્રયોગશીલ ભાવના બેન ના કાર્યને બિરદાવતા તાજેતરમાં મુંજફરનગર ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં "રાષ્ટ્રીય શિક્ષક ગૌરવ પરસ્કાર " આપી સન્માનવામાં આવ્યા.
                વર્ષ 2011 માં શાળામાં ધોરણ 8 ની શરૂઆત થાતાં બીજા બે ઉત્સાહી શિક્ષકો જોડાયાં. પંકજભાઈ સોલંકી ગણિત વિજ્ઞાન માં એક આગવી હથોટી ધરાવતા શિક્ષક છે. જ્યારે ઉષાબેન રાણુંવા ભાષા શિક્ષિકા તરીકે ઉત્તમ કામ કરી રહ્યાં છે. હમણાં થોડા સમય પહેલાં પોતાના વતન મહેસાણામાં બદલીથી ગયેલ શિક્ષક મનીષભાઈ નાયક એટલે કલાનો કસબી. સૌને કાંટાળા જનક લાગતો સામાજિક વિજ્ઞાન વિષય રસપ્રદ રીતે પીરસવાની ગજબની માસ્ટરી. તેઓના સ્થાને શાળામાં આવેલ સામજિક વિજ્ઞાન વિષયના શિક્ષક પટેલ નિલેષભાઈ પણ ખૂબ થોડા સમયમાં બાળકોનો પ્રેમ જીતી લીધો છે.
             શિક્ષકોના પ્રયત્નોથી વિદ્યાર્થીઓ એવા તો કેળવાયાં છે કે તેઓની શિસ્ત પર મોહી પડાય છે. ઉત્તમ શિક્ષણની સાથે સાથે શ્રેષ્ઠત્તમ કેળવણી શાળામાંથી વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી રહ્યા છે.  શૈક્ષણિક પ્ર્વૃતિઓની સાથે સાથે સહાભ્યાસિક પ્રવૃત્તિઓથી શાળા ધબકતી રહે છે. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓનો એટ્લો તો પ્રેમ પ્રાપ્ત કર્યો છે કે સામાન્ય માણસને જોઈ ઇર્ષ્યા થઈ આવે. ઘેલમાં આવેલાં બાળકો શિક્ષકોના ગળે લટકી પડે અને વહાલથી ચૂમી પણ ભરી લે. બાળક એક માતાને જેટલું વહાલ કરે એટલું વહાળ શિક્ષકોને કરતું જોઈ હ્રુદય હરખ પામે છે.
              શાળા ભલ્લે નાની અમથી છે . માંડ સવા સો બાળકો અહીં અભ્યાસ કરે છે. પરંતું શાળાનું પ્રાર્થના સંમેલન એટલું અદભુત થાય છે કે તાલબધ્ધ વાજીંત્રો અને કર્ણપ્રિય  પ્રાર્થનાના મધૂર લયમાં મસ્ત બની ડોલી જવાય છે.    દર વર્ષે સત્રની શરૂઆતમાં શાળાના તમામ વિદ્યાર્થીઓના અભ્યાસને લગતી તમામ સામગ્રી ચોપડા, પેન, પેન્સિલ, કંપાસબોક્ષ દાતાશ્રી સુધીરભાઈ કંચનભાઈ પટેલ તરફથી આપવામાં આવે છે. 

          
સુમાનભાઈનો પ્રકૃતિપ્રેમ ગજબનો છે. તેઓ બાળકોને તો  વહાલ કરે પણ સાથે સાથે પરિસરના એક એક છોડ, ઝાડ, વેલ અને પશુ- પક્ષીઓને પણ એટલો વહાલ કરે અને તેનું જીવની જેમ જતન પણ કરે. જ્યારે તેઓ ઝાડ નીચે વિદ્યાર્થીઓ ને અભ્યાસ કરાવવા બેઠા હોય ત્યારે બિલાડી , ખિસકોલી જેવા પ્રાણીઓ પણ તેમના ખોળામાં આવી ઘેલ કરતાં જોવા મળે. દાતાઓના સાહિયોગ થકી એક સુંદર ચબૂતરાનું નિર્માણ કર્યું છે. જ્યાં જાત જાતના પક્ષીઓ દિવસભર કિલ્લોક કરતાં ચણ્યા કરે છે. શાળા પરિસરમાં 125 કરતાં અધિક તો જુદી જુદી જાતના રંબેરંગી ગુલાબ મહેકી રહ્યાં છે. ઉપરાંત જાસૂદ, મોગરો, સપ્તપરણી, આસોપાલવ, અને ચંદન જેવા વૃક્ષો પણ અહીં ઉછેરવામાં આવ્યા છે. અને ઝાડે ઝાડે પંખી ઘર અને પાણીના કૂંડા મુકવામાં આવ્યા છે.
         ઉપરાંત શિક્ષકોના પ્રયત્ન થકી દાતાઓના સાહિયોગ થકી શાળાના વિદ્યાર્થીઓને મહત્તમ તિથિભોજન પણ આપવામાં આવે છે. અને મધ્યાહનમાં પૌષ્ટિક લીલી તાજી શાકભાજી મળી રહે ઉદ્દેશથી વિશાળ કિચન ગાર્ડન બનાવવામાં આવ્યો છે . જેમાં ગાજર, મૂળા, હળદર, રીંગણ, ફુલાવર, ડુંગળી જેવા ઓર્ગેનિક શાકભાજી ઉછેરવામાં આવી છે.
આટલું વિશાળ પરિસર, આટ આટલાં વૃક્ષો, ફૂલ છોડ,  બાગ બગીચો છે એમ  છતાં  શાળાની સ્વચ્છતા ઊડીને આંખે વળગે એવી.  શિક્ષકો વિદ્યાર્થીઓને એવાં તો કેળવ્યાં છે કે શાળા મેદાનમાં ક્યાંય એક પાંદડું કે એક કાગળનો ટૂકડો જોવા મળે. ચપ્પલ થી લઈ કચરા પેટી, ઝાડું, જેવી એક એક વસ્તું એની જગ્યા શિસ્તબધ્ધ રીતે ગોઠવાયેલી જોવા મળે. ગત વર્ષે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા શાળા સ્વચ્છતા નો પુરસ્કાર પણ શાળાને અનાયત કરવામાં આવ્યો હતો.
        અત્યાર સુધી અનેક મહાનુંભાવો શાળાની મુલાકાત લઈ ચુક્યા છે. જેમાં ઉચ્ચ અધિકારીથી લઈ ઉચ્ચ પદાધિકરીઓ શાળાની મુલાકાત લઈ ચુક્યા છે. શાળાએ , બાળકોએ અને શિક્ષકોની મહેનતે શાળાની મુલાકત લેનાર તમામ નાં દિલ જીતી લીધાં છે.
              શિક્ષક જો દિલથી ધારે તો પોતના તપોબળથી  વેરાન રણમાં પણ મીઠી વિરડી પ્રગટાવી શકે છે. અને રણને લીલુંછમ્મ કરી મૂકે છે.  એનું ઉત્તમ ઉદાહરણ કેનપુર કંપા પ્રાથમિક શાળા છે. શાળાના આચાર્ય સુમનભાઈ અને સાથી સૌ શિક્ષકોને અભિનંદન  આપીએ એટલાં ઓછા છે.

સુમનભાઈ પટેલ સ6પર્ક નં. :94282 20773


લેખન : ઈશ્વર પ્રજાપતિ           9825142620

આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)










2 ટિપ્પણીઓ:

  1. Very Nice સરકારી શાળામાં શિક્ષકો દ્વારા ચોક્કસ રાષ્ટ્ર નિર્માણ માટે કાર્ય થઇ રહ્યું છે તેવા શિક્ષકો અને શાળા ચોક્કસ અભિનંદનને પાત્ર છે. આપ આ જ્યોત પ્રજ્વલિત કરી તેમને જે પ્રોત્સાહન આપો છો તે વંદનીય પ્રયાસ છે. શાળાને અભિનંદન અને આપનો આવી શાળા સાથે મુલાકાત કરાવવા બદલ આભાર

    જવાબ આપોકાઢી નાખો

Popular Posts