સોમવાર, 6 જાન્યુઆરી, 2020

સાહિત્યપ્રેમી શિક્ષક કૌશિક પ્રજાપતિ


 સાહિત્ય સેવાના ભેખધારી પુસ્તકપ્રેમી શિક્ષક કૌશિક પ્રજાપતિ


               કૌશિકભાઈ પ્રજાપતિ.
             સાહિત્ય પ્રેમી શિક્ષક છે. શાળાના વિદ્યાર્થીઓ ની સાથે સમાજને પણ વાંચતો કરવા તેઓએ એકલા હાથે જાણે એક અભિયાન ઉપાડ્યું છે. 
મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં આજની યુવાપેઢી પુસ્તકની અજાયબ દુનિયા થી અલિપ્ત થઈ રહી છે એ ભાષા અને સાહિત્ય માટે એક ચિંતાનો વિષય છે. ત્યારે ભાષા અને સાહિત્ય ધબકતું રાખવા અને યુવાનો ને પુસ્તકોની દુનિયાનો પરિચય કરાવવવા એક શિક્ષકે જાણે સાહિત્ય સેવાનો ભેખ ધારણ કર્યો છે. 
            ધ્રાંગધ્રા એક ઐતિહાસિક વિરાસત ધરાવતું પ્રાચીન નગર છે. નગરની સભ્યતા અને સાંસ્કૃતિક ધરોહર નગરની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે છે. આ નગરમાં વસતા કૌશિકભાઈ પ્રજાપતિ વ્યવસાયે શિક્ષક છે. તેઓનું મૂળ વતન તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું ખોરાજ ગામ. શિક્ષક તરીકે જોડાયા બાદ ધ્રાંગધ્રાને પોતાની કર્મભૂમિ બનાવી છે. 
            સુરેન્દ્રનગરના વસાડવા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા કૌશિકભાઇ પ્રજાપતિએ માતૃભાષા ગુજરાતીના જતન માટે ખાસ અભિયાન હાથ ધર્યું છે . આજનો યુવાવર્ગ આપણી માતૃભાષા ગુજરાતીને ભુલતો જાય છે . યુવાનોમાં અંગ્રેજીનું પ્રભુત્વ વધી રહ્યું છે . ત્યારે આજની યુવા પેઢી આપણી ગુજરાતી માતૃભાષા વિશે જાગૃત થાય તે માટે સતત પ્રયત્ન શીલ છે. 
          ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ગામના શિક્ષક શ્રી કૌશિકભાઇએ ગુજરાતી પુસ્તકની પરબ યોજવાનો એક અનોખો પ્રયાસ શરૂ કર્યો છે. ધ્રાંગધ્રા શહેરમાં આવેલા મયુરબાગ વિસ્તારમાં દર માસના પ્રથમ રવિવારે કૌશિકભાઇ પ્રજાપતિ ગુજરાતી ભાષાના પુસ્તકોનું એક પ્રદર્શન યોજે છે. શહેરીજનો ગુજરાતી ભાષા જાણે , વાંચતા થાય તેવા હેતુથી આ પુસ્તક પરબ યોજી લોકોને વાંચવા પ્રેરણા અને સામગ્રી પૂરી પાડે છે . મયુરબાગમાં સવારે મોર્નિંગ વોક માટે આવતા નાગરિકો દર માસના પ્રથમ રવિવારે પુસ્તક પરબનો ખાસ લાભ લેતા જોવા મળે છે . વાંચન શોખીન નાગરિકો અહીં બેસીને પણ વાંચન કરતા જોવા મળે છે . પુસ્તક પરબ સેવા યજ્ઞમાં વાચકો દ્વારા પુસ્તકનું દાન પણ કરવામાં આવ્યું છે . કૌશિક ભાઈના પુસ્તક પરબમાં ગાંધીજીના પુસ્તકો , નવલકથા , આયુર્વેદ , ભજન , વાર્તા , બાળ સાહિત્ય , જનરલ નોલેજ વિશેના વિવિધ પુસ્તકોનો સમાવેશ થાય છે . ચાલુ વર્ષે દેશભરમાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે . આ અવસરે કૌશિકભાઈ દ્વારા તાજેતરમાં ગાંધીજીના પુસ્તકોનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ . પુસ્તક પરબના આયોજન અંગે કૌશિકભાઈ જણાવે છે કે , આજે લોકોને આપણી ગુજરાતી ભાષા પ્રત્યેની લાગણી અને વાંચન ઘટતું જાય છે . 
            આથી લોકોમાં ગુજરાતી ભાષાનું જ્ઞાન વધે તેમજ તેમના વિચારોનો વિકાસ થાય તે હેતુથી આ કાર્ય કરી રહ્યા છે . આ પુસ્તક પરબની ખાસિયત જણાવતા કૌશિકભાઈ કહે છે કે , વાચકોને જે પુસ્તક ગમતા હોય તે ઘરે વાંચવા માટે પણ લઈ જઈ શકે છે . આ પુસ્તક પરબમાં શહેરીજનો પુસ્તકોનું દાન પણ કરે છે . પુસ્તક પરબની શરૂઆતની સ્થિતિ અંગે કૌશિકભાઇ જણાવે છે કે , શરૂઆતમાં આ માત્ર ૫૦ પુસ્તકથી શરૂ થયેલી યાત્રા આજે ૫00 પુસ્તક સુધી પહોંચી છે . શરૂઆતમાં માત્ર ૫ - ૭ લોકોએ આ પુરતક પરબનો લાભ લીધો હતો . પરંતુ આજે દર મહિને સરેરાશ ૧૫૦ જેટલા લોકો નિયમિત લાભ લઈ રહયા છે . પુસ્તક પ્રેમી નાગરિકો સાથે જોડાઈ રહેવા માટે કૌશિકભાઇએ " પુસ્તક પરબ - ધ્રાંગધા " નામનું વોટ્સ એપ ગ્રુપ પણ બનાવ્યું છે . જે વાંચકો પુસ્તકો લઈ જાય છે તેને આ ગ્રુપમાં એડ કરવામાં આવે છે . આ ગ્રુપના માધ્યમથી કૌશિકકુમાર નવા પુસ્તકોની માહિતી તેમજ ગુજરાતી ભાષા સમૃદ્ધિ અંગેની પોસ્ટ શેર કરે છે . તેમજ વાચકો પણ પોતે વાચેલા પુસ્તકો અંગેના અનુભવો શેર કરે છે .
         કૌશિકભાઈ ભવિષ્યમાં એક લાયબ્રેરી બનાવવા માંગે છે જેમાં માતૃભાષાના પુસ્તકોનો સમાવેશ કરી વધુમાં વધુ લોકો પુસ્તકો વાંચે તેવો તેમનો પ્રયાસ છે . શિક્ષક કૌશિકભાઇ તેમની શાળામાં બાળકોને આ પુસ્તક પરબનું ઉદાહરણ આપી બાળકોને વાંચવા માટે પ્રેરણા આપે છે . માતૃભાષા ટકાવી રાખવા અને લોકપ્રિય બનાવવા માટે કૌશિકભાઈ દ્વારા કરવામાં આવી રહેલો પ્રયાસ ખરેખર સરાહનીય છે.  
આ શિક્ષકની સાહિત્ય પ્રીતિ ને સત સત નમન!

કૌશિકભાઈ પ્રજાપતિ સંપર્ક નં. - 9427711480

સંદર્ભ : ગુજરાત સામાયિક
લેખન સંકલન: ઈશ્વર પ્રજાપતિ 
આપના પ્રતિભાવ 98251 42620 વોટ્સએપ પર આપી શકો છો 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts